આજે ૬ સપ્ટેમ્બર, સુરેશ જોષીની પુણ્યતિથિ. મિત્રો માટે એમને વિશેનાં મારાં કેટલાંક બીજાં સ્મરણો પુન:પ્રકાશિત કરું છું :
એમના વિદ્યાર્થી તરીકે વર્ગ ઉપરાન્તનાં બે સ્થળો મને ખાસ યાદ છે : એક, ભોગીલાલ ગાંધીને ત્યાંની દર ગુરુવારની બેઠકો. એમાં સુરેશભાઈ રિલ્કે કે કાફ્કા વગેરેમાંથી કશુંક વાંચે ને પછી મિત્રો ચર્ચાએ ચડે. પ્રબોધ ચૉક્સીએ પશ્ચિમનું ઘણું વાંચ્યું હશે તે ટક્કર ઝીલતા એવું યાદ છે. ભૂદાન પ્રવૃત્તિ-કેન્દ્રી એમના ‘ક્ષિતિજ’-માં સુરેશભાઈ લખતા ને પછી એ ‘ક્ષિતિજ’ સાહિત્યનું અને વિશ્વસાહિત્યની વાતો કરતું સામયિક બની ગયું. ગુજરાતી સામયિકોના ઇતિહાસમાં ‘ક્ષિતિજ’ એક પ્રકરણ માગી લે એટલું સમૃદ્ધ થયેલું – આપણે જાણીએ છીએ.
બીજું સ્થળ તે, સલાટવાળાનું – થીઓસૉફિકલ સોસાયટી. દર શુક્રવારે સુરેશભાઈ ત્યાં વાર્તાલાપ આપતા. આમ તો, અઠવાડિયા દરમ્યાન પોતે જે વાંચ્યું-વિચાર્યું હોય તેની વાતો, પણ ખૂબ પ્રેરણા મળતી. મને એવું યાદ છે કે કામૂના અવસાનથી વ્યથિત હતા ને કામૂ વિશે ખૂબ સરસ બોલેલા.
મને એમની ‘માનવીનાં મન’ કૉલમ બહુ ગમતી. મને ગમેલો મુદ્દો હું એમને પોસ્ટકાર્ડ લખીને પ્હૉંચાડતો. મારો ઍમ.એ.માં ફર્સ્ટ ક્લાસ આવેલો. મેં એમને જણાવેલું તો તરત મને પોસ્ટકાર્ડમાં અભિનન્દન લખેલાં પણ એમ પણ લખેલું – કે પીએચડીની ઉતાવળ ન કરતો. મેં ઘણાં વરસો લગી ઉતાવળ નહીં કરેલી. મને સાલ બરાબર યાદ નથી પણ હું ‘ઉદ્ધવસંદેશને લગતાં કાવ્યો’ પર પીએચડી કરવા નીકળેલો, પણ તરત જ પાછો નીકળી ગયેલો.
૧૯૭૨-૭૩ દરમ્યાન મને કોઈ ધન્ય ક્ષણે સૂઝી ગયેલું કે મારે સુરેશભાઈની સૃષ્ટિ વિશે જ પીએચડી કરવું જોઈએ. પણ વિચિત્રતા એવી કે એમને વિષય તરીકે સ્વીકારવા કોઈ માર્ગદર્શક ‘હા’ પાડે જ નહીં. નામ નથી આપતો પણ એ પ્રખર વિદ્વાને આશ્ચર્યથી કહેલું કે સુરેશ જોષી પર? એમને માટે રાહ જોવી જોઈએ. મેં કહેલું, સર, મારે રાહ નથી જોવી. તો હસીને ક્હૅ, ભલે ભલે …છેવટે, ગુજરાત વિદ્યાપીઠમાં મોહનભાઈ પટેલે હા પાડેલી. મને ચાર વર્ષ લાગેલાં. રોજ રાતે ૮થી ૨ મચી પડતો. રાધેશ્યામ શર્માએ એક ટૅબ્લેટ બતાવેલી જેથી ઉજાગરો ઉજાગરો ન લાગે ને મૉડી રાત લગી સ્વસ્થ રહી શકાય.
હમેશાં સાદાં કપડાંમાં હોય. એક વાર ગાંધીનગર ટાઉનહૉલમાં વ્યાખ્યાન હતું તે ઝભ્ભામાં હતા. ક્યારેક પાન ખાતા. કોઈ વાર હાથમાં નાનું ફૂલ હોય. એક વાર જયન્ત પારેખે એમને લાલ રંગનું ઝીણી કાળી ચૉકડીવાળું ખમીસ સાગ્રહ ભેટ કરીને પ્હૅરાવેલું. હસતા’તા. આમ બાળસહજ પણ ક્યારેક ગુસ્સામાં વાણી જોશમાં આવી ગઈ હોય.
એક વાર કોઈએ ‘ઊહાપોહ’ પોસ્ટ કરવાનું માથે લીધેલું ને સમજ્યા વગર મોટી રકમની ટિકિટો ચૉડી આવેલો, સુરેશભાઈ ગુસ્સે થઈ ગયેલા. એ પછી એ જણ ફરક્યો જ નથી. પણ તમને કહું, જે વ્યક્તિ એમના સ્વભાવથી તો ઠીક પણ લખાણથી ભડકીને ભાગી ગઈ તો ગઈ સમજો, પણ પછી જો એ પાછી આવે તો નક્કી કે એ કદી પાછી જશે જ નહીં. એમના શબ્દની મોહિનીને જીરવવા માટે માણસ પાસે હિમ્મત અને સાચી લગન જોઈએ …
+++
થીસિસ પુસ્તક રૂપે તૈયાર થયો એટલે એની એક નકલને રેશમી વસ્ત્રમાં લપેટીને હું અને રશ્મીતા એમને અર્પણ કરવા વડોદરા ગયેલાં. મેં લખેલું : દુનિયાનું એક માત્ર પુસ્તક જે તમારે સાદ્યન્ત વાંચવું રહ્યું : મરક મરક હસતા’તા, પાનાં ફેરવતા’તા. કહે – આખું વાંચીશ, પણ ક્યારે તે નથી કહી શકતો. શીર્ષક તને સારું સૂઝ્યું છે. મેં કહેલું હા, રોલાં બાર્થનું પણ એક પુસ્તક એમ છે.
જોગાનોજોગ તે દિવસે એક પરિસંવાદ યોજાયેલો. કદાચ સુરેશભાઈ પોતે હેડ થયા એ પછી એમણે જ યોજેલો. તે દિવસે હું એમની જ વાર્તા ‘એક મુલાકાત’ વિશે સંરચનાવાદની રીતે બોલેલો. મેં કહેલું – હસમુખ ત્રિવેદી શ્રીપતરાયની મુલાકાતે જાય છે પણ લેખકે મુલાકાતનો હેતુ નથી દર્શાવ્યો અને એમ પોતાની સર્જકતા માટે જગ્યા બનાવી છે. એ સભામાં કદાચ સાંડેસરાસાહેબ પણ હતા. કોઈ કોઈ મને ક્હૅ, તમને ખબર છે શ્રીપતરાય કોણ છે? અને એ ભાઈએ સાંડેસરા ભણી ઇશારો કરેલો. મને સુરેશભાઈ પૂછે, મુલાકાતનો હેતુ ખરેખર નથી? : મેં કહેલું : હા, તમારા એક સન્નિષ્ઠ વાચક તરીકે કહું છું, ભૂલ કબૂલવા તૈયાર છું … એ દિવસ આમ ધન્યતાનો દિવસ હતો.
+++
અમદાવાદમાં એમના વ્યાખ્યાનને અન્તે અધ્યક્ષે એમ કહેલું કે વિદેશી પુસ્તકો એમને ત્યાં પણ આવે છે. સુરેશભાઈ એ મ્હૅણું સાંભળીને બહુ દુખી થયેલા. મને કહે, અધ્યક્ષના બોલ પછી આપણાથી શું બોલાય …
પણ એ સંદર્ભમાં મેં એક વાર લખેલું કે ગાયો તો બધા ચરાવે છે, દોહીને દૂધ કોણ આપે છે, એનો મહિમા છે.
+++
હું બોડેલી કૉલેજમાં પ્રિન્સિપાલ થયો તે વર્ષે મને એમ કે એમને બોલાવું જ. મને શી મતિ સૂઝી કે વાર્ષિકોત્સવમાં બોલાવ્યા. સારી એવી જાહેરાત કરેલી. સભામણ્ડપમાં લોક સમાય નહીં. મારી અકળામણનો પાર નહીં. મેં કહેલું – સૉરિ, મને આવી ખબર ન્હૉતી. તો ક્હૅ, ચિન્તા છોડ. અને એમણે એવું તો જાદુઈ સંભાષણ આપેલું કે લોક મન્ત્રમુગ્ધ થઈ ગયેલું. બધાં એમને એકચિત્તે સાંભળતાં’તાં. મને જે હાશ થયેલી, ન પૂછો વાત.
+++
હું અમદાવાદમાં ભાષાભવનમાં ૧૯૭૭માં જોડાયેલો. એક વાર મેં એમને વ્યાખ્યાન માટે બોલાવેલા. તે જ દિવસે સવારથી એકાએક જ રિક્ષાવાળાઓ હડતાળ પર ઊતરી ગયા. એમને રેલવે-સ્ટેશને રીસિવ કરવા હું બસમાં પ્હૉંચી ગયેલો. એ જ વાતે ચિત્ત ચોળાતું હતું કે સુરેશભાઈને બસમાં બેસવા શી રીતે કહી શકીશ. મને કહે : હડતાળ છે તો શું થઈ ગયું, બસો તો ચાલુ છે ને ! : મારે ‘હા’ કહેવી પડેલી. એક પણ સીટ ખાલી ન્હૉતી. સામેથી જ બોલેલા – હમણાં કો’ક ઊતરશે. ત્યાંલગી દાંડો પકડીને ઊભેલા. તમે કલ્પી શકો, મારા અપરાધભાવની માત્રા … તે સાંજે ઘરે જમવામાં સાથે ભાયાણીસાહેબને પણ નિમન્ત્રણ આપેલું. રશ્મીતાએ અડદપાક બનાવેલો તે પીરસેલો. ભાયાણીસાહેબ કહે : સુરેશ, સુમનને તો વ્યવસ્થા છે, આ ખાઈને આપણે ક્યાં જશું? : સુરેશભાઈ ભાયાણીની રસવૃત્તિને તીખી નજરે માપી રહેલા …
+++
એક વાર અમે બસમાં દાહોદ જતા’તા. સુરેશભાઈ બારી પાસે બેસેલા. નદી આવે, વૃક્ષો આવે, તે મને પૂછે, જાણે છે, એનું નામ. એકાદ વાર તો મેં ડરતાં ડરતાં કહેલું અને સાચો પડેલો. પણ પછી કહેલું : મને સુરેશભાઈ, પ્લીઝ ના પૂછશો, કશી ખબર નથી : તો કહે, એમ કેમ ચાલે …એક વાર પોરબંદર જવાનું હતું. વડોદરા-સ્ટેશને ટ્રેન આવી, ચિક્કાર ગીરદી હતી, ક્હૅ – ચાલ પાછા, નથી જવું : પણ કાર્યક્રમવાળા રાહ જોશે : તો કહે, એ લોકો મને જાણે છે : હું એમના આવા લાક્ષણિક સ્વભાવ વિશે ટીપ્પણી નથી કરતો, પણ તમે તારવી શકો છો.
+++
હું ‘શબ્દસૃષ્ટિ’-નો પહેલો માનાર્હ તન્ત્રી થયેલો. એ રાજી ન્હૉતા. મને કહે : એ સરકારી તન્ત્રમાં તું શું કરી શકવાનો? : મેં કહેલું : મને મળેલી જગ્યામાં કોઈ ન પ્રવેશે એવી મેં બાંહેધરી મેળવી લીધી છે; ને જે દિવસે દખલ થશે તે દિવસે ચાલુ ગાડીએ ભુસકો મારવાની મારી તૈયારી છે : એ પછી જ્યારે જ્યારે વડોદરા જઉં ત્યારે ત્યારે જરૂર પૂછે, પેલો ભુસકો ક્યારે મારે છે? : અને ઉમાશંકરે ત્યારે જગવેલા સ્વાયત્તતાના મુદ્દે સમર્થનમાં મેં જાહેરમાં લખેલું એનો અકાદમીને વાંધો પડેલો, ને મેં ભુસકો મારેલો ..
+++
આપણા સાહિત્યકારોએ ઉ.જો. સુ.જો. એવી છાવણીઓ કલ્પી લીધી પણ સરખું યુદ્ધ તો કદી કર્યું જ નહીં. ઉમાશંકર વડોદરા ગયા હોય ત્યારે હમેશાં એમને મળ્યા છે. એમના ઇન્ટર્વ્યૂ વખતે કહેલું – તમે માઈલો લગી જશો પણ સુરેશ સમો સાહિત્યકાર મળશે નહીં. સુરેશભાઈના અવસાન વખતે ઉમાશંકર મારે ત્યાં આવેલા, અમદાવાદના ઘરે. કહે, સુમન, ખરખરો કરવા તરત તો ક્યાં જવું …
+++
બધું ઘણું યાદ આવે છે. આવી જ એક સ્મૃતિસભા નીતિન મહેતાએ યોજેલી. મેં ત્યારે કહેલું કે જે લોકોને જ્યાં જ્યાં સુરેશભાઈ અગમ્ય લાગે છે ત્યાં ત્યાં ચૉકડા મારો ને શેષનું અનુધાવન કરો. આજે પણ એ જ કહેવાનું છે. બાકી પુનર્મૂલ્યાંકન તો એ કરી શકે જેને મૂલ્ય શું અંકાયું છે એની ભલા પ્રકારે પતીજ પડી હોય.
+++
માંદગી વધી ગયેલી. વડોદરાની હૉસ્પિટલમાં હતા. અમે બધાં વારાફરતી મળવા ગયેલાં. મને કહે, તું ક્યાં હતો, ડભોઈથી આવ્યો? મેં ડોકું હલાવી હા પાડેલી. બબડવા જેવું બોલેલા : મારી પ્રાણઘાતક વેદનાનું શુ થશે … નડિયાદમાં હરીશ મીનાશ્રુ, ભારતી દલાલ, હું, અમે સૌ અધ્ધરજીવ હતાં. સમાચાર મળતાં, ભાંગી પડેલાં. સ્મશાનમાં મારું રડવું રોક્યું રોકાતું ન્હૉતું, મને રસિકભાઈએ (શાહ) છાતીએ વળગાડીને સાંત્વન આપેલું.
+++
સુરેશભાઈ કલામર્મજ્ઞ તો હતા જ પણ એમના વ્યક્તિત્વની મને પાંચ ઓળખ મળી છે : ૧ : અતિ સંવેદનશીલ. ૨: મેધાવી ચિન્તક. ૩ : વરેશ્યસ રીડર. ૪ : ઉત્તમ અધ્યાપક, અને ૫ : સાત્ત્વિક વિદ્રોહી, વિદ્રોહ તો એમનો સ્વભાવ હતો.
(એમના સાહિત્યવિચાર વિશેનાં મારાં કેટલાંક મન્તવ્યો, કદાચ આવતીકાલે).
= = =
(6 Sep 24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર