(મિત્રો Yagnesh Dave અને Raa Saawajraj Sinh -ની વિનન્તીના માનમાં…)
મેં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એમ.એ. કર્યું છે, ૧૯૬૩-૬૪. સુરેશ જોષી મારા ગુરુ હતા. તેઓને બ્લૅકબૉર્ડ પર લખવાની ટેવ ન્હૉતી, કેમ કે એવી જરૂર ન્હૉતી. પણ પહેલે દિવસે બ્લૅકબૉર્ડ પર, ૧ ૨ ૩ ૪ ૫ કરીને પુસ્તકોનાં નામો લખે, અમે ફટાફટ લખી લઈએ. એટલે પછી, પુસ્તકોની એ યાદી પર તેઓ મથાળું બાંધે – ‘નહીં વાંચવાનાં પુસ્તકોની યાદી’! અમે ખડખડાટ હસી પડીએ. બધા સાહેબો તો વાંચવાનાં પુસ્તકોની યાદી આપે, પણ સુરેશભાઈ ઊંધું કરતા. આ નાનકડું વર્તન પણ એમને deconstrucnist કહેવા પ્રેરે એવું છે. મને આ ક્ષણે કહેવું સૂઝે છે કે ગુજરાતી સાહિત્યની સમગ્ર પરમ્પરાને એમણે એ જ દૃષ્ટિદોરથી ઉથલાવી હતી, તપાસી હતી.
અમે થોડાક મિત્રો એમને ‘સુરેશભાઈ’ કહેતા. સુરેશભાઈ સાચા અર્થમાં પ્રોફેસર હતા. નિયત પુસ્તક ભણાવવાનું હોય તો થોડાંક જ વ્યાખ્યાનોમાં એવી ચાવીઓ આપી દેતા કે એની મદદથી તમે એ પુસ્તકના હાર્દને પામી શકો અને પુસ્તકના કર્તાની શક્તિને ઓળખી શકો. એ વિશે વાત કરવાનું કે લખવાનું તમને એકદમ આવડી જાય.
એમના વ્યંગ ચૉંકાવી દે, પણ હમેશાં હાસ્યથી સમ્મિશ્રિત હોય. કહેતા, મુનશી એક જ નવલકથાના નવલકાર છે. આપણને થાય મુનશીએ તો કેટલી બધી નવલકથાઓ લખી છે ને સાહેબ આમ કેમ કહે છે. પછી સમજાવે કે એમની પાસે બીબું એક છે ને એને વાપર્યા કરે છે. આપણને સમજ પડે કે સાહિત્યમાં બીજાનાં અનુકરણો તો થતાં હોય છે, પણ આમ, સ્વાનુકરણો થાય, તે કેટલું નુક્સાનકારક છે.
ટીખળ કરવાનો એમનો જાણે સ્વભાવ હતો. એક વિદ્યાર્થિની એક વાર વર્ગમાં થોડી મૉડી દાખલ થયેલી, તો કહે, આજે બસ દસ મિનિટ મૉડી પડી લાગે છે. એક વાર કોઈએ બગાસું ખાધેલું, તો કહે, હવે વર્ગમાં બ્રહ્માણ્ડ-દર્શનની પણ જોગવાઈ થઈ ગઈ છે. એમનો રૂમ મોટો નહીં, ને છોકરા-છોકરીઓ રૂબરૂ મળવા આતુર હોય, ભીડ થઈ જતી. સુરેશભાઈ તરત કહે, ઇમોશનલ તો મને સમજાય છે, પણ કોઈને મોશનલ ટ્રબલ હોય તો રોકાતા નહીં. વગેરે ઘણું.
એક પ્રસંગ મને બહુ યાદ રહી ગયો છે. રૂમમાં બીજું કોઈ હતું નહીં. મને સુરેશભાઈ ઠીક ન દેખાયા. મેં પૂછ્યું તો કહે, રિલ્કે વિશે બોલવા જવાનું છે, અંગ્રેજીના પ્રોફેસરો આગળ, એમની ટી-કલ્બમાં, નરવસનેસ ફીલ કરું છું. મને નવાઈ થયેલી. મારાથી પુછાઈ ગયેલું – તમે નરવસ? એ કંઈ બોલ્યા નહીં, એટલે હું પણ ચૂપ થઈ ગયો. સમય થતાં, નીકળ્યા, હું પણ એમની સાથે ગયો. ગુરુએ તે દિવસે રિલ્કે વિશે એટલું સુન્દર વક્તવ્ય કર્યું કે સૌ ચકિત રહી ગયેલા. કશી ભભક વિનાનું સાદું અંગ્રેજી પણ વાતમાં ઘણું જ ઊંડાણ હતું. લાગે કે રિલ્કેની સૃષ્ટિને એમણે કેટલી આત્મસાત કરી છે. પ્રશ્નો પૂછવાને બદલે એ લોકોએ એમનો હર્ષપૂર્વક આભાર માનેલો.
અમે પાછા ફરતા’તા, મેં રસ્તામાં જ કહ્યું – તમે કંઈ નરવસ ન લાગ્યા. તો કહે, પહેલાં નરવસ થવાય એને ગુણ સમજવાનો, તમે ઠરેલા ઠાવકા મશીન નથી, તમારી અંદર કશુંક તમને જરા ડરાવે એ જરૂરી છે, વક્તવ્ય વખતે એ ડર જ શક્તિ બની જાય ને તમે પ્રભાવક વાત કરી શકો. યન્ત્રવત્ સ્વસ્થતા વિરુદ્ધના આ ગુણની વાત સમજતાં મને વાર લાગેલી, પણ પછી સાવ જ ગળે ઊતરી ગયેલી. એટલે તો પછી, મને મારા દરેક વ્યાખ્યાન પૂર્વે આ નરવસ-ગુણ યાદ આવતો, અને નરવસ ન થયો હોઉં તો પણ થવા મથતો, ઍન્ડ સો ઑ ન…
(શિક્ષક-દિવસ)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર