[૧૯ નવેમ્બર ૧૯૨૮ – ૧0 ઑગસ્ટ ૨00૬]
શબ્દના યાત્રી કવિ કાલિદાસ પાસેથી અનહદ મળ્યું. કોઈ અનુપમ શિલ્પકૃતિનું દર્શન કરતાં જ તેના કલાકૌશલથી મન પ્રસન્ન થઈ જાય, પરંતુ તેની પૃષ્ઠભૂમિ-ઇતિહાસ જાણવા શબ્દને આશરે જવું પડે છે. અને એટલે જ કહી શકાય કે શબ્દના શિલ્પીઓ તેમની અમીટ છાપ સદીઓના અમરપટ પર અંકિત કરી જાય છે. જયંતભાઈ પણ કાલિદાસને રટતાં રહ્યા અને વિદ્યાર્થી અવસ્થામાં જ મહાકવિ કાલિદાસની અમરકૃતિ મેઘદૂતનો ગુજરાતીમાં સમશ્લોકી અનુવાદ આપ્યો. પ્રસિદ્ધ મોડો થયો. જગતની અનેક ભાષામાં અગણિત અનુવાદો થયા છે. ગુજરાતી ભાષામાં પણ અનેક અનુવાદો પ્રાપ્ત છે. જયંતભાઈ અત્યંત નમ્રતાથી કહે છે; “હા, આ અનુવાદ સંસ્કૃતપ્રચુર લાગે એવો સંભવ ખરો. મૂળ કૃતિનું ધ્વનિમાધુર્ય સચવાય તેટલું સાચવવા એમ કર્યું છે.” અને વિદ્વાનો અને સુજ્ઞ ભાવકોએ તેને વધાવ્યો-પોંખ્યો. લેખક આપણી પાસે શબ્દ મૂકે છે તે શબ્દો આપણું અંતર પ્રતિબિંબ ઝીલે છે, આ પ્રવહન અન્યના અંતરમાંથી આપણા અંતરમા અનેક અર્થવિન્યાસ સાથે પ્રવેશે છે. અન્ય ભાષામાંથી આપણી માતૃભાષામાં આવતી કૃતિ તેથી દ્વિગુણિત અસર કરે છે. જયંતભાઈનું આ પ્રદાન તેમના સંવેદનતંત્રની ઓળખ છે. તેમણે ભાવકોના સંવેદનને સમૃદ્ધ કરવા અને પોતાની પ્રાપ્તિને વ્યાપ્તિમાં પ્રસરાવવાનો આનંદ પણ લીધો છે. તેમની સ્વભાવગતિ આનંદની જ રહી. તેમની સાથે સંપર્કમાં આવેલ સર્વ એમ જ કહેશે.
જયંતભાઈની શબ્દસાધના તેમના મનાકાશના વિધવિધ રંગોની મનભાવન રંગોળી છે. ‘નિરીક્ષક’ નિમિત્તે લખાયેલાં તેમના લેખો તેમની સામાજિક વિચારયાત્રા છે. આ લેખોના સંગ્રહ ‘શબ્દવેધ’ માટે તેની પ્રસ્તાવનામાં જ કહે છે; “આ લખાયું તે ‘નિરીક્ષક’ને નિમિત્તે.****એટલે આપદધર્મ રૂપે લખવું જ પડે એવી પરિસ્થિતિ રચાઈ ગઈ. એ આપદધર્મ ઈષ્ટ ધર્મ બનતો ગયો ન હોત તો આ લખાણોનો મહોરો, કદાચ, જુદો હોત. એનું ઓશિંગણ, મારે મન, પ્રભાતે ખીલેલાં ફૂલ જેવું સદૈવ તાજગીભર્યું રહેશે.” આ સંગ્રહમાં આક્રોશ છે, સામાજિક દર્શન છે, રાજનીતિના અવળવહેણ પર પ્રહારો છે, પર્યાવરણ અંગેની ખેવના અને વિચારોનો રણકારો છે. સૌથી અગત્યનું એ કે આદર્શની વાતો સાથે ઉકેલ માટે સ્પષ્ટ દર્શન પણ છે. આ લેખોને તેઓ લલિતનિબંધો કહેતાં નથી પરંતુ તેનું ભાષાકર્મ લલિત જ છે. લલિત સાહિત્ય તરફનો તેમનો લગાવ રહ્યો છે. આ લગાવ તેમના છૂટક લેખો, પ્રવચનોમાં અને પ્રકાશનોમાં પુરવાર થયો છે. ભોગીલાલ સાંડેસરાનો આ અભિપ્રાય તેની પુષ્ટિ કરે છે; “વિચારોની સુસ્પષ્ટ, નિખાલસ પણ કંઈક વક્રોક્તિયુક્ત અભિવ્યક્તિ પણ પત્રકારિતા શબ્દાળુતા મુદ્દલ નહિ, સાહિત્યરંગ, સક્રિય રાજકારણની પૂરી સમજ – એમ વિવિધ દૃષ્ટિએ તમારા લેખો અદ્વિતીય લાગે છે.”
‘સ્મરણો ભીનાં ભીનાં” એકત્રીશ વ્યક્તિ ચિત્રોનું પુસ્તક છે. મૂર્ધન્ય સાહિત્યકાર સ્વ. લાભશંકર ઠાકર આને શુદ્ધ ભાવચિત્રો કહે છે. વધુમાં તેઓ આ ભાવચિત્રો માટે કહે છે; “વાર્તાના સ્વરૂપ સુધી પહોંચી જતી ભાવાત્મક-કલાત્મક સર્જનાત્મકનો અનુભવ થાય છે. ****વ્યક્તિસાપેક્ષ ભાવક્ષણોની ચિત્રાત્મકતા અને નાટ્યાત્મક અનુભવ સર્જકતાનો પરચો બતાવી રહે છે.”
જયંતભાઈની કલમની જેમ એમની સંસ્કારદીપ્ત સુઘડ વ્યક્તિતાના ઉઘાડની વાત કરતા ચંદ્રકાંત શેઠ જયંતભાઈના કાવ્યસંગ્રહ ‘આમ્રમંજરી’ને આવકાર આપતાં કહે છે; “સંસારવ્યવહાર ને સમાજહિતના જાતભાતના કામ કરતાંયે એમના ચિત્તનું અનુસંધાન કવિતા સાથે તો સતત રહ્યું જ.” વધુમાં આ કાવ્યસંગ્રહ “જીવન અને જગત પ્રત્યેનો આસ્થા અને આસ્તિકતામૂલક અભિગમ, રાષ્ટ્રીયતા ને માનવતા માટેની પ્રતિબદ્ધતા, સ્વાતંત્ર્યલક્ષી ને સંસ્કારનિષ્ઠ મૂલ્યભાવના, માનવચેતનાના સનાતન ને સાંપ્રત આવિષ્કારો પ્રત્યેની સંવેદનશીલતા-આ સર્વનું ઝલકદર્શન કરાવતો આ કાવ્યસંગ્રહ જયંતભાઈની સૌંદર્યપ્રીતિ ને સંસકારપ્રીતિનો, એમની રસિકતા ને સર્જકતાનો આહ્લાદક અંદાજ આપતો આ દસ્તાવેજ છે.” જયંતભાઈની સાહિત્યયાત્રાના દરેક સોપાનો પર પહોંચવું આ લઘુલેખ દ્વારા શક્ય નથી, પરંતુ શબ્દપથના આ મહાભાગ વ્યક્તિને આપણે માપવા નથી પરંતુ માણવા છે.
સામાન્યત: કૃતિ તરફથી કર્તાની ઓળખ મળતી હોય છે. એમનું પુસ્તક “ગાંધી મહાપદના યાત્રી” તેમના ગાંધીજી પરના બે વ્યાખ્યાનોનું સંવર્ધિત રૂપ છે. તેમાં તેઓનું આ નિવેદન ધ્યાનાર્હ છે. “… એમ કરવા જતાં ગાંધીજીના ખોળિયામાંથી પસાર થવાનું બન્યું અને એક તીર્થયાત્રાનું પુણ્ય મળ્યું.” વધુમાં તેઓ કહે છે; “ગાંધીને મહાત્મા બનાવનારાં પરિબળોની વાત કરવાની હોય તેનો રોમાંચ આ ક્ષણે પણ અનુભવાય છે.” આ બન્ને કથનોનો સંદર્ભ સમજવા જેવો છે. સર્જક ગાંધીજીની આંતરચેતનામાં પ્રવેશ અને તેના અકથ્ય આનંદની વાત કરે છે. આ સરળ નથી સ્વયંના સંવેદનાતંત્રને મહાત્મા બનાવનાર સંદર્ભોમાં ઓતપ્રોત કરી તેના તત્ત્વ સુધી પહોંચી ચેતોવિસ્તાર કરી અને ઊંચાઈએ સ્થિત થવાના પ્રયત્નની વાત છે.
અંતમાં, જયંતભાઈને પાંચ મિનિટની વાચનામાં સમાવવાનું મારું ગજુ નથી. જયંતભાઈના જ શબ્દોમાં કહું તો “દરેક માણસ પોતાની ઊંચાઈ પ્રમાણે અન્યને માપતો હોય છે.” આ શાશ્વત સ્નેહના યાત્રીને વંદન સાથે વિરમું છું.
૧૪.૧૨.૨૦૨૦
સૌજન્ય : કનુભાઈ સૂચકની ફેઇસબૂક દીવાલેથી સાદર