હવે તો અહીં નાદ ઘેરો ઊઠવો જોઈએ,
પછી મુક્તિપથ સ્વપ્ન જેવો ખૂલવો જોઈએ.
ન મંદિર, ન મસ્જિદ, કશું કામ લાગે પછી;
પ્રતિક્ષા નકામી, ઇરાદો કૂંકવો જોઈએ.
રહો દૂર તો વાત ફોગટ, વારતા પાંગળી;
ભળાતો તમાશો કકડતો તૂટવો જોઈએ.
હવે હાથ જોડી ન યાચો, છે બધું આપણું;
હટાવી પહેરો, તરત હક ઝૂંટવો જોઈએ.
ન તોફાનો માનો, અસંતોષી નથી એમ તો,
હવે ક્રાંતિનો સ્વર સદાયે ઘૂંટવો જોઈએ.
કહે દોસ્ત, આ દેશમાં ક્યાં છે હવે માનવી,
બધે આગ છે, ઊઠ, પવનને કૂંકવો જોઈએ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 09