−૧−
સાબરમતી આશ્રમની વાત છે. સન 1929-30નો એ જમાનો હતો બાપુએ આશ્રમનું નામ બદલી નાખ્યુ હતું સાબરમતીનો ‘સત્યાગ્રહ આશ્રમ’ હવે ‘ઉદ્યોગ- આશ્રમ’ કહેવાતો હતો. આશ્રમની પ્રાર્થનાભૂમિમાં સત્યાગ્રહ આશ્રમને સીમિત કરી દેવામાં આવ્યો હતો. પ્રાર્થનાભૂમિ સિવાય બાકીનો આખો આશ્રમ ઉદ્યોગ આશ્રમ માનવામાં આવતો હતો.
આશ્રમનું બધું વાતાવરણ ઉદ્યોગમય હતું. વહેલી સવારે ચાર વાગ્યાથી માંડીને રાતના નવ વાગ્યા સુધી આશ્રમ મધમાખીના મધપૂડાની માફક ભિન્ન ભિન્ન પ્રકારના ઉદ્યોગોથી ગુંજ્યા કરતો હતો. કોઈ આશ્રમવાસી એવો ન હતો જે પોતાના કામમાં આળસ કરતો હોય અથવા તો નકામી વાતોમા સમય ગાળતો હોય.
દરેક આશ્રમવાસીને સવારથી રાત સુધીના પોતાના કામની નોંધ રાખવી પડતી હતી, અને મિનિટે મિનિટનો હિસાબ આપવો ૫ડતો હતો. બાપુ પોતે આ બાબતમાં બહુ જ જાગ્રત રહેતા હતા અને ઘણુંખરું આશ્રમના પોતાના બધા સાથીદારોની ડાયરીઓ પોતે જ તપાસતા હતા. નાના મોટા બધા જ આશ્રમવાસીઓ જાગ્રતભાવથી પોતપોતાનાં કામમાં લાગ્યા રહેતાં હતા એની પાછળ એ પણ એક કારણ હતું.
આશ્રમના ઉદ્યોગોમાં ઝાડુ કાઢવું, પાયખાનાની સફાઈ કરવી, ઘંટીથી દળવું વગેરેથી માંડીને ૨સોઈ કરવી તથા વાસણ માંજવા સુધીના કેટલા ય નાના મોટા ઉદ્યોગો ચાલ્યા કરતા હતા. આ બધા ઉદ્યોગોનો રાજા હતો રેંટિયો. રેંટિયાની આસપાસ નાના મોટા બધા ઉદ્યોગો ગૂંથી લેવામાં આવ્યા હતા. દરેક આશ્રમવાસીને રોજ કાંતવુ પડતું હતું. દરેકે ઓછામા ઓછા ૧૬૦ તાર તો રોજ કાંતવા જોઈએ એવો નિયમ હતો. નાનાં બાળકો અને બીમાર માણસો સિવાય કોઈ બીજા માટે અપવાદ ન હતો.
બાપુનું પોતાનું જીવન તો રેંટિયામય બની ગયું હતું. રેંટિયો એ એમના જીવનનું એક સજીવ અંગ હતું. તેઓ તેને ભૂલી શકતા ન હતા. તેની ઉપેક્ષા કરવી એ તેમને માટે અશક્ય હતું. તેઓ રેંટિયાને ભારતની કામધેનુ કહેતા હતા. રેંટિયાની મદદથી તેમણે દેશને સ્વતંત્ર કરવાનું બીડું ઝડપ્યું હતું. રેંટિયાને તેમણે દેશના દરિદ્રનારાયણોનો મોટો આધાર માન્યો હતો. રેંટિયો તેમને માટે દેશની સ્વતંત્રતા, સ્વાવલંબન અને સ્વાભિમાનનું જીવતું-જાગતું પ્રતીક હતો. તેઓ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન, જો મને આ દુનિયામાંથી કોઈ દિવસ ઉપાડી લે તો એવા સમયે ઉપાડી લેજે કે જ્યારે મારા એક હાથમાં રેંટિયાનો હાથો હોય અને બીજા હાથથી પૂણીમાંથી સૂતર કાઢી રહ્યો હોઉં! રેંટિયો બાપુને માટે આટલો મહાન બની ગયો હતો! એટલા જ માટે બાપુએ પોતાના જન્મ દિવસને રેંટિયાનો જન્મદિવસ બનાવી દીધો હતો. એ જ કારણથી આખો દેશ ભાદરવા વદ ૧૨ને દિવસે રેંટિયાજયંતી ઉજવવા લાગ્યો અને રેંટિયા બારસનો દિવસ દેશને માટે એક પર્વનો દિવસ બની ગયો.
એ દિવસોમાં બાપુ સ્વ. મગનલાલભાઈ ગાંધીના ઘરમાં દિવસનો બધો વખત ગાળતા હતા. મગનલાલભાઈના મૃત્યુ પછી તેમની પત્ની અને બાળકોને આશ્વાસન આપવા માટે બાપુએ આ નવો નિર્ણય કર્યો હતો. તેઓ ત્યાં જ આખો દિવસ રહેતા, લખતા, વાંચતા, કામ કરતા, લોકોને મળતા, રેંટિયો કાંતતા અને આરામ કરતા હતા.
24 જાન્યુઆરી 2025
•
−૨−
એક દિવસની વાત છે. પોતાના નિયમ પ્રમાણે બાપુએ તે દિવસે રેંટિયા ઉપર સૂતર કાંતી લીધું હતું. તેઓ સૂતરના ફાળકા ઉપર તાર ઉતારી રહ્યા હતા. એટલામાં તેમને કોઈ જરૂરી કામ અંગે બહાર જવાનું થયું. જતી વખતે તેમણે તેમના તે વખતના મંત્રી સુબૈયાને સૂતર ઉતારી લેવાનું અને તાર ગણી પ્રાર્થનાના વખત પહેલાં તેમને જણાવી દેવાનું કહ્યું. સુબૈયાએ “હા” કહી અને બાપુ ગયા.
એ પછી લોકોએ ભોજન કર્યું. પછી બધા સાંજે ફરવા નીકળ્યા. બાપુજી આશ્રમનાં બાળકો અને મોટેરાઓ સાથે રોજની જેમ ફરવા નીકળી પડ્યા. તે પછી પ્રાર્થનાનો ઘંટ વાગ્યો. અને બધા પ્રાર્થનાભૂમિ તરફ આવવા લાગ્યાં. બાપુ પણ ઝડપથી બાળકો સાથે હસતા ખેલતા પ્રાર્થનાના સમય પહેલાં પ્રાર્થનાની જગાએ આવી પહોંચ્યા.
પ્રાર્થના પહેલાં બધાં આશ્રમવાસીઓની હાજરી લેવાનો નિયમ હતો. અને દરેક આશ્રમવાસી પોતાની હાજરીની સૂચના આપતાં “ૐ” કહેતો અને સાથે સાથે તે તે દિવસના પોતે કાંતેલા સૂતરના તારની સંખ્યા પણ બતાવતો.
આશ્રમવાસીઓના હાજરીપત્રકમાં પહેલું નામ બાપુનું હતું. એ દિવસે પ્રાર્થના પહેલાં બાપુનું નામ બોલવામાં આવ્યું ત્યારે તેઓ “ૐ” બોલ્યા અને સૂતરના તારની સંખ્યાને માટે પોતાના મંત્રી સુબૈયાની તરફ જોયું. સુબૈયા ચૂપ હતા. બાપુ પણ ચૂપ રહી ગયા.
હાજરી પૂરી થતા જ પ્રાર્થના શરૂ થઈ. શાંત, પ્રસન્ન, ગંભીર અને સંગીતના સુંદર, સુરીલા વાતાવરણમાં પ્રાર્થના પૂરી થઈ. પ્રાર્થના પછી બાપુ હરરોજ આશ્રમવાસીઓ સાથે કંઈક વાતચીત કરતા. એ વાતચીત કોઈ કોઈ વાર કોઈ પ્રસંગ ઉપર પ્રવચનના રૂપમાં થતી, કોઈ વાર ચર્ચાના રૂપમાં અને કોઈ વખતે સૂચના-સલાહ અથવા આદેશના રૂપમાં થતી. આજે એ વાતચીતે પ્રવચનનું રૂપ લીધું. બાપુ બહુ જ ગંભીરતાપૂર્વક બોલ્યા. સત્યાગ્રહ આશ્રમનો એ અનન્ય સાધક આજે ઊંડી વેદનાથી બોલતો હતો. પ્રાર્થનાભૂમિ ઉપર બેઠાં બેઠાં બાપુએ પોતાનું મનોમંથન કર્યું. તેમને લાગ્યું કે આજે તેમણે ગંભીર ભૂલ કરી છે. તેઓ કર્તવ્યથી પદચ્યુત થયા છે. જેટલી હદે તેમણે એક મોટી ભૂલ કરી છે તેટલી હદ સુધી સત્યની સાધનાનો તેમનો આગ્રહ શિથિલ થયો છે. તેમનું મન વ્યાકુળ થઈ ગયું. તેઓ દુઃખ સાથે આ પ્રમાણે કંઈક બોલ્યા :
“મેં આજે જ સુબૈયાને કહ્યું હતું કે સૂતર ઉતારી લેજો અને મને તારની સંખ્યા જણાવી દેજો. એ વખતે હું એક મોહમાં ફસાઈ ગયો. મેં વિચાર કર્યો કે સુબૈયા મારું કામ કરી લેશે. પરંતુ આ મારી મોટી ભૂલ હતી. મારે મારું કામ જાતે જ કરવું જોઈતું હતું. સૂતર હું કાંતી રહ્યો હતો. તેને ફાળકા પર ઉતારવાનું કહી હું કામ માટે બહાર ચાલ્યો ગયો. જે કામ મારે પહેલું કરવાનું હતું તે મેં ન કર્યું. ભાઈ સુબૈયાનો તેમાં કંઈ દોષ નથી. દોષ મારો છે. મેં શા માટે મારું કામ તેમના ઉપર છોડ્યું ? મારાથી આ પ્રમાદ શા માટે થયો? સત્યના સાધકે આવા પ્રમાદથી બચવું જોઈએ. તેણે પોતાનું કામ કોઈ બીજાના ઉપર છોડવું જોઈએ નહીં. આજની આ ભૂલથી હું બહુ સારો પાઠ શીખ્યો છું. હવેથી હું એવી ભૂલ કદાપિ ન કરીશ.”
બાપુ બોલી રહ્યા હતા. તેમનો એક એક શબ્દ હૃદયના ઊંડાણમાંથી વ્યથા સાથે નીકળતો હતો. શ્રોતાઓ સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા હતા. સૌ અંતર્મુખ બન્યા ને ઊંડા વિચારમાં ગરકાવ બની પ્રાર્થનાભૂમિમાંથી વિદાય થયાં.
આવા આપણા બાપુ હતા. બીજાની ભૂલને પોતાની ઉપર ઢોળી લઈ તેને માટે નાના મોટા સૌની સમક્ષ ખુલ્લા દિલે પશ્ચાત્તાપ કરનાર બાપુ હતા! બીજાની ઢાલ બનવા માટે પોતાની જાતને મિટાવી શકનારા બાપુ હતા. અને તેથી જ આપણી વચ્ચે બાપુ અજોડ હતા અને તેમની વાતો પણ અનોખી હતી.
25 જાન્યુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક 221 તેમ જ 222