સરકાર કોઈ પણ હોય, સત્તાનો પરચો આપ્યા કરવાની તેને ટેવ હોય છે. 6 જાન્યુઆરી, 2021ને રોજ અમેરિકી સંસદમાં જે બન્યું તેણે લોકશાહીને કલંકિત કરી છે. 220 વર્ષ જૂની વિશ્વની સૌથી જૂની લોકશાહીને શરમાવાનું થયું છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને તેમના સમર્થકોએ અમેરિકી સંસદમાં ઘૂસી જઈને હિંસા આચરી તેમાં પાંચ લોકોના મોત થયાં ને તોડફોડથી નુકસાન થયું તે નફામાં. હુમલો એવો શરમજનક હતો કે વોશિંગ્ટનમાં કરફ્યુ લાદવામાં આવ્યો અને નવા ચૂંટાયેલા પ્રમુખ કાર્યભાર ન સંભાળે ત્યાં સુધી પંદરેક દિવસની સ્ટેટ ઓફ ઈમરજન્સી જાહેર કરવામાં આવી. આ હુમલાખોરો અમેરિકી ધ્વજ સાથે લોકશાહીની સામે પડ્યા હોય એવું દૃશ્ય ઊભું થયું ને વધારે દુખદ એ હતું કે માનભેર વિદાય થવાને બદલે ટ્રમ્પે હઠ કરીને સત્તા પર ટકી રહેવા આ તાયફો કર્યો ને છેવટે સત્તા છોડવાની જાહેરાત કરવી પડી. દુનિયાને જોણું એ રીતે થયું કે રશિયા, ચીન અને ઈરાનના નેતાઓએ લોકશાહીની હાંસી થઈ તેનો હરખ પ્રગટ કર્યો ને ઘાટ, ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ આપે એવો થયો. આ રાષ્ટ્રોએ પોતાની નીતિરીતિ અંગે વિચારવું જોઈએ તેને બદલે બીજા કેટલા ઉઘાડા છે તે બતાવવાનું શૂરાતન દાખવ્યું. ખરેખર તો એ સૌએ પોતાની જાત જોવાની ને ઢાંકવાની જરૂર છે.
કોણ જાણે કેમ પણ સરકારો ચર્ચામાં રહેવાનું ગૌરવ લેવાનું ખાસ ચૂકતી નથી. સરકાર જ વિપક્ષને જન્મ આપે છે ને વિપક્ષ નબળો હોય તો સરકાર મજબૂત બને એવું ઘણીવાર નથી પણ બનતું. વિપક્ષ નબળો હોય તો સરકાર લાંબું ટકે કદાચ, પણ તેનું પતન, પેલી મજબૂતાઈએ જન્માવેલ અહંકારને લીધે થયાના દાખલાઓ મળી રહે તેમ છે. કેન્દ્રમાં કૉન્ગ્રેસનું પતન મજબૂત વિપક્ષનું પરિણામ છે તો હાલની સરકારની મનમાની નબળા વિપક્ષને કારણે છે એ કહેવાની જરૂર નથી. દાયકાઓ સુધી સરકારમાં ટકેલી કૉન્ગ્રેસને અત્યારે ઊભા રહેવાનાં ફાંફા છે ને ભા.જ.પ.ની સરકાર અત્યારે એ જ સત્તા ભોગવે છે જે એક સમયે કૉન્ગ્રેસી સરકારની હતી. એણે કૈં પણ કરતાં પહેલાં કૉન્ગ્રેસનો દાખલો સતત નજર સમક્ષ રાખવાની જરૂર છે. એટલું તમામ સરકારોએ સમજવાની જરૂર છે કે પ્રજા કાયમ મૂરખ બનતી નથી, તે તક મળે છે તો મૂરખ બનાવી પણ શકે છે.
અત્યારે કૃષિકાનૂન મુદ્દે સરકાર અને ખેડૂતો સામસામે છે ને મહિનાથી વધુ સમય થયો હોવા છતાં ને આઠેક મંત્રણાઓ થવા છતાં સમાધાન થયું નથી એ ચિંતા ઉપજાવનારું છે. ખેડૂતો ત્રણે કૃષિકાનૂનો રદ્દ કરવાનું કહે છે ને સરકાર એ રદ્દ ન કરવા મક્કમ છે. સરકારને પક્ષે ખામી એ છે કે આ કાયદાઓ જેમને માન્ય નથી એમના પર તે થોપવા માંગે છે. કાયદાઓ પસાર કરવામાં જે ઉતાવળ કરાઈ તે વખતે સરકારનું વર્તન શંકાસ્પદ રહ્યું ને ખેડૂતોના કાયદા ખેડૂતોને વિશ્વાસમાં લેવાને બદલે, ઉદ્યોગપતિઓને વિશ્વાસમાં લઈને ઘડાયા. બીજી તરફ ખેડૂતોની હઠ પણ સરકારથી જરા ય ઊતરતી નથી. સરકાર કલમો સહિત ચર્ચા વિચારણા માટે તૈયાર છે ને એ.પી.એમ.સી. બંધ નહીં થાય એવું લેખિતમાં આપવા તૈયાર છે ત્યારે કાયદા રદ્દ કરાવવાનો ખેડૂતોનો આગ્રહ વધારે પડતો છે. સરકારે સુપ્રીમ કોર્ટ પર આખો મામલો છોડવાનું પણ કહ્યું તે પણ ખેડૂતોને મંજૂર નથી. આ સ્થિતિ તેઓ કોઈનો હાથો તો બની રહ્યા હોવાની શંકા જન્માવે છે. બીજી મહત્ત્વની વાત એ કે કૃષિ કાયદા પંજાબ કે હરિયાણાના ખેડૂતોને ધ્યાનમાં રાખીને નથી ઘડાયા. તે દેશ આખાના ખેડૂતોને ધ્યાનમાં રાખીને ઘડાયા છે. જો આ સ્થિતિ હોય તો આંદોલન પણ પ્રાદેશિક ન રહેતાં, રાષ્ટ્રીય બને તો જ સરકારને ઝૂકવાની ફરજ પડે ને તો જ કાયદા રદ્દ કરાવવાની ખેડૂતોની માંગ વાજબી પણ ગણાય. બાકી, આજની તારીખમાં કાયદા રદ્દ કરાવવાની વાત ગળે ઉતારવાનું મુશ્કેલ છે.
આ તો કેન્દ્રનો મામલો થયો. રાજ્ય સરકારો પણ કેવી રીતે વર્તે છે તે જોવા જેવું છે. પશ્ચિમ બંગાળમાં ભા.જ.પ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ પર હુમલો થયો તે રાજકીય કિન્નાખોરીનો જ પડઘો છે ને કેન્દ્રીય ગૃહમંત્રી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ચૂંટણીમાં એકલા જ રહી જશે એવી શેખી મારે એ પણ શોભાસ્પદ નથી. ગુજરાત સરકારની વાત કરીએ તો જેમ તેમ એ શિક્ષણ ચાલુ કરવા તૈયાર થઈ છે તે આવકાર્ય છે, પણ મકરસંક્રાંતિની ઉજવણીમાં જે આડાઈ કરી રહી છે તે ચર્ચાસ્પદ છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ વગેરે બાબતોના આગ્રહો સરકાર રાખે કે કુટુંબના સભ્યો જ ભેગા થાય કે બહારની વ્યક્તિને સોસાયટીમાં પ્રવેશબંધી ફરમાવાય તે સમજી શકાય, પણ માઈકનો ઉપયોગ ન કરવા દેવાની વાત જોહૂકમીથી વિશેષ કૈં નથી. આમ પણ અન્ય સંજોગોમાં ઉતરાણ પર ડી.જે. કે લાઉડ સ્પીકરનો ધાબા પર ઉપયોગ થતો જ આવ્યો હોય તો અત્યારની માઈકબંધી પુનર્વિચારણાને પાત્ર છે. નેતાઓ ટોળું કરે કે માઈક પરથી બોલે ત્યાં કોઈ રોકટોક નથી, તો ઉતરાણ વખતે માઇકબંધીનો સરકારનો આગ્રહ વધારે પડતો છે. માઈકથી ઘોંઘાટ વધે છે ને ત્રાસ થાય છે તે ખરું, પણ વારતહેવારે ગુજરાતીઓ હલ્લાગુલ્લા કરતા જ આવ્યા છે તો તેનો વાંધો એટલે પણ ન ઉઠાવવો જોઈએ કારણ, પોલીસ માઈકને મામલે કારણ વગર દખલ કરશે અને લોકોનાં ગજવાં ખંખેરશે ને એ ઉપદ્રવ કરતાં માઈકનો ઉપદ્રવ ઓછો જ હશે.
સાચી વાત તો એ છે કે કોરોના માઈકથી ફેલાતો નથી કે અવાજથી કે પ્રકાશથી પણ ફેલાતો નથી. એવું હોત તો વડાપ્રધાને લોકડાઉન દરમિયાન થાળીવેલણ વગડાવ્યાં ન હોત કે રાતના અંધારું કરાવીને દેશવાસીઓને દીવા પ્રગટાવવાની ભલામણો પણ ન કરી હોત. આખો દેશ ખખડે તે ઘોંઘાટ ન કહેવાય ને ગુજરાતમાં માઈક વપરાય તો તે પ્રદૂષણ ગણાય? વાહ !
છેલ્લે એક વાત ટોલ ટેક્સની ઉઘરાણીની.
હમણાં સુરતમાં પ્રવેશ આપતાં ટોલનાકાઓની ઉઘરાણીનો મુદ્દો ગરમ છે. આ ટોલનાકાઓ સુરતીઓને ખંખેરવાની ખોરી દાનત રાખીને વર્તી રહ્યાં છે તે બધી રીતે વાંધાજનક છે. સુરતના ટોલ નાકાઓને સર્વિસ રોડ નથી, એટલે જે વાહનો રોજિંદા કામે આસપાસથી સુરત આવે કે સુરતથી નજીક કામકાજ માટે બહાર જાય તો તેમણે આવવા-જવામાં રોજ ટોલટેક્સ ભરવો પડે એ બરાબર નથી. ટોલ દ્વારા પ્રજાને રોજ ખંખેરવાનું વહેલી તકે બંધ થવું જોઈએ. સુરતીઓનું અહીં નોંધાયેલું વાહન ટોલ મુક્ત જ હોવું જોઈએ. એને માટે આંદોલનની રાહ જોવાતી હોય તો તે યોગ્ય નથી.
સરકારની જવાબદારી છે વાહનવ્યવહાર માટે રસ્તાઓ બનાવી આપવાની, કારણ એ માટે તે પ્રજા પાસે કર ઉઘરાવે છે. આ કર ભર્યા પછી પણ જો ખાનગી કંપનીઓ લોકો પાસેથી ટોલ ઉઘરાવતી હોય તો, તે તો બેવડો ટેક્સ ઉઘરાવવા જેવું થાય. રસ્તા બાંધવાનું કામ સરકાર સોંપતી હોય તો રસ્તાનો ખર્ચ જે તે કંપનીએ સરકાર પાસેથી વસૂલવો જોઈએ, તેને બદલે જ્યાં ત્યાં ટોલનાકા ઊભા કરીને લોકોને ખંખેરવાનું કોઈ રીતે વાજબી નથી. વેલ, ટોલ ઉઘરાવવા જે નાકા શરૂ કરવામાં આવ્યા તેનો હેતુ, માર્ગ બનાવવાનો જે ખર્ચ થયો તે વસૂલવાનો હોઈ શકે, પણ એ હેતુ પૂર્ણ થાય પછી સંબંધિત ટોલનાકું બંધ થવું જોઈએ. એવું થાય છે ખરું? કે લૂંટ ચાલુ જ રહે છે? સરકાર એટલું તો કરી શકેને કે ખર્ચ વસૂલીનું કામ પૂર્ણ થાય કે જે તે ટોલનાકું બંધ થાય? સરકાર જો સર્વે કરાવે તો ખબર પડે કે બંધ થવા જેવાં કેટલાં ય ટોલનાકા હજી પણ વર્ષોથી ટેક્સ ઉઘરાવ્યા જ કરે છે. સરકારે વિધિવત જાહેર કરવું જોઈએ કે શરૂ થયેલાં કેટલાં ટોલનાકા ખરેખર બંધ થયાં છે? જો સરકાર સાથેની મિલીભગત ન હોય તો આ કામ સરકારે ઉપાડીને ટોલનાકાનું સ્પષ્ટ ચિત્ર પ્રજા સમક્ષ મૂકવું જ જોઈએ.
ને કેટલા સુરતીઓ લૂંટાયા પછી સરકાર સુરતના ટોલનાકાને મુદ્દે હસ્તક્ષેપ કરશે તે કહેશે?
સુરતીઓ લહેરી હોવા ઉપરાંત મૂરખ પણ છે એટલે રાજ્યમાં કે કેન્દ્રમાં તેના મંત્રી ન હોય તો સાંસદો કે ધારાસભ્યોથી ચલાવી લે છે. એ સાંસદો કે ધારાસભ્યો પણ એટલા જ લહેરી છે કે સુરતને અધૂરું રેડિયો સ્ટેશન મળે કે ટી.વી. કેન્દ્ર ન મળે તો ઝાઝી પરવા કરતાં નથી. સૌથી વધુ રેવન્યૂ સૂરત રળી આપે તો પણ એઈમ્સ સુરતને ન મળે, એનું મૂરત વડાપ્રધાન રાજકોટને કાઢી આપે ને સુરતીઓ ને એના સાંસદો ને ધારાસભ્યો આરામથી તાબોટા ફોડી શકે, એ પણ કેવું? સાચી વાત તો એ છે કે ઢગલો પાત્રતા હોવા છતાં આ શહેરને તેનો આગવો અવાજ જ નથી. સૂરત વસૂલવામાં ને ભૂલવામાં હંમેશ મોખરે રખાયું છે તે શરમજનક છે. આપણા ધારાસભ્યો, સુધારાસભ્યો બને ને સાંસદો દિલ્હીની ડેલીએ હાથ દઈને જ પાછા ન ફર્યા કરે તો સુરતનું ઘણું કામ થાય, મગર વો દિન કહાં કિ …
0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 જાન્યુઆરી 2021