સૌ પ્રથમ તો દિવાળી અને નૂતન વર્ષનાં સૌને અઢળક અભિનંદનો. આવનારું વર્ષ સૌને શાંતિ અર્પે તેવી શુભેચ્છાઓ, કારણ બધું છતાં, મનની શાંતિ નથી, તે સૌ કોઈ અનુભવે છે. અભિનંદનો ને શુભેચ્છાઓમાં કેટલી સચ્ચાઈ છે તે પણ આપણે જાણીએ છીએ. કેટલું બધું કહેવા ખાતર કહીએ છીએ ને કરવા ખાતર કરીએ છીએ. એમાં આપણે નથી. હકીકત એ છે કે હવે શબ્દોનું ઉધાર ઉછીનું જ આપણને ખપે છે. સામેવાળાને આપણે ઉત્તમ મેસેજ મોકલીએ છીએ, પણ તે આપણો નથી. આપણે તો ઘણુંખરું ફોરવર્ડ જ કરીએ છીએ. એ આપણી લાગણી નથી, બીજાની, બીજાને મોકલીએ છીએ. આપણું ઘણું બધું નકલી છે ને એ અસલી હોય તેમ માનીએ છીએ. આટલી સગવડો, આટલી ટેકનોલોજી પછી આપણે વધુ ક્રિએટિવ બનવા જોઈતા હતા, પણ વધુ પરોપજીવી બન્યા હોઈએ એવું લાગે છે. એવું નથી કે બધું જ નબળું કે ખરાબ છે. સારું પણ છે જ !
વડા પ્રધાન પ્રોજેક્ટ્સ પર પ્રોજેક્ટ્સ અર્પણ કરતા જ રહે છે. 80 કરોડથી વધુ લોકોને મફત અનાજ અપાય એ નાની વાત નથી. બેટી પઢાઓ, બેટી બચાઓ-નું સૂત્ર પોકારાતું રહે છે, 70+ વૃદ્ધોને આયુષ્યમાન યોજનાનો લાભ આપવો શરૂ થઈ રહ્યો છે, પણ ઉચાટ અને બફાટ ઘટતા નથી. રાજકીય પક્ષોને સત્તા સિવાય બીજી કોઈ પ્રાયોરિટી નથી. પક્ષોમાં આંતરિક અશાંતિ જનહિતને છેલ્લે પણ ન રહેવા દે એ સ્થિતિ છે.
એ ખરું કે સમયમાં પાછળ જોઈ શકાય છે, પણ જઈ શકાતું નથી, છતાં પાછળ જોવાનું ગમે છે. મહોલ્લાઓની જુદી જ રોનક દિવાળીમાં હતી. રંગોળી ત્યારે રસ્તા પર, ઓટલા પર, રૂમમાં થતી. રૂમ ભરાઈ જાય એટલો મોટો સાથિયો કરોઠી ને રંગોથી થતો. રંગોળી સ્પર્ધાઓ થતી. ઇનામો મળતાં. હવે તૈયાર સ્ટિકર્સ જ રંગોળીની ગરજ સારે છે. ઘરની સામગ્રી બેકરીમાં આપીને નાનખટાઈ પડાવવાનો ને માથે નાનખટાઈનો ડબ્બો મૂકી ઘરે આવવાનો રોમાંચ હવે આઉટડેટેડ થઈ ગયો છે. આમ તો ઘરની બહાર લાઇટ ભાગ્યે જ થતી, પણ દિવાળી વખતે રંગીન રોશની બહાર કઢાતી. મહોલ્લાઓ સાથિયા જોવા બહાર પડતા. મોડી રાત સુધી શેરીઓ ઝગમગતી રહેતી. હવે તૈયાર ઇલેક્ટ્રિક તોરણોથી ઘર ઝગમગે છે. ઘારી-ઘૂઘરા-થાપડા ઘરોમાં બનતાં. તળાતી ઘારીની મીઠાશથી નાક ગળ્યું થઈ જતું. હવે શોપિંગ મોલ એ બધું પૂરું પાડે છે. ખાવાનું હોટેલોમાં થયું એટલે ઘણાં રસોડાં ટાઢાં પડી ગયાં છે. કલાકો પછી હોટેલોમાં નંબર લાગે છે ને ઢોસા-પિઝા-પંજાબી-કોન્ટિનેન્ટલ ઝાપટીને ઘરો ફરી મોબાઇલમાં વ્યસ્ત થઈ જાય છે.
કોણ જાણે કેમ પણ કારણ વગર બિઝી રહેવાની એટલી સ્પર્ધાઓ આપણે ઊભી કરી છે કે વ્યસ્તતા જ સહજતા હોય એમ લાગે. કામ કૈં નથી, પણ વ્યસ્ત બધાં જ છે, એ જાણવું હોય તો મોબાઈલની પ્રવૃત્તિઓ ચકાસી લેવા જેવી છે. મેસેજમાં પ્રગટેલા દીવાઓ અજવાળું નથી આપતા, તો ય ફોરવર્ડ કરતાં રહીએ છીએ. આપણે પ્રાસંગિક થઈ ગયા છીએ. ઉત્સાહ-ઉમંગ હોય, એમાં જીવ હોય તો આપણો અભાવ પણ સામેવાળાને પહોંચશે ને એવું નહીં હોય તો બધું પહોંચાડવા છતાં આપણો કોઈ ભાવ સામે નહીં પહોંચે તે નક્કી છે. આપણે કોઈને હોલવાયેલા દીવા મોકલીએ છીએ? નથી મોકલતા. કારણ, અજવાળું પહોંચે, અંધકાર પહોંચાડી શકાતો નથી. તે તો ઈશ્વરની જેમ અપ્રગટ જ રહે છે. સાચું એ છે કે આપણે દીવા પ્રગટ કરીને અંધકાર ઢાંકતા રહીએ છીએ.
ભગવાન રામચંદ્ર અયોધ્યામાં બાળ સ્વરૂપે બિરાજ્યા એનો પહેલો દીપોત્સવ આનંદદાયી જ હોય, પણ એનું સૌમ્ય તેજ આપણને કેમ નથી સ્પર્શતું તેનું આશ્ચર્ય છે. ભગવાન કદી લાખો દીવડાના તેજે ન ઓળખાય. એમનું પોતાનું તેજ ઓછું છે કે 25 લાખ દીવડાના તેજમાં ઓળખાવવા પડે? પણ આપણને ભક્તિ કરતાં રેકોર્ડ કરવામાં રસ વધારે છે. મીડિયા પણ 25 લાખ દીવા કે 28 લાખ દીવામાં અટવાય છે. દીવા પ્રગટવાથી રેકોર્ડ થતો હોય તેનો તો શો વાંધો હોય, પણ રેકોર્ડ માટેના દીવાથી ભગવાન પ્રસન્ન થાય એવું લાગે છે?
અગ્નિની શોધ થઈ ને દીવા-આરતી પ્રગટાવવાનું મુહૂર્ત નીકળ્યું, પણ અગ્નિ ઉજાળે છે, તેમ બાળે પણ છે. અગ્નિ વગર પણ અજવાળું તો હતું જ. રાત્રિના સઘન અંધકારમાં પણ માણસ સાવ અંધારામાં નથી રહ્યો. ચંદ્ર, તારાઓએ પણ મનુષ્યને ઠંડું તેજ આપ્યું જ છે. સમય જતાં આપણને તીવ્ર અજવાળાંનો લોભ જાગ્યો. ઇલેક્ટ્રિસિટીએ આપણા એ અભરખા પણ પૂરા કર્યા. આજે તો રોશની પાછળ આપણે બેફામ ખર્ચ કરીએ છીએ. લગ્નો, ઉત્સવોમાં એટલી વીજળી આપણે ખર્ચીએ છીએ કે છેવટે અંધારું જ હાથમાં આવે છે. એ અંધકાર કેટલો કીમતી છે તે આપણી ઊંઘ નક્કી કરી આપે છે. એવું ન હોત તો ઊંઘવા માટે ઘરોએ બત્તી બંધ કરી ન હોત !
આજે તો ઘણાં પૂજા અને અનુષ્ઠાનોમાં વ્યસ્ત હશે, ત્યારે થોડું આપણે વિષે પણ વિચારીએ. બન્યું છે એવું કે હવે આપણે વિષે માધ્યમો વિચારે છે ને માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. શું પહેરવું, શું ખાવું, શું ન ખાવું, કયો ઉપવાસ કરવો કે કોની માળા ફેરવવી કે કયા પ્રવાસે જવું, જેવું ઘણું મીડિયા નક્કી કરી આપે છે. ક્યારેક તો આપણું પૂરું કરતાં હોય તેમ માધ્યમો ધમકાવતાં પણ રહે છે – પૂજા કેમ કરવી તે જાણી લો, આમ નહીં કરો તો તેમ થશે, અમુક તો ખવાય જ નહીં – જેવું મીડિયા બોલતું જ રહે છે. એમાં ચિંતા કરતાં ચેતવણી વધારે છે. આપણે બદલે હવે AI જીવવાનું હોય તેમ તેની સૂચનાઓ સર્વોપરી થવા લાગી છે. AI ઉપયોગી છે, એની ના નથી, પણ માણસને બાજુ પર મૂકીને, AIનું વર્ચસ્વ સ્વીકારવાનું જરૂરી કેટલું તે વિચારવાનું રહે. કોઈ પણ ટેકનોલોજી માણસની મદદમાં હોય, માણસ ટેકનોલોજીની મદદમાં હોય તો તેનો અર્થ ખરો? છતાં, ટેકનોલોજી સાથે પાનાં પાડવાનું પણ માણસે શીખી લેવાનું રહે. બધું જ માણસ જાતની ભલાઈ માટે છે, પણ માણસ જ તેનો કેવી રીતે ગેરલાભ લેવો તે બરાબર જાણે છે.
એ ટેકનોલોજીના દુરુપયોગનું જ પરિણામ છે કે ડિજિટલ ઇન્ડિયામાં ઓનલાઈન એરેસ્ટથી એક વર્ગ ભયંકર રીતે ત્રસ્ત છે. 10 મહિનામાં ડિજિટલ આતંકની 6 હજાર ફરિયાદ મળી છે. ફરિયાદો થાય છે, કેસ ચાલે છે, સજા થાય છે, પણ ગેંગ રેપ, દુષ્કર્મ, છેડતીનો છેડો આવતો નથી. સ્ત્રી સશક્તીકરણ અપવાદ રૂપે થતું હશે, પણ પરિણામો અનેક પ્રકારનાં શોષણમાં આવે છે. લગ્નેતર સંબંધો વધ્યા છે ને તેમાં ય વાત હત્યા, આત્મહત્યા સુધી પહોંચી છે.
અણુની શોધ માણસ જાતનાં હિતમાં થઈ, પણ અણુબોમ્બ તેનાં અહિત માટે પણ વપરાયો. આપણે બબ્બે વિશ્વયુદ્ધો જોયાં, વેઠ્યાં છે. એટલું ઓછું હોય તેમ વિશ્વ, યુદ્ધથી હજી પરવારતું નથી. રશિયા-યુક્રેન, ઈઝરાયેલ-ઈરાન સામસામે આવી ગયાં છે. યુદ્ધથી કોઈનું કલ્યાણ નથી, પણ યુદ્ધમાં જ કલ્યાણ હોવાનું યુદ્ધખોર દેશો માની રહ્યા છે. અહીં અજવાળું છે, તે દિવાળીનું નથી, હોળીનું છે. અહીં ઊઠતા ભડકા શસ્ત્રોના છે, આક્રમણના છે.
આમ તો બે દેશો વચ્ચે ચાલતું યુદ્ધ બંને દેશોની પ્રજા વચ્ચેનું પણ છે, પણ મોટે ભાગની પ્રજા યુદ્ધનાં પરિણામોથી બેખબર હોય છે. ખરેખર તો બે દેશના નેતાઓની મહત્ત્વાકાંક્ષા યુદ્ધને નિમંત્રણ આપે છે ને બંને દેશ એકબીજાના શત્રુ થઈને લડે છે. કોઈ એક દેશ કદાચ જીતે તો પણ, થોડું થોડું હારે તો છે – બંને દેશો. જીતે તે દેશના સૈનિકો પણ મરે છે. એ એવા જીવો છે જે કદી ફરી એ વેશે ધરતી પર આવતા નથી. હવેનાં યુદ્ધની વિશેષતા એ છે કે તેમાં માત્ર સૈનિકો જ નથી મરતા, નાગરિકો પણ ભડકો થઈ જાય છે. બંને દેશના નાગરિકો કોઈ વાંક વગર ભડકો થતા રહે છે ને પારાવાર પીડા તો એ બાળકો માટે થાય છે, જેને ખબર જ નથી, યુદ્ધ શું છે ને કોણ કોની સામે લડે છે? પોતે, પોતાની જાણ બહાર કોનો શત્રુ થઈ ઊઠે છે, એની કશી જ સમજ વગર બાળકો લાશ થઈ જાય છે. જેણે જીવન શરૂ પણ કર્યું નથી તેને મોતનો એવો પરિચય મળી જાય છે કે બીજા કશાનો કોઈ પરિચય પછી રહેતો નથી. આ બધું કોની મહત્ત્વાકાંક્ષા સંતોષવા થાય છે, એની પણ એ કુમળા જીવોને ખબર હોતી નથી. ખરેખર તો કોઈ દેશને યુદ્ધ પરવડવું જ ન જોઈએ, પણ આદમખોર સત્તાધીશો હજારો જીવોને પોતાની ઈચ્છા પર બલિ ચડાવે છે.
ભારત-પાકિસ્તાન યુદ્ધ ચાલતું નથી, પણ સીધો સામનો કરવાની તાકાત નથી એવું પાકિસ્તાન, આતંકી હુમલાઓ વડે ભારતના સૈનિકોનો ભોગ લેતું રહે ને સરકાર લાચારીથી જોઈ રહે એ પણ કેવું? આ સૈનિકો પણ ભારતના જ નાગરિકો છે. તેમને આતંકવાદીઓ, જીવનની પરેજી પળાવે એ કોઈ રીતે ચલાવી ન શકાય. ચીન સાથે વાત સુલેહ પર આવી છે, તે ખરું, પણ વો દિન કહાં કિ …
આવી સ્થિતિમાં થોડો પણ આનંદ ક્યાંક મળે તો તેની રાહ જોવાની રહે, કારણ સુખ તો મળે, મુશ્કેલી જ આનંદની છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 નવેમ્બર 2024