સેલ્ફીમાં વધુપડતા રચેલાપચેલા રહેતા હોય તેમને માટે ‘સેલ્ફાઈટિસ’ નામનો નવો ડિસઓર્ડર શોધાયાને પણ એક દાયકો થઈ ગયો છે. સંશોધનો કહે છે કે સેલ્ફીના અતિરેક અને નાર્સિસિઝમ પર્સનાલિટી ડિસઓર્ડરને સીધો સંબંધ છે. નાર્સિસિઝમ એટલે વ્યક્તિનું પોતાની જ મહાનતાના પ્રેમમાં હોવું તે, પણ આ મહાનતાની પાછળ છુપાઈ હોય છે અસલામત અને નિર્બળ આત્મગૌરવની વાસ્તવિકતા
દસ વર્ષ પહેલા એક વાઇરલ સ્ટોરી ફરતી હતી કે અમેરિકન સાયક્યાટ્રિસ્ટ એસોસિયેશને જે લોકો સેલ્ફીમાં વધુપડતા રચ્યાપચ્યા રહેતા હોય તેમને માટે ‘સેલ્ફાઈટિસ’ નામનો નવો ડિસઓર્ડર શોધ્યો છે. વાત ત્યારે તો અફવા નીકળી પણ ત્યાર પછી સેલ્ફીના વળગણ વિષે વધુ સંશોધન થવા લાગ્યું. પાંચ વર્ષ પછી સેલ્ફાઈટિસ અફવા મટી વાસ્તવિકતા બની ગયો હતો.
મોબાઇલનો વપરાશ વિશ્વમાં 1975 આસપાસ અને ભારતમાં 1995 આસપાસ શરૂ થયો. આજે ભારત બીજા નંબરનું સૌથી મોટું મોબાઇલ ઉત્પાદક રાષ્ટ્ર છે. સ્માર્ટફોન પર સૌથી વધારે સમય વીતાવવામાં ભારતીયો પહેલા ક્રમે છે. સોશ્યલ મીડિયા સર્વિસિસ સાથે શરૂ થયેલા સેલ્ફી ટ્રેન્ડના પગલે વૉટ્સઅપથી માંડીને ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, થ્રેડસ, સ્નેપચેટ પર સેલ્ફીઓનું મહાપૂર આવ્યું છે. સેલ્ફીનું ગાંડપણ આખી દુનિયાને વળગ્યું છે. ઈન્ટરનેટ પર સેલ્ફી એક્સપર્ટ મોબાઈલનાં લિસ્ટ મળે છે. સેલ્ફી વધુ સારી રીતે લેવાય તેવી ટિપ્સ અને તેવાં ઉપકરણોનું બજાર ધમધમે છે. ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર સેલ્ફી સાથે મૂકવા માટે સેલ્ફી કેપ્શન્સ અને સેલ્ફી સ્ટેટસનાં સજેશન્સની ખૂબ ડિમાન્ડ છે. હિમાલયનો ખોળો ખૂંદવા જનાર પોતાના સામાનમાં સેલ્ફી-સ્ટિક જરૂર મૂકે છે. ખરું જોતાં એડવેન્ચર ટુરિસ્ટો સેલ્ફીની કલાને ‘ડેન્જરસ સેલ્ફી’ના અંતિમ છેડે લઈ ગયા છે. ભારતમાં પણ ડેન્જરસ સેલ્ફીનો ભારે મહિમા છે. આવી સેલ્ફી લેવા જતાં થતાં મૃત્યુની સંખ્યામાં ભારત મોખરે છે.
સેલ્ફી લેવાની એક મજા છે. તેને સોશ્યલ મીડિયા પર મૂકીએ અને લાઇક્સ મળે ત્યારે આવી જતા આત્મવિશ્વાસનો પણ એક આનંદ છે, પણ સતત સેલફીઓ પાડવી, તેને સોશ્યલ મીડિયા પર મૂક્યા કરવી અને લાઇક્સને માટે ટેન્શન લીધા કરવું એ માનસિક રોગ છે. સેલ્ફી લેવા લાંબા થયા કરતા હાથ કે કોણી દુ:ખી જાય તો ટેનિસ એલ્બોની જેમ સેલ્ફી એલ્બો થયો ન કહેવાય? મોબાઈલ નહીં મળે એવાં કાલ્પનિક ભયને નોમોફોબિયા કહે છે.
તાજેતરમાં થયેલો એક અભ્યાસ કહે છે કે સેલ્ફી સંદર્ભે સોશ્યલ મીડિયાના વધુ પડતા ઉપયોગ અને નાર્સિસિઝમ પર્સનાલિટી ડિસઓર્ડરને સીધો સંબંધ છે. નાર્સિસિઝમ એટલે વ્યક્તિને પોતાની જ સુંદરતાનું વળગણ હોવું તે. ઓછાવત્તા અંશે નાર્સિસિઝમ આપણા બધામાં હોય છે પણ નાર્સિસિઝમ પર્સનાલિટી ડિસઓર્ડર તદ્દન જુદી વાત છે. નાર્સિસિઝમ પર્સનાલિટી ડિસઓર્ડર એટલે સ્વકેન્દ્રીપણાનો ઘાતક બની જતો અતિરેક. મનોચિકિત્સકો નાર્સિસિઝમને સ્પેક્ટ્રમ કહે છે. સ્પેક્ટ્રમ એટલે ત્રિપાર્શ્વ કાચ, જેમાં પ્રવેશીને પ્રકાશનું સીધું કિરણ વક્ર બને અને તેના વક્રતાઅંશ મુજબ જુદા જુદા રંગ છૂટા પડે તેમ જુદી જુદી વ્યક્તિમાં જુદા જુદા પ્રમાણમાં નાર્સિસિઝમ હોય છે. નાર્સિસિઝમ પર્સનાલિટી ડિસઓર્ડર ધરાવતા લોકોમાં નાર્સિસિઝમનાં મૂળ અત્યંત ઊંડાં હોય છે. આવા લોકોનું આત્મગૌરવ અત્યંત નિર્બળ હોય છે. તેના ઉપર સુપિરિયારિટીનો અંચળો હોય છે. બ્રેઇન મેટર ઓછું હોવાથી આવું થાય છે એમ કહેવાય છે.
નાર્સિસસ ગ્રીક પુરાણકથાનું પાત્ર છે. નદી-દેવતા સિફિસસ અને અપ્સરા લિરિઓપના (કે પછી ચંદ્રની દેવી સેલીની અને તેના માનવપ્રેમી એન્ડિમિયનના) સંયોગથી જન્મેલો નાર્સિસસ અત્યંત દેખાવડો હતો. કથા કહે છે કે પાણીમાં પડતા પોતાના જ પ્રતિબિંબથી તે એટલો આકર્ષાયો કે તેને જોવામાં ભૂખતરસ ભૂલી ગયો. પર્વતપ્રદેશની અપ્સરા ઇકો તેને ચાહતી હતી, પણ નાર્સિસસને તેને જોવાની ફુરસદ ન હતી. પોતાના પ્રતિબિંબમાં જ મગ્ન રહી તે મૃત્યુ પામ્યો. એ જગ્યા પર જે ફૂલો ખીલ્યાં તેને નાર્સિસસ ફ્લાવર કહે છે. આપણે તેને નરગિસપુષ્પ તરીકે ઓળખી છીએ. ચીનમાં ડેફોડિલ્સ ફૂલોને નાર્સિસસ કહે છે. નાર્સિસસની કથા સાથે દેવ ઝિયુસની પત્ની હેરાની વાત પણ સંકળાયેલી છે. આ બધાં પાત્રો પ્રતીકો જેવાં છે. જાત સાથે પ્રેમ અને મૈત્રી એક વાત છે, પણ જાત પ્રત્યેનાં આત્યંતિક મોહ અને આસક્તિ તો પોતાના અને અન્યના સર્વનાશને જ નોતરે છે તેવો ચોખ્ખો સંદેશ સદીઓ પહેલાંની આ પુરાણકથામાં છે જે આજે પણ એટલો જ સાચો છે.
આપણી આસપાસ આવા નાર્સિસિસ્ટો ફરતા હોઈ શકે. આપણામાં પણ આપણી જાણબહાર એકાદ નાર્સિસિસ્ટ વસતો હોઈ શકે. દર સો વ્યક્તિએ એક નાર્સિસિસ્ટ અને દર સો નાર્સિસિસ્ટે એક નાર્સિસિઝમ પર્સનાલિટી ડિસઓર્ડર એવી એક ગણતરી મુકાઇ છે.
કેવી રીતે ઓળખીશું આવા નાર્સિસિસ્ટોને?
નાર્સિસિસ્ટોની પ્રશંસાની ભૂખ જબરી હોય છે. લોકોના સમર્થન માટે તેઓ અત્યંત આતુર અને પ્રતિષ્ઠાના ભૂખ્યા હોય છે. માનસન્માન મેળવવા ગમે તે કરવા તૈયાર હોય છે. પોતાને અનોખા સમજવા અને બીજાને ફાલતુ તે તેમની પ્રકૃતિ હોય છે. પોતાના મહત્ત્વ અને સ્વ-આસક્તિમાં તેઓ એટલા રત હોય છે કે તેમને અન્ય લોકોની લાગણીઓ અને જરૂરિયાત સમજાતાં નથી. બીજાઓ તેમની સેવા માટે જ જન્મ્યા છે તેવો તેમનો ભાવ હોય છે.
આવા લોકોમાં એક આકર્ષણ હોય છે. તેઓ સંબંધો બાંધવામાં કુશળ હોય છે, પણ તેમના સંબંધો ઊંડાણભર્યા કે દીર્ઘજીવી ઓછા હોય છે. નાર્સિસિસ્ટો મોટેભાગે ‘ટેમ્પરામેન્ટલ’ હોય છે અને ‘ફ્લક્ચ્યૂએટિંગ મૂડ’ ધરાવતા હોય છે. તેઓ વધુ પડતા સંવેદનશીલ હોય છે. તેમનું વર્તન અકળ હોય છે. ક્યારેક ખૂબ ઉષ્માપૂર્ણ હોય તો ક્યારેક સાવ ઠંડા. ક્યારેક માયાળુ તો ક્યારેક તોછડા. અણધાર્યું વર્તન કરનારા. તેઓ ક્યારે કેવી રીતે વર્તશે તે ચોક્કસ કહી શકાતું હોતું નથી.
નાર્સિસિસ્ટો પોતાના વિષે વધારેપડતો ઊંચો ખ્યાલ ધરાવે છે પણ બીજાના આત્મગૌરવને સમજતા નથી. પોતાનો કક્કો ખરો કરવા માટે સાચી વાતનો ધરાર ઈનકાર કરવામાં અને ખોટા આરોપ મૂકી દેવામાં તેમને અચકાટ થતો નથી. પોતાના વિષે વધારે પડતો ઊંચો ખ્યાલ હોવાથી નિયમો કે શિસ્ત પોતાના માટે નથી એવું તેઓ માને છે અને નિયમો તોડવામાં કે હદ ઓળંગવામાં તેમને આનંદ આવે છે. તેમનામાં આડંબર અને પ્રદર્શનવૃત્તિ પુષ્કળ હોય છે. પોતાના અહંકાર માટે બીજાને ઉતારી પાડતા કે શોષણ કરી લેતા તેઓ ખચકાતા નથી.
સમાજનાં બંધનો તો સામાન્ય માણસો માટે હોય તેવું તેઓ માને છે. પોતે પણ એ પાળવા જોઈએ તેવું તેમને લાગતું નથી. ક્યારેક અસામાજિક પણ થઈ જાય છે. તેમનામાં એક જાતની આક્રમકતા હોય છે અને તેમની હાજરી નકારાત્મક વલયો ઊભાં કરનારી હોય છે. તેઓ કોઈ સાથે નિકટની મૈત્રી કેળવી શકતા નથી અને અન્ય કોઈ પણ તેમના અહમના વર્તુળમાં પ્રવેશી શકતું નથી. પોતે અન્યથી ઊંચા છે એવી સભાનતાને લીધે તેઓ લોકો સાથે હળતામળતા નથી અથવા તો ઉપકારભાવે હળેમળે છે.
આવા લોકો સાથે પનારો પાડે તો અકળાવું નહીં. શાંતિથી તેમને તેમની હદ સમજાવી દેવી અને પોતાની હકારાત્મકતા ન છોડવી એવી મનોવિજ્ઞાનીઓની સલાહ છે.
તાજેતરનાં સંશોધનો કહે છે કે સેલ્ફીનો અતિરેક નાર્સિસિઝમને વધારશે. દિવસની આઠથી વધારે સેલ્ફી પાડવી એ મોનોરોગની નિશાની છે. મોબાઈલનો ત્રણ કલાકથી વધારે ઉપયોગ હાનિકારક છે. દરેક પ્રકારનો અતિરેક ઝેર સમાન છે. પણ આપણને અતિરેકો ફાવી ગયા છે. મોબાઇલના વધુ પડતા ઉપયોગથી બ્રેઇન ટ્યુમરમાં 74 ટકાનો, નપુંસક્તમાં 37 ટકાનો, હૃદયરોગમાં 45 ટકાનો, ગર્ભમાંના બાળક પર થતી અસરમાં 21 ટકાનો, શ્રવણક્ષમતાના ઘટાડામાં 80 ટકાનો, અલ્ઝાઇમર્સમાં 11 ટકાનો અને પાર્કિન્સનમાં 3 ટકાનો વધારો થાય છે એવાં આંકડા આપણે ઠંડાં કલેજે વાંચી છીએ અને ચેતવણીઓને ઘોળીને પી જઈએ છીએ. સેલ્ફી સિન્ડ્રોમનું પણ એવું જ થયું છે.
એવું પણ કહેવાય છે કે સેલ્ફી અ ડે કીપ્સ અ ફ્રેન્ડ અવે – સેલ્ફી લો ને મિત્ર ગુમાવો.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 03 નવેમ્બર 2024