અાવ ભેરુ અાવ
મારા બચપણને પાછું તું લાવ
દોડતું ને કૂદતું ને ભોળું એ બચપણ ખિસ્સે ભરીને તું અાવ
વીતેલાં વર્ષોના લાગેલા થાકને ઉતારવાનો એ જ છે પડાવ
મારા બચપણને પાછું લઈ અાવ …
અાંબલીની ડાળીએથી કૂદકા ને હિંચકા એમાં થપ્પાના સંતાયા દાવ
માવડી બિચારી તો લગીરે ટેવાઈ નહીં જોઈ કોણી ને ઘૂંટણના ઘાવ
બાળેલું રૂ અને વહાલસોયો હાથ એ ખોવાયો કિંમતી સરપાવ
મારા બચપણને પાછું લઈ અાવ …
મબલખ કોઈ પાકની પરવા નો’તી જ્યાં મળતું એક છબછબ ખાબોચિયું
વીજળીનો વેગ જાણે પગમાં ઊભરતો જેવું તૂટતું’તું પેલું સાતોડિયું*
રમતી ગઈકાલ પર લાગેલી ધૂળને મારી તું ફૂંક એક હટાવ
મારા બચપણને પાછું તું લઈ અાવ …
રંગીન લખોટીઅો ને કોડીઅો ખખડતી સાંજ પડે વિસરાતા દાવ
મીઠ્ઠા એ ઝઘડા અને ઈટ્ટા-કિટ્ટાનો કોઈ કાયમનો નો’તો ઠરાવ
અાંટી અને ઘૂંટીમાં ડૂબ્યા અા જીવને અાટા અને પાટા સમજાવ
મારા બચપણને પાછું લઈ અાવ …
દોડતું ને કૂદતું ને ભોળું એ બચપણ ખિસ્સે ભરીને તું અાવ
અાવ ભેરુ અાવ
મારા બચપણને પાછું તું લઈ અાવ …
* નળિયાના સાત ટુકડાની ઢગલીને બૉલથી તોડવાની અને ફરીથી ગોઠવવાની રમત
(કવિનો તાજાતર કાવ્યસંગ્રહ : ‘મોસમનો મોડો વરસાદ’, પૃ. 127)