ચૌદમી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ૨૨ વરસની રાજવટ પછી ભલે સાંકડી બહુમતીથી પણ ભારતીય જનતા પક્ષનું પુન: સત્તામાં આવવું અસામાન્ય બાબત છે. પૂર્વેની તમામ બેઠકો કરતાં બી.જે.પી.ને આ વખતે સૌથી ઓછી બેઠકો મળી છે. છતાં તેની સત્તા ટકી છે તે કોઈ નાનીસૂની વાત નથી. ભા.જ.પ.ને ૯૯, કોંગ્રેસને ૭૭ બેઠકો મળી એ હિસાબે કોંગ્રેસે સારી લડત આપી અને એક સન્માનજનક હાર મેળવી છે.
જ્યાં સુધી બી.જે.પી.ને મળેલા મતની ટકાવારીનો સવાલ છે, ૪૯.૧ ટકા મત મળ્યા છે. પરંતુ તે મતો બેઠકોમાં પરિવર્તિત થઈ શક્યા નથી. બી.જે.પી.ને ૧.૪૭ કરોડ અને કોંગ્રેસને ૧.૨૪ કરોડ મતદારોનું સમર્થન છે.તે જોતાં માંડ ૨૩ લાખ મતદારોના ઓછા સમર્થનથી કોંગ્રેસ સત્તાવિહોણી રહી છે.
આ ચૂંટણી પરિણામો સત્તા પક્ષ અને વિપક્ષ બેઉને લોકો તરફથી મળેલો એક એવો આદેશ છે જેની અવગણના કરવી પાલવે તેમ નથી. મજબૂત અને મોટો વિપક્ષ હવે ગુજરાતને મળ્યો છે, જે સત્તાની સાવ નજીક બહુ થોડી બેઠકો માટે રહી ગયો. માત્ર સત્તાવિરોધી જ નહીં, બી.જે.પી.વિરોધી અને ખાસ તો વડાપ્રધાનવિરોધી ઠીકઠીક વાતાવરણ પછીનું આ પરિણામ છે. જે કોંગ્રેસને આગામી લોકસભા ચૂંટણી માટે પોરસ ચઢાવે છે તો ભા.જ.પ.ને ચેતવે છે.
રાજ્યની નબળી નેતાગીરી તે ભા.જ.પ. કોંગ્રેસ બંનેનો મોટો સવાલ હતો. કોંગ્રેસના ચાર વરિષ્ઠ નેતાઓ અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ અને ડો. તુષાર ચૌધરી ચૂંટણી હારી ગયા છે. આ બાબત દર્શાવે છે કે કેવા જનાધારવિહોણા નેતાઓ કોંગ્રેસના પલ્લે પડ્યા છે. જે પોતાની જ બેઠકો જીતી શકતા નથી તે ગુજરાતના નાથ બનવાના સપનાં જોતા હતા. રાહુલ ગાંધીએ નરમ હિંદુત્વનો માર્ગ લીધો, સતત અને લાંબો પ્રચાર કર્યો, તે પ્રદેશની યોગ્ય નેતાગીરીના અભાવે સત્તા મેળવી આપનારો ન નીવડ્યો. સામે પક્ષે વડાપ્રધાન અને બી.જે.પી. પ્રમુખે પણ ગુજરાતની નબળી બી.જે.પી. નેતાગીરી છતાં સતામાં વાપસી કરવામાં સફળતા મેળવી છે.
આ ચૂંટણી પરિણામોમાં નરેન્દ્ર મોદીના દિલ્હી ગમન પછીના ગુજરાતના લોક આંદોલનોનો પણ ફાળો છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં જોડાવું પસંદ કર્યું તો જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસનું સમર્થન કર્યું અને સમર્થન મેળવ્યું. હવે તે બંને વિધાનસભાના સભ્યો બન્યા છે અને તે સત્તા પક્ષના વિરોધમાં છે. ત્યારે તેમની વિધાનસભાની અંદરની અને બહારની કામગીરી જોવી રસપ્રદ બનશે. જ્યાં સુધી દલિતોનો સવાલ છે, આ ચૂંટણી પરિણામોમાં દલિતો બી.જે.પી.થી સાવ વિમુખ થઈ ગયા છે, તેમ માત્ર અનામત બેઠકોના પરિણામો પરથી માની શકાતું નથી. એક અપક્ષ સાથે કોંગ્રેસે ૧૩માંથી ૬ બેઠકો મેળવી છે તો બી.જે.પી.ને ૭ બેઠકો મળી છે. હા, ૨૦૧૨ થી ૨૦૧૫ના સમયગાળાની વિધાનસભામાં જે ચાર દલિત નેતાઓ (રમણલાલ વોરા, આત્મારામ પરમાર, પૂનમભાઈ મકવાણા અને જેઠાભાઈ સોલંકી) પ્રધાનમંડળનો ભાગ હતા તે પૈકીના બેની હાર થઈ છે તો બેને પક્ષે ટિકિટ આપી નથી. એ રીતે જોતાં ભા.જ.પ.માં નવી દલિત લીડરશીપ ઉભરવાની તક છે.
ચૂંટણીઓ કોઈ મુદ્દાઓ પર લડાતી કે જીતાતી નથી. ભારતીય સમાજ વ્યવસ્થાની વરવી વાસ્તવિકતા જેવી જ્ઞાતિ જ કેન્દ્રમાં હોય છે. આ ચૂંટણીઓએ ગુજરાતના રાજકારણમાંથી પાટીદારોના પ્રભુત્વને કાયમ રાખ્યું છે. તેણે બંને મુખ્ય પક્ષોને પોતાના ઓશિયાળા રાખ્યા છે. બી.જે.પી. અને પાટીદારોનો દબદબો ગુજરાતના રાજકારણમાંથી સહેલાઈથી ભૂંસી શકાશે નહીં તે આ ચૂંટણી પરિણામોએ ફરી એકવાર ઘૂંટી આપ્યું છે. ગુજરાતના ૨૦૧૭ના જનાદેશનો આ બહુ મોટો બોધપાઠ છે.
e.mail : maheriyachandu@gmail.com
![]()


આ વખત(૨૦૧૭)ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જોતાં વિધાનસભાના દલિત પ્રતિનિધિત્વમાં ઘણી નવી બાબતો ઉમેરાઈ હોવાનું જણાય છે. વિધાનસભાની અનુસૂચિત જાતિની ૧૩ અનામત બેઠકોમાં સાત પર ભારતીય જનતા પક્ષ, પાંચ પર કૉંગ્રેસ અને એક પર કૉંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર વિજયી થયા છે. ૨૦૧૨માં ભા.જ.પ.ને ૧૦ બેઠકો મળી હતી. એ જોતાં આ વખતે ભા.જ.પે. ૩ બેઠકો ગુમાવી છે. ૨૦૧૨થી ૨૦૧૭ના ગાળામાં વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી રહેલા રમણલાલ વોરા અને આત્મારામ પરમાર ચૂંટણી હારી ગયા છે તો આ જ ગાળાના બે દલિત સંસદીય સચિવો પૂનમભાઈ મકવાણા અને જેઠાભાઈ સોલંકીને ભા.જ.પે. ટિકિટ આપી નહોતી. તેથી ભા.જ.પ.ના અગ્રણી દલિત નેતાઓ ચૌદમી વિધાનસભામાં જોવા મળશે નહીં.
બહુશ્રુત બંધારણ નિષ્ણાત, કાયદાવિદ્, અર્થશાસ્ત્રી, વ્યક્તિ સ્વાતંત્ર્યના કાનૂની લડવૈયા અને લેખક નાની પાલખીવાળા(૧૯૨૦ • ૨૦૦૨)નું આ પુસ્તક પ્રથમ વાર મૂળે અંગ્રેજીમાં, ૧૯૮૪માં પ્રગટ થયું હતું. આ તેનો ગુજરાતી અનુવાદ છે, જેની પ્રથમ આવૃત્તિ ૧૯૮૭માં પ્રસિદ્ધ થઈ હતી. લેખકે પોતાની ૬૪ વર્ષની વયે, અગાઉના ત્રણ દાયકામાં આપેલાં ‘સંખ્યાબંધ પ્રવચનો અને લેખોમાંથી ‘સાચવી રાખવા જેવા ફકરાઓ અને લેખો, અહીં સંગ્રહિત કર્યા છે. પુસ્તકનાં ચાર ખંડો (૧) શિક્ષણ, લોકશાહી અને સમાજવાદ (૨) કરવેરા (૩) બંધારણીય સમસ્યાઓ અને (૪) વ્યક્તિઓ, મુત્સદ્દીગીરી અને કાયદોમાં ૧૭ પ્રકરણોનાં કુલ મળી ૬૬ લેખો-લેખાંશો અને વ્યાખ્યાનો છે. ભારતના બંધારણના પ્રથમ ત્રણ શબ્દો રૂપે પુસ્તકનું નામ ‘અમે, ભારતના લોકો’ અને પુસ્તકનું અર્પણ, “મારા દેશબંધુઓને, જેમણે પોતાની જાતને બંધારણ આપ્યું પણ એ જાળવવાની શક્તિ ન આપી; જેમણે એક ઝળહળતો વારસો મેળવ્યો પણ એના લાલનપાલનની સમજણ ન મેળવી, જેઓ ધીરજથી દુઃખ વેઠે છે અને ખમી ખાય છે, પોતાની સંભવિત શક્તિના ખ્યાલ વિના.”માં લેખકનો એકંદર મિજાજ અને પુસ્તકનું વિષયવસ્તુ સ્પષ્ટ થાય છે. નામ યથાર્થ ઠરે છે.