ગુજરાતમાં નાથાલાલ ઝગડાથી લઈ દિલ્હીમાં અડવાણીને મોદીએ દૂર કર્યા
ગુજરાતનો ઇતિહાસ કહે છે, હજુ ઘણા નેતાઓ દૂર થશે
પ્રથમ ગુજરાત અને પછી દિલ્હીનું લક્ષ્ય ભાજપમાં આવ્યા પહેલા પ્રચારક હતા ત્યારથી જ
અમદાવાદ, સોમવાર,
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કારણે ભા.જ.પ.ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને રાજીનામું આપવાની ફરજ પડી છે. જો તેમણે રાજીનામું આપ્યું ન હોત તો પણ લોકસભાની ચૂંટણી સુધીમાં તેમને નિવૃત્તિ તરફ ધકેલી દેવાયા હોત. ગુજરાત ભાજપનો ઇતિહાસ કહે છે કે પ્રથમ ગુજરાત અને હવે દિલ્હી મોદીનું લક્ષ્ય છે. ગુજરાતમાં નાથાલાલ ઝઘડાથી શરૂ કરીને આજે અડવાણી સુધી મોદી પોતાના માટેનો માર્ગ ચોખ્ખો કર્યો છે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભાજપ પ્રવેશ પહેલાં જ તેમણે ભાજપમાંથી નેતાઓને દૂર કરવાનું શરૂ કર્યું હતું. તેઓ પ્રચારક હતા ત્યારે જ ગુજરાત ભાજપના મહામંત્રી (સંગઠન) જેઓ પ્રચારક હોય છે એવા નાથાલાલ ઝગડાને આ પદ પરથી નિવૃત્ત કરવા તેમની તબિયતને આગળ ધરી હતી. નાથાલાલ ઝઘડાને માત્ર ડાયાબિટીસ હતો અને ઘુંટણની તકલીફ પ્રારંભિક તબક્કે હતી. પરંતુ પ્રચારક નરેન્દ્ર મોદીએ સંઘના વડાઓને રજૂઆત કરી કે બીચારા નાથાભાઈને હવે આ કામમાંથી મુક્ત કરો તેમની તબિયત સારી નથી. આમ કહીને નાથાલાલ ઝઘડાને નિવૃત્ત કરાવી તેઓ પોતે જ ભાજપના પ્રદેશ મહામંત્રી (સંગઠન) તરીકે ગોઠવાઈ ગયા હતા.
પ્રદેશ મહામંત્રી બન્યા પછી પોતાના વિશ્વાસુઓને ગોઠવવા માટે કાર્યાલયથી લઈને સંગઠન મંત્રીઓને એક પછી એક દૂર કરી પોતાના માણસોને ગોઠવવાનું શરૂ કર્યું. ત્યાર બાદ શંકરસિંહ વાઘેલાને નિશાન બનાવ્યા હતા. કેશુભાઈ પટેલને શંકરસિંહથી દૂર કરવા 'શંકરસિંહ તમારા હરિફ છે, તમને મુખ્યમંત્રી થવા નહીં દે' જેવી કાનભંભેરણી કરીને બે સ્નેહી મિત્ર જેવા નેતાઓને દુ:શ્મન બનાવી દીધા. આખરે શંકરસિંહે બગાવત કરવી પડી હતી.
પરંતુ શંકરસિંહની પ્રથમ બગાવત વખતે મોદીને ગુજરાત છોડી દિલ્હી જવું પડયું હતું. જેથી તેમના સ્થાને સંજય જોષી પ્રદેશ મંત્રીમાંથી પ્રદેશ મહામંત્રી (સંગઠન) પદે આવ્યા હતા. તેમના આવવાથી સંગઠનમાં મોદીના ગોઠવાયેલા વિશ્વાસુ બાજુ પર મુકાવા લાગ્યા. જેથી સંજય જોષીને નિશાન બનાવ્યા હતા.
ગુજરાતમાં કચ્છ ભૂકંપ અને સાબરમતી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પરાજયને કેશુભાઈની નિષ્ફળતામાં ખપાવી કાશીરામ રાણા પાસે કેશુભાઈ વિરુદ્ધ રજૂઆતો કરાવી અને અડવાણી તથા સંઘની કૃપાથી તેઓ મુખ્યમંત્રી બની શક્યા. કચ્ચ ભૂકંપના રાહત કામોમાં કેશુભાઈ પટેલની સરકારે બેફામ ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો સાથે ગુજરાતમાંથી જથ્થાબંધ પત્રો લખાવવામાં આવ્યા હતા, ઉપરાંત કેશુભાઈની સરકારમાં વહીવટ તો તેમના જમાઈ ડો. મયૂર દેસાઈ અને તેમના પુત્રો કરે છે. ધારાસભ્યોને પણ છોડતા નથી. આવા આક્ષેપો સાથે પણ રજૂઆતો કરાવી, પત્રો લખાવ્યા એક એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું કે ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકાર જટલા દિવસ વધુ ચાલશે તેટલું ભાજપની પ્રતિષ્ઠાને નુકસાન છે. આવી રજૂઆતોને ભાજપ હાઇકમાન્ડે ગંભીરતા લેવાનું મન મનાવ્યું એટલે તરત જ મોદીએ સંઘમાં પોતાના માટે લોબીંગ શરૂ કર્યું. સંઘમાંથી જ ફરમાન છૂટયું કે કેશુભાઈને બદલવા અને તેમના સ્થાને નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રીની જવાબદારી સોંપવી.
આખરે હાઇકમાન્ડે કેશુભાઈને દિલ્હી બોલાવ્યા. તેમની સાથે હરેન પંડયા પણ હતા. દોઢ દિવસ રજૂઆતો અને હરેન પંડયાની દલીલો ચાલી. પરંતુ સંઘના આદેશ આગળ કેશુભાઈ પટેલે પણ ઝૂકી જવું પડયું. દિલ્હીથી આવીને કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યું અને નરેન્દ્ર મોદીએ સરદાર પટેલ સ્ટેિડયમ ખાતે ભવ્ય સોગંદવિધિનું આયોજન કર્યું. આ સમયે મોદીએ કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતાને પોતાની પાસે ઊભા રાખી, તેમને પગે લાગતાં ફોટા પડાવ્યા અને કહ્યું હતું કે અર્જુન પાસે તો એક શ્રીકૃષ્ણ જ સારથિ હતા, જ્યારે મને તો આ બે સારથિ મળ્યા છે.
આ બંને સારથિઓની શું વલે થઈ એ ગુજરાત આખું જાણે છે. તેઓ ગુજરાતમાં આવ્યા એટલે સંજય જોષીને દિલ્હી મોકલી દેવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી બન્યા પછી છ માસમાં ધારાસભાની ચૂંટણી લડીને જીતવું પડે. જેથી સલામત એલિસબ્રીજ બેઠક પસંદ કરી. પરંતુ હરેન પંડયાએ બેઠક ખાલી કરવાની ના પાડી. જેથી ૨૦૦૨ની ચૂંટણીમાં તેમને ટિકિટ ન આપવાની જીદ કરી, હોસ્પિટલમાં દાખલ થયા અને રાજીનામાની ધમકી આપી. આખરે હરેન પંડયાને ટિકિટ મળી નહીં.
૨૦૦૨ની ચૂંટણી જીત્યા પછી કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા, ડૉ. એ.કે. પટેલ, સુરેશ મહેતા સહિત કેશુભાઈના મંત્રીમંડળમાં હતા એવા અનેક અગ્રણીઓને એક પછી એક ટાર્ગેટ બનાવી જવાબદારી મુક્ત કરીને ખૂણામાં ધકેલી દીધા.
ગુજરાત ભાજપમાં તમામ જૂનિયરોને પ્રદેશના નેતાઓ બનાવીને રાજ કર્યું. પરંતુ હવે ગુજરાત નાનું પડે છે. કોઈ હરિફ પણ નથી. જેથી હવે દિલ્હી સર કરવાનું આયોજન થઈ ચૂક્યું છે. અને તેમાં આજે પ્રથમ મુખ્યમંત્રીના જ ગુરુ અને તેમની ઢાલ સમા અડવાણીનો ભોગ લેવાયો છે. હજુ તો બીજા અનેક રાષ્ટ્રીય નેતાઓને આ જ પ્રકારે જવાબદારી મુક્ત થવા તૈયાર રહેવું પડશે.
સૌજન્ય : http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-modi-advani-among-nathalala-be-removed-in-delhi 11 June 2013