ગયા અઠવાડિયે, સોશિયલ મીડિયા પર ‘મંઝિલ’ ફિલ્મના ગીત ‘રિમઝિમ ગીરે સાવન, સુલગ સુલગ જાયે મન’નો એક વીડિયો ખૂબ વાઈરલ થયો હતો. મુંબઈના એક મધ્ય વયના યુગલ, વંદના અને શૈલેશ ઈનામદારે, એ ગીતને રીક્રીએટ કર્યું હતું. મતલબ કે એ બંને મુંબઈના વરસાદમાં એ તમામ લોકેશન્સ પર પર એ જ રીતે સાથે ફર્યાં હતાં, જે રીતે ફિલ્મમાં અમિતાભ બચ્ચન મૌસમી ચેટરજી ગીત ગાય છે. પછી તેમાં બેકગ્રાઉન્ડમાં એ ગીત મૂકીને તેમણે તેનો વીડિયો અપલોડ કર્યો હતો. એ વીડિયો હજારો લોકોના દિલને સ્પર્શી ગયો હતો. તેમણે એ વીડિયોમાં એવો જ પ્રેમ અને ઉન્મુક્તતા દર્શાવી હતી, જેવી અમિતાભ અને મૌસમીએ અસલી ગીતમાં દર્શાવી હતી.
1979માં આવેલી ફિલ્મ ‘મંઝિલ’નું આ ગીત, હિન્દી સિનેમાનાં સર્વશ્રેષ્ઠ વર્ષા ગીતોમાં સૌથી મોખરે છે. 40 વર્ષથી આ ગીત ભારતની સિનેમા પ્રેમી જનતામાં એટલું જ સદાબહાર રહ્યું છે. દર વર્ષે, વર્ષા ઋતુ આવે, ત્યારે આ ગીતને અલગ-અલગ રીતે, અલગ-અલગ જગ્યાએ લોકો યાદ કરે છે. ગીતના એ શાશ્વત જાદુને કારણે જ પેલા યુગલને એ વિચાર આવ્યો હતો કે ફિલ્મના એ બમ્બૈયા વરસાદમાં અમિતાભ અને મૌસમીને બદલે તેઓ હોય તો કેવું?
આ ગીત કેમ આટલું લોકપ્રિય છે? એનું પહેલું કારણ એ છે (અને એ સૌથી મહત્ત્વનું પણ છે) કે આ ગીત સ્ટુડિયોના નહીં, પરંતુ અસલી વરસાદમાં શૂટ થયું છે. નિર્દેશક બાસુ ચેટરજી ફિલ્મનાં હીરો અજય ચંદ્ર (અમિતાભ) અને અરુણા ખોસલા(મૌસમી)ને મુંબઈનાં જાણીતાં લોકેશન્સ પર ગીત ગાતાં બતાવવા માંગતા હતા, પરંતુ એક જ સેટ પર એ શક્ય નહોતું એટલે છેલ્લી ઘડીએ એવો નિર્ણય લેવાયો હતો કે કલાકારો અને ટેકનિશિયનો અલગ-અલગ લોકેશન્સ પર જશે અને સાચા વરસાદમાં ગીત શૂટ કરશે.
એનાથી આખા ગીતમાં એક પ્રકારની પ્રમાણિકતા આવી. જે લોકો મુંબઈના વરસાદથી પરિચિત છે તેમને ખબર છે કે એ શહેરની મરીન ડ્રાઈવ, ઓવલ મેદાન, વિક્ટોરિયા ટર્મિનસ જેવી લેન્ડમાર્ક જગ્યાઓમાં વરસતા વરસાદનો અનુભવ જાદુઈ હોય છે. જે જગ્યાએ તમે વરસાદને માણ્યો હોય, તે જ જગ્યાએ અમિતાભ અને મૌસમી પલળતાં હોય તે દૃશ્ય ખાસું આત્મીયતા પેદા કરે તેવું છે.
બંને, અમિતાભ અને મૌસમી, તે વખતે બહુ જાણીતાં નહોતાં, એટલે સાર્વજનિક સ્થળોએ શૂટિંગ કરવાનું સરળ પણ પડ્યું હતું. મૌસમી ચેટરજી એક ઇન્ટરવ્યૂમાં કહે છે કે અમિતાભના મોટાભાઈ અજીતાભ એમાં સાથે હતા અને તે બંને કલાકારોને તેમની કારમાં એક જગ્યાએથી બીજી કારમાં લઇ જતા હતા. યુનિટવાળા કહે એટલે બંને કારમાંથી ઉતરે અને ચાલુ કેમેરા સામે વરસતા વરસાદમાં આમ તેમ ફરીને પાછા કારમાં બેસી જાય.
ગીત તો બેકગ્રાઉન્ડમાં વાગતું હતું અને તેમણે હોઠ ફફડવાના નહોતા (એવો ક્લોઝ અપ શક્ય પણ નહતો) એટલે બાસુ ચેટરજી કહ્યું હતું કે તમને ઈચ્છા પડે એ રીતે વરસાદમાં ફરજો, મારે તમારી સહજ અને પ્રાકૃતિક હિલચાલને બતાવવી છે. એટલે તમે જો ધ્યાનથી જુવો તો ખ્યાલ આવે કે ગીતમાં કોઈ સ્ટેપ્સ કે હાવભાવ રિહર્સલ કરેલા નથી. એક સાધારણ બમ્બૈયા યુગલની જેમ, અમિતાભ અને મૌસમી વરસાદની (અને એક બીજાના સંગાથની) મજા માણે છે. ગીતની આ સહજતા તેની લોકપ્રિયતાનું મુખ્ય કારણ.
બીજું કારણ તેનું સંગીત. ફિલ્મમાં આ ગીત બે વાર આવે છે. પહેલીવાર કિશોર કુમારના અવાજમાં અને બીજી વાર લતા મંગેશકરના અવાજમાં. ગાયનની દૃષ્ટિએ આમ તો કિશોર વાળું ગીત વધુ લોકપ્રિય છે, પરંતુ ફિલ્માંકનની દૃષ્ટિ લતા વાળું ગીત લોકો વધુ ‘જુવે’ છે કારણ કે તે વરસાદમાં શૂટ થયું છે.
ફિલ્મ આમ તો આ ગીતથી જ શરૂ થાય છે.
પહેલા જ દૃશ્યમાં મૌસમી અને અજયને એક સૂમસામ ગલીમાં ચાલતાં બતાવ્યાં છે. મૌસમી આગળ અને અમિતાભ પાછળ. બંને તેજ ચાલે છે. મૌસમીને એવી શંકા પડે છે કે કોઈક તેનો પીછો કરી રહ્યું છે, પણ અમિતાભ મોટી મોટી ફલાંગો ભરીને આગળ નીકળી જાય છે, ત્યારે તેને રાહત થાય છે કે આ તો કોઈકને ક્યાંક પહોંચવાની ઉતાવળ હતી! વાસ્તવમાં, બંને એક જ જગ્યાએ જતાં હોય છે, જ્યાં સંગીતની એક મહેફીલમાં અમિતાભ કિશોરના અવાજમાં ‘રિમઝિમ ગિરે સાવન, સુલગ સુલગ જાયે મન’ ગાય છે અને એમાં જ મૌસમી પ્રેમમાં પડે છે.
રાહુલ દેવ બર્મન ઉર્ફે પંચમે બંને ગીતના ઓર્કેસ્ટ્રેશનમાં થોડો તફાવત રાખ્યો હતો. કિશોરનું ગીત શાસ્ત્રીય સંગીતના મૂડમાં છે (ગીતમાં અમિતાભનો ગેટ-અપ પણ લેંઘા-ઝબ્ભા અને કોટીનો છે). તેનું લોકેશન એક ખાનગી મહેફિલનું છે અને અમિતાભ તેને ગાયનના શોખથી જ ગાય છે. પરિણામે આર.ડી.એ ઓછા ઓર્કેસ્ટ્રેશન વચ્ચે તેનો ટેમ્પો થોડો મંદ રાખ્યો હતો. આ વર્ઝનમાં ગીતની કવિતા મહત્ત્વની હતી.
બીજા ગીતનો મૂડ રોમેન્ટિક છે, કારણ કે મૌસમી અમિતાભના પ્રેમમાં છે. તે તેની ખુશીને વ્યક્ત કરવા માંગે છે એટલે ખુલ્લામાં વરસાદમાં ભીંજાય છે. એમાં પણ અમિતાભ મૌસમીની પાછળ જ ચાલે છે! પંચમે એમાં ઓર્કેસ્ટ્રેશન થોડું તેજ રાખ્યું હતું, જે ગીતના ઉત્તેજક મૂડને પૂરક બને. આ વર્ઝનમાં ગીતનું સંગીત મહત્ત્વનું હતું. તમે જો આંખ બંધ કરીને બંને ગીત સંભાળો તો ખ્યાલ આવે કે એક ગીત બંધ વાતવરણમાં ગવાય છે અને બીજું બહાર ખુલ્લામાં.
ત્રીજું કારણ ગીતના શબ્દો છે. મૂળ લખનૌના ગીતકાર યોગેન્દ્ર ગૌડ ઉર્ફે યોગેશે આ ગીત લખ્યું હતું. યોગેશ અને પંચમ’દાએ 10 ફિલ્મોમાં 47 ગીતો બનાવ્યાં હતાં એટલે બંને વચ્ચે સરસ કેમેસ્ટ્રી હતી. એમાં તેમનું આ ‘રિમઝિમ’ સૌથી બ્લોકબસ્ટર સાબિત થયું હતું. એના સંગીતમાં જેટલી સાદગી હતી, તેટલી જ તેના શબ્દોમાં હતી. કિશોરના અવાજમાં યોગેશના આ શબ્દો સાંભળજો (ખાસ કરીને બૂંદે અને મૂંદે):
જબ ઘૂંઘરું સી, બજતી હૈ બૂંદે
અરમાન હમારે, પલકે ના મૂંદે
યોગેશે એમાં હીરો પર ટપકતા વરસાદનું પેઇન્ટિંગ દોર્યું છે; વરસાદનાં ટીપાંમાંથી ઝાંઝરનો અવાજ સાંભળીને મારી ઇચ્છાઓ આંખો પણ બંધ કરી શકતી નથી.
સારેગામાએ ‘મંઝિલ’ ફિલ્મની ઓડિયો રિલીઝ કરી, ત્યારે અમિતાભ બચ્ચને તેમાં કિશોર કુમારના વર્ઝનનો પરિચય આપતાં એક સરસ વાત કરી હતી કે, “દો લબ્ઝ હૈ, તન્હા, અકેલે, લેકિન એક સાથ લિખ દિયેં જાયેં, તો એક દુનિયા, એક કાયનાત, એક તલાશ, એક લમ્હા, એક ખુશી બન સકતે હૈ. આપ આજમાકર દેખ લીજીયે.”
બાસુ ચેટરજીની મોટાભાગની ફિલ્મો(છોટી સી બાત, ચિત્તચોર, રજનીગંધા, પિયા કા ઘર, બાતો બાતો મેં)માં મુંબઈ શહેરની પાર્શ્વભૂમિ હોય છે. એટલે આ ગીતમાં મુંબઈની ભૂમિકા અગત્યની છે. આ ગીત જો મદ્રાસ કે દિલ્હીમાં શૂટ થયું હોત તો તેનો જાદુ ઓસરી ગયો હોત. મોટાં ભાગનાં વર્ષા ગીત શૃંગારિક – અમુક તો બીભસ્ત – બની જાય છે, પણ બાસુ’દાએ ધ્યાન રાખ્યું હતું કે આ ગીત નાનાં-મોટા સૌને એક સરખું સ્પર્શે. ‘મંઝિલ’ ફિલ્મ તો બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી, પણ આ ગીત અમર થઇ ગયું છે.
(પ્રગટ : ‘સુપર હિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 12 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર