આજે આખું ગામ હિલોળે ચડ્યું હતું. સરપંચે કહ્યું હતું કે સોમવારે આપણા ગામમાં શહેરનાં પ્રતિષ્ઠિત અને શ્રીમંત કાનજીભાઈ પટેલ આવવાના છે અને ગામની જરૂરિયાત માટે વાત કરવાના છે. બહુ ઉદાર દિલના છે. છૂટા હાથે દાન અને સખાવત કરે છે. સરપંચને ધરપત હતી કે કાનજીભાઈ ગામ માટે કંઈક તો જરૂર આપશે. ગામના લોકોને જાણ કરી હતી કે કાનજીભાઈના સ્વાગતમાં કોઈ જાતની ખામી ન રહેવી જોઈએ.
ગોપાએ આ વાત સાંભળી ત્યારે તેણે ભૂરાને, ભીખાને, છગન અને વિશાલને વાત કરી કે આ કાનજીભાઈ પટેલ આવે છે એ આપણો બાળ ગોઠિયો કાનજી તો નહીં હોય ને? “ના રે! ના, કાનજી અને તેનું ફેમિલી શહેર ગયું, તે પછી આપણને તેની કાઈ ખરખબર કે ભાળ ક્યાં છે.”
“ભૂરા, તારી વાત તો સાચી છે. કાનજીને શહેર ગયા ખાસ્સો સમય થયો છે. પછી તેની કોઈ ખરખબર નથી.” આમ પાંચેય બાળ ગોઠિયા ચર્ચાના ચકડોળે ચડ્યા હતા. મનોમન વિચારતા હતા કે આપણો કાનજી હોય તો મજા પડી જાય. ઘણા વખત પછી તેનો મેળાપ થાય.
ભીખાએ કહ્યું, “માનો કે આપણો કાનજી હોય તો?”
“તો ભાઈ એ મોટો માણસ થઈ ગયો છે. આપણી સામે પણ ન જોવે, તે સાંભળ્યું નહીં સરપંચે શુ કહ્યું, “આમ પાંચેય મિત્રો ઘડીકમાં હરખાતા’તા અને પાછો કાનજી ન ઓળખે તો એ વિચારે દ્વિધામાં પડી જતા હતા.
સોમવારે સવારે આખું ગામ પાદર ભેગું થયું. કાનજીભાઈ પટેલ બરોબર દસ વાગે આવવાના હતા. ગોપો, ભૂરો, ભીખો, છગન અને વિશાલ પણ આપણો બાળ ગોઠિયાઓ કાનજી હોય એમ વિચારી પાદર પહોંચી ગયા હતા. પણ પાછળ ઊભા હતા. સરપંચને સ્ટેજ ઉપર પાંચ ખુરશી મૂકીને ખાલી રાખવાની સૂચના કાનજીભાઈએ આપી હતી. સરપંચને કાઈ સમજાયું નહોતું પણ સૂચનાનો અમલ કરી પાંચ ખુરશી ખાલી રહે તેમ ગોઠવણ કરી અને માણસોને સૂચના આપી હતી કે વ્યવસ્થામાં કાઈ ગરબડ ન થવી જોઇએ. બહુ મોટા માણસ છે જો તેને ખરાબ લાગી જશે તો ગામને કંઈ નહિ આપે અને આપણી ફજેતી થશે.
કાનજીભાઈની કાર, કાફલા સાથે બરોબર દસ વાગે પહોંચી ગઈ, સરપંચે હારતોરા કરી સ્ટેજ ઉપર સ્થાન લેવા વિનંતી કરી. કાનજીભાઈએ સ્ટેજ ઉપર સ્થાન લઈ ચારેકોર નજર કરી પણ તેની નજર જે બાળ ગોઠિયાને શોધતી હતી એ ક્યાં ય નજરે ચડતા નહોતા. કાનજીભાઈ દ્વિધામાં હતા કે મારા આવવાની ખબર આ બાળ ગોઠિયાઓને પડી તો હશે ને? સરપંચે પ્રાસંગિક પ્રવચન કરી કાનજીભાઈને સભાને સંબોધન કરવા માટે વિનંતી કરી. કાનજીભાઈને જોઈને સભામાં ચણભણ થતી હતી કે આ કાનજીભાઈ આપણા ગામનાં કરસનભાઈનો દીકરો હોય એવું લાગે છે. કોઈ કહે હા, એ કરસનકાકાનો કાનજી જ લાગે છે. આ ચણભણ કાનજીભાઈને પણ સંભળાતી હતી. પણ મનમાં બાળ ગોઠિયા નહીં દેખાતા મૂંઝવણ થતી હતી કે મારા બાળ ગોઠિયા કેમ નહીં આવ્યા હોય?
થોડીક વાતો કર્યા પછી કાનજીભાઈએ કહ્યું, “હા, વડીલો, મિત્રો, હું એ જ કરશનભાઈ પટેલનો કાનજી છું કે જેણે ગામને, આ માતૃભૂમિને, આર્થિક સ્થિતિ સુધારવા અને કંઈક બનવા માટે શહેર જવાનો નિર્ણય કર્યો હતો. અને તેના પરિણામ સ્વરૂપે હું કંઈક બનીને આજે તમારી સામે છું. આજે હું આ ગામનું, મારી માતૃભૂમિનું, બાળ ગોઠિયા એવા મિત્રોનું ઋણ ચૂકવવા માટે આવ્યો છું.”
“મારી એક વિનંતી છે. સભામાં મારા બાળ ગોઠિયા આવ્યા હોય તો, ભૂરો, ભીખો, ગોપો, છગન અને વિશાલ મારી પાસે સ્ટેજ ઉપર આવે. ભૂરો કહ્યું છે ભૂરાભાઈ કહીને સંબોધન એટલે નથી કર્યું, કારણ કે આ પાંચેય મારા આત્મીય, અંતરંગ મિત્રો છે, સ્વજન છે.”
પાંચેય મિત્રોએ એક બીજા સામે જોયું કે કાનજી આપણને ભુલ્યો નથી. સ્ટેજ ઉપર જવું કે કેમ એ દ્વિધામાં મિત્રો હતા. ફરી કાનજીભાઈ એ કહ્યું, “મિત્રો, આવો મને તમારી સાથે બેસવાનું સૌભાગ્ય આપો. તમે મને ખરાબ સમયમાં જે સાથ અને સહકાર આપ્યો હતો એ હું ભૂલ્યો નથી.” કાનજીભાઈની નજર દૂર ઊભેલા મિત્રો પર પડી અને સ્ટેજ ઉપરથી મિત્રો પાસે જવા ઊતરતા હતા ત્યારે ભૂરાએ કહ્યું કાનજીભાઈ અમે આવીએ છીએ. “ભૂરા, કાનજીભાઈ નહીં કાનજી કહે એ નામ સાંભળવા કેટલા ય સમયથી મારા કાન તરસી રહ્યા છે. મને કાનજીભાઈ કહેનારા અનેક મળ્યા છે પણ કાનજી કહેનાર નથી મળ્યા.”
વડીલો, સ્વજનો, હવે મૂળ વાત ઉપર આવું. મારી ઇચ્છા આ ગામમાં એક આધુનિક સુવિધા વાળી હોસ્પિટલ, વિદ્યાર્થી બાળકોને રહેવા માટે છાત્રાલય, કોલેજ અને વ્યાજબી ભાવથી દરેક પ્રકારની દવા મળે એવો મેડિકલ સ્ટોર, જેમાં ગરીબો માટે મફત દવાની સુવિધા હશે. આ દરેકનું સંચાલન, દેખરેખ આ મારા પાંચેય મિત્રો કરશે. આ સિવાય બીજી કોઈ જરૂરિયાત હોય તો નિઃસંકોચ કહો. આ ગામ કાનજીભાઈ પટેલનું ગામ છે એવી ઓળખથી ઓળખાશે. આ ગામનાં વિકાસની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે.
“આજે હું ગામમાં રોકાવાનો છું.” કાનજીભાઈની રોકવાની વાત સાંભળી સરપંચ મૂંઝવણમાં પડી ગયા કે કાનજીભાઈ જેવા મોટા માણસ માટે આ વ્યવસ્થા કેમ કરવી. ભલે એ આ ગામના વાતની છે પણ અત્યારે તો મોટા માણસ બની ગયા છે. કાનજીભાઈ સરપંચના મનોભાવ સમજી ગયા, “સરપંચશ્રી, હું આજે ગામમાં મારા મિત્રો સાથે રોકાવાનો છું. મારે જૂના દિવસો તાજા કરવા છે.”
મિત્રો પણ આ સાંભળી ભાવ વિભોર થઈ ગયા અને કાનજીભાઈને ભેટી હર્ષનાં આસુંનો ધોધ વહાવી દીધો. ગામ લોકોએ ગામના પનોતા પુત્રનો જય જયકાર કરી વાતાવરણ આનંદ ઉત્સાહથી ભરી દીધું.
ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com