Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376306
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એ તો એમ જ ચાલે !

હરનિશ જાની|Opinion - Opinion|15 January 2014

અમેરિકામાં મોટર કાર જમણી બાજુ દોડે છે. ભારતમાં બધી બાજુ દોડે છે. ડાબી બાજુ દોડતાં વાહનોની સામે પણ ટ્રાફિક આવતો હોય છે. જેની કોઈને નવાઈ નથી. કાયદેસર દોડતાં વાહનોને સામેનાં વાહનોની કાયમ અપેક્ષા હોય છે. ઈન્ડિયામાં બધે – બધાં જ ક્ષેત્રોમાં – આમ જ બનતું હોય છે. ફોરેનરને હંમેશાં આપણે ત્યાં દોડતાં વાહનોને જોઈને અચરજ થાય છે કે બે વાહનો અથડાતાં કેમ નથી? મને કહેતા ગૌરવ થાય છે કે મારી પચાસ દિવસની મુસાફરીમાં મેં પાંચ શહેરનો ટ્રાફિક જોયો છે. દરરોજ કારમાં બેઠો છું. પરંતુ મોટો અકસ્માત એકે જોયો નથી. એકવાર મારા મિત્રની કાર બીજાની કાર સાથે હુંસાતુંસીમાં ઘસડાઈ હતી. બન્નેમાંથી કોઈ ઊભું રહ્યું નહોતું. કારણ કે બન્ને કાર ચાલી શકતી હતી. અને બન્ને પાસે વાદ વિવાદનો સમય નહોતો. અને મોટો અકસ્માત થાય તો ય શું ? જો  આપણે જીવતા હોઇએ તો ભૂલ કબૂલવાની નહીં. ભૂલ હંમેશાં સામાવાળાની જ હોય છે. અને એ વાતની બન્ને ડ્રાયવરોને ખબર હોય છે. અને પોલિસને પણ ખબર હોય છે.

આપણે ધ્યાનથી જોઇએ તો આ ટ્રાફિક આખા દેશનું નાનું મોડેલ છે. જો ઈન્ડિયાનું રાજતંત્ર સમજવું હોય તો ટ્રાફિકને બરાબર સમજવાનો. દેશના બધાં જ ક્ષેત્રમાં બને છે તેમ. એકાદ ગાંધી ભક્ત કાયદાનું પાલન કરવા જાય તો તે આખી સિસ્ટમને અપસેટ કરી નાખે છે. અને એક્સિડન્ટ ઊભો કરે છે. તેમ અહીં જો એક્સિડન્ટ કરવો હોય તો જ બીજાનો વિચાર કરી કાયદેસર કાર ચલાવવી. આગલી સીટ પર બેસીને મેં જે જોયું છે, તે એ કે સરસ અને સરળ રીતે કાર કે મોટર સાયકલ ચલાવવી હોય તો બીજાની ચિંતા છોડી દેવાની. આપણે કાંઈ આદર્શ નાગરિક બનવા નથી નીકળ્યા. ખાલી જગ્યા દેખાતી હોય ત્યાં ઘુસી જવાનું અને તમારાથી નબળાને દબાવવાનો. નબળાનો અર્થ તમારાથી નાનું વાહન. અને મોટું વાહન હોય છતાં સ્પીડમાં ન જતું હોય તે. જો સર્કલ પર હો તો – જો ડર ગયા વોહ મર ગયા–ના નિયમ મુજબ આગળ વધ્યે જાવ. બાજુમાંથી ભલેને મોટું વાહન આવતું હોય. એને કયાંક જલદી જવાની ઉતાવળ છે ? એટલે એને તમારા વાહન જોડે અથડાવાનું ન પોષાય. એટલે એ વાહન ઊભું રહેશે અને તમને જવા દેશે. જો તમે સ્કુટર પર હો તો એક પગ ઘસડતાં ઘસડતાં જતા રહેવાનું. આપણે એટલું જ યાદ રાખવાનું કે આપણે આગળ વધીએ છીએ કે નહીં !

લાકડી લઈને પોલિસ ઊભો હોય ને લાકડી ઊંચી રાખી હોય તો તેના હાથ નીચેથી નીકળી જવાનું. એ આપણને મારવા માટે નથી રાખી, પરંતુ જો ગાયો એ સર્કલમાં આવી જાય તો પ્રેમથી એને રસ્તાની કોરે મુકી દેવા માટે છે. પોલિસની બીજી જવાબદારી છે, આપણી કોર્ટોનો બોજો હલકો કરવાનો. ટ્રાફિક વાયોલેશનના કેસોનો ત્યાં જ ફેંસલો આપી દેવાનો. પેલા વાહન ચાલકને કાયદા ભંગ માટે ત્યાંને ત્યાં દંડ કરવાનો અને દંડ વસૂલ કરી લેવાનો. આપણી કોર્ટોમાં પંદર પંદર –વીસ વીસ વરસના કેસ પડ્યા છે. આ ટ્રાફિકના મામૂલી કેસનો તેમાં ઉમેરો કરીને દેશના ન્યાયતંત્રનો બોજો નહીં વધારવાનો. આપણા ટ્રાફિકમાં ડાર્વિનનો નિયમ લાગુ પડે છે, –  ‘સરવાયવલ ઓફ ધ ફિટેસ્ટ.’ મોટું પ્રાણી નાનાં પ્રાણીને ખાઈ જાય. એકદમ જમણી લેઈનમાં બસ કે ટ્રક, હોન્ડા કે ટોયોટાને અથવા તો મોટર સાયકલ પરના જહોન અબ્રાહમને જવા દેવાના. તેઓ આલ્ટો, નેનોની દરકાર પણ નહીં કરે. દ્વિચક્રી વાહનોએ ચતુર્ચક્રીથી દૂર રહેવામાં જ માલ છે. પછીની ઊતરતી કક્ષામાં પોતાની સીટ પર બેઠા બેઠા પગથી સિગ્નલ કરતા ઓટો રિક્સાવાળાઓ આવે અને છેલ્લે માથા પર ઓઢણી લપેટેલી સ્કુટર સવાર કોલેજ કન્યાઓ.

આપણે જો ધ્યાનથી જોઇએ તો આ કન્યાઓની ઓઢણીની જુદી જુદી ફેશન ચાલુ થઈ છે. મને ચોક્કસ ખાતરી છે કે છોકરીઓ પોલિસને એ દુપટ્ટા માથાની હેલમેટમાં ખપાવતી હશે. અને પોલિસ એનો વાંધો ન લેતી હોય કારણ કે એક્સિડન્ટ ટાણે માથે પાટો બાંધવામાં એ દુપટ્ટો કામ લાગે. મને વિચાર આવે છે કે જો કોઈ છોકરો આવો દુપટ્ટો વીંટે તો પોલિસ એને રોકે કે ના રોકે?  આપણો ટ્રાફિક તો જાણે યુદ્ધમાં આગળ વધતી સેના. જમણી બાજુ ઐરાવત, પછી અશ્વો, પછી પાયદળ. આ સ્કુટરવાળી કન્યાઓ તે પાયદળ. ટોયોટા, હોન્ડા બધા રથ. આ લશ્કરની ખૂબી એ છે કે તેમણે અંદરો અંદર લઢવાનું હોય છે.

હવે દેશમાં આ જ ટ્રાફિકના નિયમો બધે લાગુ પડે છે. સ્કૂલ– કોલેજમાં એડમિશન લેવું છે. માર્કસ ઓછા છે. તો ગભરાવાનું નહીં. કોઈ સત્તાધારીની ઓથે ભરાવાનું. નહીં તો ડોનેશન કરો. એ જ આદર્શ વસ્તુ છે. તમારે ગેરકાયદેસર રાઈટ ટર્ન મારવો છે. તો મોટા વાહનની ઓથે ભરાઈ જાવ. જોઇએ તો પોલિસને માગે તેનાથી અડધું ડોનેશન આપી દેવાનું. પરદેશની જેમ જો આપણે રેડ લાઈટને માન આપીએ તો ટ્રાફિક કેટલો વધી જાય? પછી આપણા ટૃાફિક પોલિસોની નોકરીનું શું?  તમારે મકાન બનાવવું છે. બનાવી દો. મરજી પ્રમાણે માળ બનાવો. જેટલી જમીન દબાવવી હોય તેટલી દબાવો. ત્યાં પણ ટ્રાફિક પોલિસો જેવા સરકારી કર્મચારીઓ છે. અને એમને પણ ખબર છે કે ડોનેશન કેવી રીતે લેવાનું. આમ કોઈ બનેલું બિલ્ડીંગ તોડે ખરું? એ તો એમ જ ચાલે ! ભારતમાં કેટલી ય ગેરકાયદેસર કાર્ય પધ્ધતિઓ છે કે જે વરસોથી ચાલી આવી છે. તમારે મકાન ખરીદવું છે. તો બ્લેકના પૈસા આપો. હવે આ સત્ય દેશનો દરેક નાગરિક અને સરકારી કર્મચારી જાણે છે. મોટર બાઈક પર વગર હેલમેટે છ જણથી ન બેસાય એ પણ બધા જાણે છે. એટલે મઝા એ છે કે હવે આપણને શું કાયદેસર અને શું ગેરકાયદેસર એનું જ્ઞાન જ નથી. આપણે ત્યાં  ગેરકાયદેસર રીતો જ કાયદેસર બની ગઈ છે. એ તો એમ જ ચાલે !

તમને કાર આવડે કે ન આવડે લાયસન્સ મળી જાય. જો તમને એરોપ્લેનમાં બેસતાં ચક્કર ન ચઢતા હોય તો પછી પાયલોટનું લાયસન્સ જ કઢાવી લેવાનું. થોડું ડોનેશન કરવું પડે મારા ભાઈ ! પછી દુનિયા કી સેર કર લો. તમારે આઈસ્ક્રીમ ખાવો છે. બીજાની ચિંતા કર્યા સિવાય કાર આઈસ્ક્રીમ પાર્લર પાસે ઊભી કરી દો. બીજા વાહનો તમારી આજુબાજુથી જશે. અને હોર્ન શેને માટે આપ્યા છે? એ લોકો હોર્ન વગાડશે. આમ તો તેઓને હોર્નની ટેવ હોય છે જ. હું માનું છું કે હોર્ન તો વગાડવા જ  જોઇએ. એથી ડ્રાયવરનો સ્ટ્રેસ દૂર થાય છે. જો હોર્ન ન હોય તો બધાએ ગાળાગાળી કરવી પડે અને એ પછી મારામારીનું સ્વરૂપ પકડે. તો પછી ટ્રાફિક પોલિસનું કામ વધી જાય. યુરોપ અને અમેરિકામાં કોઈ હોર્ન નથી વગાડતું. મને લાગે છે કે આથી અમેરિકાના મોટા શહેરોમાં ડ્રાયવરો વચ્ચે ગોળીબારના બનાવો બને છે. જયારે આપણે ત્યાં હોર્ન વગાડવાના કારણે કોઈ મર્યું નથી. મને તો લાગતું કે ડ્રાયવરો આ હોર્ન દ્વારા એક મેક સાથે વાતો કરે છે. ‘એય જલદી ચલાવ.’ ‘પેલો તારો કાકો હટે તો ને!’ ‘એ ઓટો, અહીં કયાં ભરાય છે?’ ‘સાલો અભણ દેશ છે. આ મોટરબાઈકવાળો એના બાપનો રસ્તો સમજે છે.’ ‘મારી બાઈક આ બે કાર વચ્ચેથી લઈ લઉં. સાલી લેડિઝ ડ્રાયવરો ‘. ‘આ બાયલો ધીમો ધીમો કેમ જાય છે?’ ‘ઓ ભાઈ. હું નવો ડ્રાયવર છું. મારાથી બચો.’ હવે આવી વાતો એકમેક જોડે કરવી પડે તો ? આપણે ત્યાં પણ ધારિયાં ઊછળે ! એના કરતાં હોર્ન વગાડવા સારા.

કોણ કહે છે કે આપણે ગાંધી બાપુને ભૂલી ગયા છીએ. તેમની જેમ આપણે પણ કાયદા ભંગમાં માનીએ છીએ. આ ટ્રાફિકના કેટ કેટલાય કાયદા બન્યા હશે. જમણી બાજુ વાહન નહીં ચલાવવાનું, કાયદાનો ભંગ કરો. ‘એ તો ચાલે’. સીટ બેલ્ટ બાંધવો જોઇએ ‘કાયદા કી એસી તેસી.’ ‘એ તો ચાલે.’ તમે રેલવે ફાટક પરનો ટ્રાફિક તો જોયો જ હશે. કોઈ ફોરેનર જુએ તો એને ચિંતા થાય કે ફાટક ખૂલશે તો બન્ને બાજુ પર સૈન્યો સામ સામે આવી ગયા છે. તો ટ્રાફિક કેવી રીતે આગળ વધશે? કોણ પકડવાનું છે.? અને આ વાત બધા જ ક્ષેત્રમાં છે. અને એક રીતે જોઇએ તો તેમ ચાલે પણ છે.

સદીઓથી ગુલામ રહેલી પ્રજાને ખબર જ નથી કે આઝાદીનો અર્થ જવાબદારી છે. આમાં હોસ્પિટલો, સ્કૂલો, અરે, આર્મી સુધ્ધાં આ ગેરકાયદેસર–કાયદેસર વાતોમાં ફસાયું છે. વીસ ત્રીસ વરસથી જાત જાતના આર્મીના કૌભાંડો બહાર આવે છે. એ દેશ માટે અશુભ છે. તકલાદી શસ્ત્રોથી આપણું સૈન્ય સજ્જ છે. હવે આ વાત મારા જેવા ડોબાને ખબર છે. તો તમે માનો છો કે ચીનને ખબર નહીં હોય ?

(April 15th, 2012)

4, Pleasant Drive, Yardville. NJ 08620, U.S.A.

email –harnishjani5@gmail.co

ચિત્રાંકન સૌજન્ય : મહેન્દ્ર શાહ

Loading

15 January 2014 હરનિશ જાની
← પાંચા પટેલે જીવતાં જગતિયું કરી નાત અને બ્રાહ્મણોને લાડવા જમાડયા
Religion, Peace and Violence →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved