ન્યાય આપવામાં જો શીર્ષાસન કર્યું હોય તો એ વિષે ઓછું બોલવું જોઈએ અથવા ન જ બોલવું જોઈએ. મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે પોતાનાં વતનનાં ગામમાં કૂળદેવીની પૂજા કર્યા પછી કહ્યું હતું કે તેમણે અયોધ્યાના બાબરી મસ્જીદ-રામજન્મભૂમિના વિવાદ વખતે દેવીમાંનું માર્ગદર્શન માગ્યું હતું અને દેવીમાં પાસેથી મળ્યું પણ હતું. ઘણીવાર જીવનમાં ધર્મસંકટ પેદા થતું હોય છે અને માર્ગ જડતો નથી હોતો ત્યારે ઈશ્વર માર્ગ બતાવતો હોય છે. અયોધ્યાવિવાદનો માર્ગ દેવીમાંએ બતાવ્યો હતો.
હવે થોડી રોકડી વાત.
અયોધ્યાવિવાદ શેનો હતો? ટાઈટલ(માલિકી હક)નો હતો કે શ્રદ્ધાનો હતો? હિન્દુત્વવાદીઓનો દાવો હતો કે જે જગ્યાએ બાબરી મસ્જીદ ઊભી હતી ત્યાં પહેલાં રામમંદિર હતું જે બાબરના સેનાપતિ મીર બાકીએ ૧૫૨૮ની સાલમાં તોડી નાખ્યું હતું અને ત્યાં મસ્જીદ બંધાવી હતી. હવે છસો વરસ પહેલાં શું બન્યું એ સાબિત કેવી રીતે કરવું? ન્યાયતંત્ર પાસે બે સમસ્યા હતી. પહેલી એ કે ન્યાયતંત્રનું કામ કાયદા અને બંધારણનાં પ્રકાશમાં ન્યાય તોળવાનું છે કે પછી પુરાતત્ત્વનાં આધારે ઇતિહાસમાં ઘટેલી ઘટનાઓની ઐતિહાસિકતા નક્કી કરવાનું છે? જજો કોઈ પુરાતત્ત્વવિદો નથી અને અદાલત જો પુરાતત્ત્વવિદોની મદદ માગે તો પણ એ અંતિમ અભિપ્રાય ન ગણાય. સમાજશાસ્ત્ર હેઠળ આવતા દરેક વિષય અર્થઘટન અને અભિપ્રાયના વિષયો હોય છે, એ કોઈ ગણિત નથી કે જેમાં જવાબ અફર હોય. અને બીજું જેમ નવા પુરાવાઓ મળતા જાય, નવા અભ્યાસ થતા રહે એમ અભિપ્રાય બદલાતા રહે. સો વરસમાં સીંધુખીણની સભ્યતા વિષે કેટલા બધા અભિપ્રાય બદલાયા છે અને હજુ બદલાતા રહેશે. સંશોધન અને અધ્યયન સતત ચાલતું રહે છે અને તેને આધારે અભિપ્રાય બદલાતા રહે છે. સમાજશાસ્ત્રના અધ્યનમાં અંતિમ કશું હોતું નથી.
૧૯૯૨માં બાબરી મસ્જીદ તોડવામાં આવી એ પછી પી.વી. નરસિંહ રાવની સરકારે સર્વોચ્ચ અદાલત પાસે આ શ્રદ્ધાના મામલામાં શું કરવું એ વિષે માર્ગદર્શન માગ્યું હતું જેને કાનૂની ભાષામાં પ્રેસિડેન્શિયલ રેફરન્સ તરીકે ઓળખાવવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતે ત્યારે કહ્યું હતું કે જે તે પક્ષની શ્રદ્ધા અને માન્યતા સાચી છે કે ખોટી એ ઇતિહાસ, પુરાતત્ત્વ, શાસ્ત્રો, પુરાણો, કાવ્યો, કિંવદંતીઓ વગેરેને આધારે નક્કી કરવાનું કામ ન્યાયતંત્રનું નથી. અદાલતનું કામ બંધારણ અને કાયદાનું અર્થઘટ કરવાનું છે અને તેનું પાલન થયું છે કે નહીં એ જોવાનું છે. કેન્દ્ર સરકાર વિકટ સમસ્યા અદાલતનાં આંગણામાં ધકેલવા માગતી હતી, પણ તેમાં તેને સફળતા મળી નહોતી.
બીજી સમસ્યા એ હતી કે કેટલાં વરસ જૂનાં વિવાદો અને ઝઘડાઓ અદાલતે સાંભળવાનાં? બાબરી મસ્જીદનો વિવાદ છસો વરસ જૂનો છે, કાલે કોઈ ઈસ્વીસન પૂર્વેનો વિવાદ લઈ આવે તો? આ દેશમાં વિવાદો અને ઝઘડાઓનો કોઈ પાર નથી. આનો સીધો જવાબ એ છે કે ૧૯૪૭ પહેલાંના જેટલાં કેસ અદાલતમાં પડ્યા હોય એ સાંભળવાનાં અને એ પછી જે આવે એ તો સ્વાભાવિક ક્રમે સાંભળવાનાં. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અમારા દાદા અમીચંદ સાથે કરેલો વાયદો પાળ્યો નહોતો એવો કોઈ દાવો અમીચંદના વારસદારો કરે તો એવો કેસ અદાલતમાં દાખલ ન કરી શકાય. બાબરી-મસ્જીદ રામજન્મભૂમિનો કેસ ૧૮૮૫ની સાલથી અદાલતમાં પડ્યો હતો અને ભારતને આઝાદી મળી ત્યાં સુધી તેનો નિકાલ નહોતો થયો એટેલે એ કેસ સાંભળવો પડે એમ હતો. પણ એ કેસ શેનો હતો? એ કેસ ટાઈટલનો હતો, શ્રદ્ધાનો નહોતો. નિર્મોહી અખાડા અને વક્ફ બોર્ડ વચ્ચે માલિકી હકનો એ કેસ હતો.
તો બસ, જવાબ સ્પષ્ટ હતો. અદાલતનું કામ ટાઈટલ નક્કી કરવાનું હતું. પણ એમાં એક સમસ્યા હતી અને એ હતી એડવર્સ પઝેશનની. એડવર્સ પઝેશનનો અર્થ એ કે માલિકી ગમે તેની હોય જો કોઈ મિલકત વર્ષોથી કોઈના કબજામાં હોય અને એ અને તેનાં વારસો તેનો ભોગવટો કરતા આવ્યા હોય અને સમયસર મૂળ માલિકે માલિકીનો દાવો ન કર્યો હોય તો મૂળ માલિક તેના પર માલિકીનો દાવો ન કરી શકે. મુંબઈમાં કે અમેરિકામાં વસતો પાટણનો વતની અદાલતમાં જઇને એવો દાવો ન કરી શકે કે બસો વરસ જૂની ફલાણી હવેલી અમારાં બાપદાદાઓની છે અને અમાંરા બાપદાદાઓએ તેને વેચી નહોતી એટલે કબજેદારો પાસેથી અમને તે પાછી મળવી જોઈએ. ન્યાયતંત્ર જો અતીતના દરવાજા ખોલે તો દેશમાં એક લાખ અદાલત પણ ઓછી પડે.
હવે બાબરી મસ્જીદ-રામજન્મભૂમિ જેવો જ એક કેસ, જેમાં એક તરફ ધાર્મિક શ્રદ્ધા અને બીજી તરફ એડવર્સ પઝેશનનો એક કેસ લાહોરની અદાલતમાં આવ્યો હતો અને એમાં અદાલતે એડવર્સ પઝેશનના હકને માન્ય રાખ્યો હતો.
લાહોરમાં નવલખા બજારમાં શહીદગંજ ગુરુદ્વારા છે જ્યાં ઈ. સ. ૧૭૯૯ની સાલ સુધી મસ્જીદ હતી. લાહોર સીખોના કબજામાં આવ્યું અને સીખોએ મસ્જીદ તોડીને ત્યાં ગુરુદ્વારા બાંધ્યું હતું. ૧૮૪૯માં અંગ્રેજોએ સીખ શાસનને ખાલસા કર્યું અને લાહોર અંગ્રેજોના કબજામાં આવ્યું. લાહોરના મુસલમાનોએ નવી સ્થિતિમાં ગુરુદ્વારાનો કબજો મેળવવા અદાલતમાં અરજી કરી. અદાલતે કહ્યું કે દાયકાઓ પછી મિલકતની માલિકી અને ભોગવટાને ઉલટાવી ન શકાય. મુસલમાનો ઉપલી અદાલતમાં ગયા, છેક પ્રીવી કાઉન્સિલ (સર્વોચ્ચ અદાલત) સુધી ગયા અને પ્રીવી કાઉન્સીલે બીજી મે ૧૯૪૦ના રોજ મુસલમાનોની એટલે કે વક્ફ બોર્ડની અરજી ફગાવી દીધી અને સીખોનાં એડવર્સ પઝેશનને માન્ય રાખ્યું. અહીં એક વાત નોંધવી જોઈએ કે ૧૭૯૯ની સાલમાં સીખોએ મસ્જીદ તોડી હતી એ હકીકત હતી, માન્યતા નહોતી અને છતાં ય ચુકાદો સીખોની તરફેણમાં આવ્યો હતો.
તો પછી ભારતના ન્યાયતંત્ર પાસે કયા વિકલ્પ હતા? શ્રદ્ધા અને માન્યતાઓના આધારે, શાસ્ત્રો અને પુરાણોના આધારે, ઇતિહાસ અને પુરાતત્ત્વીય પુરાવા તેમ જ અર્થઘટનોનાં આધારે અદાલત મિલકતની માલિકી નક્કી ન કરી શકે. ન્યાયતંત્ર માત્ર ટાઈટલ નક્કી કરી શકે અને એમાં વક્ફ બોર્ડ પાસે છસો વરસથી મિલકતનો કબજો હતો. વાસ્તવમાં અન્યની માલિકી હોવા છતાં એડવર્સ પઝેશનના આધારે કબજેદારનો માલિકીહક અદાલતે મંજૂર રાખ્યો હોય એવા એક નહીં સેંકડો ચુકાદાઓ અદાલતોએ ભારતમાં અને દુનિયાભરમાં આપ્યા છે.
ટૂંકમાં કાનૂની સ્થિતિ સાફ હતી. કોઈ સંદિગ્ધતા નહોતી, પણ નીચેથી લઈને ઉપર સુધી અદાલતો ચુકાદાઓ ટાળતી હતી. એટલે તો ૧૮૮૫થી કેસ અદાલતોમાં કેસ રખડતો હતો. ઓછામાં પૂરું હિન્દુત્વવાદીઓએ ૧૯૪૯ના ડિસેમ્બર મહિનામાં બાબરી મસ્જીદમાં મધરાતે ઘૂસીને રામલ્લાની તસ્વીર મૂકી દીધી અને બીજા દિવસથી પ્રચાર શરૂ કર્યો કે રામલલ્લા સ્વયંભુ પ્રગટ થયા છે. એ રીતે તેમણે મસ્જીદ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ એડવર્સ પઝેશનનો લાભ હિંદુઓને મળી શકે એમ નહોતો, કારણ કે વક્ફ બોર્ડે તરત એ કૃત્યને પડકાર્યું હતું અને સરકારે મસ્જીદને તાળાં મારી દીધાં હતાં.
તો વાત એમ છે કે બંધારણ અને કાયદાને અનુસરવામાં આવે તો અદાલત હિન્દુત્વવાદીઓની તરફેણમાં ચુકાદો આપી શકે એમ નહોતી. બીજી બાજુ હિંદુ બહુમતી દેશમાં, હિન્દુત્વવાદીઓની સરકાર હોય અને રામજન્મભૂમિને આટલો પ્રચંડ સંવેદનશીલ મુદ્દો બનાવાયો હોય ત્યાં મુસલમાનોની તરફેણમાં ચુકાદો આપવામાં પણ જોખમ હતું. ચુકાદાનો અમલ જ ન થાય અને ન્યાયતંત્ર અને કાયદાનું રાજ નિર્વીર્ય સાબિત થાય. માટે તો ૨૦૧૭ની સાલમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ. ખેહરે બન્ને પક્ષને સલાહ આપી હતી કે આ મામલાનો ઉકેલ અદાલતની બહાર લાવવો જોઈએ. જો કે હિન્દુત્વવાદીઓ અદાલત સમાધાન કરવા માગતા નહોતા. એમાં બાંધછોડ કરવી પડે અને તેઓ બાંધછોડ કરવા માગતા નહોતા.
૨૦૧૯માં પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવ્યા પછી કેન્દ્ર સરકારનું સર્વોચ્ચ અદાલત પર દબાણ હતું કે તાત્કાલિક ચુકાદો આપવામાં આવે કે જેથી મંદિરનું નિર્માણ શરૂ કરી શકાય અને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી શકાય. સરકાર અને હિન્દુત્વવાદીઓ એમ બતાવવા માગતા હતા કે છીનવી લીધેલી જમીન પર મંદિર બાંધવામાં આવ્યું નથી, પણ કાનૂની રીતે મેળવેલી જમીન પર મંદિર બાંધવામાં આવ્યું છે.
પાંચ ન્યાયમૂર્તિઓએ અલગ અલગ ત્રણ ચુકાદા આપ્યા હતા તેની બારીક વિગતોમાં જવાની જરૂર નથી. પાંચેય જજોએ જમીન હિંદુઓને ફાળવી હતી. પાંચમાંથી ત્રણ જજો વતી બહુમતી ચુકાદો આપવામાં આવ્યો તે ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે લખ્યો હતો. શું કહેવામાં આવ્યું હતું એમાં? ૧. મુસલમાનોએ મંદિર તોડીને ત્યાં મસ્જીદ બાંધી હતી એવો કોઈ પુરાવો હિંદુઓ રજૂ કરી શક્યા નથી. ૨. મસ્જીદ સાડા ચારસો વરસથી મુસલમાનોના કબજામાં હતી અને તેમને છેલ્લાં વરસોમાં તેનાથી વંચિત રાખવામાં આવ્યા હતા. ૩. બાબરી મસ્જીદ અવાવરુ હતી અને ત્યાં મુસલમાનો નમાજ નહોતા પઢતા એ દલીલ ખોટી છે. ૧૯૪૯ના ડિસેમ્બર મહિનામાં રામલલ્લાની તસવીર ઘૂસાડવામાં આવી તેના આગલા દિવસ સુધી બાબરી મસ્જીદમાં મુસલમાનો નમાજ પઢતા હતા. ૪. ૧૯૯૨માં મસ્જીદ તોડી નાખી એ ઘટનાને પણ અદાલતે નિંદનીય ઠરાવી છે. ટૂંકમાં ન્યાય મુસલમાનોના પક્ષે છે એવી મુસલમાનોની દરેક દલીલ સ્વીકારી છે, પણ જમીન હિંદુઓને આપી અને મુસલમાનોને દૂર મસ્જીદ બાંધવા પાંચ એકર જમીન આપી.
આ ન્યાય કહેવાય? બંધારણ અને કાયદાની દૃષ્ટિએ આ ન્યાય કર્યો કહેવાય? રહી વાત દેવીમાંની સલાહની તો શું દેવીમાંએ આવી સલાહ આપી હશે કે ન્યાય મુસલમાનોના પક્ષે હોવા છતાં જમીન સામેવાળા પક્ષને આપ? ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડે બંધારણ, કાયદાનું રાજ અને ઈશ્વર એમ ત્રણેયનું અપમાન કર્યું છે. માટે જ પ્રારંભમાં કહ્યું એમ શીર્ષાસન કર્યું હોય તો પછી મૂંગા રહેવું જોઈએ. દેશમાં એક પણ બંધારણવિદ એવો છે જેણે સર્વોચ્ચ અદાલતના એ ચુકાદાની સરાહના કરી હોય? એક પણ નહીં.
ખેર, હિન્દુત્વવાદીઓની તરફેણમાં ચુકાદાઓ આપનારા ન્યાયમૂર્તિમાંથી ન્યાયમૂર્તિ રાજન ગોગોઈ રાજ્યસભામાં ગોઠવાઈ ગયા છે. ન્યાયમૂર્તિ અશોક ભૂષણને નિવૃત્તિ પછી નેશનલ કંપની લો અપેલેટ ટ્રીબ્યુનલના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ન્યાયમૂર્તિ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના ગવર્નરપદે નિયુક્ત કરવામાં આવ્યા છે. ન્યાયમૂર્તિ શરદ બોબડે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે કામ કરે છે અને ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ નિવૃત્તિ પછી ક્યાં સ્થાન પામે છે એ સમય કહેશે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 ઑક્ટોબર 2024