વિજયકુમારને આટલાં વર્ષો બાદ હજી પણ એક જ વિચાર કોરી ખાતો હતો કે …..
"ગામમાં બા બાપુજીનું નાક મારા મોનિટર બનવાથી કઈ રીતે કપાયું હતું કે મને તે દિવસે ઘરે એટલું બધું વઢયાં હતાં? ઘરમાંથી ચાલવા માંડ … એમ કહ્યું ત્યારે તો આમલીના ઝાડ ઉપર ચડીને જોરથી નીચે ભુસ્કો મારીને જાતે જ ખતમ થઇ જવાના ઇરાદે હું ઘરની બહાર તરત નીકળી પણ ગયો હતો. પણ … તેવામાં જ ત્યાં બાજુમાં રહેતી શાંતિ આવી ચઢી. મારી સાથે એ કેટલી વાર સુધી વાતો કરતી જ રહી, મને સમજાવતી જ રહી. શાંતિએ મને તે દિવસે જો સંભાળી જ ન લીધો હોત તો …… !"
ગોરખપુર ગામ ભણી મોટરકાર આગળ ધપતી હતી. વિજયકુમાર ચાલીસ વર્ષ પહેલાંના એના શાળાજીવનમાં ખોવાયા.
એમની શાળાના કર્મચારીઓમાં મુખ્ય શિક્ષક ભીખુભાઇ ઉપરાંત બીજા અગિયાર શિક્ષકો અને કારકુન દેસાઈસર હતા. સફાઈ કામદાર શાંતિ સવારે ચાર બેડાં પાણી ભરતી કરતી, શાળાના બાગની માવજત કરતી અને વિદ્યાર્થીઓની છુટ્ટી થયા બાદ શાળાના બધા જ ઓરડાઓમાંથી કચરો વાળતી. શાળાના ચોગાનમાં પડેલો કચરો રોજ સવારની સમૂહપ્રાર્થના બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકો 'સામૂહિક ઉદ્યમ' વિષય અંતર્ગત સાફ કરતા કરાવતા. બહાર ઓટલા ઉપર સવારે શાંતિ એક ઘંટ લટકાવતી અને સાંજે તેને ઉતારીને પાછો ભીખુભાઇની ઓફિસમાં મૂકી પણ જતી. એની સામેના જ વર્ગની ભીંતે એક ઘડિયાળ લટકતી હતી તેમાં સમય જોઇ તે વર્ગના વિદ્યાર્થીઓ જ ઘંટ વગાડીને પીરિયડ પૂરો થયાની, રીસેસ પડ્યાની કે શાળાસમય શરૂ તેમ જ પૂરો થયો હોવાની જાણ શાળાના તમામ વર્ગને કરતા. તે ઉપરાંત દર સોમવારે બેન્ચ ઉપર ઊભા રહી ચાવી આપી ઘડિયાળને ચાલુ રાખવાનું કામ પણ વિદ્યાર્થીઓ જ સંભાળતા. સામૂહિક ઉદ્યમ દ્વારા સહજીવનનું ઉત્તમ ઉદાહરણ જે.ડી. ચેરિટી સ્કૂલમાં જોવા, શીખવા મળતું.
આ વર્ષના વર્ગમાં ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓનો કાફલો હતો જે જોતાં આ વર્ષનું બોર્ડનું જે.ડી.નું પરિણામ અત્યાર સુધીનાં વર્ષોને મુકાબલે અતિ સુંદર આવવાની ભવિષ્યવાણી તમામ શિક્ષકોએ કરી દીધી હતી. દરેકની મહેનત પણ રંગ લાવી રહી હતી. વિજય, નરોત્તમ, ધીરજ, વિનોદ, મંદા, વિમલા, રશીદા, નવીન જેવાં તમામ પ્રથમ શ્રેણીનાં દાવેદાર હતાં. વિજય તો બોર્ડમાં પણ નામ લાવશે જ એવી વકી તમામ શિક્ષકોએ કરી હતી. અને એની અભ્યાસ ક્ષેત્રે આવી હરણફાળ આગેકૂચ જોઈને જ તો એને વર્ગ મોનિટર પણ બનાવ્યો હતોને? પરંતુ તેવામાં જ….. ગામની એક માત્ર હાઈસ્કૂલના ઇતિહાસમાં એક અસાધારણ બનાવ બની ગયો.
દિવસનો છેલ્લો પીરિયડ તે દિવસે હતો.
'તબિયત સારી ન હોવાને કારણે આજે ટીચર આવ્યા નથી, તો આપણે ગઈકાલે ચલાવેલા પાઠનું વારાફરતી વાંચન કરીએ, ચાલો' વિજય મોનિટરે વર્ગમાં શિક્ષકનું સ્થાન લીધું. વળતો જ વર્ગમાં શોરબકોર ચાલુ થયો.
'હસુ, તું ઊભો થા, પાઠ શરૂ કર,' વિજયે કહ્યું.
'આને ઊભો કરને, મને કહે છે તે', હસુ.
'એના કરતાં ચાલો, કોઈ રમત રમીએ' બીજો બોલ્યો.
'ગાયનની અંતાક્ષરી રમીએ?' ત્રીજો બોલ્યો.
' નવીન, તું પાઠ વાંચ, તમે બધા શાંતિ રાખો, અવાજ ના કરો,' વિજયે બધાને શાંત રહેવા કહ્યું.
‘પણ … એ તો છેક સાંજે આવશેને?'
‘કોણ ….?' એક બોલ્યો.
'શાંતિ, બીજું કોણ?' હસુએ મજાક કરી અને આખો વર્ગ હસી ઊઠ્યો. શોર વધ્યો.
'બધા ચૂપ થઇ જાવને ..' વિજયનો અવાજ ઘોંઘાટમાં દબાયો.
'બેસને ચાપલા.' એક બોલ્યો.
'વિજય ….. વિજય ….. વિજય ….' બે ત્રણ વિદ્યાર્થીઓ ઘોંઘાટ વધારતા હતા.
'તમારે શું જોઈએ છે?' ઊભા થઈને 'વિજય, વિજય' કરતા નગીન, શાંતિલાલ અને બલ્લુને વિજયે પૂછ્યું.
'એકી લાગી છે' બધા કોરસમાં બોલ્યા. અને આખો વર્ગ ફરી હસી ઊઠ્યો. છોકરીઓ પણ હસવું ન જ ખાળી શકી. શરમમાં નીચું જોઈ ગઈ.
'વારાફરતી જવાનું છે, બધાએ સાથે નથી જવાનું. નગીન, તું પહેલા જા'. વિજયે કહ્યું. પરંતુ એ સાંભળ્યું ન સાંભળ્યું કરીને 'જલદી આવીએ, બસ' કહીને ત્રણે જણા એક સાથે જ બહાર ભાગી ગયા. વિજયની ધીરજ હવે ખૂટતી હતી. એનું કહ્યું કોઈ જ માનતું ન હતું.
'સારું જાવ, મારે …. શું ….' કંટાળેલ વિજય બોલ્યો.
'ભારતનું બંધારણ આઝાદી પછી ડોક્ટર ભીમરાવ આંબેડકરે બનાવ્યું ……' નવીને શોરબકોરમાં પાઠ વાંચવો ચાલુ કર્યો.
પણ પાઠમાં કોઈનું જ ધ્યાન ન હતું. બધાની નજર વર્ગની બહાર હતી.
'વિજય, આ બધાને ચૂપ કર ને …' પાઠ વાંચતા નવીન પણ કંટાળ્યો.
'બધા એકદમ ચૂપ થઇ જાવ તો ….. ને … ચોપડી ખોલો, પાઠમાં ધ્યાન આપો' વિજય બોલતો રહ્યો અને વર્ગમાં શોર વધતો જ રહ્યો.
બહાર નીકળીને નગીન, બલ્લુ અને શાંતિલાલે મસલત કરી લીધી. શાળા છૂટવાને હજી ખાસ્સા અડધા કલાકની વાર હતી.
જમણી તરફના અન્ય વર્ગો તરફ ધીમે પગલે શાંતિલાલ વળ્યો અને દીવાલ પાછળથી ડોકું કાઢી કોરીડોરમાં નજર કરી. કોરિડોરમાં કોઈ હતું નહીં. અંગૂઠો ઊંચો કરીને એણે બલ્લુને ઈશારો કર્યો. ચોરપગલે નગીન ડાબી તરફના બીજા વર્ગોની દીવાલ તરફ લપાયો. ત્યાં કોરીડોરમાં બે વિદ્યાર્થી પગના અંગૂઠા પકડી વાંકા વળી ધમાલ કરવાની સજા ભોગવતા હતા. એ સિવાય બીજું કોઈ જ ત્યાં ન હતું. નગીને બલ્લુને બંને હાથના અંગૂઠા બતાવી રસ્તો સાફ હોવાનું ઈશારે જણાવ્યું એટલે તરત જ બલ્લુએ ઘંટ વગાડ્યો ટન ટન ટન ટન ટન ટન …….
ઘંટ સાંભળતાં જ તમામ વર્ગો ચપોચપ ખાલી થઇ ગયા ! શિક્ષકો અવાચક થઇ ગયા … !!! વિજયના તો મોતિયા જ એકદમ મરી ગયા !!! એના માથે તો માનો સાત આસમાન એકસામટા આવી પડ્યા !!!
'કોણે ઘંટ વગાડ્યો …?' દફતર લઈને દોડી જતા એકને એક વર્ગશિક્ષકે પૂછ્યું.
'વિજયે વગડાવ્યો ….' કહેતા બલ્લુને બીજા વિદ્યાર્થીઓ સાથે શાળાની બહાર દોડી જતો ભીખુસરે પણ જોયો, સાંભળ્યો.
ભીખુભાઇ સહિત તમામ શિક્ષકો ઘડિયાળવાળા વર્ગમાં દોડી આવ્યા. એ ઘડિયાળમાં તો હજી ચાર જ વાગ્યા હતા ! ઘંટ અડધા કલાક પહેલા જ વાગી ગયો?
એક સાથે બધા ટીચરોને ત્યાં આવેલા જોઈને વિજય ગભરાઈ જ ગયો. એ રડવા જ માંડયો, 'મેં કશું નથી કર્યું ….' એ રડતા રડતા કહેતો હતો. ટીચરો એકબીજાંની સામે આશ્ચર્યથી જોતાં હતાં. શાંતિ પણ ત્યાં દોડી આવી.
શિક્ષકોમાં અંદરોઅંદર વાતો થવા માંડી. ભીખુમાસ્તર વિજય પાસે આવ્યા, એના બરડે હાથ મુક્યો. પાણી લઇ આવવા એમણે શાંતિને ઈશારો કર્યો.
વિજય હજી હીબકે હતો. 'હવે મને કોઈ ભણાવશે નહીં, મારુ ભણવાનું પૂરું થયું. શાળામાંથી મને કાઢી મુકશે, બા બાપુજી પણ સજા કરશે, બધા વિદ્યાર્થીઓ મને ચીડવશે …. મારું ભવિષ્ય જ ખલાસ ……' એવા એવા વિચારઅશ્વો વિજયના મનમાં જેમ જેમ દોડતા હતા તેમ તેમ એ વધુ હીબકા ભરતો હતો, 'મેં કશું નથી કર્યું ….' 'મેં કશું નથી કર્યું ….'
શાંતિએ વિજયને પાણી આપ્યું, બેસાડ્યો. ભીખુભાઈએ બધાને બહાર જવા ઈશારો કર્યો. વર્ગમાં પોતાની સાથે ફક્ત મોટા સાહેબ જ હતા, બીજા કોઈ સર ત્યાં ન હતા ત્યારે હિંમત ભેગી કરીને વિજયે બધી વાત રડતા રડતા મોટા સાહેબને કરી જ દીધી. ભીખુભાઈએ જરાપણ રોક્યા વગર એને બોલવા જ દીધો. નગીનને એકલાને એકી માટે જવાની રજા આપી હતી તે છતાં એને ન ગણકારીને બલ્લુ અને શાંતિલાલ પણ એની સાથે જ બહાર ગયા હોવાની વાત એણે મોટા સાહેબને કરી જ દીધી, પછી ઉમેર્યું, 'મેં એમને ઘંટ વગાડવાનું કહ્યું ન હતું, સાહેબ, હું સાચું કહું છું.' એટલું કહેતાં તો એને ફરી ડૂમો ભરાયો. ભીખુભાઈએ એના ખભે હાથ ફેરવતા કહ્યું, 'ગભરાઈશ નહીં, હું છું, જા હવે ઘરે જા.'
'વિજયને કશું પૂછશો કે કહેશો નહીં. એની સાથે રાબેતા મુજબનો સ્નેહ વ્યવહાર જ કરજો.' ભીખુસાહેબે વિજયના માતાપિતા ત્રિભુવનદાસ અને આનંદીબહેનને એવો સંદેશો મોકલી દીધો.
'એક વાત કહું, સાહેબ? ઘંટ વગાડતા મેં બલ્લુને જોયો હતો.' શાંતિએ મોટાસાહેબને કહી જ દીધું.
‘હં …' કહી ભીખુસાહેબે ઓફિસ તરફ પગ વાળ્યા.
બધા વર્ગની સફાઈ થઇ ગયા બાદ ચાવી ભીખુસાહેબને સોંપીને શાંતિ શાળામાંથી ઘરે જવા નીકળી કે તરત જ આજના બનાવની ચર્ચા કરવા શાળામાં શિક્ષકોની સભા મળી.
ભીખુસાહેબનો સંદેશો લઈને સાઇકલ પર નીકળેલા દેસાઈસરને ત્રિભોવનદાસ શાળાની બહાર જ મળી ગયા. એમને બનેલી વાતોથી વાકેફ કરી દેસાઈસરે ભીખુસાહેબનો સંદેશો જણાવ્યો. આ બનાવની વાત સાંભળીને ત્રિભોવનદાસની તો નસો જ ફૂલી ગઈ. 'આવવા દે એને ઘરે આજે …' એ મનમાં બબડ્યા અને બધાં કામ છોડીને મક્કમ પગલે એ તરત ઘર તરફ જ વળ્યા.
એક જવાબદાર મુખ્ય શિક્ષક તરીકે ભીખુસરે શાળામાં શિક્ષકો સાથે મસલત કરીને આજના બનાવ સંબંધી વધુ સૂક્ષ્મ તપાસચક્રો પણ ગતિમાન કરી દીધા.
અંધારું થવા આવ્યું હતું. ચોગાનમાં છોકરાઓના રમવાના અવાજ આવતા હતા. રોટલા ટીપીને શાંતિ ઝૂંપડીની બહાર નીકળી. હાથ ધોયા. ચોગાનની વચોવચ આમલીનું એક તોતિંગ ઝાડ હતું. એ ઝાડ તળે એકલા બેઠેલા સૂનમૂન વિજયને શાંતિએ દૂરથી ઓળખી લીધો. તરત જ વિજય પાસે જઈને એ બેઠી.
* * *
બીજે દિવસે સવારે ઘંટ વાગ્યો અને શાળામાં સર્વધર્મપ્રાર્થના શરૂ થઇ … 'ઇતની શક્તિ હમેં દેના દાતા મનકા વિશ્વાસ કમજોર હો ના …'.
પ્રાર્થના પૂરી થતાં જ ભીખુસર આગળ આવ્યા અને વિજયના પેટમાં ફાળ પડી, 'માર્યા ઠાર.'
બલ્લુ, શાંતિલાલ અને નગીને એકબીજા સામે ત્રાંસી આંખે જોયું.
'કેટલી સુંદર સવાર છે, આજે નહીં?' ભીખુસરે બોલવાની શરૂઆત કરી.
વિદ્યાર્થીઓનો પ્રત્યુત્તર ન મળતાં ભીખુસરે આગળ ચલાવ્યું, 'ખેર, મને તો આ સવાર ખૂબ સુંદર લાગે છે અને હું આ સુંદર સવારને એક આનંદમય દિવસ બનાવવા માગું છું. મને સાથ આપશો તમે સહુ?' ભીખુસરે વિદ્યાર્થીઓને બીજો સવાલ કર્યો.
'હા સર' થોડા જવાબો આવ્યા.
'સુંદર સવાર પછી આખા દિવસને આનંદમય કેવી રીતે કરાય એ કોઈને ખબર છે?' વળી ત્રીજો સવાલ વિદ્યાર્થીઓને થયો.
'ના સર' થોડા અવાજો આવ્યા.
બલ્લુ, શાંતિલાલ, નગીન, વિજય કે ગઈકાલના બનાવના તમામ સાક્ષી વિદ્યાર્થીઓ ભીખુસરની વાતો ભેદી લાગતી હતી. મોટી વીજળી ત્રાટકવાની છે એ આશંકાએ વિજયની છાતીના ધબકારા ખૂબ વધી ગયા. બલ્લુ, શાંતિલાલ અને નગીનના શ્વાસો પણ કોઈ અજ્ઞાત ભયથી જાણે થંભી જ ગયા. કશું સમજાતું ન હતું.
'મૂળ વાત ઉપર જ આવું.' ભીખુસરે વાત આગળ ધપાવી. વિદ્યાર્થીઓ ભીખુસરને ધ્યાનથી સાંભળતા હતા.
'ગઈ કાલે સવાર આપણા સહુને માટે એક ખૂબ સુંદર સવાર ઊગી હતી પરંતુ ત્યારબાદ જે બનાવ બન્યો એ માટે જવાબદાર કોણ ? સુધાટીચરની બીમારી? સુધાટીચર પોતે? વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરનાર વિજય? ભીંત પર લટકતી પેલી ઘડિયાળ? ઘંટ વગાડનાર? એને સાથ દેનાર કે પછી ઘંટ સાંભળીને દફ્તર ઉપાડી ઘરે દોડી જતા વિદ્યાર્થીઓને ન રોકનાર શિક્ષકો?'
એટલું કહી ભીખુસર થોડું રોકાયા. વિદ્યાર્થીઓ સામે જોયું.
ભીખુસરના સવાલોને એક પણ વિદ્યાર્થીનો જવાબ મળ્યો નહીં એટલે ભીખુસરે એમની વાત આગળ ચલાવી, 'સુધાટીચરની બીમારી યોગાનુયોગ છે, એક અવસ્થા છે, જે એમનો વાંક નથી, વિજય એક વિદ્યાર્થી છે, અનુભવી શિક્ષક નથી, શિક્ષકની ગેરહાજરીમાં વર્ગમાં વ્યવસ્થા જાળવવાની મહત્ત્વની જવાબદારી નિભાવવા એણે તો સખ્ત પ્રયાસ કર્યો એટલે એ તો અભિનંદનનો પૂરો અધિકારી ગણાય, એટલે દિવસને અસુંદર બનાવવાનું કામ એનું પણ નથી જ, ઘંટ વગાડનાર કે એને સાથ આપનારે પણ દરેક વિદ્યાર્થીનો દિવસ વધુ સુંદર બને તે કાજે જ પ્રયાસ કર્યો હતો એટલે એમને પણ દોષ ન જ દઈ શકાય ….'
આ ખુલાસો સાંભળીને સહુ અવાક જ થઇ ગયા. વિજયના જીવમાં પણ હવે જીવ આવ્યો. બલ્લુ, શાંતિલાલ અને નગીન હજી દિગ્મૂઢ અવસ્થામાં હતા !!!
'હું ખરું કહું છું કે ખોટું ?' ભીખુસરે વિદ્યાર્થીઓને ફરી ઢંઢોળ્યા.
‘ખરું, સર' થોડા બોલ્યા.
બલ્લુ, શાંતિલાલ અને નગીન નીચું જોતા હતા.
'જો આપણને સુંદરતા ગમતી હોય તો સુંદર થવું પડે, સુંદરતા ન છીનવાય, આનંદ જોઈતો હોય તો આનંદ વહેંચવો પડે, આનંદ ન છીનવાય એને દુઃખ ન અપાય. તેવી જ રીતે મિત્ર જોઈતા હોય તો કોઈના મિત્ર થવું પડે, વેર ન થાય. એવો મારો અનુભવ છે. ભૂલ તો બધાથી થાય. પણ ખરી હોશિયારી તો ભૂલને છુપાવવામાં નહીં, પણ ભૂલને કબૂલ કરવામાં જ છે.' એટલું કહી ભીખુસર ફરી થોડું રોકાયા.
સભા ચૂપ હતી. પછી એમણે વાત આગળ ચલાવી, 'અસલ વાત તો એ છે કે મારાથી પણ એક ભૂલ થઇ છે. વ્યવસ્થાની જવાબદારી સંપૂર્ણ મારી હતી. ગઈ કાલનો બનાવ અવ્યવસ્થાને કારણે જ બન્યો. જેનો હું તમારા બધા આગળ સ્વીકાર અને અફસોસ જાહેર કરું છું. પરંતુ હવેથી મોનિટરના ભરોસે કોઈપણ વર્ગ નહીં જ મુકાય એની હું બાંહેધરી આપું છું. 'મારે સુંદર થવું છે, સુંદરતા વહેંચવી છે, છીનવી લેવી નથી.' એટલું કહી ભીખુસરે બને હાથ ઉપર કર્યા.
વિદ્યાર્થીઓએ એમને પ્રચંડ તાળીઓથી વધાવી લીધા.
વિદ્યાર્થીઓ સહિત તમામ શિક્ષકો પણ એમની આ કબૂલાતથી હલબલી જ ગયા. ત્યાં જ ……
'ના, સર, ભૂલ તમારી નથી જ પરંતુ મારા એકલાની છે. મને જ ઘંટ વગાડી દેવાનો આવો કુવિચાર આવ્યો હતો' કહી, બલ્લુ ધ્રુસકે ધ્રુસકે ઊભો થઈ રડવા માંડ્યો, 'હું જ ખોટે ખોટું બોલ્યો હતો કે વિજયે ઘંટ વગાડવા કહ્યું. નગીન અને શાંતિલાલને પણ મેં જ સાથ દેવા સમજાવ્યા હતા.'
બધાની નજર તે તરફ વળી.
ભીખુસર પછી બલ્લુ પાસે આવ્યા અને બલ્લુને ભેટી 'મારો પ્રયાસ ફળ્યો’, એમ મનોમન બોલ્યા.
પછી તો શાંતિલાલ અને નગીનને પણ પસ્તાવો થતાં બંનેએ બધાંની માફી માંગી.
જીવનપાઠો શીખવવાની સ્વથી શરૂ થતી ભીખુસરની અજબની રીતે આજનો દિવસ પણ વધુ સુંદર બની ગયો.
ભીખુસરના આ સઘળી છણાવટ પછી તો વિજયનો ચહેરો એકદમ ખીલી જ ઊઠ્યો.
ભીખુસરે બધા વિદ્યાર્થીઓને સુંદર રીતે સમજાવી દીધું હતું કે પહેલાં તો સુંદરતાને, સારી વાતોને દિલથી સ્વીકારવી જોઈએ. એના સંવર્ધનમાં કચાશનો અંશમાત્ર પણ ન હોવો ઘટે એને અસુંદર કરનારી તમામ બાબતોને દૂર કરવી જોઈએ. ત્રીજી અને અતિ મહત્ત્વની વાત એ કે એવી બાબતો પાછળ કારણભૂત થયા હોઈએ તો તે માટે વહેલામાં વહેલી તકે નિખાલસ દિલે કબૂલાત કરી અને અફસોસ પ્રદર્શિત કરી એવી ભૂલ ફરીથી ન કરવા મક્કમતા કેળવવી જોઈએ. તો જ સારી પ્રથાનો, ગુણોનો વિસ્તાર થાય.
વિદ્યાર્થીઓને મન ભીખુસર એક આદર્શ શિક્ષક પુરવાર થયા.
*****
મોટરકાર ગામમાં પ્રવેશી. ખાલપનો હવાડો દેખાતાં જ વિજયકુમારે કારની ગતિ થોડી ધીમી કરી. ઓમજીશેઠની વાડી આવતા જ ફળિયાનું આખું દ્રશ્ય વિજયને યાદ આવી ગયું. મંદિરની ધજા પણ દેખાવા માંડી. મંદિર આગળ કાર એણે ઊભી રાખી. એનું હૈયું ભારી થતું જતું હતું. ફળિયામાં એણે નજર ફેલાવી. 'લક્ષ્મી નિવાસ'ના બીજા ગાળામાં વિજય અને એના માતાપિતા રહેતા. બા બાપુજી ગુજરી ગયાં પછી વિજય મુંબઈ ચાલી ગયો હતો. 'લક્ષ્મી નિવાસ'ની ચાર ગાળાની એ ચાલ આજે ખંડેર બની ગઈ હતી. એની બાજુમાં જ આણંદજી લુહારની ધમણભઠ્ઠી રહેતી હતી, જે હવે પાકું મકાન બની ચૂકી હતી. એની બરાબર સામે જ આવેલું આમલીનું તોતિંગ ઝાડ તો એ કેમ ભૂલે? હજી ય અડીખમ ઊભું હતું અને એની બાજુના વાડામાં શાંતિની ઝૂંપડી જે હવે એક નાનું પણ પાકું મકાન બન્યું હતું ! પગરખાં કાઢી વિજયકુમારે મંદિરમાંપ્રવેશ કર્યો. બાવાજી નવાગંતુકને જોતા રહ્યા.
દર્શન કરી મહારાજને 'જય રામજીકી' કહીને પૂછ્યું, 'આ પેલું દેખાય છે એ તો શાંતિનું ઘર ને?'
મહારાજે હા ભણી એટલે વિજયકુમારે શાંતિના ઘર ભણી જ પગ ઉપાડ્યા.
શાંતિના ઘરનો ઓટલો વિજયકુમારને ખૂબ ઊંચો લાગ્યો. પગથિયાંને અડીને આંખે છાતીએ સ્પર્શ કરી ઓટલો ચડતાં જ એણે બૂમ પાડી, 'અંદર આવું કે?'
'હા, આવોને … કોણ ?' કહેતી શાંતિ ખાટલેથી બેઠી થઇ.
શાંતિને જોતાં જ વિજયનું હૃદય ભરાઈ આવ્યું.
'મને ઓળખ્યો?'
શાંતિ મહેમાનને ઓળખવા મથી ….
'હું વિજય ….' વિજયથી રહેવાયું નહીં.
‘ઓહ … વિજય … તું !!!'
પગે પડવા જતા વિજયને ખભેથી પકડીને શાંતિએ તો બાથમાં જ લઇ લીધો.
ત્યાર પછીની પળો ખૂબ ધન્ય હતી.
શાંતિએ જ તો વિજયને હારી જતાં રોક્યો હતોને?
e.mail : gunvantvaidya@outlook.com