Opinion Magazine
Opinion Magazine
Visitors: 8388672
  • Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
  • About us
    • Launch
    • Digitisation
    • Opinion Online Team
    • Contact Us

સાંપ્રત વિકાસ અંગે વિચારણા પર ડૉ વર્ગીસ કુરિયનની દેણગી : કેરળ ઉપરાંત અન્ય પ્રદેશો પર તેના પ્રત્યાઘાત

જોસ ચાથુકુલમ ટી.એમ. જોસેફ અને માનસી જોસેફ|Opinion - Opinion|3 January 2022

લેખકો : ડૉ. જોસ ચાથુકુલમ : સેન્ટર ફોર રૂરલ મેનેજમેન્ટના નિયામક

         ટી.એમ. જોસેફ : સેન્ટર ફોર રૂરલ મેનેજમેન્ટ ખાતે બી.એસ. ભાર્ગવ ચેર – વિકેન્દ્રિત વહીવટ અને વિકાસના માનદ્દ પ્રાધ્યાપક અને હાલમાં માઉન્ટ કાર્મેલ કોલેજના પ્રાધ્યાપક 
           માનસી જોસેફ : સેન્ટર ફોર રૂરલ મેનેજમેન્ટ ખાતે રિસર્ચ ફેલૉ 

અનુવાદ : આશા બૂચ

(અમૂલ શબ્દનું મૂળ સંસ્કૃત શબ્દ ‘અમૂલ્ય’માં છે, જેનો અર્થ અતિ મૂલ્યવાન થાય. અમૂલ ડેરી Anand Milk Union Limitedનું એ લઘુ રૂપ છે. અમૂલ ડેરીની સ્થાપના આણંદ – ગુજરાત ખાતે 1946માં થઈ હતી.

Institute of Rural Management Anand (IRMA) આણંદમાં પ્રીમિયર બિઝનેસ સ્કૂલ છે જે એક સ્વાયત્ત સંસ્થા છે. તેનો આશય વ્યવસાયિક વહીવટનું શિક્ષણ પૂરું પાડવાનો છે. આ ડૉ. કુરિયનનું મહત્ત્વનું પ્રદાન છે.) 

— આશા બૂચ

પ્રસ્તાવના : 

26 નવેમ્બર 2021 એ ‘ભારતના મિલ્કમેન’ તરીકે સુપ્રસિદ્ધ થયેલા ડૉ. વર્ગીસ કુરિયનનો જન્મ શતાબ્દી દિન. તેમણે ભારતને દુનિયાના સહુથી વધુ દૂધ ઉત્પાદક દેશ તરીકે ઉચ્ચ સ્થાને પહોંચાડી દીધો. ડૉ. કુરિયન ભારતની શ્વેત ક્રાંતિના ઘડવૈયા. તેમણે એક વખત કહેલું, “ભારતનું આ સૂર્યમાળામાં સ્થાન તેની ગ્રામ્ય પ્રજાના શાણપણ અને વ્યવસાયિક નિષ્ણાતો વચ્ચેની ભાગીદારીમાંથી આવશે.” બીજા એક પ્રસંગે ડૉ કુરિયને કહ્યું, “ભારતે પોતાનો પ્રામાણિક, દયાળુ અને માનવીય ચહેરો દુનિયાને બતાવવો જોઈએ, નહીં કે હાલના શક્તિશાળી દેશો બતાવે છે તેવો ઉદ્ધત ચહેરો.” ખાસ કરીને જ્યારે દેશના કૃષિ અને સહકારી ક્ષેત્રને અનુલક્ષીને ઘડવામાં આવતી ખામીયુક્ત નીતિઓને કારણે ખેતીને લગતા વ્યવસાયોની દુર્દશાના સમાચારો મળે છે, ત્યારે તેમના આ દૃષ્ટિકોણ અને તત્ત્વજ્ઞાનની આજે ઘણી મહત્તા છે. 

ડો. કુરિયને સાધારણ ‘ગોવાળો’ અને ‘ગોવાલણો’ તથા દૂધાળા ઢોર ઉછેરનારા ખેડૂતોનું પાયાના સ્તરે સશક્તિકરણ કરીને સહકારી ડેરીની ચળવળના પાયા નાખ્યા, અને તેમને ભારતના આર્થિક વિકાસ અને પ્રગતિમાં ચાવીરૂપ ખેલાડી બનાવ્યા. ડો. કુરિયનનું દૃષ્ટિબિંદુ એવું હતું કે ડેરી ઉદ્યોગ ભારતના ગ્રામ્ય લોકોના જીવનને પરિવર્તિત કરવામાં મદદરૂપ થાય; અને તેમને સહકારી મંડળીઓ દૂધાળા ઢોરના ઉછેરના ઉદ્યોગની સુધારણામાં ઉદ્દીપક તરીકે કામ કરી શકે તેમ લાગતું. અને એ રીતે ભારતના ગ્રામ્ય લોકોનું સશક્તિકરણ થાય. ‘પ્રોફેશનલ રૂરલ મેનેજમેન્ટ’નો ખ્યાલ આપણી સમક્ષ મુકવાનો યશ ડો. કુરિયનને જાય છે, કે જેમાં અમૂલ જેવી સહકારી ડેરીનું ધ્યેય તેના લાખો ખડૂતોને ડેરીના ભાગીદાર ગણીને નફો કરી શકાય એ હતું. ડો. કુરિયને ડેરીના વહીવટ અને વ્યવસ્થામાં એક પ્રકારનો વ્યવસાયિક દૃષ્ટિકોણ ઉમેર્યો અને પુરવઠાની મજબૂત સાંકળની સહાયથી, આધુનિક ટેક્નોલોજી અને ઉત્પાદન પદ્ધતિની વ્યવસ્થા થકી, વેચાણ, સંગઠિત પ્રયાસો અને યુક્તિપૂર્વકની દૃષ્ટિના અમલથી ‘પ્રોફેશનલ રૂરલ મેનેજમેન્ટ’ની અગુવાઈ કરી. તેમના આ અભિગમને પરિણામે ગ્રામીણ કૃષિ સમાજમાં એક નવીન આર્થિક-સામાજિક ક્રાંતિના મંડાણ થયાં. આ ‘પ્રોફેશનલ રૂરલ મેનેજમેન્ટ’ના નેજા હેઠળ ગામડાઓમાં વસતા ખેત ઉત્પાદકો પોતાની ઉપજના વેચાણ અને ઉત્પાદનના પોતે જ નિર્ણાયક બને તે માટે તેમનું સશક્તિકરણ કરવામાં આવ્યું. આમ થવાથી એ ખેડૂતો દલાલોની દખલગીરી વિના ગ્રાહકોને સીધા જ પોતાની ઉપજ વેંચતા થયા. આજે ભારતને ‘પ્રોફેશનલ રૂરલ મેનેજમેન્ટ’ને અપનાવે તેવા સંગઠનો અને ડૉ. કુરિયન જેવા ખેડૂતોની સંપોષિત રોજગાર દ્વારા આવક  થતી રહે તે માટે તેમના વતી મુદ્દો ઉઠાવે તેવા દૃષ્ટિવાન વ્યક્તિઓની વધુ ને વધુ જરૂર જણાય છે. તેમણે ગ્રામ્ય વિસ્તારનો આર્થિક અને સામાજિક વિકાસ થાય તે માટે ખેડૂતો દ્વારા સંચાલિત સહકારી મંડળીઓ સ્થાપી.  

ડૉ. કુરિયને સ્થાપેલી અમૂલ ડેરીની સફળતામાંથી પ્રેરણા મેળવીને દેશમાં ઘણા સહકારી સંગઠનો સ્થપાયાં. દેશની મોટામાં મોટી દૂધ સહકારી મંડળીઓમાંની એક, તે કેરળની મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (MILMA તરીકે ઓળખાતી) છે. કેરળ બહુ થોડા રાજ્યોમાંનું એક છે જ્યાં સહકારી મંડળીઓ અને સામાજિક કેન્દ્રો દ્વારા પ્રોત્સાહિત થતી ખેતી કરવામાં આવે છે અને તેમાં દેશભરમાં સહુથી મોટી એવી મહિલાઓની સહકારી મંડળી ‘કુડુંબશ્રી’ (Kudumbashree) નોંધપાત્ર સંગઠન છે. આજે કેરળમાં ખેતી, ડેરી, ઉદ્યોગો તથા બેન્ક, કોલેજ અને હોસ્પિટલ જેવાં સેવાનાં ક્ષેત્રોમાં સહકારી સંગઠનોનું મોટું જાળું સક્રિય થયેલ જોવા મળશે. વિવિધ ક્ષેત્રોમાં સહકારી મંડળીઓના પ્રસાર અને વ્યાપે રાજ્યની આર્થિક પ્રગતિ અને સમગ્ર વિકાસમાં અતિ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ડૉ. કુરિયને રાજકીય અને તુમારશાહીની દખલગીરીનો સહકારી સંસ્થાઓના સંચાલનમાં હંમેશ હિંમતપૂર્વક સામનો કર્યો હતો, જ્યારે કેરળમાં સહકારી સંસ્થાઓ હંમેશ ‘રાજકારણનું માનસ સંતાન’ ગણાઈ છે. રાજકીય પક્ષોના વર્ચસ્વ અને મજબૂત સહકારી ચળવળના ઘડતરમાં તેનો ફાળો આ પરિસ્થિતિને વધુ ગૂંચવાડા ભરી બનાવે છે. આમ છતાં એ હકીકત છે કે રાજ્યના સામાજિક અને માળખાકીય વિકાસમાં સહકારી સંગઠનોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

ઘણા લોકોના મતે સહકારી યુનિયન મિનિસ્ટ્રીની રચના સહકારી સંગઠનો ઉપર વધુ અંકુશ રાખવા માટેની રાજકીય અને તુમારશાહીની ચાલ છે. ડૉ. કુરિયનની જન્મશતાબ્દી સમયે કેરળના વિકાસ અંગે વાર્તાલાપ કરવા તેમની પ્રોફેશનલ રૂરલ મેનેજમેન્ટની વિભાવના ઉપર દૃષ્ટિપાત કરવો યોગ્ય ગણાશે.

સેન્ટર ફોર રૂરલ મેનેજમેન્ટ, કોટ્ટાયમ – કેરળ, ગ્રામીણ ઉત્થાનને વરેલ હોવાથી ડૉ. વર્ગીસ કુરિયનને અંજલિ આપવા ‘સાંપ્રત વિકાસ અંગે વિચારણા ઉપર ડૉ વર્ગીસ કુરિયનની દેણગી : કેરળ ઉપરાંત અન્ય પ્રદેશો પર તેના પ્રત્યાઘાત”, એ શીર્ષક હેઠળ ડૉ વર્ગીસ કુરિયનના માનસ સંતાન સમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ – આણંદના સહકારથી એક દિવસીય વેબિનારનું આયોજન કરેલું.  એચ.એસ. શૈલેન્દ્ર, વી. વેંકટકૃષ્ણન્‌, જોસેફ થારામંગલમ્‌, વી. મેથ્યુ કુરિયન, પી.પી. બાલન અને જ્હોન એસ. મુલાકાટુ પ્રમુખ વક્તાઓ હતાં. પ્રાસ્તાવિક અભિપ્રાયમાં નોંધ લેવામાં આવી, જે આ મુજબ છે : કેરળના ગૌરવ લઇ શકાય તેવા સપૂત ડૉ વર્ગીસ કુરિયન, જેઓ આગળ જતાં ‘ભારતના દૂધવાળા’ તરીકે પંકાયા, તેમણે ‘શ્વેત ક્રાંતિ’ની આગેવાની લઈને દેશના ગ્રામવાસીઓના જીવનને પરિવર્તિત કરવામાં કેન્દ્રીય ભૂમિકા બજાવી.

ડૉ વર્ગીસ કુરિયન : એક સમાજવાદી લોકશાહીના ટેકેદાર અને સંસ્થાઓના શ્રેષ્ઠ નિર્માતા

એચ.એસ. શૈલેન્દ્ર, કે જેમને ડૉ. કુરિયનની કાર્યપદ્ધતિ વિષે સારી એવી જાણકારી હતી, તેમણે કહ્યું કે ડૉ. કુરિયનની અંગત અને વ્યવસાયિક શક્તિઓનો પ્રભાવ તેમણે વિવિધ ક્ષેત્રો અને પ્રકલ્પોમાં કરેલ કાર્યોની ગુણવત્તા અને સંખ્યા ઉપર પડેલો. ડૉ. કુરિયન એક ‘નિષ્ઠાવાન અને હિંમતવાન વ્યક્તિ’ હતા, કે જેમણે પોતાનું સમગ્ર જીવન – લગભગ 60 વર્ષો – ખેડૂતોના કલ્યાણ અને તેમના સંગઠનોની સ્થાપના અને વિકાસ ખાતર અર્પણ કર્યાં. ડૉ. કુરિયન ઉચ્ચ પદ પર બેઠેલા રાજકારણીઓ, તુમારશાહીના અમલદારો અને અનેક સ્થાપિત હિત ધરાવનારાઓ સામે ગરીબ કિસાનોના હિત ખાતર લડ્યા હતા. ડૉ. કુરિયન ન્યાયનિષ્ઠ અને પ્રામાણિક હતા, અને પોતાના સઘળાં કાર્યો વિવિધ પ્રકલ્પો અને સંસ્થાઓ દ્વારા પાર પાડીને આ સુપ્રસિદ્ધ દાર્શનિકે પૂરવાર કર્યું કે ન્યાયપ્રિયતા અને પ્રામાણિકતા તેના શાબ્દિક અને તાત્ત્વિક રૂપમાં દરેક તબક્કે આપણાં કાર્યોમાં ભળી જઈ શકે  અને આત્મસાત થઇ શકે. શૈલેન્દ્રે ડૉ. કુરિયનને એક સમાજવાદી લોકતંત્રમાં શ્રદ્ધા ધરાવનાર ગણાવ્યા, જેઓ મિશ્ર અર્થવ્યવસ્થામાં, રાજ્ય અને બજારની ભૂમિકા અને સમાજ, ખાસ કરીને ખેડૂતના વર્ગની મહત્તામાં માનનારા હતા. ડૉ. કુરિયન પોતાની જાતને ક્રાંતિકારી નહીં પણ સુધારક માનતા હતા જેઓ વ્યવસ્થાતંત્રમાં પદ્ધતિસરનો બદલાવ લાવવામાં માનતા જેથી કાયમી ધોરણે ઇચ્છિત પરિણામો મેળવી શકાય. ડૉ. કુરિયન એક ઉચ્ચ કક્ષાના સંસ્થાઓનું નિર્માણ કરનારા અને અત્યંત કુશળતાપૂર્વક સંચાલન કરનારા હતા. જે વ્યક્તિને સંસ્થાની આગેવાની કરવા માટેની નિષ્ઠા હોય તેમણે આગળ આવવું જોઈએ, નહીં કે કોઈ નોકરશાહીનો વહીવટદાર જે આજ આવે અને કાલ જતો રહે. અમૂલ અને IRMA જેવી સંસ્થાઓ હંમેશ ઉત્તમ વહીવટ કરનારી, સાફ ચરિત્ર ધરાવનારી અને પ્રબળ નિષ્ઠાવાન ગુણો ધરાવનારી હોવી જોઈએ તેમ તેઓ માનતા. સંસ્થાઓ હંમેશ વ્યવસાયિક દૃષ્ટિબિંદુ જાળવીને ઉત્તમ પરિણામો લાવવા આગળ ધપવું જોઈએ તેવું તેમનું માનવું હતું. ડૉ. કુરિયન નિર્મિત ‘ઓપરેશન ફ્લડ’ તેના કદ અને અદ્વિતિયતા માટે ડેરી અને ગ્રામ્ય વિકાસના કાર્યક્રમમાં સહુથી આગળ પડતો નોખો તરી આવનાર પ્રકલ્પ હતો. જો કે તે વિષે એવી ટીકા થયેલી કે ડૉ. કુરિયને વિદેશી નાણાંનો ઉપયોગ કરીને એ નવીન પ્રકલ્પ કરેલો, પરંતુ એ વિદેશી સહાય વિકાસ યોજનામાં રોકાણ કરવા માટે હતી જેમાંથી સતત વળતર મળતું રહે.

ડૉ. કુરિયને સહકારી મંડળીઓ કોઈ પણ પ્રકારની વિકાસ યોજનાઓના અમલ માટે અત્યન્ત આવશ્યક છે અને વ્યવસાયિક સંચાલન તેમ જ ટેક્નોલોજી સાથોસાથ કામ આપે એ ભારપૂર્વક જણાવેલું. કેટલીક ટીકાઓ થઇ હોવા છતાં એ હકીકત છે કે ઓપરેશન ફ્લડનો ભારતને દૂધ ઉત્પાદનમાં સ્વનિર્ભર કરવામાં અત્યંત મહત્ત્વનો ફાળો હતો. ડૉ. કુરિયનનું માનવું હતું કે આ સાહસની સફળતા ખેતીને સંલગ્ન હોય તેવા ક્ષેત્રોમાં ઘણું મહત્ત્વ ધરાવે છે. તેમના મતે ઓપરેશન ફ્લડ દૂધ ઉત્પાદન સુધારવા ઉપરાંત બીજું પણ મહત્ત્વ ધરાવે છે. વિકાસના સંદર્ભમાં જોઈએ તો તેનાથી વિશાળ લક્ષ્યો, જેવાં કે સશક્તિકરણ, ખેડૂતોની ભાગીદારી, આર્થિક સમાનતા, દૂધ ઉત્પાદકોની સામેલગીરી વગેરે પણ સિદ્ધ થયાં. સહકારી સંગઠનોમાં આ ક્ષેત્રોમાં આવતા પડકારો ઝીલવાની ક્ષમતા છે. ડૉ. કુરિયનની એવી માન્યતા હતી કે સહકારી વ્યવસ્થા સમાનતા અને લોકતંત્રની સહાયતા કરે છે. તેમના જીવન અને કાર્ય થકી આપણા મર્યાદિત મિશ્ર અર્થકારણની સિદ્ધિઓમાં પણ ઘણા પાઠ મળી શકે તેમ છે. કેરળના ડેરી ઉદ્યોગના વિકાસના સંદર્ભમાં તેમના ફાળાને મૂલવીએ તો કહી શકાય કે ‘ઓપેરશન ફ્લડ’નું પ્રદાન કેરાલા કોઓપરેશન મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(ભારતના મોટામાં મોટા સહકારી સાહસમાંના એક અને MILMA તરીકે પંકાયેલા)ના વિકાસમાં પાયાનું રહ્યું છે. જો કે ડૉ. કુરિયને એક તબક્કે MILMAનું વિસર્જન કરવાનું સૂચન કરેલું કેમ કે તેમને લાગ્યું કે એ માર્કેટિંગ માટે પણ એ પોતાની ભૂમિકા યોગ્ય રીતે ભજવી નથી શકતું અને સહકારી પ્રવૃત્તિના સિદ્ધાંતોમાં સમાધાન કરી બેસે તેવી દહેશતને કારણે તેને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ સાથેના સંયુક્ત સાહસમાં જોડાતું પણ રોક્યું હતું. ડૉ. કુરિયને શરૂના તબક્કામાં આ આગ્રહ સેવ્યો તેને કારણે MILMA જે શક્તિશાળી સહકારી સંગઠન તરીકે આજે આપણે પહેચાનીએ છીએ એ ઉભરી આવ્યું.

ડૉ. વર્ગીસ કુરિયન : એક આર્ષદૃષ્ટા અને ગ્રામ વહીવટના પ્રણેતા

વી. વેંકટકૃષ્ણન્‌, જેમને ડૉ. વર્ગીસ કુરિયનનાં કાર્યોનો નિકટથી અભ્યાસ કરવાનો મોકો મળેલો, તેમણે કહ્યું કે ‘ગ્રામ વ્યવસ્થા’નો નવીન વિચાર એ ડૉ. કુરીયનનું એક મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. તેમણે કર્ણાટકમાં Central Arecanut and Cocoa Marketing and Processing Co-operative Limited (CAMPCO) ખાતે કોકો ઉગાડનારાઓને કઈ રીતે મદદ કરી એ નોંધ પાત્ર છે. જ્યારે બહુ-રાષ્ટ્રીય કંપનીઓએ કોકો પેદા કરનારાઓને તેમની પેદાશની વ્યાજબી રકમ મેળવવાના અધિકારનો ઇન્કાર કર્યો, ત્યારે ડૉ. કુરિયને આગળ આવીને એ પેદાશ ખરીદી લઈને કેરળ અને કર્ણાટકના ખેડૂતનાં હિતની રક્ષા કરેલી. ભારતમાં ચોકલેટ બનાવવાના ઉદ્યોગની સફળતાનો કેટલોક હિસ્સો ડૉ. કુરિયનના કોકો પેદા કરનાર ખેડૂતોને અપાયેલ રક્ષણને ફાળે જાય છે. IRMAના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ચોકલેટના ઉત્પાદનમાં ખાસ કરીને કેરળમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. ડૉ. કુરિયને જે કોઈ સંસ્થા સ્થાપેલી તેણે દેશના વિકાસમાં ફાળો આપ્યો છે, અને ગ્રામ વહીવટમાં ભારતને મોખરાનું સ્થાન આપવાનું શ્રેય તેમને જાય છે. શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કુરિયને સમયપાલન જેવા અનેક નૈતિક મૂલ્યો પોતાની કાર્યપ્રણાલીમાં સ્થાપિત ક,ર્યા જેનાથી બીજા કર્મચારીઓ પણ પ્રેરિત થયેલા. દરેક ક્ષેત્રમાં રાજકીય દખલ થવા લાગી, છતાં રાજકારણીઓને પણ સહકારી સંગઠનોમાં રસ હતો. ડેરી ઉદ્યોગનો મૂળ હેતુ અન્ન સુરક્ષાનો પ્રશ્ન હલ કરવાનો નહોતો એ બાબત નોંધવા લાયક છે.

‘અમૂલ’નું દૃષ્ટાંત કેરળના કૃષિ ક્ષેત્રને ચેતનવંતુ બનાવી શકે તેમ છે ? 

આ વેબિનારના અન્ય પ્રવક્તા જોસેફ થારામંગલમે એક મહત્ત્વનો મુદ્દો પ્રસ્તુત કર્યો : અમૂલ કે ડૉ. કુરિયનનો નમૂનો કેરળની ખેતીને સુધારી શકે, તેને બચાવીને સંપોષિત ખેતી તરફ લઇ જઈ શકે ખરો? તેનાથી અન્ન સુરક્ષા અને તેથી ય આગળ જઈને અન્ન સ્વાવલંબન સિદ્ધ કરી શકવાની સંભાવના છે ખરી? કેરળ અન્ય કેટલાક રાજ્યોની માફક અન્નની તંગી ભોગવનારું રાજ્ય છે, એ માત્ર એક કલ્પના નથી પણ વાસ્તવિકતા છે. એક પછી એક આવી પડેલી કટોકટીને પરિણામે કેરળના ખેત ઉદ્યોગની માત્ર પડતી નથી થઇ, પણ ભારે સંકટમાં આવી પડી છે. કેરળ અન્ય વિકસિત દેશોની માફક ઔદ્યોગિક ઢાંચાની ખેતી અપનાવી શકે તેમ નથી, કે નથી એ ભારત સરકારની નિગમની માલિકીની ખેતીની નીતિને અનુસરી શકે તેમ; કેમ કે તેનું પ્રાકૃતિક સંતુલન ઘણું નાજુક છે અને પર્યાવરણના બદલાવની શક્યતા ઘણી ઊંચી છે. આમ છતાં ડૉ. કુરિયનના નમૂનાને અનુસરે તો કેરળ સંપોષિત ખેતીના માર્ગ પાર જઈ શકે તેમ છે. તેમણે સૂચવેલું તેમ જો ગ્રામ્ય વિસ્તારના લોકોનું શાણપણ અને નિષ્ણાત લોકોની શક્તિનો સુમેળ કરીએ તો અન્ન ઉત્પાદનનો નમૂનો તૈયાર કરી શકાય તેમ છે.  થારામંગલમે સમાપન કરતાં કહ્યું કે કેરળે વિકેન્દ્રિત અને સ્વાયત્ત વહીવટી વ્યવસ્થા તરફ પગલાં ભરવા જોઈએ, કે જે જૈવિક અને પ્રાકૃતિક રીતે તે ટકાઉ પુરવાર થાય જે તેની મૃતઃપ્રાય ખેતીને સજીવ કરી શકે અને જૈવિક વૈવિધ્યની રક્ષા કરી શકે. જો કે આ નમૂનાનો અમલ તાત્કાલિક થવો ઘટે કેમ કે ખેત ઉદ્યોગ હાલમાં બચાવી ન શકાય તેવી પડતીની દશામાં છે એવી ચેતવણી પણ તેમણે આપી.

ડૉ. વર્ગીસ કુરિયન :  એક આદર્શ સામાજિક સાહસ ખેડનાર અને તેમનો કેરળ પર પ્રભાવ

મેથ્યુ કુરિયને ડૉ. વર્ગીસ કુરિયનનાં પ્રશંસાપાત્ર કાર્યો, તેનો બહોળા ક્ષેત્રો પર પડેલ પ્રભાવ અને તેમના સમાજ અને અર્થતંત્ર ઉપરના પ્રયોગો તથા કેરળની હાલની પરિસ્થિતિને ડૉ. કુરિયન જેવા દૃષ્ટિવાન લોકોના વિચારોની કેટલી જરૂર છે તે વિષે વાત કરી. ડૉ. કુરિયન એક સફળ કોઓપરેટીવ વ્યક્તિ તરીકે પંકાયેલ છે કે જેમણે પોતાના અથાક પ્રયાસો દ્વારા સાબિત કર્યું કે સમાજ અને સહકાર એ નિષ્ફ્ળ ગયેલી હરીફાઈ પ્રધાન બજારતંત્ર અને જબરદસ્તી કરનાર રાજ્ય વ્યવસ્થા જેવી વર્ચસ્વશાળી અર્થ વ્યવસ્થાનો વૈકલ્પિક નમૂનો બની શકે. તેમણે નોંધેલું કે જોસેફ એ. શુમ્પીટરનો કાળ વીત્યા બાદ વિકાસ અને પ્રગતિ માટે પરિવર્તનની કેટલી જરૂર છે. મૂડીવાદી વ્યવસ્થામાં ખાનગી ઉદ્યોગપતિઓ અને સાહસિકો દ્વારા સંશોધનો અને ફેરફારો થતા હોય છે, જ્યારે  ડૉ. કુરિયન એક આદર્શ સામાજિક સાહસ ખેડનાર હોવાને નાતે વ્યક્તિગત લાભ અર્થે નહીં, પરંતુ સામાન્ય જન અને ગ્રામીણ પ્રજાના હિતાર્થે સામાજિક સાહસિકતાના દૃષ્ટિકોણવાળા અનેક પરિવર્તનો લાવી શક્યા. મેથ્યુ કુરિયને ગાંધીજીના ગ્રામ સ્વરાજના ખ્યાલ અને ડૉ. કુરિયનના ગામડાના લોકોના સશક્તિકરણનાં સ્વપ્ન વચ્ચે સમાન્તર રેખા દોરીને તેમને ખરા ગાંધી વિચારના અનુયાયી ગણાવ્યા. ભારતના સહકારી ડેરી ઉદ્યોગના અધ્યેતા માનતા કે લોકશાહી ત્યારે સફળ થશે જ્યારે દેશના ગ્રામ્ય વિસ્તારમાં આર્થિક લોકશાહી આવશે; અને એ દૃષ્ટિએ ડૉ. કુરિયનને ખરા ગાંધીના અનુયાયી ગણી શકાય. લોકોની દૃષ્ટિમાં તેઓ એક અચ્છા વ્યૂહરચના કરનારા અને સફળ વહીવટકર્તા હતા. જ્હોન કેનેથ ગાલબ્રેથના ‘પ્રતિકારી શક્તિ’ના ખ્યાલની માફક ડૉ. કુરિયને પોતાનો અલગ એવો સહકારી સંગઠન સ્વરૂપનો ‘પ્રતિકારી બજાર શક્તિ’નો ખ્યાલ વિકસાવ્યો. 

કેરળ રાજ્યમાં આણંદની સહકારી દૂધ ડેરી જેવાં સંગઠનોની હાજરી ડૉ. કુરિયનનો પ્રભાવ સૂચવે છે. રબર પ્રોડ્યૂસર્સ સોસાઈટીની સ્થાપનામાં પણ તેમના વિચારોની અસર જણાય છે. સાક્ષરતા અને સ્વાસ્થ્યની બાબતમાં કેરળ વિકસિત દેશોની હરોળમાં છે, છતાં કેરળનું અર્થતંત્ર ઘણું નબળું છે અને માલના કુલ ઉત્પાદન તથા રોજગારીની તકો ઊભી કરવાની બાબતમાં એ અંશતઃ નિર્બળ છે. જ્યારે કેરળના વિકાસની તરાહની પુનઃ ખોજ કરવા પ્રયાસ થાય, ત્યારે આણંદનો અનુભવ જરૂર પ્રેરણાદાયક બની શકે. મેથ્યુ કુરિયને સમાપન કરતા કહ્યું કે કેરળની અર્થવ્યવસ્થા પુનર્જીવન માંગે છે. એ માટે ગંભીરતાથી વિચાર કરવો રહ્યો. દેશ અને દુનિયાના બીજા દેશો પાસેથી કોઈ પણ બળે બીજા કોઈ પાઠ શીખવામાં છો આવે, પરંતુ આણંદના અનુભવની સહાય અમૂલ્ય સાબિત થશે.

ડૉ. વર્ગીસ કુરિયનના જીવન પરથી મળેલ શિક્ષા : પંચાયતી રાજના સંગઠનો માટે લઈ શકાય તેવો પાઠ

ડૉ. વર્ગીસ કુરિયનના જીવન પરથી મળેલ શિક્ષા પરથી પંચાયતી રાજના સંગઠનો કેવા અમૂલ્ય પાઠ લઇ શકે તેની ચર્ચા પી.પી. બાલને કરી. ‘ભારતના દૂધવાળા’ ડૉ. કુરિયન પ્રજાના વિકાસમાં લોકોએ ખુદ કેવી મધ્યવર્તી ભૂમિકા ભજવવાની જરૂર છે, એ વિષે ઘણા સભાન હતા. ભારતની સહુથી મોટી મૂડી તે તેની પ્રજા છે, અને સાચો વિકાસ તો જ સાધી શકાય જો વિકાસનાં સંસાધનો તેમના જ હાથમાં મુકવામાં આવે. તેમના મતે સ્થાનિક સ્વાયત્ત સરકારી સંસ્થાઓની ભૂમિકા ઘણી પાયાની અને વિવિધ પાસાંઓને સ્પર્શનારી છે, અને સહકારી સંસ્થાઓનું પણ તેમ જ છે. પંચાયતી રાજના સંગઠનો અને સહકારી સંસ્થાઓના લક્ષ્યો અને મૂલ્યો સમાન છે. શ્વેત ક્રાંતિના ઘડવૈયાએ સમાન મૂલ્યોવાળી દૃષ્ટિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરેલું અને એ પાસાં પંચાયતી રાજના સંગઠનોના કિસ્સામાં પ્રતિબિંબિત થાય તેવું સૂચવેલું. ડૉ. કુરિયને હંમેશ પ્રજાના સમૂહને સશક્ત બનાવવા અને મોટા સમૂહ દ્વારા ઉત્પાદન કરવા નહીં કે જથ્થાબંધ ઉત્પાદન પાછળના વિચાર પર જોર આપેલું. આજીવિકાના સાધનો ઊભા કરવા અને ગરીબી નિર્મૂળ કરીને તે દ્વારા આર્થિક વિકાસ સાધવા પર ડૉ. કુરિયને ધ્યાન કેન્દ્રિત કરેલું. એ જ રીતે ગ્રામ પંચાયતોએ તૈયાર કરેલ ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાનની કલ્પના પણ આર્થિક વિકાસ મારફત તમામ માનવીના સમગ્ર વિકાસના ધ્યેયને સિદ્ધ કરવાની હતી, એ વાત પર ભાર મુકેલો. તેમણે ધ્યેયલક્ષી અને અર્થલાભ થતો હોય તેવી પ્રવૃત્તિઓ કરવા પર ભાર મુકેલો અને પંચાયતી રાજના સંગઠનોએ એવાં જ પરિવર્તનો પર ધ્યાન આપવું હિતાવહ છે, તેમ પણ સૂચવેલું. સહકારી ડેરી ઉદ્યોગમાં વ્યવસાયિક નિપુણતાના દૃષ્ટિકોણનું ઘણું મૂલ્ય અંકાયું છે, તો પંચાયતી રાજના સંગઠનોએ પણ પોતાના ક્ષેત્રમાં એ સિદ્ધાંત અપનાવવા જેવો છે, એવો તેમનો આગ્રહ હતો. બાલને જેમ ડૉ. કુરિયને કરેલું તેમ પંચાયતી રાજના સંગઠનોએ વધુ ને વધુ ઉચ્ચ શિક્ષિત અને કુશળ યુવા કર્મચારીઓની ભરતી કરવાનું સૂચન કર્યું. ડૉ. કુરિયનના ગ્રામ્ય પ્રજાને સશક્ત કરવાના સ્વપ્નને સાકાર કરવા પંચાયતી રાજના સંગઠનો અને સહકારી સંસ્થાઓએ હાથમાં હાથ મેળવીને કામ કરવું જોઈએ, એવો બાલનનો મત છે.

ડૉ. વર્ગીસ કુરિયન : વ્યાવસાયિક વિશેષજ્ઞતા અને સહકારી પ્રવૃત્તિના વિચારને વરેલી વ્યક્તિ

જ્હોન એસ. મૂલકકટ્ટુએ જણાવ્યું કે વ્યાવસાયિક વિશેષજ્ઞતાનો ખ્યાલ ડૉ. કુરિયનને મન ઘણો મહત્ત્વનો હતો. સહકારી સંગઠનોની નિષફળતા, અથવા કહો કે અમૂલના નમૂનાને અનુસરવાની નિષ્ફ્ળતાની પાછળ વ્યાવસાયિક વિશેષજ્ઞોના અભાવનું કારણ જવાબદાર છે. ‘કેરળ શા માટે અમૂલના નમૂનાનું અનુકરણ ન કરી શકે?’ એ વિષય ઉપર બોલતાં જ્હોન એસ. મૂલકકટ્ટુએ ડૉ. કુરિયનના શબ્દો ટાંક્યા, “કેરળ પાસે ઘણા કુરિયન છે, પણ કોઈ ત્રિભુવનદાસ પટેલ નથી.” ડૉ. કુરિયન સાચું કહેતા હતા. તેઓ એમ કહેવા માંગતા હતા કે કેરળના રાજકીય વર્તુળમાં ખરેખર દૃષ્ટિ, સત્યનિષ્ઠા, પ્રામાણિકતા અને, વ્યાવસાયિક વિશેષજ્ઞતાનું મહત્ત્વ સ્વીકારવાની અશક્તિ વર્તાય છે; અને આ જ મુખ્ય કારણ છે, જેનાથી ઘણા સહકારી ઉત્પાદકો પોતાના સાહસ શરૂ કરવામાં નિષ્ફળ ગયા. સહકારી ઉત્પાદકોએ ટકી રહેવું હોય તો વ્યાવસાયિક વિશેષજ્ઞતાને થોડે ઘણે અંશે પોતાની કાર્ય પ્રણાલીમાં ભેળવવી જોઈએ. રાજ્યમાં સહકારી સંગઠનોમાં પણ વ્યાવસાયિક વિશેષજ્ઞતાનો અભાવ જણાય છે. મૂલકકટ્ટુ ડૉ. કુરિયનને ગાંધીઅન નહીં, પણ સહકારી પ્રવૃત્તિઓને વરેલા અને નહેરુના સહકારી સંગઠનોની શક્તિના સિદ્ધાંતોમાં માનનારા ગણાવે છે. જો કે સત્ય, પ્રામાણિકતા, સ્પષ્ટવકતાપણું અને સ્વાયત્તતાના પ્રખર હિમાયતી હોવાને કારણે તેમને એ રીતે ગાંધીઅન ગણાવી શકાય, પણ તેમને તંતોતંત ગાંધીઅન તરીકે ન ઓળખાવી શકાય. એ જ રીતે ડૉ. કુરિયને મોટી સંખ્યાના દૂધ ઉત્પાદકોના વિકેન્દ્રિત ઉત્પાદન પર ભાર મુકેલો કે જે ગાંધી વિચાર પ્રમાણે ખરો ઉતરે, પણ તેમની ડેરીની કલ્પના કેન્દ્રિત ડેરીની હતી, મજૂરની મજૂરી આધારિત નહીં પણ મૂડી આધારિત ડેરી. ડૉ. કુરિયન ગાંધી કરતાં વિકાસની બાબતમાં નહેરુ-પટેલના માપદંડની વધુ નજદીક હતા.

વક્તાઓનાં વક્તવ્ય અને શ્રોતાઓની પ્રશ્નોત્તરી બાદ એવું તારણ નીકળ્યું કે કેરળમાં વ્યાવસાયિક વિશેષજ્ઞતાની ખામી જણાય છે, તો સહકારી વહીવટ એક વિષય તરીકે શાળા-કોલેજોમાં ભણાવવો જોઈએ અને આર્થિક લોકશાહીના સંસ્કાર નાની ઉંમરના વિદ્યાર્થીઓના મનમાં રોપવા જોઈએ. પંચાયત, સહકારી સંગઠનો, કુડુંબશ્રી અને રાજકીય પક્ષો સમગ્ર રીતે વ્યવસાયિક તજજ્ઞો ધરાવતા થવા જોઈએ. કેરળની ગ્રામ પંચાયતોમાં વ્યાવસાયિક વિશેષજ્ઞતાની કમી છે, તો કર્ણાટકની માફક તેમાં ઉચ્ચ શિક્ષિત કર્મચારીઓની ભરતી કરવી જોઈએ. એક મત એવો પણ દર્શાવાયો કે કેરળ રાજ્ય ગ્રામ્ય વિસ્તારમાં પ્રવર્તતી ગરીબી અને પોષક આહારની ખામીને દૂર કરવાની બાબતમાં શ્વેત ક્રાંતિના સિદ્ધાંતોને અપનાવવામાં નિષ્ફ્ળ ગયું. શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કુરિયનને રાજકારણ સાથે જોડાણ હોવા સામે કોઈ હરકત નહોતી, પણ તેઓ માનતા કે રાજકીય હેતુ માટે કોઈ ડેરીનો દુરુપયોગ ન કરી શકે અને તેના તમામ નિર્ણયો ફેડરેશન અને ડેરીની જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને જ લેવાવા જોઈએ. તેઓએ ડેરી ઉદ્યોગ અંગે નિર્ણય લેવાની સત્તા ફરતે વાડ બાંધીને બાહ્ય રાજકીય વગને બહાર રાખી.

ડૉ. કુરિયન અદ્દભુત શાણપણ, તેજસ્વી મેધા અને અપૂર્વ નૈતિક ગુણો ધરાવનાર વ્યક્તિ હતા. ડૉ. કુરિયન અને અમૂલની સફળતા ટેક્નોલોજીની શક્તિ, વ્યાવસાયિક વિશેષજ્ઞતા અને લોકશક્તિને એક સાંકળે જોડવામાં સમાયેલી છે.

e.mail : 71abuch@gmail.com

3 January 2022 જોસ ચાથુકુલમ ટી.એમ. જોસેફ અને માનસી જોસેફ
← મને એમ કે એ તો મૂંગો છે
મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN == →

Search by

Popular Content

  • પિંડને પાંખ દઈ દીધી અને –
  • માતૃભાષા તમારો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની?
  • વતનને પત્ર
  • ‘બ્રિટનમાં ગુજરાતીઓ’ : એક મૂલ્યાંકન
  • ઇબ્રાહિમ ઉમ્મરભાઈ રાઠોડ ‘ખય્યામ

Diaspora

  • સામ્રાજ્યની સફર અને વિભિન્ન દેશોમાં વસતા  મૂળ વતનીઓ
  • અનુરાધા ભગવતી : Unbecoming : A Memoir of Disobedience : આજ્ઞાભંગની અસહ્ય સ્મૃતિયાત્રા 
  • Breaking Out : મુક્તિયાત્રા :  લેખિકા : પદ્મા દેસાઈ 
  • 1900થી 1921 સુધી હિંદી આયાઓના રહેઠાણ પર બ્લૂ તક્તિનું અનાવરણ – 16 જૂન 2022
  • પ્રકાશકીય

Gandhiana

  • અમૃતમહોત્સવ : ભારતનાં મૂળિયાં ઉખેડવામાં આવી રહ્યાં છે એ દેશનું દુર્ભાગ્ય છે
  • નાટ્ય અદાકારીમાં છુપાયેલું એક વિચારશીલ અને વિનમ્ર વ્યક્તિત્વ એટલે પોલ બેઝલી
  • કસ્તૂરી મહેક
  • “હું યુનિયનમાં માનું, પહેલેથી જ – અને યુનિયન એટલે ઍક્શન” : ઇલા ર. ભટ્ટ
  • મારા હાવર્ડ મેનેજમેન્ટના અભ્યાસક્રમમાં ગાંધીના નેતૃત્વના ગુણધર્મોની આપેલી વ્યાખ્યા

Poetry

  • ફરી પાછા
  • બે ગઝલ
  • દિવંગત મહેન્દ્ર મેઘાણીને મારી કાવ્યાંજલિ
  • પથ્થર પર કવિતા
  • હવે એ જોવું છે

Samantar Gujarat

  • લઠ્ઠાકાંડમાં રાંડ્યા પછીનું ડહાપણ …
  • ગુજરાત, ૧ મે ૨૦૨૨
  • અકાદમીની સ્વાયત્તતા પરિષદની જવાબદારી કઈ રીતે છે?
  • ઝીણાં ઝીણાં સંવેદનોનો આંસુ ભીનો આસ્વાદ : ‘21મું ટિફિન’
  • ગુજરાતના નવા મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર …

English Bazaar Patrika

  • The Father and the Assassin
  • In praise of Nayantara Sahgal
  • On his birthday a Tribute to a Musical genius and a Bridge builder Pt. Ravi Shankar
  • Poetry Brought Us Together–
  • Metta Centre for Nonviolence

Profile

  • વાચન સંસ્કૃતિના દીપસ્તંભ મહેન્દ્રભાઈ મેઘાણી
  • પપ્પા એટલે ….
  • પપ્પાનું પ્રગતિપત્રક
  • ગાંધીનું દૂધ પીધેલા
  • મા, તારે જ કારણે જગતનાં સર્વ સુખ મળ્યાં

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved