મરાઠી આવડતું હોવાના કોઈ જ દાવા વગર, વિન્દા કરન્દીકરના એક ગમતા કાવ્યને ગુજરાતીમાં ઉતારવાની ચેષ્ટા કરી છે. ભૂલચૂક લેવી દેવી.
— નંદિતા મુનિ
કરું આદરે સદ્ગુરુસ્તવન
જે થકી સત્ય-જ્ઞાન મુજ વધ્યાં છે.
ધન્ય પાયથાગોરસ! ધન્ય ન્યૂટન!
ધન્ય આઈન્સ્ટાઈન! બ્રહ્મવેત્તા.
ધન્ય પાશ્ચર! ધન્ય મારી ક્યૂરી!
ખરાં ધન્વંતરિ! મૃત્યુંજય.
ધન્ય ફ્રોઈડ ને ધન્ય ડાર્વિન,
જેણે આત્મજ્ઞાન મને આપીયું.
ધન્ય ધન્ય માર્ક્સ, દલિતત્રાતા,
ગૂંચો ઇતિહાસની ઉકેલનારા!
ધન્ય શેક્સપિયર! કાલિદાસ ધન્ય!
ધન્ય હોમર, વ્યાસ! ભાવદૃષ્ટા.
ફેરેડે, માર્કોની, વેટ, રાઈટ ધન્ય
અન્ય પણ ધન્ય, સર્વ સ્વયંસિદ્ધ.
ધન્ય ધન્ય સર્વ, હુંય ધન્ય ધન્ય,
સામાન્ય કેરોયે કંઈ અર્થ હોય છે.
સદ્ગુરુ કને બસ એક યાચના,
ભક્તિભાવ નયનમાં એટલો હજો.
સદ્ગુરુ દેજો, એક દાન દાસને –
દાસનું દાસપણું નષ્ટ થાઓ.
સદ્ગુરુવચનનું સુખ સાંપડે
તેનો જન્મ બની રહે ધન્ય-ધન્ય.
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર