હાલના ગુજરાત રાજયમાં આવેલા વિસ્તારોમાં પહેલવહેલું ગુજરાતી છાપખાનું સુરતમાં શરૂ થયું. એ શરૂ કરનાર હતા લંડન મિશનરી સોસાયટીના બે પાદરી રેવરન્ડ જેમ્સ સ્કીનર અને રેવરન્ડ વિલિયમ ફાઇવી. ૧૮૧૫માં ઇંગ્લન્ડથી સુરત આવ્યા પછી તેમણે પહેલું કામ ગુજરાતી ભાષા શીખવાનું કર્યું. ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે પુસ્તિકાઓ (ટ્રેક્ટસ) ગુજરાતીમાં લખીને મુંબઈમાં છપાવી. તે પછી તેમણે બાઇબલનો ગુજરાતી અનુવાદ કરવાનું કામ શરૂ કર્યું. બાઇબલ જેવા મોટા ગ્રંથનો અનુવાદ સુરતમાં રહીને મુંબઈમાં છપાવવો એ કામ મુશ્કેલ હતું. એટલે તેમણે સુરતમાં જ છાપખાનું શરૂ કર્યું, ૧૮૨૦માં. મુંબઈનાં છાપખાનાંની જેમ આ છાપખાનું પણ મુવેબલ ટાઈપ વાપરતું હતું, તે શિલાછાપ (લિથોગ્રાફ) પધ્ધતિનું નહોતું. આ માટેના ગુજરાતી ટાઈપ તેમણે કયાંયથી મેળવ્યા કે પોતે બનાવ્યા તે જાણી શકાયું નથી.
બાઇબલના નવા કરારનો અનુવાદ સુરતના આ પ્રેસમાં છપાઈને ૧૮૨૧ના જુલાઈ મહિનામાં બહાર પડયો. ગુજરાતમાં છપાયેલું આ પહેલું ગુજરાતી પુસ્તક. ત્યાર બાદ ૧૮૨૪માં જૂના કરારનો અનુવાદ પ્રગટ થયો. અલબત્ત, સુરતમાં છપાયેલો બાઇબલનો આ અનુવાદ પહેલો ગુજરાતી અનુવાદ નહોતો. તે અગાઉ સિરામપોરથી ૧૮૨૦માં વિલિયમ કેરીએ બાઇબલનો ગુજરાતી અનુવાદ પ્રગટ કરેલો. આર. બિકાનેરી અને એમ. અવધી નામના બે પંડિતોએ આ અનુવાદ તૈયાર કરેલો. પણ એક તો ગુજરાતી આ બે પંડિતોની માતૃભાષા નહીં એટલે તેમની ભાષા અણઘડ અને હિંદીની છાંટવાળી હતી. બીજું, એ વખતે સિરામપોરના પ્રેસ પાસે ગુજરાતી ટાઈપ નહોતા એટલે એ અનુવાદ દેવનાગરી લિપિમાં છાપેલો. એટલે એ અનુવાદ ગુજરાતમાં ઝાઝો ચાલ્યો નહીં. કવિ નર્મદના નર્મકોશનું છાપકામ ભાવનગરના પ્રેસમાં થતું હતું તે ત્યાંના દીવાન ગૌરીશંકર ઓઝાએ અધવચ્ચે અટકાવ્યું તે પછી તેનો બાકીનો ભાગ આ સુરત મિશન પ્રેસમાં છપાયો હતો. ૧૯૫૯માં બંધ થયું ત્યાં સુધી આ પ્રેસ ગુજરાતી મુદ્રણ અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે સતત કામ કરતું રહ્યું.
મુંબઇમાં ફરદુનજીના છાપખાના પછી ૧૮૩૦ સુધી બીજું કોઈ ગુજરાતી છાપખાનું શરૂ થયાની માહિતી મળતી નથી. ફરદુનજી પાસે જ પત્રકારત્વની તાલીમ પામેલા નવરોજજી દોરાબજી ચાનદારૂ ઉર્ફે હલકારુએ મુંબઈ સમાચારની હરીફાઈમાં ૧૮૩૦ના સપ્ટેમ્બરની પહેલી તારીખથી ‘મુમબઇના ચાબુક’ નામનું અખબાર શરૂ કર્યું તે પહેલાં તેમણે પોતાનું છાપખાનું શરૂ કરેલું. ૧૮૩૨ના માર્ચની ૧૨મી તારીખે “મુંબઈ સમાચાર”ની હરીફાઈમાં બીજું અખબાર શરૂ થયું તે “જામે જમશેદ”. શરૂઆતમાં તે શિલાછાપ પધ્ધતિથી છપાતું પણ ૧૮૩૮થી મુવેબલ ટાઇપ વાપરીને છપાવા લાગ્યું. ભલે અઠવાડિક રૂપે અને મર્યાદિત ફેલાવા સાથે પણ “જામે જમશેદ” આજ સુધી પ્રગટ થતું રહ્યું છે. “મુંબઈ સમાચાર” છાપખાનાની જેમ આ બે અખબારોનાં છાપખાનાંમાં સાથોસાથ ગુજરાતી પુસ્તકો પણ છપાતાં. બીજી નોંધપાત્ર વાત એ છે કે આ ત્રણે છાપખાનાં અને અખબાર શરૂ કરવાનું માન પારસી સાહસિકોને ફાળે જાય છે.
(વધુ હવે પછી, ક્યારેક)
સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 28 જુલાઈ 2014