અમે બધા પરીક્ષાઓની તૈયારીઓમાં ગળાડૂબ હતા ત્યાં સરકરનો આદેશ આવ્યો કે જે તે પ્રદેશના બે આઈકોનીક પ્લેસની મુલાકાત વિદ્યાર્થીઓ લે એવું ફરજિયાત ગોઠવવું. ગીગાભાઈ ભમ્મર અને સંજયભાઈ ચાવડા એના સંયોજક. આ બે જગ્યાઓ જુદે જુદે દિવસે જોવાની એવો પણ આદેશ. એક દિવસ માંડવીનું પંડિત શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક ક્રાંતિતીર્થ અને બીજા દિવસે ભુજનું સ્મૃતિવન જોવું એવો સરકારી આદેશ. બાકીના કાર્યક્રમો ને માહિતીની જફા આગળ જે સાહેબોના નામ નોંધ્યા એમણે કરી ને આપણા રામ આ ગમતા પ્રવાસમાં ગોઠવાઈ ગયા. રાવલસાહેબે પચાસેક વિદ્યાર્થીઓને લઈ જવાની છૂટ આપી ને સાથે બસ ભાડે કરી જવાની છૂટ આપી. કોને લઈ જવા ને કોને નહિ એમ વિચારતાં સંજયભાઈએ સૂચન કર્યું કે છેલ્લાં વર્ષના મિત્રોને જ લઈ જઈએ. તેઓ પોતે તો એક તાલીમમાં જોડાયા એટલે પ્રવાસમાં ન જોડાઈ શક્યા પણ ભમ્મરસાહેબે નાદુરસ્ત તબિયત હોવા છતાં બધી વ્યવસ્થા સંભાળી ને પ્રવાસમાં પણ જોડાયા.
ચૌદમી ઓક્ટોબરની સવારે સાડા પાંચે બધા દેનાબેન્ક ચોકમાં ભેગા થયા. પારસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની નવી ચમચમતી બસમાં બેસી દેવ-ગુરુના જયકાર સાથે અમારી ગાડી ભમવા નીકળી પડી. બધા યુવાનોના ચહેરા પર એક અનેરો ઉત્સાહ હતો. અમે નિયત બે સ્થાનોના રસ્તે આવતા બીજા ઉત્તમ સ્થળો પ્રવાસમાં જોડી દીધેલા. અંધારામાં પ્રકાશ પાથરતી અમારી બસ આગળ વધી રહી હતી ને એની અંદર આનંદલોકમાં ગરકાવ અમે સૌ નાચી-ગાઈ રહ્યા હતા. ગાવા નાચવાનો કાર્યક્રમ પ્રવાસ પૂરો થયો એ રાત સુધી ચાલુ જ રહ્યો.
અજવાળાના દેશનો રાજા અમારી પાછળ પાછળ ક્યાંકથી લપાતો છુપાતો આવી ગયો ને અમારી ગાડી સાથે જ દોડવા લાગ્યો. ક્યાંક એ આગળ ને ક્યાંક અમે; એમ રમતાં રમતાં ભૂખ લાગી એટલે એક હોટેલે ચા-નાસ્તો કરવા રોકાયા. થોડો સમય વધુ લીધો પણ જે મસ્ત પૌઆ બનાવ્યા કે દિલ ખુશ થઈ ગયું. અમે જલસા કરતા આગળ બસમાં બેઠા ને અર્થભાર ઉપાડીને ચાલતા ભમ્મરસાહેબ તથા સંદીપભાઈ પાછળ હિસાબ-કિતાબમાં પડ્યા. એમ કરતાં અમારી શાહી સવારી પહોંચી અમારા પહેલા લક્ષ્યાંક પર. મુન્દ્રા ભુજ હાઈવે ને ગાંધીધામ માંડવી હાઈવેને જોડતી પ્રાગપર ચોકડી પર આવેલું ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર – ‘અહિંસાધામ’ અમારી રાહ જોતું ઊભેલું જાણે ! આંગણે પહોંચતાં જ મીઠો આવકાર મળ્યો. સ્નેહી ગિરીશભાઈ ને મહેન્દ્રભાઈ સાથે વાત થયેલી એટલે એમણે બધું તૈયાર જ રાખેલું. એક કાર્યકર ભાઈએ સંસ્થાનું દર્શન કરાવ્યું. બીમાર, અશક્ત, ને જાતજાતની તકલીફોથી ગ્રસ્ત પશુઓનું બહુ મોટું આશ્રયસ્થાન અમે આંખોમાં ભરી રહ્યાં હતાં ને સાથોસાથ આંખોમાં ભરાઈ રહ્યું હતું કુતૂહલ ને પછી કરુણા પણ. કેવા કેવા પશુઓ ને એમના માટે આઈ.સી.યુ., ઓપરેશન થિયેટર, રેગ્યુલર ડૉક્ટર ને કેટકેટલી વ્યવસ્થાઓ. માણસને પણ દુર્લભ હોય એવી સારવાર પશુઓને આપતી આ સંસ્થા માટે અહોભાવ સૌને ચહેરે છલકાતો અનુભવાતો હતો. અશક્ત પશુને પડખું ફેરવવાની પણ વ્યવસ્થા કરે. અંધ પશુઓ માટે અલાયદી વ્યવસ્થા, બીમાર હોય તે આઈ.સી.યુ.માં હોય ને સાજા થઈને જનરલ વોર્ડમાં આવે, અનાથ બાળ પશુઓ માટે જુદું માતૃઆલય, પક્ષીઓ વગેરે માટે જુદું ઘર – આ બધું જોઈને નાચતાં ગાતા યુવાનોના ચહેરા પર જીવનના આ વાસ્તવનો બીજો રંગ પણ અનુભવાઈ રહ્યો હતો, જે એમને જીવનના વિરાટરૂપનું એક જુદું રૂપ દેખાડી રહ્યો હતો. એક તરફ પશુઓ માટે કરુણા ને બીજી તરફ એમની આટલી કાળજી લેતી સંસ્થા ને એના સંવાહકો માટે આદર – બંનેનો સરવાળો આજે એમના હૈયામાં થયો હતો. ગોપાલ નામના વલ્ડ રેકોર્ડ બનાવનાર મોટા શિંગડાવાળા નંદીનાં મંદિરના દર્શન કરી સૌએ પ્રદર્શન હોલમાં રાખેલા એના સાચા શિંગડા પણ જોયા. માંસાહારથી બચવાની વાત પણ શીખ્યા ને પોતે વાપરતા કોસ્મેટિક્સ વગેરેમાં કેવા કેવા પશુઓની બલી ચડે છે એ જોઈ બહેનોએ એવું કશું ન વાપરવા નિશ્ચય કર્યો. ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ, પ્રેમપ્રસાદ રૂપે શેરડીનો રસ પીને અમે ભીતરની ભોંય ભીંની કરી આગળ વધ્યા …
વચ્ચે અમારું ગામ મોટીખાખર આવે. હવામાડી હમણાં ગામડે છે એટલે એનું મોં જોવાનો લોભ તો થાય જ, પણ ઘરે જાઉં તો બધાનો સમય બગડે એટલે એને જ રોડ પર બોલાવી લીધી. ગામના નાકે મા દીકરાનું ભાવસભર મિલન બધાની આંખ ભીની કરી ગયું. માએ બધાને નાની નાની ઠંડી ઠંડી પેપ્સી પીવડાવી. અમે માનો પ્રેમ પીતાં પીતાં આગળ વધ્યા.
નાનીખાખરથી જોડાયા જ્યોતિબહેન મોતા. ભોજનનો સમય થઈ ગયેલો એટલે અમે પહેલા પહોંચ્યા બીદડાથી ફરાદી જતાં રસ્તા પર આવેલા લીમડાંવનમાં વસેલી એક જુદી દુનિયામાં. આ નોખી દુનિયાનું નામ છે ‘માનસી’. માનસિક રીતે સામાન્ય બાળકથી વિશિષ્ટ એવી બાળાઓનું આ પ્રેમાળ ઘર. લીલાધરભાઈ ગડા ‘અધા’ની પ્રેરણા ને માર્ગદર્શનથી સર્જાયેલી ને ગીતાબહેન જેવાં પ્રાણરૂપ વ્યક્તિત્વથી ધબકતી માનસી પણ એક ઉર્જાધામ છે.
ગીતાબહેન અમારા સ્વાગત માટે હાજર હતાં. જુદા જ પ્રકારનો અનુભવ કરાવતા પરિસરમાં પ્રવેશ્યા ને સામે જ અધા અમને હૈયાસરીખા ચાંપવા બહાર દોડી આવ્યા. જેના હૈયે હરિ બેઠેલા હોય એ હૈયાસરીખા ચાંપે ત્યારે હરિના સ્પર્શસુખનો લાભ મળે ! અધા ભેટ્યા ત્યારે મેં એ સુખ અનુભવ્યું ! ભાવથી ભર્યા ભર્યા એક કલાત્મક ઓરડામાં અમે અધાની શરણમાં બેઠા ને અધાનો ધીમા ધીમા સ્વરમાં પ્રેમપ્રવાહ વહેતો થયો. થોડી ખાસ દીકરીઓ માટે કામ કરતી એ સંસ્થાની, એ બાળકીઓને આપવામાં આવતી વિશિષ્ટ તાલીમની વાત ને એમને સામાન્ય પ્રવાહથી જોડવાની વાત અધા ને ગીતાબહેને કરી. એમનો શબ્દે શબ્દ હૈયે ને મોબાઈલદેવની સ્મૃતિમાં સંગ્રહી લીધો. ભોજનનો સમય થઈ ગયેલો એટલે ગીતાબહેન સૌને રસોડે દોરી ગયાં. એક એક ભવન એવું દિલથી ને કલાત્મક રીતે બનાવેલું છે કે આંખો એમાં જ બંધાઈ જાય ! બધાએ ભરપેટ સ્વાદિષ્ટ ભોજન લીધું. અધા સાથે વાતો કરતાં કરતાં અમે જમ્યા. ભોજન ઓછું ને અધાને વધુ ખાઈ ગયો હું ! ભોજન પછી ગીતાબહેને માનસીની દીકરીઓના વિશિષ્ટ વર્ગખંડ અને એમના રહેઠાણ દેખાડ્યાં. અમે એ દીકરીઓને મળ્યા ને એમની સાથે થોડી વાતો પણ કરી. અહીં કોઈ એમને દયાની નજરથી જોતું નથી ને માનસિક વિકલાંગ પણ ગણતું નથી. અહીં એ જેવાં છે તેવાં તેમને ચાહવામાં આવે છે, થોડી કડક તાલીમ પણ અપાય છે. કૉલેજના મોટાભાગના યુવાન મિત્રો માટે આ બધું નવું હતું. કેટલાંક મિત્રો સરસ મકાન જોઈ ફોટા પાડવાની તક ઝડપી લેતા હતા પણ તેમછતાં આ ભાવપ્રવાહને ઝીલવાની એમની તત્પરતા પણ દેખાઈ આવતી હતી. ફરી અધાને મળ્યા, એમની પાસેથી આ દીકરીઓને લાગુ પડતી એક સરસ કવિતા એમના જ અવાજમાં સાંભળી એમની ઉર્જાને ભીતર સંકેલી અમે નાનીખાખર ભણી રવાના થયા.
એક સમયે કચ્છનું પેરિસ ગણાતું નાનકડું પણ મજાનું ગામડું નાનીખાખર. ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજે અહીં બહુ જ દુર્લભ ગ્રંથો ને હસ્તપ્રતોને સાચવીને બેઠેલું એક જ્ઞાનમંદિર બનાવડાવ્યું છે. હવે તો એમાં એટલું બધું પ્રદર્શનમાં મુકાયું છે કે એક સારા મ્યુઝિયમની ગરજ સારે છે. અમે નાનીખાખરની મોટી શેરીઓમાંથી પસાર થતાં ઉપાશ્રય પાસે પહોંચ્યા ને જ્ઞાનમંદિરની વિશેષ મુલાકાત લીધી. આરોગ્યધામ, માનસધામ પછી આ વિદ્યાધામ. ધમાલ કરતા મિત્રો સરસ્વતીના આ અભિનવ મંદિરમાં આપોઆપ શાંત થઈ ગયા. પ્રદર્શન નિહાળતાં આપણી જૂની પરંપરાઓ, લેખનપદ્ધતિ, કળાના ઉત્તમ નમૂના આદિની ઝાંખી મળી. ભાષાના મિત્રો માટે તો આ અભ્યાસનો જ એક ભાગ. વર્ગમાં હસ્તપ્રતોની જાળવણી કેમ થાય એની વાત કરેલી તે પ્રત્યક્ષ જોઈને વિદ્યાર્થીઓને વધુ સમજાણી હશે, કદાચ ! આ જ્ઞાનમંદિર જેમના થકી નિર્માણ પામ્યું ને આટલું સમૃદ્ધ થયું, એવા ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજના દર્શન પણ થયા. શાળાના પગથિયાં ન ચડનાર ને છતાં તેર જેટલી ભાષાઓના જાણકાર, પ્રકાંડ પંડિત છતાં સાવ સહજ સુલભ એવા ઉપાધ્યાય ભગવંતના દર્શન કરી સૌ ધન્ય બન્યા. સાહેબજીએ વિદ્યાર્થીભોગ્ય શૈલીમાં જીવનની સરસ વાતો કરી. એ જ ગામના રહેવાસી ને ગુજરાતી તેમ જ કચ્છી ભાષાના જાણીતા કવિ, નિબંધકાર ગુલાબભાઈ દેઢિયા પણ ત્યાં હાજર હતા. વિદ્યાર્થીઓને આ પ્રકારે ધડાતા જોઈ એમણે રાજીપો વ્યક્ત કર્યો. સંઘ તરફથી મહેતાજીએ તૈયાર કરાવી રાખેલ ઠંડું ઠંડું લીંબુપાણી સૌને પાયું ને ફરી અમારી ગાડી આગળ ચાલી.
અમને ગમતી ત્રણેક જગ્યા જોયા પછી યુવાનોને ગમતી જગ્યાએ એટલે કે દરિયે ગીત ગાતાં ગાતાં પહોંચ્યા. વચ્ચે વર્ષારાણી પણ અમને મળવા ધોધમાર પ્રવાહમાં આવી ગયા. દરિયો એટલે મસ્તીનો પર્યાય. યુવાનો ને દરિયો ભેગા થાય પછી તો જમાવટ ન થાય તો જ નવાઈ. બધાએ ખૂબ ધમાલ કરી, નાચ્યાં, કુદ્યા, ફોટા પાડ્યા, ગરબા રમ્યા, બ્લોગ બનાવ્યા, ચટપટી ખાધી ને એવું તો કાંઈ કેટલીયે મોજ કીધી. હવે સમય થતો હતો ક્રાંતિતીર્થ પહોંચવાનો. ત્યાં મેમોરિયલની સાથોસાથ લાઈટ શૉ જોઈ શકાય એટલા એમના જ ગાઈડ ભાઈએ સાંજે આવવા સુચવેલું. માંડવીમાંથી પસાર થઈ અમે પહોંચ્યા ક્રાંતિતીર્થ. અત્યંત ભવ્ય સ્મૃતિતીર્થ બનાવ્યું છે. હાલ કોઈ ટિકિટ પણ નથી. અંધારું ઉતરી આવે એ પહેલાં અમે નિરાંતે મેમોરિયલની મુલાકાત લીધી. ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા મૂળે માંડવી કચ્છના. દેશની આઝાદીમાં એમનું યોગદાન જરા ય ઓછું ન આંકી શકાય. વિદેશની ભૂમિ પર રહીને મા ભોમને આઝાદ કરવા મથનાર કેટલાંક વીરલાઓમાં એક આગળ પડતું નામ છે શ્યામજી કૃષ્ણવર્માજીનું. એમના જીવનની ઝાંખી કરાવતું ને ભવ્ય ભૂતકાળને તાજું કરતું મેમોરિયલ જોઈ ઇન્ડિયા હાઉસની આબેહૂબ પ્રતિકૃતિ જોઈ. પંડિતજી વિશેનો અહોભાવ હતો એથીયે વધી ગયો. એમના અસ્થિ જે તે સમયે મોદીસાહેબે વિદેશથી લાવીને એમની ઈચ્છા મુજબ માતૃભૂમિમાં પહોંચાડેલા. એ કુંભના દર્શન કરી ભાવવિભોર બન્યા. પંડિતજીના જીવન અને કાર્યને દર્શાવતો લાઈટ શૉ સ્પેશિયલ અમારા માટે ત્યાંના ગાઈડ શંકરભાઈએ ગોઠવી આપ્યો. બહુ જ પ્રભાવક એ શૉ જોઈ અમે ત્યાંથી રાત્રિનિવાસ ભણી આગળ ચાલ્યા. કોડાયપુલ પાસે સ્નેહી સોમભાઈ ધરમશી અને લતાબહેનના સ્વાદ ફાસ્ટ ફૂડમાં સૌએ ભેલ, મિશળપાંઉનું ભોજન લીધું. એમને બીલનું પૂછ્યું તો કહે, ‘તમે જે દઈ શક્તા હો તે દે, નહિ આપો તોયે ચાલશે, તમારા બાળકો અમારા પણ બાળકો જ છે ! ભાવથી ભર્યા ભર્યા આ યુગલનો પ્રેમ આરોગી અમે રાત્રિનિવાસ માટે ૭૨ જિનાલય પહોંચ્યા. ભમ્મરસાહેબ અને સંદીપભાઈએ ફરી બધી વ્યવસ્થા સંભાળી સૌને ગાદલાભેગા કર્યા. અખંડ ધમાલ તો હજુ ચાલુ જ હતી. સલીમસાહેબ ખાસ મળવા આવ્યા ને આનંદમાં ભળ્યા. એક દિવસમાં કેટકેટલું જોયું, કેવાં કેવાં મનેખને મળ્યાં, કેવી મજા કરી આ બધું વાગોળતાં વાગોળતાં અમે નિદ્રાધીન થયા.
વહેલા ઊઠવાની સૂચના આપેલી. એમાં વહેલા એટલે છ વાગે એવું અભિપ્રેત હતું, પણ રવિ, રોહિત ને અન્ય હોંશી મહાત્માઓ બે ત્રણ વાગે ઊઠી ગયા. એક પછી એક ગાદલું સળવળ્યાં કર્યું ને સવાર પહેલા સવાર પડી ગઈ ! કુદરતી અનુકૂળતા હોવાથી મેં પૂજાના કપડાં સાથે લીધેલા. હું ૭૨ જિનાલય દર્શન અને પૂજા માટે જતો હતો. સહજ કોઈને સાથે આવવું હોય તો આવવા કહ્યું. કેટલાંક મિત્રો સ્વેચ્છાએ સાથે આવ્યા. ત્યાં રસ્તામાં સાધ્વીજી ભગવંતના દર્શન થયા. મૂળનાયકના દર્શન કરી ધૂપ, દીપ, ચામર, દર્પણ આદિથી પૂજા કરી. બધા મિત્રો માટે જૈન વિધિ નવી હતી એટલે કુતુહલમિશ્રિત આનંદ એમના ચહેરે છલકાતો હતો. મૂળ મંદિરની ફરતે આવેલા ગત, વર્તમાન ને આવનાર ચોવીસીના તીર્થંકરના ૭૨ દેવાલય છે. પ્રદક્ષિણા કરતાં કરતાં અમે એ સઘળાં દેરામાં દર્શન કર્યાં. મજા એ વાતની આવી કે પ્રભાત હોવાને લીધે દ્વારઉદ્ઘાટનનો લાભ અમારા યુવાન મિત્રોએ લીધો. મોટા મોટા ચડાવા લઈને જે લાભ મળે એ લાભ સૌને સહજ મળી ગયો. બધાએ ભાવભેર દ્વારઉદ્ઘાટન કર્યું. પછી મેં ચંદન પૂજા કરી ચૈત્યવંદન કર્યું એમાં પણ કેટલાંક મિત્રો જોડાયા ને મને પ્રક્ષાલનો પણ લાભ મળ્યો. ખબર પડી કે ત્યાં અનંતગુણાશ્રીજી મહારાજ બિરાજમાન છે એટલે અમે ઉપાશ્રયમાં દર્શન અર્થે પહોંચ્યા. સાધ્વીજી મહારાજના દર્શન વંદન સૌએ કર્યાં ને એમના આશિષ મેળવ્યાં. સાધ્વીજી ભગવંત બહુ જ રાજી થયાં. ધરાઈને ચા-નાસ્તો કરી અમે ભુજ ભણી ચાલ્યા.
રસ્તામાં સંદીપભાઈએ કહ્યું કે ભુજ સુધી રસ્તામાં બીજું કાંઈ જોવા જેવું નથી ? મેં કહ્યું, ‘એમ તો ઘણું છે પણ જવું હોય તો નવજીવન નેચર ક્યોર સેન્ટર જવાય. અમે તરત સેન્ટર પર ફોન કર્યો ને એમણે તાત્કાલિક પરવાનવી આપી. અમારી બસ ધમધમતી પહોંચી કુદરતી ઉપચાર કેન્દ્ર પર. આ વળી નવું મુકામ. એક જુદી શાખાનો પરિચય. કુદરતી ઉપચારની મહત્તા સમજી અમે સૌએ આખું સેન્ટર જોયું. અત્યંત સુંદર પરિસર, પરમ શાંતિ ને એની વચ્ચે મળતો ઉપચાર જોઈ રહેવાનું મન થઈ ગયું. આગળની યાત્રા રાહ જોઈ રહી હતી એટલે મોહ છોડી આગળ વધ્યા.
ડુંગરના રસ્તા પર દોડતી અમારી બસ ભુજ પહોંચી. પહેલા આઈનામહેલ અને પરાગમહેલ જોવાના હતા. હમીરસર તળાવની પાછળ બસ ઊભી રાખી અમે ભુજની ગલીઓમાં ચાલતા ચાલતા આઈનામહેલ પહોંચ્યા. ભુજના ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતું આ મ્યુઝિયમ જોઈ સૌ પરાગ મહેલ પાસે આવ્યા. ત્યાં ભમ્મરસાહેબને વચ્ચે બેસાડી ભમ્મરિયા ગીત ગાયું. વિદેશીઓ સાથે યુવાનોએ ફોટા પડાવ્યા ને ગરબા તો ખરા જ. ત્યાં જ કામ કરતા અભ્યાસી દલપતભાઈ દાણીધારિયાને બધા મળ્યા. એમણે ટૂંકમાં કચ્છના રજવાડાનો ઇતિહાસ સમજાવ્યો. ફરી એ જ ગલીઓમાં ભમતાં ભમતાં મા આશાપુરાના દર્શન કરી બસ તરફ આગળ ચાલ્યા. બધાની ચાલ ધીમી પડી ગયેલી. ભૂખનું સામ્રાજ્ય વધી રહ્યું હતું. અમે તરત એક મસ્ત મજાની જગ્યાએ ભરપેટ ભોજન લીધું ને ચાલ્યા અમારા બીજા આઈકોનીક પ્લેસ સ્મૃતિવન ભણી ..
ભુજ માધાપર હાઈવે પર ભુજિયા ડુંગર પર વર્ષ ૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલા કચ્છવાસીઓની પુનિત યાદમાં સરકાર તરફથી આ સ્મૃતિવન બન્યું છે. બહુ જ વિશાળ પરિસર. ભવ્ય અને અત્યાધુનિક ઈમારત જોઈને જ આંખમાં ઘર કરી જાય એવી. ટિકિટ લઈ અમે અંદર પ્રવેશ્યા. ગરમીથી બચવા અહીં અમે બપોરનો સમય પસંદ કરેલો. એક પછી બીજા ગ્રુપને જવાનું હોઈ અમે ત્યાં આવેલા પુસ્તક વેંચાણ કેન્દ્રની મુલાકાત લીધી ને ગમતાં પુસ્તક, ધૂપ આદિ ખરીદ્યું. એક પછી એક એમ જુદા જુદા અગિયાર જેટલા પ્રદર્શન હોલમાં જુદી જુદી રીતે ભૂકંપ અને અન્ય કુદરતી આપદાની વાત વૈજ્ઞાનિક ઢબે સમજાવવામાં આવી છે. કુદરતના ચક્રમાં આવતા પરિવર્તનની વાત અત્યાધુનિક સાધનોની મદદથી પ્રતીતિકર રીતે સમજાવવામાં આવી છે. ઓરડે ઓરડે બદલતા ગાઈડ ને ઓડિયો વીડિયો દ્વારા થતી પ્રસ્તુતિથી વધારે અસરકારક રીતે આખી વાત ઉપસી છે. ભૂકંપ અને પછીના પુનર્વસનની તાદૃશ કથા જોવાની અનુભૂતિ અહીં થાય છે ને કચ્છની તાસીર પણ પરખાય છે. છેલ્લે તો ભૂકંપની અનુભૂતિ કરાવતી ક્ષણો ખરેખર જ અવિસ્મરણીય રહી. અંતે સદ્દગત સૌને ભાવાંજલિ આપી અમે નીચે ઉતર્યા. આ યાત્રામાં વિજયભાઈ ઝાટિયા ને દેવેન્દ્રસિંહ પણ ભળેલા. નીચે રાહુલસાહેબ અમારી રાહ જોઈ રહ્યા હતા. સૂર્ય અસ્ત થવા જઈ રહ્યો હતો. કેસરિયાળા સૂરજની સાંખે ચોકીદાર ભાઈની રજા લઈને અમે બસની ટેપ વગાડી ગરબા રમી લીધા. હવે ઘરે પાછા ફરવાનું હતું. બસમાં ત્રણેક કલાકનો સથવારો હતો. બે દિવસની ધમાલ પછી પણ ઉત્સાહ મંદ ન્હોતો પડ્યો. એક જગ્યાએ ચા નાસ્તો કરવા ઊભા રહ્યા બાકી ટેપમાં વાગતાં ધમાકેદાર ગીતો પર સૌ નાચતા રહ્યા. ધીરે ધીરે અંધારા ઉતરતા ગયા ને અમે ગંતવ્ય ભણી સરકતા ગયા. છેલ્લે સરકારનો, આચાર્ય રાવલસાહેબનો, કૉઓર્ડીનેટર સંજયભાઈ ચાવડા ને ગીગાભાઈ ભમ્મરસાહેબનો જય બોલાવીને અમે રાપર પહોંચ્યા. વિદ્યાર્થીની સાથોસાથ અમારા સૌ માટે પણ આ પ્રવાસ અનેક રીતે અનોખો બની રહ્યો.
નાનીખાખરમાં ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજે રખડપટ્ટી, પ્રવાસ અને યાત્રા વચ્ચેનો ભેદ સમજાવી પૂછેલું કે, તમે જે કર્યું એને શું કહેવાય રખડપટ્ટી, પ્રવાસ કે યાત્રા ?’ જવાબ તમે આપજો …
સૌજન્ય રમજાન હસણિયાની ફેઇસબુક દીવાલેથી સાદર