Opinion Magazine
Number of visits:
10162508
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શોષણ સામેનો સંઘર્ષ : # MeToo અને # YouToo

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|17 October 2018

દિમાગની રચનામાં હોય એનાં કરતાં પણ વધારે ગડીઓ અને આવરણ સ્ત્રી-પુરુષનાં સંબંધોમાં હોય છે. તેમાં કોઈ સામાન્ય સત્ય તારવવું અથવા કોઈ એકને સદા શોષક કે સદા શોષિત ગણી કાઢવાનું શક્ય નથી. તેમ છતાં, સરેરાશ પ્રમાણે અથવા ઘણા સંગીન અપવાદો ધરાવતા નિયમ તરીકે કહી શકાય કે સ્ત્રીઓનું પુરુષો દ્વારા શોષણ થાય અને તેની પર સતત ઢાંકપિછોડો થયા કરે, સ્ત્રીને ખમીખાવાની કે પતાવટ કરી દેવાની સલાહ આપવામાં આવે એવું ઘણું વધારે બને છે.

અમેરિકામાં થોડાં વર્ષ પહેલાં શરૂ થયેલી # MeToo ઝુંબેશનો આશય સ્ત્રીઓને શોષણ સામે અવાજ ઉઠાવવા પ્રેરવાનો હતો. ભારતમાં પણ આવી ઘડીઓ પહેલાં આવેલી છે અને એકાદ પખવાડિયા પહેલાં નવેસરથી સ્ત્રીઓની ફરિયાદોની શરૂઆત થઈ. અગાઉ પર્યાવરણ અંગેના કામ માટે સામૂહિક રીતે નોબેલ પારિતોષિક મેળવી ચૂકેલા આર.કે. પચૌરી કે મૂલ્યનિષ્ઠ પત્રકારત્વની વાત કરતા ’તહલકા’ના તરુણ તેજપાલ જેવાં નામ જાતીય દુર્વ્યવહાર માટે દોષી ઠર્યાં હતાં.

હમણાં ભારતમાં ટિ્‌વટર પર શરૂ થયેલી # MeToo ઝુંબેશમાં ફિલ્મ, પત્રકારત્વ અને લેખનક્ષેત્રનાં ઘણાં મોટાં નામો સામે આંગળી-ચીંધામણું થયું. તેમાંથી મોટા ભાગના લોકોએ નબળી અને માફીના સાચૂકલા રણકાર વગરની ઔપચારિક માફી માગી, કેટલાકે સાથે પોતાના દુર્વ્યવહાર માટે બહાનાં કાઢ્યાં, નાના પાટેકર જેવાએ આરોપોનો સાફ ઇન્કાર કર્યો, વરુણ ગ્રોવરે પોતાની સામે થયેલા આરોપ કેમ ખોટા છે, તેની વિગતો આપી.

ઝુંબેશના નામકરણથી માંડીને અત્યાર સુધીની ગતિવિધિમાં એવી છાપ પડે છે કે જાણે આ બધું સ્ત્રીવિષયક છે અને પુરુષોને તેમાં કંઈ લેવાદેવા નથી. જાણે, સમદુઃખિયણ સ્ત્રીઓ ભેગી થઈને પોતપોતાની હૈયાવરાળો ઠાલવી રહી છે. છો ઠાલવતી. મનમાંથી ઊભરો નીકળી જશે, એટલે બધું રાબેતા મુજબ થઈ જશે. એમાં પુરુષોએ કશું કરવાની જરૂર નથી. લોકો ભલભલું ભૂલી શકતા હોય, તો ‘મી ટુ’ શું ચીજ છે?

કોઈ પણ પ્રકારના અન્યાયનો વિરોધ કરવાનો આવે ત્યારે પાયાનો સવાલ હોય છે : તેમાં બંને પક્ષ સંકળાયેલા છે? ફરિયાદ થાય તે સૌથી પહેલી જરૂરિયાત છે. એટલે જ # MeToo ઝુંબેશ એકદમ આવકાર્ય છે. પરંતુ અન્યાયનિવારણની આખી પ્રક્રિયા સામાન્યતઃ કંઈક આ રીતે ચાલે છે : ફરિયાદ-સ્વીકાર-શરમ-પશ્ચાત્તાપ-સજા-સુધારો. સહેજ શાંતિથી આ પ્રક્રિયા વિશે વિચારતાં સમજાશે કે તેમાંથી ભોગ બનનારે ફરિયાદ કરવાની છે અને ગુનેગારને સજા થાય તેની માગણી કરવાની છે, જ્યારે સ્વીકાર, શરમ, પશ્ચાત્તાપ, સજા અને સુધારા જેવા મહત્ત્વના તબક્કામાંથી ફરિયાદીએ નહીં, ગુનેગારે પસાર થવાનું હોય છે. (દલિતપ્રશ્ન અંગે ગાંધીજીને ગમે તેટલી ગાળો દેવી હોય તો પણ, આ પ્રક્રિયા મનમાં રાખીને તેમના અભિગમ વિશે ફરી વિચાર કરવા જેવો છે.) પરંતુ બને છે સાવ અવળું. # MeToo ઝુંબેશમાં બધું ધ્યાન ભોગ બનનાર પર કેન્દ્રિત છે. ઝુંબેશનું નામ સૂચવે છે તેમ, ‘મારી સાથે પણ આવું થયું હતું … હું પણ આનો ભોગ બની ચૂકેલી છું … મી ટુ.’ આગળ જણાવ્યું તેમ, વર્ષોથી કે ઘણા કિસ્સામાં દાયકાઓથી શોષણના પ્રસંગોનો બોજ વેઠતી સ્ત્રીઓ જાહેરમાં પોતાની વાત મૂકે, તે પહેલું અને બહુ અગત્યનું પગથિયું છે. આખી પ્રક્રિયા શરૂ થવા માટે તે અત્યંત જરૂરી છે, પણ પૂરતું નથી. હા, અમેરિકામાં કૅવિન સ્પેસી જેવા વિખ્યાત અભિનેતાને મોટી ઉંમરે થોડું આર્થિક નુકસાન વેઠવું પડ્યું, ‘નેટફ્લિક્સ’ની સિરીઝ ‘હાઉસ ઑફ કાડ્‌ર્ઝ’ની છ-છ સીઝનમાં હીરો તરીકે કામ કર્યા પછી, આરોપોના પગલે સાતમી સીઝનમાંથી તેમને હાંકી કઢાયા, મૉર્ગન ફ્રીમૅન જેવા વિખ્યાત અભિનેતાના ચાહકો થોડા સમય માટે દુઃખી થઈ ગયા. પણ આ બધું ચાર દિવસનાં ચાંદરણાં જેવું વધારે લાગે છે. તેનાથી એકંદર પરિસ્થિતિમાં ફરક પડતો હોય એવું લાગતું નથી.

ભારતમાં ભૂતકાળમાં ફિલ્મઉદ્યોગમાં ‘કાસ્ટિંગ કાઉચ’ના આરોપો થયા, થોડો વખત ચર્ચાયા અને પછી ભુલાઈ ગયા. આવું થાય ત્યારે ફરિયાદોના પ્રવાહ અને તેની સંખ્યા પરથી તેની ગંભીરતા સમજવાને બદલે, ઉપરથી આ જ હકીકતનો ઉપયોગ તેની ગંભીરતા ઘટાડવા માટે થાય છે. (‘હવે બધા વહેતી ગંગામાં હાથ ધોવા નીકળી પડ્યા છે.’) થોડી જૂઠી ફરિયાદોથી શરમજનક વાસ્તવિકતા સંતાડવાનું ઓર સહેલું થઈ જાય છે. પરિણામે, શિકારીવૃત્તિ ધરાવતા લોકોને એવી કશી સજા થતી નથી કે જેથી બીજા લોકો પર દાખલો બેસે. ઉપરાંત, સમાજમાં સ્ત્રીઓ માટે એકંદર કેવી માનસિકતા પ્રવર્તે છે, તેની પણ ચર્ચા કે સ્વીકાર થતાં નથી. સાચી ફરિયાદોને છૂટાછવાયા કિસ્સા તરીકે ખપાવી દેવાય છે.

સંબંધિત ક્ષેત્રના લોકો અને સમાજ વ્યાપક શોષણની કબૂલાત કરતાં શરમ અનુભવે છે. (શરમ ખરેખર તો શોષણખોરીથી અનુભવવાની હોય.)  ફિલ્મ હોય કે પત્રકારત્વ, જાહેરજીવન હોય કે રાજકારણ, આવી ફરિયાદો થાય, ત્યારે મોટા ભાગના પુરુષો શોષણખોરી કે અન્યાય વિરુદ્ધ પડવાને બદલે પુરુષ તરીકે સંપી જાય એવું વધારે જોવા મળે છે.

બેશક, કોઈ પણ કાયદાની જેમ કે કોઈ પણ ટૅક્‌નોલૉજીની જેમ, # MeToo ઝુંબેશનો દુરુપયોગ થતો જ હશે. ખોટા આરોપનો ભોગ બનનારાની વળી જુદી કરુણકથા હોઈ જ શકે. કોઈ અંગત વ્યક્તિને આવા જૂઠા આરોપનો ભોગ બનવું પડે, ત્યારે તેની પીડા બરાબર સમજાય. પરંતુ એના કારણે આખેઆખી # MeToo જેવી ઝુંબેશને ‘ફૅશનેબલ’ કે દેખાદેખીબાજી તરીકે ધુત્કારી કઢાય નહીં અને તેમાં રહેલી કડવી સચ્ચાઈનો ઇન્કાર પણ કરી શકાય નહીં. એવું કરનારા સરવાળે પોતાની સંકુચિત માનસિકતા અથવા અન્યાય સામે આંખ આડા કાન કરવાની વૃત્તિ જ વ્યક્ત કરે છે.

હજુ તો ફક્ત ફિલ્મ કે લેખન-પત્રકારત્વનાં અને એ પણ થોડાં ઘણાં નામ જ જાહેર થયાં છે. શોષણનો શરમજનક સિલસિલો ક્યાં નથી ? પીએચ.ડી. કરતી વિદ્યાર્થિનીઓ બોલવાનું શરૂ કરે, તો આપણા કેટકેટલા ગાઇડો ખુલ્લાં પડે, સ્થાનિક પત્રકારત્વ, શિક્ષણ અને જાહેરજીવનથી માંડીને કેટકેટલાં ક્ષેત્રોની સ્ત્રીઓ હજુ બોલી નથી. તેમને પોતાના યોગક્ષેમની ચિંતા છે. તેમને સમાજ પર ભરોસો નથી કે તે કાયમ ટેકામાં રહેશે અને શિકારીઓ પર ભરોસો છે કે તે ગમેતેમ કરીને તેમનું ગોઠવી લેશે.

શોષણની ફરિયાદો થતી જ રહેવી જોઈએ, પણ તેનો મુખ્ય સૂર # MeToo નહીં, # YouToo હોવો જોઈએ. કારણ કે શોષણખોરી નાબૂદ કરવાનો મોટા ભાગનો બોજ ફરિયાદીના માથે નહીં, ગુનેગારના અને તેને છાવરનાર સમાજના માથે હોય, તો જ લાંબા ગાળે કંઈક અર્થ સરે.

Email : uakothari@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2018; પૃ. 16 અને 15

Loading

17 October 2018 admin
← MeToo
આ જગતમાં તમારા ડેટા કોઈ જગ્યાએ સુરક્ષિત નથી પછી ધિરાણ કંપની દેશી હોય કે વિદેશી →

Search by

Opinion

  • જે જેટલો વિક્સિત-સભ્ય હોય છે, એ એટલો જ ભયભીત વ્યક્તિ કે સમૂહ હોય છે*
  • મેયર મમદાનીની લોકશાહી પ્રતિક્રિયા  : સરસંઘચાલકની સુચારુ પ્રબંધન પ્રક્રિયા   
  • देश बदल रहा है. भाषा बदल रही है, तेवर बदल रहे हैं.
  • આનંદો! પ્લાસ્ટિકની નોટોનો જમાનો આવી રહ્યો છે!
  • કિલ્લાનું તાળું

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 

Poetry

  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved