ધોમ ધખતો બપોરનો વૈશાખી તાપ ! અમદાવાદના બસ સ્ટેશને મહેસાણાની બસમાં ચડવા માટેની લાંબી લાઈન ! ત્યાં મંછીબા હાથમાંનું બોક્સ સાચવતાં સાચવતાં ધીરે ધીરે આગળ વધ્યાં. સહુ કોઈ પોતાનામાં વ્યસ્ત ને ગરમી અને ગિર્દીને કારણે ત્રસ્ત ! મંછીબાએ બસમાં પાછલાં બારણેથી પ્રવેશ કર્યો ! પોતાના હાથમાંનું બોક્સ છેલ્લી સીટની નીચે થોડું અંદર, થોડુંક બહાર દેખાય એવી રીતે સાચવીને મૂક્યું ને તેઓ આગળની હરોળમાંની સીટ ઉપર જઈ બેસી ગયાં! કંડકટર, ટિકિટ ટિકિટ કહેતો નજીક આવ્યો, મંછીબાએ એક મહેસાણાની ટિકિટ માગી, ત્યાં બીજા પેસેન્જરે કલોલની માંગી, કંડકટર પાછો વળીને બોલ્યો, ‘આ બસ સીધી મહેસાણા જ જશે. ક્યાં ય ઊભી નહીં રહે. એક્સપ્રેસ બસ છે, મહેસાણા સિવાયના બીજા પેસેંજરો ઉતરી જાવ.’
થોડી જ વારમાં બસ ઉપડી અને હજી માંડ મહેસાણા જવાના હાઈવે પર આવી, ત્યાં જ કન્ડક્ટરની નજર મંછીબાએ મૂકેલાં બોક્સ પર પડી ! પેકેટને ચારે બાજુથી સફેદ અને કાળી ટેપથી ચુસ્તતાથી સીલ કર્યુ હતું ! એ જોતા જ કંડક્ટરે બસ ઊભી રખાવી. બસના પેસેન્જરો ગરમીને કારણે અકળાતા હતા. બસમાં બસની કેપિસીટી કરતાં વધુ પેસેંજરો હતા. પણ કન્ડક્ટર એ વાતની પરવા કર્યા વગર બસમાં સહુને પૂછવા લાગ્યો, “અરે, આ બોક્સ કોનું છે ? “કોઈએ પણ બોક્સ પોતાનું હોવાનો દાવો ન કર્યો. કંડકટર સહુની નજીક જઈને પૂછતો હતો કે આ નામ ઠામ વગરનું બોક્સ કોનું છે ? એ ગુસ્સે થઈને બોલ્યો, “અરે કોઈ ભસતું કેમ નથી? આ તો કોઈએ જાણે બોંમ્બ મૂક્યો હોય એવું દેખાય છે.”
કંડક્ટર બોક્સની બાજુમાં બેઠેલા લઘરવઘર દેખાતા વીસ બાવીસ વર્ષના યુવાનની ગળચી પકડી અને એ છોકરાને બે ચાર થપ્પડ મારી દેતા બોલ્યો, “સાલા, બોક્સની બાજુમાં બેઠો છે અને કહે છે, કે બોક્સ મારું નથી ! ક્યાંની ટિકિટ લીધી છે, બોલ ?” “સાહેબ, મેં તો મહેસાણાની ટિકિટ લીધી છે. હું સાચું કહું છું. આ બોક્સ મારું નથી.”
“કંડક્ટર બોલ્યો, “ચાલો બધા નીચે ઉતરો. જીવ વહાલો હોય તો ઉતરો નીચે. બસ ખાલી કરો. હું પોલીસને ફોન કરું છું. પોલીસને જાણ કરીને કહું કે બસમાં નધણિયાતું બોક્સ પડ્યું છે. શંકાસ્પદ લાગે છે.” કેટલાક પેસેંજરો ધક્કામૂક્કી કરતા નીચે ઉતરવા લાગ્યા. તેઓ ઉતરતાં પહેલાં રહસ્યમય લાગતા બોક્સ પર અચૂક નજર નાંખતા !
કંડક્ટર પોતે બસમાંથી ઉતરતા બોલ્યો, “ઉતાવળ કરો. મુંબઈની બસમાં ધડાકો થયો હતો તે શું તમે ભૂલી ગયા ?” મંછીબાને બેઠેલાં જોઈ તેણે કહ્યું, “માજી, હેઠા ઉતરો. આ હમણાં ધડાકો થશે !”
મંછીબા બોલ્યાં, “શું કહ્યું ભઈ ? મેં તો મેહાણાની ટિકિટ લીધી સે.”
પાછળથી કોઈ બોલ્યું, “હવે, ભઇ, ભઇ કર્યા વગર હેઠા ઉતરો ! બસના પેસેન્જરોમાં નીચે ઉતરવા માટે પડાપડી થવા માંડી ! એ પેસેન્જરમાં મનીષ નામે એક પત્રકાર પણ હતો. એ આતંકવાદ ઉપર પેપર તૈયાર કરી રહ્યો હતો. તે લખવામાં મશગુલ હતો. તેણે લખ્યું હતું, યુદ્ધ શા માટે ? આતંકવાદ અને જાતિવાદ દ્વારા થતી વેરની વસૂલાત કોના માટે? કોણ ક્યારે કઈ રીતે આતંકવાદ ફેલાવશે તે કહી શકાતું નથી. જુઓ ને હું જે બસમાં બેઠો છું ત્યાં એક નધણિયાતું બોક્સ પડ્યું છે, અને બધા જ ગભરાઈ ગયા છે. દરેક સ્થળે, દરેક જણ ભયના ઓથાર હેઠળ જીવે છે ! સ્માર્ટ ફોનમાં એનું આ વાક્ય પૂરું થાય તે પહેલા કોઈ બોલ્યું, “હવે ફોન ખીસ્સામાં મૂકો ને હેઠા ઉતરો, બસ ભેગા ઉડી જાશો!” મનીષ તરત જ પોતાના સામાન સાથે ઉતરી પડ્યો .. મંછીબા બધાને ઉતરતાં જોઈને બોલ્યાં, “આ બધા ચ્યમ હેઠા ઉતરે સે ?” કોઈ સમજુ પેસેન્જરને થયું, આ માજીનું ક્યાંક ચસકી ગયું ! કાં તો એ સાંભળતાં નહીં હોય. એમણે ઊંચા અવાજે કહ્યું , “માજી, હેઠા ઉતરો.”
મંછીબાએ કહ્યું, “હોવ્વ ભઈ, મેહાણા જવું સે !” એ ભાઈ નજીક જઈને બોલ્યા, “માજી, નીચે ઉતરો. મહેસાણા ભેગા થતાં થશો. આ હમણાં ધડાકો થયો જ સમજો.” અને ભાઈ ઉતરી ગયા ! મંછીબા પેસેન્જરને ઉતરેલા જોઈ સમજી ગયાં કે બસ હવે નથી ઉપડવાની. તેઓ ઊભા થયાં. એમણે બસની સીટ નીચે સંભાળીને મુકેલું બોક્સ સાચવીને બહાર કાઢ્યું, ને તેઓ નીચે ઉતર્યાં. સૌ આશ્ચર્યથી જોઈ જ રહ્યા ! મંછીબાએ બોક્સ સંભાળીને પકડ્યું હતું ! તેઓ બીજા હાથે બસનો દાંડો પકડીને બસમાંથી ઉતરવા માંડ્યાં ! એમને આમ બોક્સ સાથે ઉતરતાં જોઈ, એક પેસેંજરે મંછાબાની નજીક જઈ પૂછ્યું, “માજી, આ બોક્સ તમારું છે ?” એમણે કહ્યું , “હોવ્વ ભઇ.”
“માજી તમે તો બધાંને ભડકાવી માર્યાં, એમાં શું છે?”
મંછીબા, પ્રસન્ન વદને બોલ્યાં, “બંગડીઓ સે !”
બોસ્ટન, અમેરિકા
e.mail : mdinamdar@hotmail.com