ચોફેર : તપાસ કાર્યવાહીને નામે ધોંસ
પેચીદો સવાલ છે : આને અઘોષિત કટોકટી કહીશું કે ચાલુ કટોકટી? જેમ 1974-77 પછી આપણે સ્વરાજની બીજી લડાઈને બદલે ચાલુ લડાઈની રીતે વાત કરવા લાગ્યા છીએ તેમ હવે ચાલુ કટોકટીની રીતે સતર્ક રહીએ તે કદાચ વધુ જરૂરી છે, એવું તો નથી ને?
સાંભળ્યું તમે? સૉરી તમે સાંભળ્યું તો હોય જ … પણ નોંધ્યું તમે? સાત સાત વરસના તપાસખેલ પછી સી.બી.આઈ. કહે છે, એન.ડી.ટી.વી.નો કસો વાંકગુનો નથી. એણે રિપોર્ટ રજૂ કર્યો તેના પર રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ શૈલેન્દ્રર મલિકનો થપ્પો પણ વાગી ગયો છે કે કોઈ વાતે કેસ નથી બનતો તે નથી બનતો.
વર્ષ 2017માં સી.બી.આઈ.ને શી ખબર શું સત ને શૂર ચઢ્યું હશે તે એમણે એન.ડી.ટી.વી.ના ફાઉન્ડર – પ્રમોટર પ્રણય રોય ને રાધિકા રોય પર તેમ આઈ.સી.આઈ.સી. બેન્કના ઓફિસરો ઉપર ગુનાઇત મેળાવીપણાથી માંડી સત્તાવાર હોદ્દાનો સરિયામ દુરુપયોગ શરૂ કીધો.
અહીં વાંચકે લગરીક પોરો ખાઈને એ હકીકતનો ખયાલ કરવો જોઈએ કે છેલ્લાં વર્ષો સ્વતંત્ર ટી.વી. જર્નાલિઝમની રીતે ઉત્તરોત્તર વધુ ને વધુ કસોટીનાં ને કટોકટીનાં બનતાં રહ્યાં છે. 2017 આવતા આવતાં જે ચિત્ર બન્યું તે એ બન્યું કે એન.ડી.ટી.વી. જેવી કોઈ રડીખડી ચેનલ ભિન્નમતનું કે અસંમતિના અવાજનું ઠેકાણું હશે તો હશે. એકતરફી એવો જે માહોલ સમાચારસંચારમાં જામ્યો એણે 2019ના લોકસભાની ચૂંટણીના પરિણામને 2014 કરતાં પણ જોરદાર ને ધારદાર સત્તા-પ્રતિષ્ઠાન તરફી વળ આપ્યો. 2024ની ચૂંટણીમાં એનું શ્રેય સ્થાપિત ટી.વી. ચેનલોથી ઉફરાટે યુ ટ્યૂબ વિસ્ફોટને જ આપવું જોઈશે. નહીં કે સોશિયલ મીડિયા એનું દાયિત્વ બધો વખત બરાબર સમજે અને આચરે છે, પણ ભિન્નમત અને અસંમતિના અવાજ માટે તેમ એકતરફી માહિતીમારાથી ઉફરાટે એક પ્રજાકીય પ્લેટફોર્મની કંઈક ગુંજાશ એણે જરૂર દાખવી છે.
પણ વાત આપણે એન.ડી.ટી.વી. પ્રકરણની કરતાં હતા. પિંજરના પોપટની ઓળખ પામેલ સી.બી.આઈ.એ પરબારી જે શોધ કરી હતી તે એ હતી કે એન.ડી.ટી.વી.ના કર્તાહર્તાઓએ આઈ.સી.આઈ.સી. બેન્ક પાસેથી લોન લીધી અને તે ભરપાઈ કરવાને મામલે લોન પરના 19 ટકા જેટલા વ્યાજને બદલે સાડા નવ ટકાને હિસાબે ચૂકવણી કરી. પૂરા 375 કરોડ રૂપિયાની આ લોન સામે એણે જે ઘટાડેલી વ્યાજચુકવણી કરી તેને પરિણામે આઈ.સી.આઈ.સી. બેન્કને સહેજે 48 કરોડ કે કંઈક વધુ રૂપિયાની ખોટ ગઈ. આ બેન્કખોટ(તે માટેના ભ્રષ્ટાચાર)ની શક્યતા દેખીતી રીતે જ ચોક્કસ બેન્ક અધિકારીઓ અને એન.ડી.ટી.વી.ના કર્તાહર્તાઓ (પ્રણય રોય અને રાધિકા રોય) વચ્ચેના ગુનાઇત મેળાપીપણાને કારણે ઊભી થઈ હોવી જોઈએ.
આમ, જે તપાસકારવાઈ ઉર્ફે ધોંસ શરૂ થઈ એથી એન.ડી.ટી.વી. જેને આમ પણ 2014થી સત્તા-પ્રતિષ્ઠાનથી સ્વતંત્ર સમાચારભૂમિકા માટે સરકારી ને ગેરસરકારી સ્રોતો તરફથી વેઠવું પડતું હશે એમાં ઉમેરો થયો. ઉત્તરોત્તર ખોટના ખાડા ને બીજી હરકતોને કારણે એન.ડી.ટી.વી.એ પોતાને એક અર્થમાં સંકેલવાનું (વેચાઈ જવાનું નહીં પણ ચેનલને વિધિવત વેચી છૂટા થવાપણું જોયું. (દરમિયાન, રવીશ કુમારે તો સ્વતંત્ર ચેનલ શરૂ કરવાનો રાહ લીધો જ હતો.) ગમે તેમ પણ, ચોક્કસ હવે ઉર્ફે ફાંસલો બનવા સાથે સ્ક્રિપ્ટ મુજબના પ્રમુખ સાથે એન.ડી.ટી.વી.નો માલિકીપલટો થઈ ગયો.
આ હેતુ સિદ્ધ થયા પછી પિંજરના પોપટે બીજું શું કરવાનું રહે, સિવાય કે એન.ડી.ટી.વી.ના કર્તાહર્તાઓ ને અને આઈ.સી.આઈ.સી. બેન્ક અધિકારીઓને ક્લીન ચિટ! રિઝર્વ બેન્કની ગાઇડલાઈન્સ મુજબ લોનભરપાઈમાં જે વિવિધ કારણો ને પરિબળ સર વ્યાજછૂટ અપાય છે તે પ્રમાણે જ સઘળા નિર્ણયો લેવાયા હતા. અને તે છૂટ કેવળ એન.ડી.ટી.વી.ને નહીં પણ આ ગાળામાં કુલ 83 જેટલા અલગ અલગ કેસોમાં અપાઈ હતી.
શું કહીશું ઉપસંહારમાં ? તરત ઊઠતો પ્રતિભાવ અલબત્ત એ હોઈ શકે કે આ ‘અઘોષિત કટોકટી’નો દાખલો છે. 1974-77ના સંદર્ભમાં આપણે ‘બીજા સ્વરાજ’ની અને સ્વરાજની બાકી લડાઈની રીતે વાત કરતાં હોઈએ છીએ. આ કિસ્સો લાગે છે, અઘોષિત કરતાં વધુ તો ચાલુ કટોકટીનોયે હોઈ શકે. સ્વાધીનતાનું મૂલ્ય, છેવટે તો, સતત સતર્કતા અને અતન્દ્ર જાગૃતિ જ હોઈ શકે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 05 ડિસેમ્બર 2024