ગાંધીજીના બહુઆયામી વ્યક્તિત્વના અનેક પાસાંઓની જાણ છે. તેમનું એક પાસું, તે એમના પર્યાવરણની સુરક્ષા માટેની તેમની દીર્ઘ દૃષ્ટિપૂર્વકની યોજના.
રામચંદ્ર ગુહાની કલમે એ વાતનો મર્મ સુંદર રીતે ઉજાગર થયો છે, જે અહીં સાદર પ્રસ્તુત.
લગભગ ત્રીસેક વર્ષ પહેલાં ‘ઈન્ડસ્ટ્રીઅલાઈઝ – એન્ડ પેરિશ’ શીર્ષક હેઠળ ગાંધીજીના લખેલા લેખોનો સંચય વાંચતી વખતે પહેલી વખત 20 ડિસેમ્બર 1928ના ‘યંગ ઇન્ડિયા’ના અંકમાં પ્રગટ થયેલ ગાંધીજીનો નોંધપાત્ર અભિપ્રાય મારા ધ્યાનમાં આવ્યો : “ભારતને પશ્ચિમી દેશો જેવા ઔદ્યોગીકરણને અનુસરતાં ભગવાન બચાવે. ઇંગ્લેન્ડ જેવડા એક નાના ટાપુના આર્થિક સામ્રાજ્યવાદે આખી દુનિયાને એક સાંકળના બંધનમાં જકડી દીધો છે. જો 30 કરોડની વસતી ધરાવતો આખો દેશ એ જ પ્રકારના આર્થિક શોષણને પગલે ચાલશે તો, એ દુનિયા આખીના સ્રોતને તીડનાં ધાડાંની માફક સફાચટ કરી નાખશે.”
આ શબ્દોના અર્થને સંસાધનો અને ઉર્જાના અમર્યાદિત વપરાશ તથા વધુ પડતા ઔદ્યોગિક વિકાસ સામેની ચેતવણીના સંદર્ભમાં પર્યાવરણવાદી પરિભાષામાં ઘટાવવાની લાલચ થઈ શકે. ખરેખર, પશ્ચિમી દેશો પાસેથી પ્રેરણા લઈને એ માર્ગને અપનાવવાને પરિણામે આજે ચીન અને ભારત દુનિયાને તીડનાં ધાડાંની માફક વેરાન કરશે તેવો ભય સેવાઈ રહ્યો છે.
માનવીની લોભી વૃત્તિના આલોચક તરીકે, વિકેન્દ્રિત અને ગ્રામાભિમુખ અર્થ વ્યવસ્થાના (અને તેથી ઓછી ખાઉધરી વ્યવસ્થા) સમર્થક હોવાને કારણે તથા હાનિકારક સરકારી નીતિ સામે અહિંસક વિરોધ દર્શાવવાની પદ્ધતિનો પાયો નાખનાર વ્યક્તિ તરીકે ગાંધીને પર્યાવરણની સુરક્ષા માટે ચળવળ કરનારાઓએ આ ક્ષેત્રના પૂર્વજ તરીકે સ્થાપ્યા છે. સહુથી વધુ પ્રખ્યાત થયેલા ચિપકો અને નર્મદા બચાવો જેવા પર્યાવરણીય આંદોલનોના આગેવાનોએ પોતે ગાંધીના માર્ગે ચાલ્યા છે એવું પોતાના આચાર-વિચાર દ્વારા પુરવાર કરી બતાવ્યું છે. ગાંધીને પશ્ચિમી પર્યાવરણવાદીઓ જેવા કે ઈ.એફ. શુમાકર (‘સ્મોલ ઇઝ બ્યુટીફૂલ’ પુસ્તકના લેખક) જેવા અર્થશાસ્ત્રી અને જર્મનીની ગ્રીન પાર્ટીના આદર્શોમાં પણ ઉજાગર કરવામાં આવ્યા છે.
મારી અખબારની આ કટારમાં ગાંધીના એક પર્યાવરણની સુરક્ષા બાબત નિસબત ધરાવનાર વ્યક્તિ તરીકે આપણા સાંપ્રત સમય સંબંધિત સમસ્યાઓ સાથે સુસંગત છે તેવા વિચારોના કેટલાક પાસાંઓ વિષે વાત કરીને તેમના મુદ્દાને વધુ મજબૂત કરવા માંગુ છું. ખાસ કરીને વૃક્ષો વિષે કરેલા ઉલ્લેખ, જે ઓછા જાણીતા છે તેના પર ધ્યાન ખેંચવા માગું છું.
1925ના નવેમ્બર માસમાં ગાંધી કચ્છના રણ વિસ્તારની મુલાકાતે ગયેલા, જ્યાં અપૂરતા વરસાદ અને આખું વરસ પાણી વહેતું હોય તેવી નદીના અભાવને કારણે ત્યાં વનસ્પતિ બહુ ઓછી જોવા મળે છે. તેમના યજમાન જયકૃષ્ણ ઇંદ્રજી એક સામાજિક કાર્યકર હતા, જેને ગાંધીજીએ ‘ગુજરાતના રત્ન’ તરીકે ઓળખાવ્યા હતા, અને જેમને એક શબ્દમાં ‘વનસ્પતિના નૃવંશ વિજ્ઞાની’ (ethnobotanist) વર્ણવી શકાય. ગાંધી કરતાં વીસ વર્ષ પહેલાં 1849માં જન્મેલા જયકૃષ્ણ પોતાની જાતે જ તાલીમ મેળવીને બનેલા વનસ્પતિ વિજ્ઞાન જાણનારા હતા જેમણે પોરબંદર રાજ્યમાં કામ કરેલું (જેના શાસકોની એક સમયે ગાંધીના પૂર્વજોએ સેવા કરી હતી). આ વનસ્પતિશાસ્ત્રીને ભારતીય પ્રજામાં વૃક્ષો અને છોડવામાં રસનો અભાવ કેમ આટલો બધો જોવા મળે છે તેની નવાઈ લાગતી, અને એ બાબતમાં તેમણે આ અભિપ્રાય આપ્યો, “આ દેશ્માં રહેતા યુરોપિયન લોકો આપણા દેશમાં ઊગતાં છોડ અને વૃક્ષો વિષે જાણકારી ધરાવે છે અને તે વિષે લખે છે, અને મારા જ દેશના લોકો પોતાના ઘરના વાડામાં ઊગતાં ફૂલછોડ વિષે કશું જાણતા નથી અને તેને પોતાના પગ નીચે કચરતા હોય છે.” આ અજ્ઞાનતાને દૂર કરવા જયકૃષ્ણે પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં ઊગતી વનસ્પતિનો સીમાચિહ્ન ગણાય તેવો અભ્યાસ કરીને તે વિષે લખ્યું, જેણે કચ્છના મહારાવનું ધ્યાન ખેંચ્યું, અને તેમણે પોતાના રાજ્યમાં આવી કામ કરવા નોતર્યા. ત્યાં આ વનસ્પતિના નૃવંશ વિજ્ઞાનીએ રણમાં વનસ્પતિ ફરી ઉગાડવા માટે પ્રોત્સાહન આપ્યું, અને સાથે સાથે કચ્છ રાજ્યમાં ઊગતી વનસ્પતિઓ વિષે સંશોધન કરીને તે વિષે લખ્યું.
જયકૃષ્ણને મળ્યા બાદ ગાંધીએ લખ્યું, “તેઓ બરડા વિસ્તારના એકે એક વૃક્ષ અને તેનાં પાંદડાંને ઓળખે છે. એમને વૃક્ષારોપણમાં એટલી શ્રદ્ધા છે કે એ કાર્યને સહુથી મહત્ત્વનું સ્થાન આપે છે. તેઓ માને છે કે વનસ્પતિની જાળવણી કરવાથી ઘણો ફાયદો થાય. આ બાબતમાં તેમનો ઉત્સાહ અને ભરોસો ચેપી છે. મને ઘણા વખતથી આ બાબતનું આકર્ષણ રહ્યું છે. આ પ્રાંતના રાજા અને પ્રજા તેમની વચ્ચે રહેતા આવા શાણા માણસનો પૂરેપૂરો લાભ લઈને સુંદર વન ઉગાડી શકે.” જયકૃષ્ણે ગાંધી પાસે એક સુંદર સ્થળે વૃક્ષારોપણ કરાવ્યું, જે આ પ્રખ્યાત મુલાકાતીને મન “કચ્છ ખાતે કરેલાં કાર્યોમાં સહુથી વધુ આનંદદાયક કામ” હતું. તે જ દિવસે વૃક્ષોની સુરક્ષા માટે એક સંગઠન સ્થાપવામાં આવ્યું, જેને માટે ગાંધીએ એ સંગઠન સફળતાને વરશે તેવી આશા સેવી હતી.
કચ્છના વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણે ગાંધીને દક્ષિણ આફ્રિકામાં એક સમયે જે સુકાઈ ગયેલા અને વેરાન બની ગયેલા ગામનું સર્વાંગી પરિવર્તન થતું તેમણે નજરે જોયેલું તેની યાદ અપાવી. આ સ્થળે જ તેમણે વકીલાત કરી હતી અને જાહેર સેવાના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. આથી જ તો ગાંધીએ લખ્યું હતું, “જોહાનિસબર્ગ આ મુલક જેવો જ પ્રદેશ હતો. એક સમયે ત્યાં ઘાસ સિવાય કશું નહોતું ઊગતું. ત્યાં એક પણ મકાન જોવા નહોતું મળતું. ચાલીસ વર્ષના ગાળામાં એ સ્થળ સોનેરી શહેર બની ગયું. એવો સમય પણ આવતો જ્યારે લોકોને એક ડોલ પાણી માટે બાર આના ખર્ચવા પડતા અથવા ક્યારેક સોડા વોટરથી ચલાવી લેવું પડતું. ક્યારેક તો લોકોને પોતાનું મોઢું અને હાથ પણ સોડા વોટરથી ધોવા પડતા! આજે ત્યાં પાણી અને વૃક્ષો પણ છે. શરૂઆતથી જ સોનાની ખાણના માલિકોએ દૂરસુદૂરથી વિવિધ પ્રકારનાં ઝાડના રોપા લાવીને વાવ્યાં અને એ રીતે એ પ્રદેશને લીલોછમ્મ બનાવ્યો, એટલું જ નહીં, તેને કારણે વરસાદનું પ્રમાણ પણ વધ્યું. બીજા પણ કેટલાક ઉદાહરણો છે જ્યાં જંગલો કાપવાથી વરસાદ ઘટ્યો હોય અને ફરીને વૃક્ષો વાવવાથી વરસાદનું પ્રમાણ વધ્યું હોય.
થોડાં વર્ષો બાદ સાબરમતી આશ્રમમાં ગાંધી સૂવા જતાં પહેલાં સૂતર પીંજીને તેની પૂણી બનાવવા માંગતા હતા. તેમના શ્રદ્ધાળુ અનુયાયી મીરાં બહેને ધનુષની દોરી પર ઘસવા માટે એક નાની ઉંમરના આશ્રમવાસીને બગીચામાં બાબુલનું ઝાડ હતું તેના પરથી થોડાં પાન તોડી લાવવા કહ્યું. એ બાળક એક મોટો ઝુમખો લઇ આવ્યો, જેમાં દરેક પાન જોરથી બમણા વાળેલા હતા. એ વાતને યાદ કરતાં મીરાં બહેને ગાંધીને ચિંતિત સ્વરે જે કહ્યું હતું તે યાદ કરતાં કહેલું, “નાનાં પાન બધાં ઊંઘી ગયાં છે.” અને ગાંધીએ સંતાપ અને દયા ભરી નજર સાથે જવાબ આપ્યો, “વૃક્ષો પણ આપણી માફક જ જીવંત અસ્તિત્વ ધરાવે છે. એ આપણી જેમ જ શ્વાસ લે છે, ખોરાક અને પાણી લે છે અને આપણી માફક જ રાતે ઊંઘી જાય છે. ઝાડ આરામ કરતાં હોય ત્યારે તેનાં પાન તોડવાં એ ઘણું અશોભનીય કામ છે.” મીરાં બહેનના કહેવા મુજબ એ બાળક પાનનો આટલો મોટો જથ્થો તોડી લાવ્યો એ માટે ગાંધી એટલા જ વ્યથિત હતા જેટલા તાજેતરના એક સમારંભમાં તેમને સુંદર મજાની નાજુક કળીઓ વાળો એક મોટો ફૂલોનો હાર તેમને પહેરાવવામાં આવ્યો હતો.
ગાંધીએ ગુજરાતી અને ઇંગ્લિશમાં મીરાં બહેનના શબ્દોમાં આ વાત એક સાથે પ્રકાશિત કરી, જેમાં પોતાનું કથન પણ ઉમેર્યું: “વાચકો આને નિરર્થક લાગણીનો ઉભરો ન સમજે, કે મને અથવા મીરાં બહેનને આપણે જ્યારે ગાડું ભરીને શાક-ભાજી ખાઈએ છીએ ત્યારે એક ઊંટને ગળી જતા હોઈએ છીએ, તો પછી જ્યારે ઝાડ રાતે આરામ કરતું હોય છે માટે તેનું એક પાન તોડવાની બાબત વિષે મનમાં શા માટે આટલો મોટો ડંખ પેદા કરીએ છીએ એવી નિરર્થક પરસ્પર વિરોધી વાતો ન કહે. એક કસાઈ પણ થોડે ઘણે અંશે માણસાઈ દાખવતો હોય છે. માણસ મટન ખાય છે તેથી કરીને ઘેટાં રાતે ઊંઘતાં હોય ત્યારે તેની કતલ નથી કરતો. માનવતાનો સાર તમામ પ્રકારની જીવસૃષ્ટિ – પ્રાણીઓ તેમ જ વનસ્પતિ પ્રત્યે અપાર અનુકંપા સેવવામાં જ સમાયેલો છે. જે માણસ પોતાની ખુશીની શોધમાં અન્ય પ્રત્યે ઓછી નિસ્બત ધરાવે છે એ ખરે જ એટલો ઓછો માનવ છે. એ અવિચારી છે!”
આ રીતે કુદરતી સંસાધનોના ઉપભોગ પર સંયમ રાખવાની વાત કર્યા પછી ગાંધી ભારતની સંસ્કૃતિમાં વૃક્ષોનાં સ્થાનની ભારે પ્રશંસા કરે છે. એમણે લખ્યું, “ભારતે વૃક્ષો અને બીજા ઇન્દ્રિયગમ્ય પદાર્થો માટે કંઈ ઓછું માન નથી સેવ્યું. દમયંતી પોતાના સરીખી સ્ત્રીઓ માટે વિલાપ કરતી વનમાં એક ઝાડથી બીજા ઝાડ પાસે જઈને આંસુ સારે છે તેવું કવિ વર્ણન કરે છે, ઝાડ-પાન અને પશુ-પંખીઓ શકુંતલાના સાથીદાર હતા. મહાકવિ કાલિદાસ એ બધાથી વિખુટા પડવું શકુંતલા માટે કેટલું પીડાજનક હતું તેનું વર્ણન કરે છે.”
અખબાર ‘ગાર્ડીયન’ના ગયા વર્ષના અંકમાં કહ્યું છે તેમ આપણે હવે જાણીએ છીએ કે, “વાતાવરણમાંથી કાર્બનને અલગ પાડીને તેને લાકડાના સ્વરૂપમાં સંગ્રહી રાખવાની કુદરતી શક્તિ ધરાવતા હોવાને કારણે પર્યાવરણની કટોકટીનો હલ કરવા માટેની એક સીધો, સાદો અને સહેલાઈથી સમજી શકાય તેવો માર્ગ છે વૃક્ષારોપણ અને તેની જાળવણી. (વધુ માહિતી માટે વાંચો: A beginners’ guide to planting trees – and fighting the climate crisis). માનવીની જીવન પદ્ધતિને કારણે પેદા થયેલા વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ અને આબોહવામાં આવતા બદલાવના પુરાવા મળવા શરૂ થયા તેના દાયકાઓ પહેલાં ગાંધીએ આ વિષે લખેલું જ હતું. તેમણે વૃક્ષો વાવવાની ભલામણ કરેલ જેનાં કારણો હતાં: એ છાંયો અને આશ્રય આપે, માટી અને પાણીનું સંતુલન જાળવી રાખે અને માનવીની માનવેતર જીવો માટેની નિસબત જાળવી શકે. અલબત્ત, પર્યાવરણની કટોકટી તેમના આ વિધાનને વધુ દૂરંદેશી સાબિત કરે છે.
આ કટારને અંતે લેખક રામચંદ્ર ગુહાની નોંધ:
આ કટાર 5મી જૂનને દિવસે ઉજવાતા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ – World Environment Day, પહેલાં પ્રકાશિત થઇ રહી છે. આપણે ગાંધીની ચેતવણી તે દિવસે યાદ કરી શકીએ, પણ વર્ષમાં બીજા દિવસે પણ યાદ રાખી શકીએ. રાજકીય સંઘર્ષોને અહિંસક રીતે હલ કરનારા, કોમી એખલાસ જાળવવા અને અસ્પૃશ્યતા નિવારણ માટે મથનારા મહામાનવ તરીકે વધુ જાણીતા એવા ગાંધીની દેણગી આજે આપણને પરેશાન કરતી પર્યાવરણીય કટોકટીનો હલ શોધવા માટે પણ એટલી જ સુસંગત છે.”
[સૌજન્ય : mkgandhi.org માં પ્રકાશિત થયેલ આ લેખ મૂળ The Telegraph Online, 3.6.2023 પરથી લેવામાં આવેલ છે.]
e.mail : 71abuch@gmail.com