મણિપુરમાં કોઈ મુસ્લિમ મહિલા ધારાસભા માટે મેદાનમાં ઊતરી હોય એવું સિત્તેર વરસમાં પહેલી વાર બની રહ્યું છે
વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામ આડે હજુ પખવાડિયું છે, મતદાનના પણ કોઈક તબક્કા બાકી છે. વચગાળાનાં અનુમાનો જે પણ હોય, એક વાત ચોક્કસ કે મહારાષ્ટ્રની કોર્પોરેશનોમાં વિજયવાવટો લહેરાવવા સાથે ભાજપ આગેકૂચનો ઓચ્છવઆનંદ ખસૂસ લઈ શકે. મુંબઈમાં શિવસેના અને ભાજપ કટોકટ છે એ સાચું; પણ અગાઉને મુકાબલે ભાજપ ત્યાં પણ ખાસો આગળ છે એ ય સાચું. રાજ્યોનાં પરિણામો આવતાં આવશે. દરમ્યાન, મહારાષ્ટ્ર સાથે ભાજપની આગેકૂચમાં કેટલાંક વર્તુળો આવતી કાલનો અણસાર જરૂર જોઈ શકે. અલબત્ત, પંજાબ-ગોવામાં ‘આપ’નો પ્રવેશ અને ઉત્તરપ્રદેશમાં કૉંગ્રેસ-સમાજવાદી સમજૂતી જોતાં આટલો સરળ ઉત્તર નયે આપી શકાય. હમણાં એ ચિંતા છોડી દઈએ અને નાગરિકની વિકલ્પખોજની રીતે થોડું સહચિંતન, કંઈક પ્રગટ ચિંતન કરીએ એવો ઉપક્રમ છે.
નમૂના દાખલ, મહારાષ્ટ્રથી જ શરૂ કરીએ તો કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ વગેરે ખાસાં પાછાં પડ્યાં છે અને સ્પર્ધીઓ તરીકે શિવસેનાને ભાજપ ઉભર્યાં છે. ખરું જોતાં હિંદુત્વ રાજનીતિની દૃષ્ટિએ તો બેઉ એક જ પીંછાંનાં પંખી છે એટલે વિકલ્પખોજનો જવાબ બેમાંથી એકે નથી એમ જ કહેવું જોઈએ. અમે રાષ્ટ્રીય પક્ષ છીએ અને શિવસેના પ્રાદેશિક પક્ષ છે એવી એક સમજૂત ભાજપ તરફે વખતોવખત અપાતી રહે છે, પણ તે વિગત બંનેના એક જ વિચારધારાકીય અખાડાનો અવેજ નથી તે નથી. તો શું આ ચર્ચાને આપણે ભાજપ એક પા અને કૉંગ્રેસ આદિ બીજી પા, એ રીતે આગળ ચલાવીશું? ચલાવી તો શકાય, પણ એમાં તરત જ જે એક મુદ્દે મોચ નહીં તો મર્યાદાનો અહેસાસ થાય છે તે એ કે ભ્રષ્ટ નીતિરીતિના એકંદર વિવાદમાં ભાજપ આજે ‘પાર્ટી વિથ અ ડિફરન્સ’ નથી તે નથી. કૉંગ્રેસમુક્ત ભારત તો થતાં થશે, હાલનું વાસ્તવ ઉત્તરોત્તર કૉંગ્રેસયુક્ત બની રહેલ ભાજપનું છે. મહારાષ્ટ્રમાં ભાજપના વિજેતા કોર્પોરેટરોમાં શિવસેનામાંથી આવેલા આણેલા ઉપરાંત કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાંથી કેટલા બધા છે!
બિહારમાં નીતીશકુમાર અને કૉંગ્રેસ ભાજપનો રોક લગાવી અગર તો આજે ઉત્તરપ્રદેશમાં ભાજપની વિજયાકાંક્ષા સામે અખિલેશ અને કૉંગ્રેસ કંઈક રોક લગાવી શકવાનાં હોય તો પણ; એક વિકલ્પ તરીકે ભાજપ વિ. શિવસેનાને બદલે, એમાં વિકલ્પનું તત્ત્વ છતાં ઘણીબધી નીતિરીતિમાં તો પાછાં એક જ પીંછાંનાં પંખી જેવું વરતાય છે. કમાલ તો તાજેતરના વરસોમાં આ સૌને, રિપીટ, સૌને પ્રશાન્ત કિશોર જેવાઓની વ્યાવસાયિક સલાહસુવિધા લગભગ નિર્વિકલ્પ ધોરણે મળી રહે છે તે છે. ભાજપ-શિવસેનાને હમણાં એક જ વૈચારિક અખાડાનાં કહ્યાં. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના ત્રીજા તબક્કા સાથે ભાજપની શીર્ષ પ્રચારઝુંબેશે કબ્રસ્તાન-સ્મશાન પૅરિટી અને સામેવાળા ‘કસાબ’ એ તરેહની જે તુલ પકડી છે એ વિકાસના વરખ તળેના અસુખનો એક સંકેત નથી તો કશું નથી. અહીં ગુજરાતના ગધેડાઓની જાહેરાત સબબ થયેલ ઊહાપોહ અલબત્ત ખયાલ બહાર નથી, પણ ‘કસાબ’ની તરજ પર વાત કરવા સાથે ગંધારું કોમીકરણ અને ‘ધ અધર’ની ખોજ એકદમ ખુલ્લાણમાં આવી જાય છે. શિવસેનાનું અને એનું કોઈ તાત્ત્વિક અંતર પછી રહેતું નથી.
નાગરિકની વિકલ્પખોજે જે રીતે ભીંત સાથે માથું પછાડવાની નિયતિ રહી છે તે આ દિવસોમાં એક બીજે છેડેથી વળી અનુભવાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશના સર્વ પક્ષોના ઉમેદવારો પૈકી આપરાધિક છબી ધરાવતા ઉમેદવારોની સરેરાશ પાંત્રીસ ટકા છે. હમણાં બહાર આવેલી વિગત પ્રમાણે પહેલા દોરના મતદાનમાં ચાલીસ ટકા દાગી ઉમેદવારો સાથે ભાજપ મોખરે હતો. બીજા દોરના મતદાનમાં છત્રીસ ટકા દાગી ઉમેદવારો સાથે કૉંગ્રેસ મોખરે હતી. ત્રીજા દોરમાં એકતાલીસ ટકા દાગી ઉમેદવારો સાથે સમાજવાદી પક્ષ મોખરે હતો. અલબત્ત, અહીં એક વાનું અક્ષરશ: અધોરેખિત કરવું રહે છે – અને તે એ કે ગુજરાતમાં આપણે અનુભવ્યું છે તેમ આપરાધિક પૃષ્ઠભૂ સબબ ભાજપને વિચારધારાકીય કવચસુવિધા ઠીક મળી રહે છે, અને સદી પણ ગઈ છે.
નોટબંધી નજરબંધી વાટે નૈતિકતાના પુરસ્કર્તારૂપે ઉભરેલું નમો નેતૃત્વ આ બધી બાબતોમાં સરળતાથી નામકર જતું માલૂમ પડે છે. અરુણાચલના પૂર્વ મુખ્યમંત્રી કાલિખો પુલે આત્મહત્યા પૂર્વે સાઠેક પાનાંની જે લાંબી નોંધ લખી છે એમાં એમણે જાહેર તિજોરીનું દોહન કરીને તગડમસ્ત બનેલા રાજનેતાઓની અને તે પૈકી હાલ રાજ્ય ભાજપમાં ને સરકારમાં આરૂઢ પૂર્વ કૉંગ્રેસમેનોની ખાસી તપસીલ આપી છે. કાલિખો પક્ષમાં (કૉંગ્રેસમાં) આ મુદ્દે જેમની સામે લડતા હતા, તે હવે ભાજપના કવચે સજ્જ થઈ કેન્દ્રપુરસ્કૃત અભય માણી રહ્યા છે. સદ્ગત નેતાએ શીર્ષસ્તરે રજૂઆત કરી હતી, પણ નમો-અમિત વ્યૂહરચનાની કાર્યસૂચિમાં એ અગ્રસ્થાને કે ક્યાં ય પણ હોય તો તે આપણે જાણતા નથી.
ગમે તેમ પણ, નીતીશ-કૉંગ્રેસ કે અખિલેશ-કૉંગ્રેસ કંઈક વિકલ્પવત્ ટક્કર આપી રહ્યા હોય તો પણ ભલે ખૂણામાં અને નાને પાયે પણ વિકલ્પની લડાઈ તો મણિપુરમાં આ દિવસોમાં આપણી એકની એક ઇરોમ શર્મિલા એની સહયોગી નજીમા બીબી આપી રહ્યાં છે. ઇરોમ શર્મિલા આર્મ્ડ ફોર્સિઝ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ – આફ્સ્પા સામેની એમની એકલવીર જેવી લોકલડતને અનશનના એકાન્તિક ચોકાની બહાર ચૂંટણીના ચાચર ચોકમાં આણી છે. કૉંગ્રેસ-ભાજપનાં વારાફરતી નેતૃત્વનાં સત્તાપ્રતિષ્ઠાનો આ માટે તૈયાર નથી. સીપીએમના માણિક સરકારે ત્રિપુરામાં આ માટેની ભોં ભાંગી એ હજુ તો એકનો એક અપવાદ છે. નજીમા બીબી ઇરોમ શર્મિલાના સહયોગીરૂપે ઉભરી છે.
મણિપુરમાં કોઈ મુસ્લિમ મહિલા ધારાસભા માટે મેદાનમાં ઊતરી હોય એવું સિત્તેર વરસમાં પહેલી વાર બની રહ્યું છે. ચાલુ રાજનીતિમાં પૂર્વે કામ પાડતા રહેલા બનાતવાલા કે હાલ ખેલ પાડતા રહેલા ઓવેસી કરતાં આ એક ગુણાત્મક પ્રવેશ છે, એ નક્કી. એમ તો, પંજાબમાં કૉંગ્રેસ, ભાજપ-અકાલી જેવી પરંપરાગત છાવણીઓથી ઉફરાટે ‘આપ’ પરિબળે જે ગજું કાઢ્યું લાગે છે તે પણ એક મોટી વાત છે. અલબત્ત, ઇરોમ શર્મિલા તરેહની એકલવીર ધારીએ નહીં પણ દિલ્હી કબજે કરી શકનાર કદ ને કાઠીના પક્ષ તરીકે એનામાં ‘સ્થાપિત’ પક્ષોની મર્યાદા ઉઘાડી છે. તો પણ એ ચાલુ પક્ષોથી જુદો જરૂર પડે છે, અને એ રીતે વિકલ્પ તરીકેનો એક કેસ હમણાં તો બને છે. કાશ પ્રશાન્ત ભૂષણ અને યોગેન્દ્ર યાદવના ‘સ્વરાજ અભિયાન’ને ભલે સલામત અંતરેથી પણ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા વગેરે જરી અંતરખોજભેર પ્રીછી શકે!
નાગરિક સમાજના ખયાલને સભાનપણે વરેલા રચનાત્મક કાર્યકરો, નાનાવિધ કર્મશીલો સ્વતંત્ર ગતિમતિના શિક્ષકો ને પત્રકારો, સૌએ આ આખી ગતિવિધિ અને ઘટનાક્રમ પરત્વે પરંપરાગત વિકલ્પખોજ તેમ જ ઢાંચા બહારની મથામણો બાબતે સહયોગી ચોંપ દાખવવાપણું રહે છે. 2014 અને 2019ના લગભગ વચગાળામાં 1 માર્ચ 2017ની પરિણામી સાંજે નવા સૂરજની નાગરિક તલાશ ને કોશિશની આવી એક વિચારસંધિ ભલે આવી મળો.
સૌજન્ય : ‘ઉજળી આશા’, “દિવ્ય ભાસ્કર”, 25 ફેબ્રુઆરી 2017
![]()


શુક્રવારના અખબારી હેવાલો જોઉં છું તો લક્ષમાં આવે છે કે પશ્ચિમી ઉત્તર પ્રદેશની મતદાનીય રૂખ બાબતે ભાજપી વર્તુળો આશ્વસ્ત નથી. 2014ની ચૂંટણીમાં જે રીતે હિન્દુ મતોનું દૃઢીકરણ કે ધ્રુવીકરણ થયું હતું તે આ વખતે કંઈક ઓછું થયાની આશંકા કે અંદાજ સંબંધિત વર્તુળોમાં છે. હેવાલો પ્રમાણે, પક્ષનાં સ્થાનિક મંડળો હવે નમોના ઝંઝાવાતી રેલી દાવ વાસ્તે લાલાયિત છે. આમ તો, હમણાં સુધીની કોશિશમાં નીચે કોમી ફસલ (યોગી આદિત્યનાથની તરજ પર) અને ઉપર વિકાસની ખેતી (નમો તરન્નુમ મુજબ) એ અભિગમ રહ્યો હશે. પણ નોટબંધીની વાસ્તવિક અસર બાબતે બે મતની પરિસ્થિતિમાં વિકાસગાન જરીક વધુ જ જરૂરી લાગતું હોય અને રાજમાં કાયદાકાનૂનની અનવસ્થા એ પણ એક મુખ્ય મુદ્દો ઉભારવાપણું વરતાતું હોય તે શક્ય છે.