પિત્ઝાની રેસ્ટોરાંમાં જઇ પિત્ઝાનો ઓર્ડર આપ્યો. પણ પ્લેટમાં સૂકા સેવ-મમરા પકડાવી દેતાં કહેવામાં આવ્યું કે આ જ છે, ખાવું હોય તો ખાવ નહીં તો ઉપડો, પૈસા પાછા નહીં મળે.
હું સ્તબ્ધ બન્યો, પણ જોયું તો ખ્યાલ આવ્યો કે ત્યાં બેઠેલા 80-90 લોકો પ્રેમથી સેવ-મમરા જ ખાઈ રહ્યા હતા. અમુક તો ખુરશીના અભાવે નીચે બેસી ગયા હતા.
અચરજ સાથે મેં પૂછ્યું – તમે પિત્ઝા મંગાવ્યા તો સેવ-મમરા કેમ ખાવ છો ?
તો એમાંથી એક-બે ગ્રાહકો જરા આકરા બની ગયા – આમાં શું વાંધો છે તમને ! કેમ સેવ-મમરા પેટ ન ભરે ! હોટલવાળો ભગવાન નથી કે જે કહો એ હાજર કરી દે. એ પણ માણસ છે, અહીંયા બધા પીઝાના ઓર્ડર આપે તો આટલા પીઝા બિચારો કેમ આપી શકે ? ટીકા જ કરો છો, બનાવી જુઓ પીઝા એક વાર, ખબર પડે.
મેં કહ્યું – પણ ભાઈ, હું પિત્ઝા ખાવા આવેલો અને પૈસા પણ એનાં જ ચુકવેલા છે.
તો કહે – તમે તો ઊંધિયું માંગો, એટલે શું ઊંધિયું હાજર કરી દેવાનું ? અમે બધા સેવ-મમરા ખાઈએ છીએ, પણ અમને તો કોઈ વાંધો નથી ! સાત વરસ પહેલાં અહીં સેવ-મમરાની જ દુકાન હતી ત્યારે તો બધા એ જ ખાતા, તો હવે શું વાંધો છે ? અને જો વિદેશી વાનગી આટલી જ પસંદ હોય તો દેશ છોડી ત્યાં જ જતા રહો ને!
મેં કહ્યું – પણ હવે તો સેવ-મમરાની જગ્યાએ પિત્ઝાની હોટલ ખૂલી ગઈ છે ને !
તો કહે – તો શું ? દુકાન બંધ કરાવી દેવા માંગો છો ? આતંકવાદી છો ? આ હોટલવાળાની આજીવિકા છીનવી લેવા માંગો છો ? આપણા ગામના પીઝાવાળાનો સપોર્ટ કરવાના બદલે નેગેટિવ વાતાવરણ ઊભું કરો છો ?
મેં સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા કે આ હોટલના માણસો પોતે પિત્ઝાના ફરફરિયા ઘરે આપી ગયા હતા. અહીં મેં પિત્ઝા માટે જ પૈસા આપ્યા છે, ને સેવ મમરા તો મેન્યુમાં પણ નથી. તો આ કઈ રીતે સ્વીકારી લઉં ?
આટલામાં, સફેદ દાઢીધારી હોટલના માલિક સ્વયમ્ પ્રગટ થયા – ઓ ભાઈ, સેવ-મમરા સે ક્યાં તકલીફ હૈ આપ કો ? અગર ઇટલી કી ચિઝે ઇતની પસંદ આતી હૈ તો કયું આયે હો યહાઁ ? આપ ઇટલીવાલે હો ક્યાં ? અપને દેશ કો પ્યાર નહીં કરતે હો ક્યાં ? અપને દેશ કી સંસ્કૃતિ પસંદ નહીં આતી હૈ ક્યાં ? દેશ કી આર્મી સીમાઓ પે લડ રહી હૈ ઔર આપકો પીજા ખાના હૈ ? દેશ કે કિસાન ઇતની મહેનત કરતે હૈ, ઔર તુમ દેશદ્રોહ કરોગે ? માલૂમ હૈ અંદરવાલે સબ દોસ્ત હૈ અપને ! કરવા દુ ક્યાં અંદર ?
મને આ મોટું ચિટિંગ લાગ્યું. એટલે આ અંગે ફરિયાદ કરવી એમ વિચારતો હતો.
ત્યાં જ બે-ચાર ભણેલા લાગતા લોકો પોતાના સેવ-મમરા પડતા મૂકી સમજાવવા માંડ્યા – જો ભાઈ, ગામમાં માત્ર એક જ પીઝાવાળો છે. જેવો હોય એવો, છે તો ખરો. પીઝાના બદલે કંઈક તો આપે જ છે ને ! તમારા પૈસા ચોરીને ભાગી તો નથી ગયો ને ! માટે જે મળે એને ભગવાનનો પ્રસાદ સમજી સ્વીકારી લેવાનો. જીવનમાં પોઝિટિવ બનો. આમ પણ ગામમાં પીઝા માટે આ સિવાય ઑપશન પણ નથી.
બહાર જઇ જોયું તો મારા જેવા પાંચ-દસ જણાં પિત્ઝાનું રિફંડ લેવા આંદોલન કરી રહ્યાં હતાં. જેને જોઈ, અંદરથી નીકળતા ગ્રાહકો સેવ-મમરા ચાટેલા પોતાના આંગળા એમની તરફ ચીંધી અટ્ટહાસ્ય કરતા પસાર થતા હતા.
ધીરે ધીરે હું પણ માનવા માંડ્યો છું કે આ તો આવું જ હોય, આમાં કાઈ ખોટું નથી. ઉપરથી સેવ-મમરા ખૂબ ભાવવા લાગ્યા છે, કારણ કે એક તો એ સ્વદેશી વાનગી છે, અને બીજું ઑપશન ક્યાં છે જ ?
લેખકની ફેઇસબૂક દિવાલેથી સાભાર