નિર્ભયા કેસ વખતે સળગેલી તમામ મીણબત્તીઓનું મીણ ઓગળી ગયું છે અને વાટ ઓલવાઈ ગઈ છે. હરિયાણામાં ગેંગરેપનો ભોગ બનેલી ચાર બાળકીઓ અને તેમનાં સગાંઓ દિલ્હીમાં ન્યાય માટે ૧૬ એપ્રિલથી ધરણાં પર બેઠાં છે ત્યારે ફરી એક વાર ઉત્તરપ્રદેશના બદાયૂંમાં બે બાળકીઓ પર ક્રૂર બળાત્કાર અને હત્યાની ઘટના બની છે. નવી સરકારના પડકારોમાં આભ ગળી જવાની હદે મુદ્દાઓ હવામાં ઉછળી રહ્યાં છે પણ એ મુદ્દાઓમાં રાજ્યની સૌથી મોટી અને મુખ્ય જવાબદારી છે તે 'ન્યાય'ની વાત કોઈ કરતું નથી
દેશમાં નવી સરકારની સ્થાપના થઈ ગઈ છે. અનેક વિદ્વાનો નવી સરકાર સામેના નોખા-અનોખા પડકારો ગણાવી રહ્યાં છે. શાંતિવાર્તાઓની સરાહના, કલમ ૩૭૦નો વિવાદ, મંત્રીઓના ભણતરની સાચી-ખોટી માહિતી અને આર્થિક સુધારાઓની વાતો ચર્ચાય છે. મુદ્દાઓ જાણે કે આભને ગળી જવાના હોય એ રીતે હવામાં ઉછળી રહ્યાં છે. આ અફરાતફરી, ધાંધલધમાલ અને સમસ્યાઓના સરળીકરણના સમયમાં સવાલ એ થાય છે કે શું ખરેખર એ આપણા મુદ્દા છે? શું સરકારની એટલે કે રાજ્યની એ જ જવાબદારી છે? ના. રાજ્ય નામની ઘટનાનો ઉદય જ ન્યાય માટે છે. રાજ્યની મુખ્ય જવાબદારી હિંસા અટકાવવાની અને જૂઠનો પ્રતિકાર કરવાની છે. તો પછી હાલ આપણને જે સંભળાય છે એ વાતોનું શું? એ વાતો હંબગ છે. લગભગ હા. મોટાભાગની તો ખરી જ, કેમ કે રાજ્યની સ્થાપનાનો મહત્ત્વનો હેતુ જે ન્યાય છે તેની કોઈ વાત એમાં થતી નથી. આપણા દેશનો પાયાનો પ્રશ્ન જો કોઈ હોય તો તે ભ્રષ્ટાચાર કે પાકિસ્તાન સાથેના સંબંધો નથી. આપણો પાયાનો સવાલ છે ન્યાયપ્રણાલિની સ્થાપના. ન્યાય સતત લાંબા સમય સુધી વિલંબિત થાય છે એટલે અન્યાયને જગ્યા મળી જાય છે, મળતી જ રહે છે. અને આવા અન્યાયનો સૌથી મોટો ભોગ બને છે સ્ત્રીઓ, એમાં ય ખાસ કરીને દલિત-આદિવાસી સ્ત્રીઓ!
મનુસ્મૃિતનો પ્રતાપ ગણીએ કે અન્ય કોઈ પણ ધાર્મિક-સામાજિક કારણો. ભારતીય સમાજમાં સ્ત્રીઓને કાયમ ભોગનું સાધન ગણવામાં આવે છે. સ્ત્રીઓ સામેના અનેક ગુનાઓમાં સૌથી જઘન્ય ગુનો છે બળાત્કારનો. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો મુજબ ૨૦૧૨માં ભારતમાં બળાત્કારની ૨૫,૦૦૦ ઘટનાઓ નોંધાઈ હતી. રિપીટ નોંધાઈ હતી. બની હતી એમ નહીં, કેમ કે ખરેખર કેટલી બની હતી તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી. મહિલાઓ સામેના ગુનાઓની ફરિયાદ ઝટ કરવામાં આવતી નથી, કેમ કે આપણે એવા વિચિત્ર પ્રકારના સ્ત્રીગૌરવમાં માનીએ છે જેમાં ભોગ બનનારને જ ગુનેગાર ગણવામાં આવે છે. કોઈ પુરુષનું શિશ્ન અચાનક ઉત્તેજિત થઈ ગયું છે અને તેને સેક્સ સિવાય કંઈ સૂઝતું જ નથી એટલે તે તેની આસપાસની કોઈ સ્ત્રી પર બળાત્કાર કરે છે એવું નથી હોતું. બળાત્કારને જાતીય સુખ સાથે નહીં પણ ક્યાંક પુરુષ તરીકેના મોભા સાથે, ક્યાંક પોતાની ઊંચી જાત સાથે તો ક્યાંક પોતાના ધર્મ સાથે પણ લેવાદેવા છે. તોફાનો દરમિયાન બળાત્કાર થાય છે, બે દેશો વચ્ચે યુદ્ધ દરમિયાન બળાત્કાર થાય છે. દલિતો અને આદિવાસી સ્ત્રીઓ સાથેના બળાત્કારનું મુખ્ય કારણ પણ એ હોય છે. સમાજમાં સ્ત્રીને સંપત્તિ માનવામાં આવે છે અને પુરુષને રક્ષક કે પાલક. આ બે પુરુષો વચ્ચેની લડાઈનો ભોગ સ્ત્રીને બનાવવામાં આવે છે. કોઈ બિનદલિત જ્યારે કોઈ દલિત સ્ત્રી પર બળાત્કાર કરે છે ત્યારે ખરેખર તો જે તે ગામના તમામ દલિતો પર બળાત્કાર થઈ જાય છે, કેમ કે તેનાથી ધાક બેસી રહે છે. સ્ત્રીની આબરૂ પુરુષને પરાજિત કે નિ:સહાય સ્થિતિમાં મૂકવા માટે ઉપયોગમાં લેવાય છે. બળાત્કારને અને લૈંગિક ભેદભાવને સીધો સંબંધ છે. સમાજમાં લૈંગિક ભેદભાવો અટકશે નહીં ત્યાં સુધી બળાત્કાર પણ અટકવાના નથી. ૨૦૦૬માં દેશમાં ૧૮,૬૮૨ બળાત્કારની ઘટનાઓ નોંધાઈ હતી. ૨૦૧૧માં ૨૩,૫૮૨ અને ૨૦૧૨માં ૨૫,૦૦૦. આ આંકડાઓ શું બતાવે છે? આંકડાનો સીધો અને સાદો અર્થ એ છે કે દેશમાં મહિલાઓ સામેની સૌથી ક્રૂર ગણાતી ગુનાખોરી વધી રહી છે. આંકડાઓ કહે છે કે દેશમાં જાતિ-કોમ-ધરમગત ભેદભાવો વધી રહ્યાં છે. આંકડાઓ કહે છે કે દેશમાં લૈંગિક ભેદભાવો વધી રહ્યાં છે. આપણે સુધરી રહ્યાં છીએ, સમાજમાં સમાનતાની સ્થાપના થઈ રહી છે, એ આપણો વહેમ છે એવું આંકડાઓ કહેવા માગે છે. દલિતો-આદિવાસીઓ પરના અત્યાચારો ઓછા થવાને બદલે સતત વધી રહ્યાં છે એવું આંકડાઓ કહેવા માગે છે.
સવાલ એ છે કે, આવું કેમ થાય છે? અને જવાબ એ છે ન્યાયનો અભાવ. આપણા દેશમાં ન્યાય ખાડે ગયો છે. અન્યાય દરેક પળે થાય છે પણ ન્યાય વળતી પળે મળતો નથી, તોળાતો નથી. પોલીસ ફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા થાય છે. તાજેતરમાં બનેલી ઉત્તરપ્રદેશના બદાયૂંની દલિત બાળકીઓના ગેંગરેપની અને હત્યાની ઘટનામાં પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. ન્યાય માટે અનિવાર્ય એવો ફરિયાદનો તબક્કો જ પૂરો ન થાય તો પછી મામલો અદાલતે પહોંચે જ નહીં. ધારો કે પોલીસ ફરિયાદ લે તો પણ મામલો અદાલતમાં અટવાય જ કરે. ન્યાયની ખેવના રાખનારને લાંબીલચક અદાલતી પ્રક્રિયાને લીધે વર્ષોનાં વર્ષો સુધી અન્યાય વેંઢાર્યા કરવો પડે છે. દેશની અદાલતો અનેક પ્રકારના કેસોથી ભરચક છે. મહિલાઓ સામેના ગંભીર અપરાધ એવા બળાત્કારના કેસોમાં પણ કન્વિક્શન રેશિયો યાને કે સજાનું પ્રમાણ ભયંકર રીતે ચિંતાજનક છે. ૨૦૧૧ સુધીમાં ગુજરાત રાજ્યમાં જ બળાત્કારની ૪૩૯ ઘટનાઓ નોંધાઈ હતી. આપણા રાજ્યનો કન્વિક્શન રેશિયો ફક્ત ૧૪.૭ ટકા છે. એટલે કે કુલ કેસ પૈકી માત્ર ૧૪.૭ ટકા કેસમાં જ બળાત્કારનો ભોગ બનનાર મહિલાને ન્યાય મળ્યો અને આરોપીઓને સજા થઈ. દેશમાં આ વાત સમજીએ તો સજાનું સરેરાશ પ્રમાણ ફક્ત ૨૬.૪ ટકા છે. વિકસિત ગણાતા આપણા રાજ્યનું સરેરાશ સજાનું પ્રમાણ દેશની સરેરાશ કરતાં ઘણું ઓછું છે એટલે ન્યાયની બાબતે ગુજરાતી ગૌરવ લઈ શકાય તેમ નથી. ૨૦૧૧ સુધીમાં દેશમાં ૧૫,૪૮૩ બળાત્કારના કેસો અદાલતી કામ પર આવેલા. આમાં અગાઉના પેન્ડિંગ કેસ પણ સામેલ છે. આ ૧૫,૪૮૩ કેસ પૈકી ૪,૦૭૨માં કેસમાં જ સજા થઈ. આ એક મોટું ચક્કર છે. ખૂનના કેસમાં સમગ્ર દેશમાં કન્વિક્શન રેશિયો ૪૦ ટકા છે તો બળાત્કારના કેસમાં ઓછો કેમ ? ચાર્જશીટ મોડી ફાઈલ થાય એટલે આરોપીને જામીન શક્યતા વધી જાય છે. જામીન મળતા જ સાક્ષીઓને લોભ-લાલચ-ધાક-ધમકી-દબાણની વાત જોર પકડે છે. કેસ ટ્રાયલ પર આવે છે ત્યારે પોલીસ અને સરકારી વકીલો નબળા પુરવાર થાય છે. સાક્ષીઓ ફૂટી જાય છે. પોલીસની તપાસમાં અનેક કાનૂની છીંડાં આરોપીનો મોંઘો વકીલ શોધી કાઢે છે અને સામે સરકારી પગાર ખાતો વકીલ મોટાભાગે એવી મહેનત કરતો નથી. સૌથી મહત્ત્વનું કારણ એ પોલીસ-વકીલ-અદાલતોની આ બાબતમાં ગંભીરતા અને સંવેદનશીલતા નથી તેમ અનેક કર્મશીલો ગણાવે છે. ભોગ બનનારે તેની યાતનાને ફરી અદાલત સમક્ષ પ્રસ્થાપિત કરવાની હોય છે ત્યારે સરકારી વકીલ સંવેદનશીલ તેમ જ હોશિયાર હોય તો જ પરિણામ મળે છે. ટૂંકમાં, ન્યાય ટલ્લે ચડી જાય છે એટલે અન્યાય નિર્ભય બનતો જાય છે અને બળાત્કારનું પ્રમાણ વધતું જાય છે.
લાંબા સમય પછી દેશને પૂર્ણ બહુમત ધરાવતી સરકાર મળી છે ત્યારે તેની સામેનો મુખ્ય પડકાર કોઈ અવનવી યોજનાઓ કે નવા કાયદાઓ, નદીઓનું જોડાણ કે ૩૭૦ કલમમાં સુધારો નથી, ન્યાયની પુર્નસ્થાપના છે. નિર્ભયાકાંડ વખતે નિર્ધાિરત થયેલી બાબતોનો અમલ થશે, નવી અદાલતોની સ્થાપના થશે, પોલીસની ભરતી-તાલીમ થશે, જજ-વકીલની ભરતી તાલીમ થશે તો જ ન્યાયની ગતિ વધશે. ન્યાયની ગતિ વધશે તો જ દેશ આગળ વધશે, કેમ કે આખરે તો આપણને દેશની જરૂર ન્યાય માટે જ હોય છે.
e.mail : mmehul.sandesh@gmail.com
સૌજન્ય : ‘વિગતવાર’ નામે લેખકની કટાર, “સંદેશ”, 04 જૂન 2014