લાખો ભારતીયો ગાંધીને એક ‘મહાત્મા’ તરીકે ઓળખતા હતા. મારાં માતા-પિતા સહિતના આશ્રમના અંતેવાસીઓ એમને ‘બાપુ’ કહીને બોલાવતા.
મને એ સમજતાં વાર ન લાગી કે ગાંધી એક રાજકીય નેતા પણ હતા. એમને મળવા અને સન્માનવા આખા દેશના રાજકીય નેતાઓ અવારનવાર આવતા. તોયે આશ્રમનાં અમારા જેવા બાળકોને મન ગાંધી ન તો ‘મહાત્મા’ હતા, ન તો રાજકીય નેતા – ‘બાપુ’ સુદ્ધાં નહીં! જો કે જરા મોટો થતાં હું પણ એમને ‘બાપુ’ કહેતો થયો.
આશ્રમનાં બાળકો માટે ગાંધીજી તો સૌ પહેલાં અમારા સ્નેહાળ ગોઠિયા જ ! તેઓ એક એવા દોસ્ત હતા જેમની સાથે તમે સવારસાંજ ધીંગામસ્તી કરી શકો. અમદાવાદની સેન્ટ્રલ જેલનો દરવાજો અમારી એ પદયાત્રાનો છેલ્લો મુકામ. તેની નજીક પહોંચતાં જ ગાંધીજી એકદમ દોડવા લાગે; અને અમે બે ટાબરિયાં, જે એમને હાથલાકડીની જેમ બન્ને બાજુથી દોરતાં હોઈએ, તેમને એમની સાથે કદમ મિલાવવા ભાગવું જ પડે ! એક એવા દોસ્ત, જેમની સાથે આશ્રમનાં બાળકો સાબરમતીમાં તરવા પણ જાય. કોઈક ઉત્સવ પ્રસંગે જ્યારે અમે કોઈક નાટક ભજવવાનું વિચાર્યું હોય ત્યારે તેઓ સરળતાથી પૂછી પણ શકે કે નાટકમાં એમણે કયો વેશ ભજવવાનો છે ? એક એવા દોસ્ત, જેમની સાથે અમે કોઈ પણ જાતની બીક વગર ઝઘડી પણ શકીએ. જ્યારે કોઈ મુશ્કેલીમાં હોઈએ ત્યારે એમના પર આધાર પણ રાખી શકીએ. અમારે માટે એ તો વિશિષ્ટ મિત્ર જ.
આમાંની છેલ્લી લાગણી અમને બાળકોને જ હતી, એવું નહીં, એવી લાગણી તો આશ્રમની લગભગ દરેક આબાલવૃદ્ધ વ્યક્તિની હતી. બાપુ તો જો કે આશ્રમના દરેક જણને ચાહતા પણ દરેક ચોક્કસ વ્યક્તિ પર તેઓ જે પ્રેમ ઢોળતા, તે તેમને તો વિશિષ્ટ જ લાગતો અને આ જાતનો લાગણીસંબંધ જે દરેકને ફક્ત પોતાને માટે જ છે, એવી ભાવના પેદા કરતો. તે ફક્ત આશ્રમના અંતેવાસી પૂરતો જ હતો એમ નહીં; એ તો દેશના ખૂણેખૂણે વસતાં સેંકડો લોકો સુધી કે સરહદ પાર રહેલા કેટલાં ય લોકો સુધી પણ વિસ્તરેલો હતો.
એવું શું હતું કે અમારામાંથી દરેક જણ અનુભવતું કે ગાંધી માત્ર મારી જ ખૂબ કાળજી લે છે ? જ્યારે જ્યારે તેઓ અમને રૂબરૂ કે અગણિત પત્રો દ્વારા મળતા, ત્યારે અમને જુદી જુદી રીતે જુદા જુદા પ્રસંગે પણ અનોખી રીતે સંબોધતા. જ્યારે અમારી સાથે તેઓ વાત કરતા હોય ત્યારે, તેઓ એમની આંખો દ્વારા અને એમના મૃદુ, મીઠા અવાજ દ્વારા અમારા હૃદયમાં એમની સંપૂર્ણ લાગણીને રેડી દેતા. ગાંધી કુશળ વક્તા કરતાં પણ નિઃશંક રીતે ઉત્તમ શ્રોતા હતા. ઘણીવાર તેઓ એવી સહૃદયતાથી સાંભળતા કે અમને થતું, તેઓ અમે જે શબ્દો નથી બોલ્યા, તે પણ સમજી ગયા છે. સંવાદ કરતાં કરતાં ગાંધી અન્ય વ્યક્તિ સાથે તાદાત્મ્ય અનુભવી શકતા.
સેવાગ્રામમાં કોઈકે ગાંધીની રોજિંદી બેઠકની પાછળ નાનકડું સૂચનાપત્રક મૂકેલું, એમાં બબ્બે શબ્દોનાં ત્રણ વાક્યો લખાયેલાં હતાં. એ ગાંધીનો સમય વેડફાય નહીં એવી કાળજી રાખવાનો જ હતો. મોટા અક્ષરોમાં તેમાં લખાયું હતું :
‘જલદી કરો, ટૂંકમાં પતાવો, ભાગવાનું રાખો.’
આવી સહેજ શુષ્ક સૂચનાઓ વિશે મુલાકાતીઓ શું વિચારતાં હશે? એવી આશંકા સાથે કિશોર હું, ગાંધીની કુટિરમાંથી બહાર આવતી વ્યક્તિની પાછળ પાછળ જતો. એમની ટૂંકી મુલાકાત વિશે હું જ્યારે જ્યારે પૂછતો, ત્યારે નવાઈ પામતો. મને જાણવા મળતું કે એમાંના મોટા ભાગનાં લોકો સંપૂર્ણ સંતોષ અનુભવતાં હતાં. “હા, એ ખરું કે સમય ખૂબ ઓછો મળ્યો. પણ જે મળ્યો, તે અમને પૂરેપૂરો મળ્યો.” સૌનો મોટે ભાગે આવો જ જવાબ હોય.
ગાંધી દરેકને સાંભળતા હોય ત્યારે તેને માનવસહજ ગૌરવ આપતા. એમની અહિંસા પાછળ એ જ મહત્ત્વનો સિદ્ધાંત કહી શકાય. તેઓ દરેક સાથે પૂરતા આદરથી વર્તતા. મુલાકાતીનાં ધન, જ્ઞાન, વય કે જાતિ-લિંગનાં લેબલ જોયા વગર એક માનવી તરીકે જે ગરિમા એને આપવી જોઈએ, તે આપતા. માનવી દ્વારા સર્જાયેલી વાડાબંધીની દુર્ગંધથી અભડાયા વગરના સભ્ય જીવનના ઝરણાંમાંથી પ્રગટતા અસ્તિત્વની ગુણસભરતા ગાંધી સાથે વાત કરતાં દરેક વ્યક્તિ અનુભવતી. ગાંધી સાથે જે કોઈ સંકળાયું હશે, તે દરેક સાથેના ગાંધીના વ્યવહારમાં તેમનાં વિચાર, શબ્દો કે કાર્યોમાંનું સીધી સરળ લીટી જેવું સત્ય હંમેશ પ્રતિબિંબિત થતું.
[‘મારા ગાંધી’]
06 માર્ચ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 246