મનુભાઈ પંચોળી ‘દર્શક’નો જન્મ ૧૯૧૪ના ઓક્ટોબરની ૧૫મી તારીખે. આવતી કાલથી (15 અૉક્ટોબર 2013) તેમની જન્મ શતાબ્દીનું વર્ષ શરૂ થશે. મનુભાઈ વિદ્યાપુરુષ હતા, સમાજપુરુષ હતા, પણ સૌથી વધુ તો તેઓ શબ્દપુરુષ હતા. ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ જેવા આપણી ભાષાના તેજસ્વી નવલકથાકારોની હરોળમાં આપકર્મે સ્થાન મેળવનાર નવલકથાકાર હતા. તેમની ‘દીપનિર્વાણ’ નવલકથાને ઉમાશંકર જોશીએ ગોવર્ધનરામની ‘સરસ્વતીચંદ્ર’ પછીની એક અગ્રગણ્ય નવલકથા તરીકે ઓળખાવી છે. બે હજાર વર્ષ પહેલાંના ભારતને પશ્ચાદભૂમિ તરીકે રાખીને લેખકે સુચરિતા, સુદત્ત, અને આનંદ વચ્ચેનો પ્રણયત્રિકોણ નાજુકાઈથી આલેખ્યો છે. આજે અહી ‘દીપનિર્વાણ’ની વાત રજૂ કરી છે, તેના મુખ્ય સ્ત્રીપાત્ર સુચરિતાના શબ્દોમાં.
મારું નામ સુચરિતા. મનુદાદાની હું માનસપુત્રી. કોણ મનુદાદા? તમે સૌ તેમને મનુભાઈ પંચોળીના નામથી, ‘દર્શક’ના ઉપનામથી ઓળખો છો. ‘દીપનિર્વાણ’ નામની નવલકથામાં તેમણે મારી વાત લખી છે. પણ આજે હું પોતે તમને મારી વાત કહેવાની છું. તો સાંભળો મારી વાત. ઉતાવળમાં થઇ ગયેલું એકાદ કામ પણ માણસના આખા જીવનમાં કેટકેટલો પલટો લાવી દીએ છે! હું સુદત્તની શિલ્પકલા પર મુગ્ધ હતી. તેની પદ્મપાણીની મૂર્તિ સર્વોત્તમ બને એ જોવાની મને હોંશ હતી. એ હોંશમાં અને મુગ્ધતામાં હું એને વચન આપી બેઠી એટલું જ નહિ, પણ મારી અંગૂઠી પણ મેં તેને આપી. કલાનું સન્માન કરવાને બદલે મેં કલાકારનું સન્માન કરવાનો પ્રયત્ન કર્યો. મેં સુદત્તને વચન આપ્યું ત્યારે એ મારી પાસે શું માગશે એની મને ખબર નહોતી એમ તો કેમ કહેવાય? કદાચ મારા મનમાં પણ ઊંડે ઊંડે એ એ જ માગે તો સારું એમ હશે. કારણ હું તેની કલાથી અંજાઈ ગઈ હતી. કલા અને કલાકાર, બંનેને અહોભાવથી હું જોતી હતી. પણ એ અહોભાવને જ પ્રેમ માની લેવાની મેં ભૂલ કરી.
પ્રેમ એટલે શું એ તો મને આનંદનો મેળાપ થયો તે પછી જ સમજાયું. હું આશ્રમમાં વીણા વગાડતી બેઠી હતી ત્યાં આનંદ આવ્યો, અને મને ‘ભગવતી’ કહી બોલાવી એ ક્ષણથી મારા જીવનના વહેણે દિશા બદલી. જે સ્થાન સુદત્તનું છે એમ મારા મનને મનાવવાનો હું પ્રયત્ન કરતી હતી તે સ્થાન આનંદે આપોઆપ, સહજ રીતે લઇ લીધું. પરીક્ષા વખતે હું પિતાજી મહાકાશ્યપની અને સુદત્તની હાજરીમાં આનંદને પ્રશ્નો પૂછતી હતી. ત્યાં મેં તેમને અચાનક પૂછેલું: “સૂર્યનાં કિરણ કેવાં મનોહર છે?” અને આનંદે કશા સંકોચ વગર જવાબ આપ્યો: “તમારી વેણીના વાળ જેવા.” એ સાંભળીને મારા તો કાન લાલ થઇ ગયેલા, પણ સુદત્તની આંખો લાલ થઇ ગઈ હતી.
અને કેમ ન થાય? એણે માની લીધેલું કે હું તેની જ છું. એ વચનમાં માગશે, અને હું તેની બની જઈશ. પોતાની માનેલી સુચીને આનંદ ઉપાડી જાય એ સુદત્ત કેમ સહન કરી શકે? જો કે મને લાગે છે કે સુદત્ત શિલ્પકલામાં જેટલો મહાન હતો તેટલો જો જીવનકલામાં મહાન હોત તો હું અને આનંદ એકબીજા પ્રત્યે ઢળ્યાં છીએ એ જાણ્યા પછી ઉદારતાપૂર્વક અમારી વચ્ચેથી ખસી ગયો હોત. પણ એ તો ઉલટાનો હઠે ચડ્યો. આનંદને સ્પર્ધામાં હરાવવા માટે તેણે દગો કર્યો. તેમાં ન ફાવતાં આનંદના જન્મ અંગેની ગુપ્ત ઘટના છતી કરીને તેને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો. તેમાં ય ન ફાવ્યો ત્યારે મગધરાજ સાથે મળી જઈને મારા પરનું વેર આખા નંદીગ્રામ પર વાળ્યું.
જ્યારે બીજી બાજુ આનંદ? મને હૃદયથી ચાહતા હતા છતાં સુદત્તનો હક પહેલો છે એ વાત સતત સ્વીકારતા હતા. તેમણે સુદત્તને સમજાવવાના પ્રયત્નો પણ કર્યા. એક વર્ષ નંદીગ્રામની બહાર રહેવા પણ તૈયાર થયા. તેમના મનમાં મને ક્યારે ય સુદત્ત માટે દ્વેષની લાગણી જોવા મળી નથી. કારણ પિતાજીએ એક વાર કહેલા શબ્દો સુદત્તના મનમાં જડાઈ ગયા હતા: “લોકોત્તર પ્રેમ કદી ખેંચતાણ કરતો નથી. જે પોતીકું છે તે યુગયુગાંતરોના વિયોગ પછી પણ પોતીકું મટતું નથી. ને જે પારકું છે તેને ગમે તેટલું નિકટ ખેંચો તોય પોતીકું થવાનું નથી.” હું જેમ જેમ આનંદને ઓળખતી ગઈ તેમ તેમ મને સમજાતું ગયું કે સુદત્ત પથ્થરની મૂર્તિનો વિધાયક ભલે બની શકે, મારા જેવી જીવતી જાગતી સ્ત્રીના જીવનનો વિધાયક તે બની શકે તેમ નથી. એ વિધાયક તો આનંદ જ બની શકે, અને તેથી જ મેં મનોમન નક્કી કર્યું: “સુદત્તને જણાવી દઈશ કે એની કલાને હું અભિનંદુ છું, પણ એને ચાહી શકતી નથી, ચાહી શકવાની પણ નથી, કારણ કે સુચરિતા આનંદની થઇ ગઈ છે.” પણ એ વખતે સુદત્ત એ વાત સ્વીકારી ન શક્યો. એ બોલ્યો ખરો કે ‘આનંદ, સુચરિતા તારી હં – તારી.’ પણ અરે! એ તે ક્યારે? ત્યારે નંદીગ્રામ ભસ્મીભૂત થઇ ચૂક્યું હતું. પિતાજીએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. હજારો સૈનિકોએ જાન ખોયા હતા. અરે! સુદત્તના જીવનની પણ એ છેલ્લી ઘડી હતી. હું તો ત્યારે તેને વારવા ગઈ હતી. તે મારા પરના રોષને લઈને આખું નંદીગ્રામ છિન્નભિન્ન કરી રહ્યો હતો. તેથી તે માગે તો મારુંયે મોત તેને ચરણે ધરવા ગઈ હતી. પણ ત્યારે જ તેના કહેવાથી મને ખબર પડી કે સાધ્વીની નહિ, પણ મને વિહારીણીની દીક્ષા આપવામાં આવી છે. ત્યાં સુધી હું તો એમ જ માનતી હતી કે મને સાધ્વીની દીક્ષા અપાઈ છે અને તેથી હવે આ ભવે તો હું ક્યારે ય આનંદની થઇ શકીશ નહિ. જો કે મેં દીક્ષા લીધી ત્યારે પિતાજીએ જે આશીર્વાદ આપ્યા તે સાંભળીને મને અચંબો થયેલો. તેમણે કહેલું: ‘ચિરસૌભાગ્યવતી થા, બહેન.’ તેમના એ શબ્દો પાછળ રહેલું રહસ્ય તો મને સુદત્તે કહેલી વાત પછી જ સમજાયું. અને ખરેખર, એ આશીર્વાદ છેવટે સાચા પડયા. હું આ જ જન્મમાં સદેહે આનંદની બની શકી. હા, તમે કદાચ મને પૂછશો: “સુચરિતા! બીજું બધું તો ઠીક, પણ તેં તારી જાતને અને તારી દીક્ષાને છેતરી નથી? ભલે તને દીક્ષા વિહારીણીની અપાઈ હોય, તેં તો એમ જ માનેલું ને કે તું સાધ્વી બની રહી છે. તે અષ્ટાંદશ વ્રતો પણ લીધેલાં. દીક્ષાથી નહિ, તોય મનથી સાધ્વી બન્યા પછી તું ફરી સંસારી બની તે યોગ્ય કહેવાય? તેં ન તો સુદત્તને આપેલું વચન પાળ્યું, ન તો ધર્મને આપેલું વચન પાળ્યું.”
સાચી વાત કહું? મેં ઉતાવળમાં સુદત્તને વચન આપી દીધું એ મારી ભૂલ હતી. પણ જીવનમાં એકાદ ભૂલ પણ ન કરી હોય એવો કોઈ કાળા માથાનો માનવી છે ખરો? હું જેને ચાહતી હતી તે આનંદની પત્ની બની શકું એમ નહોતું, અને જેને ચાહતી નહોતી તે સુદત્તની પત્ની હું બનવા માગતી નહોતી. ત્યારે પણ આનંદ સાથે લગ્ન થઇ શકે તેમ હોત તો મેં એ રસ્તો જ લીધો હોત. પણ પિતાજીનો અભિપ્રાય હતો કે સુદત્તને આપેલું વચન મારે પાળવું જ જોઈએ, અને મને પણ તે સાચો લાગેલો. મેં દીક્ષા લીધી તે મનમાં જાગેલા વૈરાગ્યને કારણે નહિ, પણ વિકટ સાંસારિક પરિસ્થિતિમાંથી બચવા. એટલે છેવટે જો સુદત્ત મને વચનમાંથી મુક્ત કરતો હોય એટલું જ નહિ, હું આનંદની બનું એમ સાચા હૃદયથી ઇચ્છતો હોય, અને આનંદ પણ મને સ્વીકારવા તૈયાર હોય, ધર્મના આચારનો પણ કશો બાધ નડતો ન હોય, અને આત્રેયદાદા અને ગુરુ શીલભદ્ર જેવા વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ વડીલોના આશીર્વાદ મને મળતા હોય, તો હું વિહારીણી મટી ફરી સંસારિણી બનું એમાં ખોટું શું છે? મેં સુદત્તને વચન આપ્યું એ ભૂલની પૂરતી શિક્ષા શું મેં ભોગવી નથી? જે વૈરાગ્ય મનથી સ્વીકાર્યો નહોતો તેને શા માટે વળગી રહું? હું આનંદની બનું તો અમે બંને સાથે મળીને સમાજનું વધારે કલ્યાણ ન કરી શકીએ? માણસના આચરણને, તેના ચરિતને સારું અને ખરાબ એવાં બે ખાનાંમાં વહેંચી શકાતું નથી, હંમેશાં. સંજોગો તેને સારું કે ખરાબ ઠેરવે છે. મેં જે સંજોગોમાં દીક્ષા ત્યાગી અને ગૃહસ્થ જીવન સ્વીકાર્યું તે સંજોગો શું મને દુચરિતા ઠરાવે એવા હતા? શું હું મારા નામ પ્રમાણે સુચરિતા નથી?
(સૌજન્ય : ‘અક્ષરની અારાધના’, “ગુજરાત મિત્ર”, 14 અૉક્ટોબર 2013)
e.mail : deepakbmehta@gmail.com