અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં જો કોઈ કવિઓને સાચા અર્થમાં લોકપ્રિયતા મળી હોય – અને લાંબા કાળ સુધી, આજ સુધી – ટકી રહી હોય તો તે બે કવિઓને. એક ઝવેરચંદ મેઘાણીને અને બીજા કવિ કલાપીને.
તેમાંથી કલાપીના જન્મને આજે ૧૪૦ વર્ષ પૂરાં થાય છે અને તેમના એકમાત્ર કાવ્યસંગ્રહના પહેલા પ્રકાશનને આ વર્ષે ૧૧૧ વર્ષ પૂરાં થાય છે. આ કાવ્યસંગ્રહ એટલે ‘કલાપીનો કેકારવ.’ અને આ કેકારવના પ્રકાશનનો ઇતિહાસ પાછો કોઈ રહસ્યકથા જેવો છે. પૈસા કે પહોંચ કે ધગશનો અભાવ તો હતો નહિ, એટલે પુસ્તક તૈયાર થાય તે પહેલાં અતિ ઉત્સાહમાં – કે અતિ આત્મશ્રદ્ધામાં – તેમણે તો પ્રસ્તાવના પણ લખી નાખી હતી, છેક ૧૮૯૩ના જાન્યુઆરીમાં. પણ કેકારવ પ્રગટ થઈ શક્યો કલાપીના અવસાન પછી છેક ૧૯૦૩માં. અને તે પહેલાં – અને પછી પણ – આ સંગ્રહને કલાપીના મિત્રો અને અનુયાયીઓની અહમહમિકામાંથી પસાર થવું પડ્યું હતું!
કાવ્યસંગ્રહ પ્રગટ કરવાનો વિચાર પહેલી વાર આવ્યો ત્યારે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલે પોતાનું ઉપનામ ‘મધુકર’ અને તેથી કાવ્યસંગ્રહનું નામ ‘મધુકરનો ગુંજારવ’ રાખવાનું નક્કી કરેલું. ૧૮૯૬માં ભાવનગરના પ્રેસમાં છાપકામ શરૂ પણ થયું. પણ ઝાઝું આગળ ન ચાલ્યું. (ભાવનગરના પ્રેસમાં છપાતા ‘નર્મકોશ’ અંગે નર્મદને પણ કડવો અનુભવ થયો હતો, અલબત્ત, જુદાં કારણો સર.) પછી છાપકામ મુંબઈના એક અત્યંત પ્રતિષ્ઠિત એવા નિર્ણયસાગર પ્રેસને સોપાયું. પણ ત્યાં છાપકામ ધીમું ચાલતું હતું એમ કહેવાય છે, અને એટલે કલાપીના સાહિત્યગુરુ મણિલાલ નભુભાઈ દ્વિવેદીના ‘સુદર્શન મુદ્રણાલય’માં તેનું છાપકામ કરવાનું નક્કી થયું. પણ સાથોસાથ એમ પણ નક્કી થયું કે સુરસિંહજીનાં કાવ્યો મણિલાલના ‘વિવરણ’ સાથે છાપવાં. પણ મણિલાલ તે માટે સમય ફાળવી ન શક્યા અને ૧૮૯૮ના ઓક્ટોબરમાં મણિલાલનું અવસાન થયું એટલે કવિ જટિલને સંગ્રહના છાપકામની જવાબદારી સોંપાઈ.
એ વખતે જીવણરામ લક્ષ્મીરામ દવે ઉર્ફે જટિલના સૂચનથી સુરસિંહજીએ પોતાનું તખલ્લુસ ‘મધુકર’ને બદલે ‘કલાપી’ રાખવાનું ઠરાવ્યું અને એટલે પછી કાવ્ય સંગ્રહનું નામ પણ બદલાયું – ‘મધુકરનો ગુંજારવ’ ને બદલે ‘કલાપીનો કેકારવ.’ પણ ૧૯૦૦ના જૂનમાં સુરસિંહજીનું અવસાન થયું અને ૧૯૦૧માં જટિલનું પણ અવસાન થયું. આમ, પૂરતાં સાધન-સગવડ અને ઇચ્છા હોવા છતાં સુરસિંહજીનો એકમાત્ર કાવ્યસંગ્રહ તેમની હયાતીમાં પ્રગટ ન જ થઈ શક્યો.
કલાપીના અવસાન પછી તેમના મિત્ર અને પ્રતિષ્ઠિત કવિ કાન્ત(મણિશંકર રત્નજી ભટ્ટ)ને માથે જવાબદારી આવી. પણ તેમને હાથે પણ ઢીલ થતી જોઈ આપણા પ્રતિષ્ઠિત કવિ-વિવેચક બલવન્તરાય ઠાકોર અકળાયા. એટલે કાન્તે ભાવનગરના દરબારી પ્રેસમાં છાપકામ શરૂ કરાવ્યું, અને છેવટે ૧૯૦૩માં કાન્ત સંપાદિત ‘કલાપીનો કેકારવ’ પહેલી વાર પ્રગટ થયો. એ વખતે તેમના સંપાદનને સારી એવી સફળતા મળેલી એટલે ૧૯૦૯, ૧૯૧૧, ૧૯૧૬, ૧૯૨૦ અને ૧૯૨૨માં આ પુસ્તક ફરી છપાયું હતું. અલબત્ત, ૧૯૦૯ની આવૃત્તિમાં કલાપીનાં એક પત્ની શોભના વિશેના પત્રો ઉમેરાયા હતા તો ૧૯૨૦ની આવૃત્તિમાં કેટલાંક ચિત્રો પહેલી અને છેલ્લી વાર મૂકાયાં હતાં.
કાન્તના અવસાન પછી જગન્નાથ દામોદર ત્રિપાઠી ઉર્ફે ‘સાગર’ દ્વારા થયેલું કેકારવનું સંપાદન ૧૯૩૧માં પ્રગટ થયું. જો કે તેના પર સંપાદક તરીકે સાગરનું નહિ પણ કલાપીના પુત્ર જોરાવરસિંહજીનું નામ મૂકાયું હતું. કાન્તને નહિ મળેલાં એવાં કેટલાંક કાવ્યો સાગર મેળવી શક્યા હતા એટલે કાન્તના સંપાદનમાં ૨૧૫ કાવ્યો હતાં, ત્યારે સાગરના સંપાદનમાં ૨૪૯ કાવ્યો અને લાંબા કાવ્ય ‘હમીરજી ગોહેલ’ના કેટલાક ખંડ હતા. ૧૯૪૬ અને ૧૯૫૩માં સાગરનું સંપાદન ફરી છપાયેલું. ત્યાર બાદ ૧૯૫૯માં કલાપી સ્મારક ફંડ તરફથી નવી આવૃત્તિ પ્રગટ થઈ તેમાં હમીરજી ગોહેલ સહિત કુલ ૨૪૦ કાવ્યો હતાં. પણ આ આવૃત્તિમાં મૂળ કાવ્યોમાં મનમાની રીતે ફેરફારો, સુધારા, અને બગાડા કરવામાં આવ્યા હતા. છતાં ૧૯૬૩ અને ૧૯૬૮માં તેનું પુનર્મુદ્રણ થયું. પછી ૧૯૮૨ અને ૧૯૯૫માં યુ. એમ. પટેલ કલ્યાણ ટ્રસ્ટ તરફથી કેકારવ પ્રગટ થયો પણ તેમાંના કાવ્યો કલાપી સ્મારક ફંડની આવૃત્તિ પ્રમાણે જ હતાં.
કેકારવના પ્રકાશનની રહસ્યકથાનું છેલ્લું પ્રકરણ ઇ.સ. ૨૦૦૦માં શરૂ થયું. નવી સંશોધિત અને સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરી આપવા માટે ગાંધીનગરની ગુજરાત સાહિત્ય અકાદમીએ ડો. રમેશ મ. શુક્લને લેખિત આમંત્રણ મોકલ્યું. પુષ્કળ જહેમત પછી આવી આવૃત્તિ તેમણે તૈયાર કરી. પણ પછી કોઈ અગમ્ય કારણોસર તે પ્રગટ કરવાને બદલે અકાદમીએ ‘સામાજિક આવૃત્તિ’ પ્રગટ કરી નાખી. અકાદમીના આમંત્રણથી તૈયાર થયેલી આવૃત્તિ છેવટે ૨૦૦૧માં સુરતના ‘સાહિત્ય સંકુલ’ દ્વારા પ્રગટ થઈ. અગાઉની બધી આવૃત્તિઓ કરતાં આ આવૃત્તિ મુઠ્ઠી ઊંચેરી છે તે તેમાં સૌથી વધુ – ૨૫૮ – કાવ્યો છે એટલે જ નહિ, તેનું સંપાદન પૂરી શાસ્ત્રીયતાથી અને સજ્જતાથી થયું છે તેથી.
કલાપી અને મેઘાણીને મળેલી લોકપ્રિયતાની સરખામણી કરવા જેવી છે. કલાપી તેમના ટૂંકા જીવનકાળ દરમ્યાન કવિ તરીકે લોકોમાં જાણીતા થયા નહોતા કારણ તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ તેમના અવસાન પછી પ્રગટ થયો. જ્યારે મેઘાણીને તેમના જીવનકાળમાં જ અસાધારણ લોકપ્રિયતા મળી. તેમની મુખ્ય અને મહત્ત્વની મૂડી લોકજીવન અને લોકસાહિત્યનો પ્રગાઢ સ્પર્શ છે. તેમના પ્રભાવક વ્યક્તિત્ત્વ, વક્તૃત્ત્વશક્તિ અને બુલંદ કંઠે પણ તેમને લોકો સુધી પહોંચાડવામાં ઘણી મદદ કરી હોય. બંનેનાં પુસ્તકો લગભગ સતત ફરી ફરી છપાતાં રહ્યાં તેને કારણે પણ તેમનું લોકહૃદયમાંનું સ્થાન ટકી રહ્યું. તો બીજી બાજુ વર્ષો સુધી કવિ નાનાલાલનાં પુસ્તકો ફરી છપાયાં જ નહિ તેથી અત્યંત સશક્ત કવિ હોવા છતાં તેઓ લોકહૃદયથી આઘા ખસતા ગયા. મેઘાણીનું ‘લોક’ સાથેનું અનુસંધાન મહત્ત્વનું બન્યું તો કલાપીને લાઠી રાજ્યના ‘રાજવી કવિ’ તરીકે અદકેરો દરજ્જો અપાયો.
પણ હકીકતમાં લાઠી એ વડોદરા કે ભાવનગરના રાજ્ય જેવું નહોતું, અંગ્રેજ સરકારના વિભાગીકરણ પ્રમાણે તે ચોથા વર્ગનું રજવાડું હતું અને તેના રાજ્યકર્તા ‘મહારાજ’ કે ‘રાજા’ તરીકે નહિ પણ ‘ઠાકોર’ તરીકે ઓળખાતા. કલાપીનું અવસાન થયું એ અરસામાં લાઠીના રાજ્યની કુલ વસ્તી માત્ર ૮૮૩૧ લોકોની હતી અને રાજ્યની કુલ વાર્ષિક આવક ૧૮૬,૩૮૭ રૂપિયાની હતી. રમા, શોભના અને કલાપીના પ્રણય-ત્રિકોણને કારણે પણ લોકોનું ધ્યાન તેમના તરફ રહ્યું, પણ બહુપત્નીત્વની પરંપરા ધરાવતાં રાજવી કુટુંબો માટે તે બહુ અસાધારણ ઘટના તો ન જ ગણાય. કલાપીની ઘણી કવિતાના ભાવો અને તેમના આર્દ્ર ઉદ્ગારોમાં યુવાવર્ગના સાહિત્યપ્રેમીઓને પોતાના હૃદયની વાત જ કહેવાતી હોય એમ લાગ્યું હોય અને કલાપીની લોકપ્રિયતાનું મુખ્ય કારણ કદાચ એ હોઈ શકે.
(ઋણસ્વીકાર : ડો. રમેશ મ. શુક્લ કૃત પુસ્તક ‘કલાપીઘટના’ અને તેમના દ્વારા સંપાદિત ‘કલાપીનો કેકારવ’ની ૨૦૦૧માં પ્રગટ થયેલી સંશોધિત અને સંવિવર્ધિત આવૃત્તિ)
(સૌજન્ય : ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 26 જાન્યુઅારી 2014)