[‘ઝેર તો પીધાં જાણી જાણી’ / ‘સોક્રેટિસ’ના લેખક મનુભાઈ પંચોળી ‘દર્શક’ની માત્ર 22 પેજની પુસ્તિકા છે : ‘વિશ્વશાંતિની ગુરુકિલ્લી – Master Key of World Peace.’ ‘અક્ષરનાદ’ના જિજ્ઞેશ અધ્યારૂને ધન્યવાદ ઘટે છે, જેમણે દર્શકની આ પુસ્તિકાને ઈ.બૂકમાં રજૂ કરી છે. ડાઉનલોડ કરીને (લિંક કોમેન્ટ સેક્શનમાં) વાંચો / સમજો. ઘરમાં સત્યનારાયણની કથા કરાવવાની જરૂર નથી; આ પુસ્તિકાનું વાંચન કરાવો ! આજના નફરત / ધૃણાના માહોલમાં આપણા બાળકો ધાર્મિક નારાઓ બોલવા રસ્તા પર દોડી ન જાય તેની સંભાળ લેવાની ખાસ જરૂર છે. જોઈએ થોડી પ્રસાદી -]
એક વખત બીરબલને રાજસભામાં આવતા મોડું થઇ ગયું. બાદશાહે પૂછ્યું : “અલ્યા, કેમ મોડો આવ્યો?” તો કહે, “જનાબ, છોકરાને રમાડતો હતો, તેમાં સમયસર ન નીકળાયું.”
“લે, એમાં શી મોટી ધાડ મારવાની હતી? ખાવાનું આપી દીધું હોત તો વાત પતી જાત.”
“ના, માલિક, એટલું સહેલું કામ એ નથી.”
બાદશાહ તો હઠે ચડ્યો. છોકરાં રમાડવાં તેમાં વળી શી વડાઈ? છેવટે નક્કી થયું કે બાદશાહ બને બાપ અને બીરબલ બને દીકરો. દીકરાને બાપ રમાડી જાણે તો જાણવું કે છોકરાં રમાડવાં સાવ સહેલાંસટ … અને શરત શરૂ થઈ.
બીરબલે તો શરૂ કર્યું. ‘એં એં … ‘ બાદશાહે પ્રેમથી પૂછ્યું “કેમ બેટા, કેમ રડે છે? શું જોઈએ તારે?”
“ખાવું છે !”
“ઓહો, તેમાં શી મોટી વાત ? શું ખાવું છે?”
“શેરડી !”
“અલ્યા, શેરડી લઈ આવ !”
શેરડી આવી. નોકરને કહ્યું કે કાપી આપ. કાપી આપી, પણ છોકરો તો વળી પાછો એંએં એં કરવા લાગ્યો.
“અલ્યા, હવે તારે શું જોઈએ?” “ના બાપુ, તમે શેરડી કાપી દ્યો.”
“લે બાપા, હું કાપી આપું”…. શેરડી આપી … પણ છોકરાએ તો શેરડીનો કયો ઘા !
“કેમ હવે શું જોઈએ?”
“મારે તો ઘોડા પર બેસવું છે !”
માથે હાથ દઈને બાદશાહ બોલ્યો, “અલ્યા એ ય, લાવ ઘોડો, બેસાડ આ કુંવરને!”
ઘોડો આવ્યો. પણ તોયે ‘એં એં એં …’ તો ચાલું. “હવે તારે શું બાકી રહ્યું છે દીકરા?”
“માલે તો તમે ઘોલો બનો અને એ ઘોલા પર માલે બેસવું છે.” બાદશાહ ઘોડો થયા અને બીરબલ એના પર બેઠા. પણ ત્યાં એં એં એં … શરૂ. બાદશાહ કહે, “અલ્યા, હવે શું છે તારે?”
“બાપા, આ ભાંગેલી શેરલી આખી કરી દ્યો.”
બાપા તો બરાડી ઊઠયા, “સાલા હરામખોર!”
અને શરતમાં બીરબલ જીતી ગયો તે કહેવાની જરૂર છે? આ ભ્રમણા કેવળ બાદશાહને નહીં, આપણને સૌને આ ભ્રમ છે કે છોકરાં એટલે ગણતરીમાં નહીં લેવાની બાબત. પણ બાળકો સંભાળવાં તે અઘરામાં અઘરું કામ છે અને એ કામ તમે સૌ બહેનો કરી રહી છો, તે બદલ હું ધન્યવાદ આપું છું.
ભણાવવા કરતા ‘કેળવવા’ શબ્દ વધારે સારો છે. આપણા કોશમાંથી ‘ભણાવવું’ શબ્દ આપણે કાઢી નાખવો જોઈએ. આપણે બાળકોને કેળવવાં છે. ભણાવી શકાય તે ‘વિષય’ કવિતા, ગણિત, ઇતિહાસ ભણાવી શકાય. પણ આપણે તો બાળકોને કેળવવાં છે. આજકાલ તો મા બાપ છોકરાંને ભણાવી ધન્યતા અનુભવતાં થઈ ગયા છે. કોઈને ત્યાં જઈએ તો કહેશે, ‘અમારો બાબો બહુ હોશિયાર હો કે ! આવ તો બાબા, અહીં આવ. એ કોન્વેટમાં જાય છે હં કે ! અરે બાબા, પેલી તારીખ પોએમ સંભળાવને !’
હું ઘણું કીધા કરું કે ભાઈ, સંભળાવવાની કંઈ જરૂર નથી. એને રમવા દો. પણ પેલાં માબાપને તો એવું શૂરાતન ચઢ્યું હોય કે પ્રદર્શન વગર જાણે તેમને ચેન જ નહીં. બાળક તે જાણે સંગ્રહસ્થાનની કોઈ પ્રદર્શનીય ચીજ ! છેવટે પેલાને ગાયે જ છૂટકો ! Twinkle, Twinkle little stars ! શરૂ થાય અને હું માથે હાથ દઈને બધું નાટક સહન કર્યે જાઉં ! શું છે આ બધું? સાત વર્ષ સુધી ભણવાનું કેવું? ત્યાં સુધી તો કેવળ કેળવણી ચાલે. કેળવણી એટલે બાળકમાં રહેલી સારી શક્તિને ઉંમરના પ્રમાણમાં પ્રગટ થવા દેવાની અનુકૂળતા આપવી તે. પછી એ ઊગશે તો આપમેળે જ. ગુલાબના છોડને ખાતર-પાણી દઈએ, નિંદામણ કરીએ, બાકી ગુલાબ એની મેળે ઊગશે. ઉગાડવાની ચિંતા આપણે નથી કરવાની. એની ભીતર બધું પડ્યું જ છે. આપણે તો ખાલી થોડી મદદ કરવાની છે…
[ સૌજન્ય : ‘દર્શક’ મનુભાઈ પંચોળી]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર