બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી. અંતરીક્ષમાં નભોમંડળ રચ્યું, સૂર્યમાળાના ગ્રહો તરતા મુક્યા. કાળક્રમે પૃથ્વીનો જન્મ થયો જેમાં પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને આકાશ એ પંચમહાભૂતના અસ્તિત્વને પરિણામે અન્ય જીવસૃષ્ટિ પ્રગટ થઈ. જળચર, ખેચર અને ભૂચર પ્રાણી યોનીઓ મા ધરતીનો ખોળો ખુંદવા લાગ્યાં અને ઉત્ક્રાંતિનાં ચરમ ચરણે માનવ જાતની વ્યુત્પત્તિ થઈ.
માનવ જાત બાલ્યાવસ્થામાં હતી ત્યારે એને પોતે કોણ છે, ક્યાંથી આવ્યો, જીવનનો શો હેતુ છે, પ્રકૃતિનું શું રહસ્ય છે, કુદરત સાથે અને તમામ જીવસૃષ્ટિ સાથે કેમ વર્તવું એ વિષે જિજ્ઞાસા જાગી. તેવે ટાણે ભગવાને કેટલાક ઉત્કૃષ્ટ કોટિના માનવોને અદ્દભુત અાંતરદૃષ્ટિ આપી અને તેના બધા સવાલોના જવાબ આપવા ઉપરાંત મનુષ્યે રચેલ નવી સમાજરચનાને સુપેરે ચલાવવા માટે આચાર સંહિતા આપી, જેને દુનિયા આખીના લોકોએ પોતપોતાની ભાષામાં ધર્મ, मज़हब, Religion, Faith વગેરે નામ આપ્યું.
આ તબક્કે ઈશ્વરને થયું કે તેનું કર્તવ્ય પૂરું થયું. હવે પ્રાણી જગતમાં સહુથી વધુ બુદ્ધિ, ભાષા અને સંસ્કૃિત ધરાવતી હોવાને કારણે અન્ય પ્રાણીઓ પર શારીરિક અને માનસિક પ્રભુત્વ ધરાવતી માનવ જાત આ જગતના તમામ જીવો અને પરસ્પરની સાથે હળી મળીને શાંતિથી રહેશે. અને થયું પણ તેમ જ. આજથી પાંચ સાત હજાર વર્ષ પહેલાં દુનિયાની મહા નદીઓને કિનારે અલગ અલગ સંસ્કૃિતઓનો વિકાસ થયો.
ઈત્તફાક પણ કેવો, ચીન, ઈજિપ્ત, મેસોપોટેમિયા, ઇઝરાયેલ, ભારત વગેરે દેશોમાં બસો, પાંચસો અને એક હજાર વર્ષને ગાળે એક પછી એક અવતારી પુરુષો જન્મ્યા. મજાની વાત એ છે કે તેમને ઈશ્વરની કૃપાથી લગભગ એક સરખું દર્શન લાધ્યું. અને એ થયું ધર્મનું પહેલું અંગ. ભગવત ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું એથી સાબિત થાય છે કે ઈશ્વરની લીલા એવી તો અપરંપાર છે કે તેનું પૂર્ણ દર્શન કોઈ દેહધારી માનવને માટે સુલભ નથી. પરંતુ લાઓત્સે, કન્ફ્યુશિયસ, મોઝીસ, બુદ્ધ, જીસસ, મહાવીર, મોહમ્મદ અને જરથુષ્ટ્ર જેવા આર્ષદ્રષ્ટાઓને જે કાંઈ આંશિક અનુભૂતિઓ થઈ તે તેમણે પોતાની આસપાસના સમાજના લોકોને દાખલા, દ્રષ્ટાંતો અને કથાઓના રૂપમાં કહી સંભળાવી. આ કથાઓ ધર્મના બીજા અંગ રૂપે ઉભરી આવી. એ દરેક સંદેશવાહકોએ ભગવાનના જુદા જુદા પાસાઓના ગુણાનુવાદ કર્યા પણ એ બધાના ઉપદેશના ગર્ભમાં સત્યાચરણ કરવું, પ્રેમ કરવો, કરુણા દાખવવી, સમત્વ અને અહિંસાનું પાલન કરવું જેવા નીતિ-વિચારો રહેલા અનુભવાય છે. અને એ નીતિમત્તાના ખ્યાલો બન્યા ધર્મનું ત્રીજું અંગ. પરમાત્મ દર્શન, ધર્મકથાઓ અને નીતિ-નિયમોમાં વિવિધતા છે પણ સામ્ય પણ એટલું જ જોવા મળે છે અને વિરોધ તો ક્યાં ય દ્રષ્ટિગોચર નથી થતો. આજ કારણસર માનવ જાતને ધર્મ જેવી મૂલ્યવાન ભેટ આપ્યા બદલ ભગવાન ખુશ હતો અને માનવો પણ સુખ ચેનથી રહેતા હતા.
હવે દ્રશ્ય અહીંથી બદલાય છે. અત્યાર સુધી સુખેથી જીવતા અલગ અલગ ધર્માનુયાયીઓ ભગવદ્દ ભજનની જુદી જુદી વિધિઓ – કે જે ધર્મનું ચોથું અંગ છે અને ધર્મ દ્વારા સ્થાપિત ધારા-ધોરણ, નિયમો – કે જે ધર્મનું પાંચમું અંગ છે એ મુદ્દે પરસ્પર વાદ વિવાદ થવાથી બાખડવા લાગ્યા. કોઈ પગ ઉલટા વાળે, કોઈ પલાંઠી મારે, કોઈ ઊભા ઊભા ભજે, કોઈ પ્યુ પર બેસીને ધ્યાન ધરે, કોઈ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરે પણ સહુ છેવટ તો ભગવાનને ભજતા હોય છે. કોઈ સ્કાર્ફ બાંધે, કોઈ પાઘડી બાંધે, કોઈ માથે ઓઢે, કોઈ સ્કલ કેપ પહેરે, કોઈ માથે ગોળ ટોપી પહેરે પણ એ બધાને મન સર્વશક્તિમાન પ્રત્યે આદર બતાવવાની જ ભાવના હોય છે. કોઈનું પૂજાગૃહ ચર્ચના નામે ઓળખાય, કોઈનું મંદિર કે મસ્જિદ તરીકે પંકાય, કોઈ સીનેગોગમાં ઈશ્વર ખોળે તો વળી કોઈ ગુરુદ્વારામાં ભગવાનના ગુણગાન ગાય, અંતે તો તમામ શ્રદ્ધાળુઓ પરમ કૃપાળુ સાથે અનુસંધાન કરવા માંગે છે. અને મજાની વાત તો એ છે કે હિબ્રુ, સંસ્કૃત, ઈંગ્લિશ, અરેબીક, પાલી કે પંજાબી ભાષામાં ગવાતાં ભક્તિ ગીતોનું કોઈ ભાષાંતર કરી આપે તો એમના અર્થ અને ભાવમાં એટલું તો સામ્ય ભાસે કે ‘અમે પણ અમારી ભાષામાં આ જ મતલબનું ગાઈએ છીએ’ એમ કહ્યા વિના ન રહી શકાય.
પણ તો પછી સવાલ એ ઊઠે કે તો આવી બાહ્ય બાબતો માટે ઝઘડો શાને? જેમ દરેક દેશના કાયદાઓ જે તે પ્રદેશના જીવન, વ્યાપાર, સંસ્કૃિત અને આર્થિક નીતિ-નિયમો પર આધારિત હોય છે અને તેમાં સમય બદલાય ત્યારે સુધારા વધારા થતા રહે છે તેમ જ જો કોઈ ધર્મ સંસ્થાને પોતાના અનુયાયીઓને આચાર સંહિતા કે ધારા-ધોરણો આપવા હોય તો એ જે તે દેશના કાનૂનથી વિરુદ્ધ ન હોય અને સમય-સ્થળને અનુરૂપ હોય તે જોવાની કાળજી કરે તો જ તેનું પાલન શક્ય બને. ક્રિશ્ચિયન કેનન લો હોય, હિન્દુઓનો મનુસ્મૃિતમાં પ્રબોધેલો નિયમ હોય કે ઇસ્લામનો શારિયા લો એ બધાને માનવ અધિકારના ત્રાજવે તોળીને માન્ય રાખી તેનું સમતાથી પાલન આવશ્યક બને, નહીં તો એ ફાયદા કરતાં નુકસાન કરનારા વધુ સાબિત થાય અને હાલ એવી જ સ્થિતિ પ્રવર્તે છે.
ઉપરવાળાએ જયારે ધર્મ સ્થાપનાને પગલે પગલે વાડાબંધી થયેલી જોઈ, પંથો બનેલા જોયા અને તેમાં પણ અસંખ્ય ફાંટા પડેલા જોયા ત્યારે તેના દુઃખનો પાર ન રહ્યો. તેણે એક સંશોધન હાથ ધર્યું. દુનિયામાં પ્રવર્તમાન છ મુખ્ય ધર્મ છે, દરેકમાંથી સો સો અનુયાયીઓને એમણે એકઠા કર્યા. પ્રેમથી સહુને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા પછી દરેકની આંખમાં આંખ પરોવીને પૂછ્યું, દરેક ધર્મના મહાપુરુષોને થયેલ આત્મ દર્શન માટે તમને કોઈ વાંધો છે? સહુએ કહ્યું, બિલકુલ નહીં કેમ કે તેમાં તો માની ન શકાય તેટલું સામ્ય છે. તો પછી એક બીજાની ધર્મકથાઓ અને નીતિ-વિચારોનો વિરોધ કરો છો? તમામે તમામ એકી અવાજે બોલી ઉઠ્યા, ‘હરગીઝ નહીં, અમે તો એવી કથાઓ અને નીતિ-વિચારોની આપ-લે કરીને પોતપોતાના ધર્મના અનુયાયીઓને વૈવિધ્યભર્યો અનુભવ કરાવ્યો.’ હવે ઈશ્વરની ધીરજ ખૂટી અને અવાજમાં પ્રગટ થતી નિરાશાને છુપાવી બને તેટલા કરુણા સભર સ્વરે કહ્યું, ‘મારા વહાલા સંતાનો, તો પછી ઉપાસના પદ્ધતિ અને ધારા-ધોરણોના નામ માત્રના તફાવતોને કારણે આવો માનવ સંહાર શા કારણે કરો છો? આવી અસહિષ્ણુતાને કારણે ધર્મના પહેલાં ત્રણ મુખ્ય અંગો કપાઈ રહ્યાં છે. તમારામાંથી કયા ધર્મના અનુયાયીઓએ ધર્મને નામે હિંસા આચરવાનું દુષ્કૃત્ય નથી કર્યું એ કહેશો?’
કરુણામય ઈશ્વરના આ પ્રશ્નનો કોઈ પાસે જવાબ નહોતો. પોતાની અત્યંત પ્યારી માનવ જાતને જે ભગવાને ધર્મની પ્રેરણા આપેલી તેમણે ગહન વિચારને અંતે માનવ જાતના આવા અવિચારી કૃત્ય બદલ શિક્ષા કરવા ફેસલો આપ્યો, ‘માનવ જાતને ધર્મ જેવી ઉત્કૃષ્ટ વિભાવનાની બક્ષીસ આપીને મેં ભૂલ કરી છે તેમ લાગે છે. હાલ પૂરતું હું એ ધર્મ ભાવના તમારા સંતાનો પાસેથી પાછી લઇ લઉં છું. જયારે ધર્મના પાછલાં બે પરિબળોને નામે પરસ્પર વિખવાદ, નફરત, ધિક્કાર અને સંહારની વૃત્તિ ત્યાગી એકમેકના ધર્મના મૂળ તત્ત્વોને સમજવાની કોશિશ કરશો ત્યારે તમને પ્રેમથી નવો ધર્મ આપીશ.’
e.mail : 71abuch@gmail.com