૪
કેટલાંક ગીતોની કેટલીક પંક્તિઓ તો ઘણી જ સ્મરણીય છે, જેમ કે –
મને જરા ઝૂંક વાગી ગઈ …
માલતીની ફૂલકોમળી તો યે ડૂંખ લાગી ગઈ …
*
સૂકી મેં વીણી કાંઈ ડાળી ને ડાંખળી
સૂકાં અડૈયાંને વીણ્યા રે લોલ
લીલી તે પાંદડીમાં મ્હૅકંત ફૂલ બે’ક
મારે અંબોલડે ખીલ્યાં રે લોલ.
*
હરિ તારા ઘટના મન્દિરિયામાં બેસણાં હોજી. હરિ હું ય એ જ ઘરનું બાળ.
*
ફૂલની ભીતર ભરિયું તે મધ ભમરે લીધું પ્રીછી
ઓયમા મને ચટકી ગયો કાળમુખો કોઈ વીંછી.
*
‘કોઈ સૂરનો સવાર
આવી ઊતર્યો અરવ મારે ઉરને દ્વાર.’
*
‘તને જોઈ જોઈ તો ય તું અજાણી’
“શાન્ત કોલાહલ” સંગ્રહમાં ‘વનવાસીનાં ગીત’ એવા શીર્ષકથી રાજેન્દ્રભાઈએ ૧૮ રચનાઓ રજૂ કરી છે. કેટલીક રચનાઓની કોઈ કોઈ પંક્તિ રજૂ કરીને સંતોષ માનું :
૧ :
નમીએ અગનફૂલને હેતે નમીએ અગનફૂલ,
ઓથમાં જેની ઊછરે આપણ વનવાસીનું ફૂલ.
રાનપશુનાં નૅણમાં એનાં તેજની વાગે શૂલ.
૨ :
પાછલી રાતના ઝાકળમાં ઝંખવાય રે અગનફૂલ
ઉગમણે તેજ મ્હૉરતું ને ટહૂકાર કરે ચણ્ડૂલ
મૉકળે મને રાન-વેરાનમાં
માણીએ સંસાર; ઝંખવાય રે અગનફૂલ.
૩ :
વાગે રે, વરણાગિયું લીધું હાથમાં વાસણ ઠાલું, બોલની હારે પાયલિયું રણકારે એને
માનસરોવવર માંહ્યલા ઓલા કમલનો કૉલ આલું
સાવજની યે સૉડમાં સરી કરીએ અટકચાળું.
તારલિયાનાં તેજને વ્હૅતાં વાંચીએ ઝરણપાણી
રાનમાંજારનાં નૅણથી વીંધાય રૅણનું કાજળ કાળું.
૪ :
કાંચળી જોઈને કાયે ભાગે ને મૌવર માંડે મરદ,
સાત પાતાળનાં ભોંયરાં ભેદીને આવતી નાગણ
રાગનું એને ય દરદ. વાત નાગણ અને મદારીની છે, પણ ખરી વાત તો પ્રિય અને પ્રિયાની છે.
૫ :
એ ય વ્હાલીડા ! સાંભળી લેજે સાદ.
અંગ મ્હારાંને વીંટળાયો છે નાગ
ઝૅરની એનાં જીરવી જાય ન આગ,
મૌવરમાં ધર, મન્તરનો કોઈ રાગ
નહિ તો એલા, જિન્દગી લગી મેલજે મોરી યાદ.
વ્હાલીડા સાંભળી લેજે સાદ.
૬ :
છોરી ! તોરી વાત વેલાતી !
આવડે ના તો ય ઊકલે મરમ
મનમાં એની મ્હેક ફેલાતી.
તડકે તપ્યું રાન ભલે ને
આંહી તો પૂનમ રાત રેલાતી.
૭ :
જૂઠી તે રીસને રાગે નેપુર તારાં રૂમઝૂમ રૂમઝૂમ વાગે, રૂપાળવી.
આવડો ફૂંફાડો ન રાખીએ નકામ
એને ન્હાનો ગોવાળિયો ય નાથે.
૮ :
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે…તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ કુલડી ભરીએ, વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ…કેવડિયાનો કાંટો અમને…
૯ :
કાજળિયા અન્ધારથી યે કંઈ કાળવી ત્હારી કીકી
સળગ્યાં મ્હારાં નૅણલાં એને જોઈને ટીકી ટીકી.
૧૦ :
વનમાં વાયરે ઘેરી’તી આજ, મ્હને વનમાં વાયરે ઘેરી
કિયા જનમનો વૅરી, તે આજ મને વનમાં વાયરે ઘેરી.
૧૧ :
પેલે તીરે તારું ગામ વ્હાલીડા, હું આ તીરની વનવાસી,
વાંકડી રે એની ચાલથી, બેઉને ભીંજવી જાય વરાંસી.
૧૨ :
શરત : ‘શરત’ — સમગ્ર રચનામાં કવિનું મને એક અનોખું સર્જનાત્મક ઉડ્ડયન જોવા મળ્યું છે
પાતળી કેડી કેરકાંટાળીઅંટેવાળે આવતાં એખણ એરું, સાવજ કેરી ખાલની મને આલ મજાની મોજડી…
ગોફણના એક ઘાથી ઉતાર
નભનો તેજલ તારો,ભાલની મારી બિંદીએ મેલી
અંજવાળું જનમારો,
ઝરણાંનાં ઝાંઝરની તાલે રમતાં રે’તાંચડવો મારે એક અવિચલ મેરુ.
આટલું મારું વેણ રૂડી જે રીતથી રાખેએ જ તે મારા આયખાનો ભડ ભેરુ.
– નાયિકાના ઑરતા તો જુઓ : સાવજ કેરી ખાલની મોજડી, ગોફણના એક ઘાથી ઉતારેલો નભનો તેજલ તારો એના ભાલની બિંદી, ઝરણાંનાં એનાં ઝાંઝર …
રાજેન્દ્રભાઈએ ‘દરિયાખેડુનાં ગીત’ લખ્યાં છે, “વિભાવન”-માં સંઘરાયાં છે.
૧ :
જાગ, હુલાસી જાગ…
૨ :
હાલ્ય રે ભેરુ, હાલ્ય હૉંશીલા,
જોરનું જુવાળજળનું આયું તેડું.
હાલક ડોલક થનગની ર્ હૅ,
નાવડીનો દોર છોડ રે સાગરખેડુ.
ખારવાનાં ગીત લખ્યાં છે, બે છે, “શ્રુતિ”-માં સંઘરાયાં છે.
૧ :
હે ઇ ચાંગા, શુકર, બોમાન, શાની !
ભરતી આવી ભૂર, હો ભૂરાં અલબેલાનાં ઊછળે પાણી. : હે ઇ રે હેલા આ…ય
ન્હૈં મોતી, ન્હૈં ધોતી, કેવળ
કેડનું રેશમ ચીની ઘરદુવારે, ભરજુવાળે કાય રહે નિત ભીની.
રે હેલા હે ઇ રે હેલા આ…ય.
૨ :
હે…ઇ…ષા હેલોમ, હે એ ઇ ષા
હે…ઇ…ષા હેલોમ, હે એ ઇ ષા. તે પછી – ભૈયા આપણ, હે એ ઇ ષા
ધારીએ આપણ, હે એ ઇ ષા
ભતવારીનું ગીત બહુ સુન્દર છે, એની વ્યંજના પણ રમણીય છે, આખું આ પ્રમાણે છે :
નાની રે પીલુડી ઝાઝા ઘેરની એની કન્દરાની હેઠ
એની છાંયડીની હેઠ
ધોમ રે ધખ્યાની વેળા ગાળીએ
અન્તે કહે છે :
મધ રે બપોરે માજમ ચાંદની,
વીંઝણો વાતુંનો ઢળાય,
નયને સોણલાં કળાય,
કાળજે ટાઢક મીઠી માણીએ….નાની રે પીલુડી ઝાઝા ઘેરની…
રાજેન્દ્રભાઈએ કવિ જયદેવના સુપ્રસિદ્ધ “ગીતગોવિંદમ્”-નો અનુવાદ કરેલો. એક ગીતની પહેલી કંડિકા આ પ્રમાણે છે :
રતિસુખને સંકેત-નિકેત ગયેલ મનોહર વેશ
ન કર, નિતમ્બિનિ, ગમનવિ લંબન, અનુસર તે હૃદયેશ
ધીર સમીરે યમુના તીરે અધીર કુંજવિહારી
આલિંગન-રંજન કારણ, જો, કરત કામના તારી. આ ગીત બહુ જાણીતું છે. મનોહર વેશ ધારણ કરીને રતિસુખની ઈચ્છાથી અભિસારે નીકળેલી નિતમ્બિનિને કવિ કહે છે, તારી હૃદયેચ્છાને અનુસર ને વાર ન લગાડ, કેમ કે યમુનાતીરે શ્રી કૃષ્ણ આલિંગનરંજન માટે તારી કામના કરી રહ્યા છે.
જયદેવની પદાવલિશૈલીનું રાજેન્દ્રભાઇનું આ ગીત જુઓ –
ઝલમલ ઝલમલ નદીજલ-લહરી, પવન વહે પણ મલમલ,
પૂરવ ગગનને અરુણ કિરણ, મૃદુ વિકસત રમ્ય કમલદલ
મધુ-પરિમલ-રત અલિગણ ગુંજે,
મુકુલિત કલરવ નિખિલ નિકુંજે;
કહીં, પ્રિય!
કહીં તુમ નિવસત? નયનન વિકલ ભમે મુજ થલથલ,
ઝલમલ ઝલમલ નદીજલ-લહરી…
ઇંધણાં વીણવા ગૈતી મોરી સૈયર..
ચઇતરનું આભ સાવ સૂનું સૂનું ને તો ય
કંઈથી કોકિલકણ્ઠ બોલે રે લોલ
વનની વનરાઈ બધી નવલી તે કૂંપળે
દખ્ખણને વાયરે ડોલે રે લોલ.
(૬).
(આ ગીત હું બહુ ગાતો).
ચૈત્ર માસનું આભ સૂનું સૂનું છે તો ય કોકિલકણ્ઠ! -એ વિરોધાભાસ નૉંધો. નવલી બધી જ કૂંપળો કલ્પો. એ કૂંપળો દખ્ખણના વાયરે ડોલે છે. કહેવાયું છે, કવિસમય છે, કે દક્ષિણ દિશાનો વાયરો પ્રેમીઓનું મિલન સાધી આપે છે. સૈયર ભલે ઇંધણાં વીણવા ગૈતી, પણ એનો સંગાથી ત્યાં આવે એની વાટ જોઈ રહેલી.
‘સુન્દર ! બહુરિ કુટિલ તવ છલના :
પલ રૂપ એક, અવર પણ દૂજો
મન કંઈ પામત કલ ના…’
(ક્રમશ:)
(23Sep24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર