કાવ્યકૂકીઝ
0
તમે માનો કે ની માનો, પણ અ’વે તો અભણો જ
ભણેલાને ભૂ પીવડાવતા છે, જો !
આ માસ્તરો મોટે ઉપાડે જૂનું પેન્શન
માંગવા ગઈલા તે ફાટફૂટ લઈને પાછા આઈવા
એ લોકોએ હમજવું જોઈએ કે અંગ્રેજો ગિયા ઓય
તો હો ડિવાઇડ એન્ડ રૂલ તો અ’જી ચાલતું જ છે
પેન્શન તો બાજુ પર રિ’યું
માસ્તરો વગર ફોગટના કુટાઈ મઈરા
અ’વે પેન્શન તો મલવાનું ઓહે ત્યારે મલહે
પણ અત્તારે તો ગાડું ઘોંચમાં પઈડું જ કે’ની !
એક વાત નોકરિયાતોએ હમજી લેવી જોઈએ
કે નોકરી જ જાં’ પાકી ની ઓય
તાં’ પેન્શન પાકું કાં’થી ઓય?
અ’વે તો નોકરી મલે તો હો બઉ છે
મારો પોઇરો સાયેબને પૂછે કે પેન્શન મલહેકે?
તો સાયેબ કે’ય કે પેન્શન તો મલહે
પણ પગારનું પાકું ની !
ને માસ્તરોનું હું છે કે
આખો વખત નોકરી જ કઇરા કરે
ઉપરથી વસ્તી ગણતરી ને ટીકાકરણ હો કરે
અઈલા જાં’ ટીકા થાય એવું જ ની ઓય
તાં’ ટીકાકરણ કાં’થી ચાલે?
હું છે કે માસ્તરોએ કામ ઘટાડવું જોઈએ
એ હાળા ભણાવવાને બદલે
ઇતરપ્રવૃત્તિમાં જ ગોંધાઈ રે’ય તો
પોઈરાઓ ઉઠાં જ ભણાવે કે બીજું કૈં?
સ્કૂલમાં હાળા માસ્તર ઓછા ને પ્લાસ્ટર વધારે
અ’વે હું છે કે પોઈરાઓ જેમ ની ભણે તેમ
વધારે હારા માર્કે પાસ થાય છે
એટલે હો ભણાવવા હારું
બઉ માસ્તર રાખતા ની મલે
માસ્તર તો અ’વે યુનિયનમાં ઓય તો ઓય
બાકીના સાયેબોને જવાબો લખવા કામ લાગે
જતે દા’ડે માસ્તરો
ટ્યૂશન ક્લાસમાં જોવા મલે તો મલે !
સ્કૂલમાં તો એનું કામ જ ની મલે
બેચાર રાખવા ઓય તો ઠીક છે
કારકૂનીમાં કામ લાગે, બાકી ચાલે !
અ’વે તો લાગે છે, માસ્તરો રોજ પર જ રાખ્ખે
તે હો કલાક પર !
એવું થહે તો જ પેન્શનનું પાકું થહે
તમને અહવું આવે છેને, પણ આ હાચું છે
જો એક વાર ચૂંટણી જીતીએ
ને પાંચ વરહ ભવનમાં બેહીએ તો
એકથી વધારે વખત પેન્શન મલે એમાં ફેર ની
અ’વે પેન્શન એમને આપીએ કે આમને?
એટલે તીહ વરહનો નોકરો કૂટો
તો હો પેન્શન ની મલે એમ બને.
પેન્શન જોઈતું જ ઓય તો ચૂંટણી જીતો
ભલે નોકરી કાચી, પણ પેન્શન તો પાકું .. .
000
(‘સંદેશ’ની બુધવારની પૂર્તિ)
e.mail : ravindra21111946@gmail.com