સેક્યુલારીઝમનો સાચો અર્થ સમજવાની જરૂર
– ધર્મશ્રદ્ધા ; ધાર્મિક સ્વાતંત્ર્ય અને સામાજિક સુધારણા વચ્ચેની ભેદરેખા પારખવી – ટકાવવી સરકાર માટે મૂંઝવણનો પ્રશ્ન છે
પૂરી થવા આવેલી લોકસભાની આ ચૂંટણીમાં સીધી કે આડકતરી રીતે સેક્યુલરવાદની ચર્ચા સતત ચાલતી રહી છે અને ભારત સરકારનું સેક્યુલરત્વ જાળવી રાખવા માટે બિનભાજપી પક્ષો અને આગેવાનોએ કમર કસી છે. ચૂંટણી ઝુંબેશને બાજુએ મૂકીએ તો પણ સેક્યુલરીઝમ અંગેની ચર્ચાબાજી અને ગાળાગાળી આપણા રાજકારણમાં અને બૌદ્ધિક ચર્ચાઓમાં સતત ચાલી રહે છે. સેક્યુલરીઝમનો ખ્યાલ અને વિભાવના ભારતીય સમાજ અને ભારતીય પરંપરાથી એટલા બધા અળગા વેગળા છે કે ભારતની કોઈ પણ ભાષામાં સેક્યુલરીઝમનો પર્યાયવાચક શબ્દ જ નથી. 'બિનસાંપ્રદાયિક’ની ધાર્મિક, 'ધર્મનિરપેક્ષ’ જેવા બનાવી કાઢેલા શબ્દો સેક્યુલરીઝમની વ્યાપ્તિ પૂરેપૂરી રીતે દર્શાવી શકે તેમ નથી અને આવા જડબાતોડ બનાવટી શબ્દો વાપરવાનાં બદલે સેક્યુલરીઝમને શબ્દકોશમાં સામેલ કરી લેવાનું વધારે સહેલું છે.
યુરોપના મધ્યકાલીન ઇતિહાસમાં હજાર વરસ સુધી (૪૦૬થી ૧પ૧૬) સેક્યુલરીઝમ અંગે બૌદ્ધિક ચર્ચાઓ અને રાજકીય ઝઘડા ચાલ્યા અને તેનો મૂળ અર્થ છે તેનાં કરતાં તદ્દન ઊલટો છે. અંધાધૂંધીનાં તે જમાનામાં યુરોપમાં રાજ્યતંત્રોનું અસ્તિત્વ ન હતું. તે જમાનામાં કેથોલિક ચર્ચ બધી સત્તા ભોગવતું. પાંચસો વરસ પછી ધીમે ધીમે રાજ્યો સ્થપાયા અને જામ્યા ત્યારે સેક્યુલરવાદની માગણી શરૂ થઈ કે રોમન કેથોલિક ચર્ચે એટલે કે ધર્મસત્તાએ દુન્યવી બાબતમાં અને વહીવટમાં દખલગીરી કરવી નહીં. આજે અર્થ પૂરેપૂરો પલટાઈ ગયો છે કે રાજ્યે ધાર્મિક બાબતોમાં માથું મારવું નહીં. આપણું બંધારણ સેક્યુલર છે તેવી ડંફાસ મારનાર લોકોએ બંધારણ વાંચ્યું દેખાતું નથી. ૧૯૭૬માં ઇન્દિરા ગાંધીએ બંધારણનાં આમુખમાં સેક્યુલર શબ્દ ઘુસાડયો ત્યાં સુધી બંધારણમાં કોઈ પણ જગ્યાએ સેક્યુલર શબ્દ વપરાયો ન હતો. આમુખ બંધારણ નથી. બંધારણની કલમ ૨૦૯ એ રદ કરવામાં ન આવે ત્યાં સુધી બંધારણ સેક્યુલર બની શકે નહીં. આ કલમ અનુસાર કેરળ સરકારે દર વરસે ૪,૬પ,૦૦૦ રૂપિયા અને તમિળનાડુ સરકારે દર વરસે ૧૩,પ૦,૦૦૦ રૂપિયા હિંદુ મંદિરોના નિભાવ માટે સ્થપાયેલા દેવસ્થાન ભંડોળમાં આપવા પડે છે.
બંધારણમાં ધર્મશ્રદ્ધા, ધર્મપાલન અને ધર્મપ્રચારનાં મૂળભૂત અધિકારો નાગરિકોને અપાયા છે પણ તેના પર મર્યાદા મૂકવામાં આવી છે. શાંતિ, આયોગ્ય કે નીતિમત્તાનો અનાદર થાય તેવી ધાર્મિક વિધિઓ પર પ્રતિબંધ મૂકી શકાય છે. હિંદુ મંદિરો બધા નાગરિકો માટે ખુલ્લા મૂકવાનાં કાયદા કરી શકાય છે અને ભારત સરકાર તથા રાજ્ય સરકારો મંદિરોનાં વહીવટ માટે અને રોજબરોજની કામગીરી માટે કાયદાઓ ઘડી શકે છે. આપણું બંધારણ અને આપણી સરકાર સેક્યુલર નથી. આમાં કશું શરમાવા જેવું નથી. દુનિયામાં અાઠ-દસ રાજ્યો બાદ કરીએ તો બાકીનું કોઈ રાજ્ય સેક્યુલર નથી. ઈંગ્લેન્ડ પોતાનો ખાસ ધર્મ ધરાવે છે અને તેનો નિભાવ ખર્ચ ઊઠાવે છે તેથી ઇંગ્લેન્ડને સેક્યુલર ગણાવી શકાય નહીં. સેકયુલરીઝમની આદર્શ વ્યવસ્થા અમેરિકામાં છે પણ હોદ્દાનાં શપથ લેતી વખતે પ્રમુખ ધર્મગ્રંથનો ઉપયોગ કરે છે.
આપણા દેશમાં સેક્યુલરવાદ અને લઘુમતી સંરક્ષણ વચ્ચેનો ભેદ ભૂંસી નાખવામાં આવ્યો છે. ધાર્મિક, સાંસ્કૃિતક, સામાજિક અને વૈચારિક લઘુમતીઓનું પૂરેપૂરી રીતે અને સતત રક્ષણ કરવું તે લોકશાહીનો પરમ ધર્મ છે અને લોકશાહીની કસોટી છે. લોકશાહીમાં દરેક કામ બહુમતીથી થાય છે પણ લોકશાહીમાં માત્ર બહુમતીનું રાજ્ય બની જાય તો તેની અધમતા છેલ્લી કક્ષાએ પહોંચી જાય. આપણે ત્યાં બધી કોમો ધર્મ પર આધારિત છે તેથી ભારતમાં લઘુમતીનો અર્થ ધાર્મિક લઘુમતી કોમ એવો કરવામાં આવે છે. આ અર્થ ખોટો છે પણ આપણને લાગુ પડે તેવો ઉપયોગી છે.
આપણી લઘુમતીઓ ધાર્મિક હોવાના કારણે ઘણી ગરબડ ઊભી થાય છે. શીખો માટે કીરપાણ રાખવી તે ધર્મપાલનનું અંગ ગણાય છે. આવાં હથિયાર માત્ર શીખો જ રાખી શકે અને બીજા બધાને હથિયારબંધીનો કાયદો લાગુ પાડવામાં આવે તો તે અન્યાયી ભેદભાવ બની જાય. દુનિયામાં દરેક સમાજના રીતરિવાજ મોટાભાગે ધર્મશ્રદ્ધા પર આધારિત હોય છે અને તેથી ધાર્મિક સ્વાતંત્ર્ય અને સામાજિક સુધારણા વચ્ચેની ભેદરેખા પારખવી અને ટકાવવી સરકાર માટે અતિશય મૂંઝવણનો અને અતિશય ચર્ચાસ્પદ પ્રશ્ન બની જાય છે.
આવો એક જૂનો કેસ સર્વોચ્ચ અદાલતે નવેસરથી ઉખેડયો છે. એપ્રિલ મહિનાનાં છેલ્લા અઠવાડિયામાં નસીમબાનુ અશરફખાનની અરજી સર્વોચ્ચ અદાલતે મંજૂર રાખી છે. તલાકશુદા મુસ્લિમ સ્ત્રીઓનાં વાજબી ભરણપોષણની જવાબદારી તેમના શોહરે ઉપાડવી પડશે અને આજીવન ભરણપોષણ માટે જરૂરી હોય તેટલી રકમ ઈદ્દતની મુદત દરમિયાન ચૂકવવાની રહેશે. યુવાન અને કદાચ આધેડ ઉંમરના મતદારોને લગભગ ત્રીસ વરસ અગાઉની ઘટનાની જાણકારી હોવાનો સંભવ નથી. તે જમાનામાં શાહબાનુનો ખટલો અતિશય ગાજેલો. શરીયતની પરંપરા અલગ હોવા છતાં તલાકશુદા મુસ્લિમ સ્ત્રીઓ ભારતનાં નાગરિક હોવાની રૂએ પોતાનાં માજી શોહર પાસેથી ભરણપોષણ મેળવવાની હક્કદાર છે તેવા સર્વોચ્ચ અદાલતનાં ચુકાદા સામે રૂઢિચુસ્તોએ જબરદસ્ત વિરોધ કર્યો અને મુસ્લિમ સમાજમાં જાગેલાં ખળભળાટથી ગભરાયેલા વડાપ્રધાન રાજીવ ગાંધીએ પાર્લમેન્ટમાં તાબડતોબ કાયદો કરાવીને સર્વોચ્ચ અદાલતના ચુકાદાને રદ બાતલ કરી નાખ્યો.
તલાકશુદા મુસ્લિમ સ્ત્રીઓનાં અધિકારોનાં રક્ષણ (પ્રોટેકશન ઓફ ડિવોસ્ર્ડ મુસ્લિમ વિમેન્સ રાઈટ એકટ) માટે ઘડાયેલા આ કાયદાએ સંખ્યાબંધ નિરાધાર મુસ્લિમ બહેન-દીકરીઓનાં મોંમાંથી કોળિયો છીનવી લીધો. આ કાયદાનાં ઘડતર વખતે સેક્યુલરવાદની દુહાઈ આપવામાં આવેલી. આવો સેક્યુલરવાદ કેટલા પ્રમાણમાં સ્વીકારવા યોગ્ય છે તેની વિચારણા જોઈએ તેટલા પ્રમાણમાં આપણા દેશમાં કરવામાં આવી નથી. આપણું રાજકારણ કેવળ ગાળાગાળીનું રાજકારણ બની ગયું છે અને બુદ્ધિવંતો પણ તેમાંથી બાકાત નથી. આવો કઠોર કાયદો ચૂપચાપ સ્વીકારી લેવામાં આવ્યો તે ધર્મશ્રદ્ધાના પ્રભાવનો પુરાવો છે.
પણ સર્વોચ્ચ અદાલતનાં એપ્રિલ ચુકાદાનાં કારણે આ ચર્ચા નવેસરથી શરૂ થવાની છે. પરંપરા અને નવા જમાનાની જરૂરિયાત વચ્ચેની આ ટક્કર ભારતીય રાજકારણમાં નવા પરિમાણનો ઉમેરો કરે છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, May 12, 2014