જો પન્ના નાયકનો પરિચય એક જ વાક્યમાં આપવાનો હોય. તો હું કહું કે ‘પન્ના નાયક એટલે 40વર્ષની ડાયસ્પોરિક કવિતા.’
અત્યારે તો પરદેશમાં કાવ્યો, વાર્તાઓ, નિબંધો વિગેરે લખનારાં અનેક સર્જકો છે, પરંતુ પ્રારંભમાં, ચારેક દાયકા પહેલાં, અમેરિકા જઈને શરૂઆતથી જ, પોતાની લેખન પ્રવૃત્તિમાં સતત રત રહ્યાં હોય, એવી કોઈ કવયિત્રી હોય, તો એ છે પન્ના નાયક.
આમ એમનું વતન સુરત. જન્મ 28-12-1933, મુંબઈમાં. તેમની પાસે ત્રણ ત્રણ માસ્ટર ડિગ્રી છે. મુંબઈ યુનિવર્સિટિમાંથી એમણે ગુજરાતી અને સંસ્કૃત સાથે એમ.એ. કર્યું, ફિલાડેલ્ફિયાની ડ્રેક્સેલ યુનિવર્સિટિમાંથી લાઈબ્રેરી સાયન્સમાં એમ.એસ. કર્યું અને પેન્સિલવેનિયા યુનિવર્સિટિમાંથી સાઉથ એશિયન સ્ટડિઝમાં એમણે એમ.એસ. કર્યું. તેમણે પેન્સિલવેનિયા યુનિવર્સિટિમાં ગ્રંથપાલ તરીકે તેમ જ ગુજરાતી ભાષાનાં પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી છે.
તેઓ અમેરિકામાં પોતાને ‘વિદેશિની’ કહીને ઓળખાવે છે. તેઓ ભારત જાય, ત્યારે પણ પોતાને વિદેશિની છું, એમ જ કહે છે. તેઓ કહે છે ‘અમેરિકામાં રહું છું અને ભારત છોડ્યું નથી. અવારનવાર ભારત આવું છું, છતાં અમેરિકા છૂટતું નથી. એટલે વિદેશિની.’ જ્યાં સુધી મુંબઈમાં હતાં, ત્યાં સુધી એમણે સાહિત્ય સર્જન કર્યું નથી. શબ્દ એમને અમેરિકામાં મળ્યો છે. એટલે જ તેઓ કહે છે કે ‘હું ફિલાડેલ્ફિયાના રસ્તા પર શબ્દનો કેમેરા લઈને ફરું છું.’ આમ અમેરિકા એમની કર્મભૂમિ છે.
પન્નાબહેન ખૂબ વાંચે છે, અને નિયમિત લખે છે. તેઓની ચાર દાયકા લાંબી કાવ્યયાત્રામાં, તેમણે કવિતા, અછાંદસ, ગીત, હાઈકુ, ટૂંકી વાર્તા, એમ ઘણાં ઘણાં સાહિત્યસ્વરૂપમાં ખેડાણ કર્યું છે. ‘પ્રવેશ’, ‘ફિલાડેલ્ફિયા’, ‘નિસ્બત’, ‘અરસપરસ’, ‘આવનજાવન’, ‘ચેરી બ્લોસમ્સ’, ‘રંગઝરુખે’, ‘ગુલમહોરથી ડૅફોડિલ્સ’, એ એમનાં કાવ્યસંગ્રહો છે. ‘વિદેશિની’ એમની સંકલિત કવિતાનો સંગ્રહ છે. ‘અત્તર-અક્ષર’ એ હાઈકુ સંગ્રહ અને ‘ફ્લેમિંગો’ એમનો વાર્તાસંગ્રહ છે. ‘વિદેશિની’ નામે જ આવેલા આલ્બમમાં, એમનાં ગીતોની સંગીતમય રજૂઆત છે. આ ઉપરાંત, એમનાં ઘણાં નિબંધો પણ પ્રકાશિત થયા છે. એમની ઘણી કવિતાઓ – વાર્તાઓનાં અંગ્રેજીમાં અનુવાદ થયા છે, અને એમનાં ઘણાં પુસ્તકો પાઠ્યપુસ્તક તરીકે પણ સ્થાન પામ્યાં છે.
મારે આજે વાત કરવી છે, એમનાં કાવ્યસંગ્રહ, ‘વિદેશિની’ અને હાઈકુ સંગ્રહ ‘અત્તર- અક્ષર’ વિશે.
તેમનાં સર્જનોમાં, એક ખાસ અને વિશિષ્ટ નારી સંવેદન સતત પ્રગટ થાય છે, અને તે ખૂબ જ અસ્વાદ્ય છે. એમનાં કાવ્યોમાં નારી સંવેદના જે કલાત્મક રીતે પ્રગટી છે, તે આપણા સાહિત્યમાં જુદી તરી આવે છે. કોઈ ઢાંચામાં નહીં ઢળેલાં ને છતાં ય જાણે સંપૂર્ણ કાવ્યમય, ગહન છતાં ય સરળ, અંગત છતાં ય નિખાલસ – આવી ઘણી ય ઉપમાઓ આપી શકાય, એમનાં કાવ્યોને. તેમનાં કાવ્યોમાં ખુમારી છે, વેદના અને સંવેદના છે. ક્યાંક મુલાયમ લાગણીઓ ભરપૂર ઉછાળા મારતી અનુભવી શકાય છે, તો ક્યાંક વસવસો.
આપણે એમને પૂછીએ કે તમારી કવિતામાં શું છે? તો તેઓ ખુમારીથી જવાબ આપે કે ..
એમાં પન્ના છે
ખુલ્લેખુલ્લી ..
ગમે તો સ્વીકારો
નહીં તો …
એમની કવિતાઓએ મારું ખાસ ધ્યાન ખેચ્યું છે, એમની ખૂબ ઓછાં શબ્દોમાં કાવ્ય કરવાની શૈલીએ. માત્ર 4-5 લીટી અને જૂજ શબ્દોમાં જ, એ કવિતાઓ ઘણું ઘણું કહી જાય છે. કોઈ કવિતામાં પ્રિયજનનાં આગમનની સુંદર અભિવ્યક્તિ હોય ..
તારું આવવું –
મારી અધૂરી રચનાઓના
આડાઅવળા
અટવાતા
વેરવિખેર શબ્દોનું
અચાનક ગોઠવાઈને
અર્થસભર
કવિતા બની જવું …
તો ક્યાંક એ જ પ્રિયજનનાં સમયસર ન આવવનો વસવસો હોય ..
મારા મરણ પછી
તારા સમયસર ન આવવાની
ફરિયાદ
હવે હું શી રીતે કરું?
અહીં કેટલાય લોક હાજર છે
અને
મારા હોઠ બંધ છે !
આમ આ કવિતાઓ પ્રેમ અને વસવસા વચ્ચે લાગણીનો પૂલ બાંધતી જણાય છે. તો વળી ક્યાંક રોજ-બરોજની જિંદગીમાં મશીન થઈ ગયેલા માનવીની વાત હોય.
મને ખબર નથી
હજી
કેટલીય સવાર સાંજ
કેટલાંય વર્ષ
હું
મારી કાંડા ઘડિયાળ ને
ઑફિસની ઘડિયાળ સાથે
મેળવ્યા કરીશ.
આ કવિતાઓમાં તેમણે આપણી રોજ-બરોજની જિંદગીમાંથી, સાવ સામાન્ય લાગતી ઘટનાઓને, ખૂબ સરળતાથી, કાવ્યમાં ગુંથી લીધી છે અને તેથી જ તેમની કવિતા પોતાની લાગે છે. આપણે એમાં પોતાને પરોવી શકીએ છીએ. તેથી જ આ કાવ્યોનો અર્થ માત્ર કહેવાયેલા શબ્દો સુધી જ સીમિત રહેતો નથી, પરંતુ જે નથી કહેવાયા એ શબ્દોમાં વાચક એનાં અનેક અર્થ કરી શકે છે.
એમનાં અનેક કાવ્યોમાં પ્રકૃતિનું સુંદર કલ્પન પણ છે.
ફૂલપાંદડી
ટપ ટપ ખરી –
જીરવવા એનો ભાર
નીચું નમી ગયું ઘાસ.
કે પછી
‘પાણી પર કાવ્ય લખતાં
કંપી ગયેલો પવનનો હાથ ..’
આ કાવ્યોનો પોતાનો એક અલગ જ મિજાજ છે. ક્યાંક ટૂંકીવાર્તાનું કેન્દ્રબિંદુ છે, તો ક્યાંક અંગત ડાયરીનું પાનું કવિતા બન્યું છે. પરંતુ પન્નાબહેનને તો કોઈ એક પાંજરામાં બંધાવું મંજૂર નથી. એટલે જ જ્યારે આપણે એમની કવિતાઓને, અંગત ડાયરી સમજવા લાગીએ, અને એની અંદર કવયિત્રીને શોધવા મથીએ, ત્યાં તો તેઓ આપણને હાથ ખેંચીને, એ પાનાંઓમાંથી બહાર ખેંચી લાવે, અને પોતાના કવિતા બહારનાં અસ્તિત્વનો અહેસાસ કરાવતાં કહે ..
મારી કવિતામાં
પન્નાને શોધતાં
એ વાચકો !
ઘુઘવાટા કરતાં એનાં કાવ્યોમાં
તો મળશે
છૂટાંછવાયાં મોજાં જેવી
માત્ર
ટાંચણપોથી.
જીવનની બધી વાત
કવિતા
નથી કહી શકતી.
આવાં અનેક નાનકડા પણ અર્થસભર કાવ્યો એમણે રચ્યાં છે. એમની આ થોડાંક જ શબ્દોમાં, અસરકારક રીતે વાત કહી દેવાની સિદ્ધિનો ખરો અનુભવ થાય છે, તેમનાં હાઈકુ સંગ્રહ ‘અત્તર-અક્ષર’માં. સુરેશ દલાલ એમનાં હાઈકુ વિષે કહે છે કે ‘આ હાઈકુ એની ચિત્રાત્મકતાને કારણે, એનાં કલ્પનને કારણે સ્પર્શી જાય એવાં છે. ગુજરાતી કવિતાસાહિત્યમાં સ્નેહરશ્મિની પડખે જો કોઈનાં પણ હાઈકુ દમામથી બેસી શકે એવાં હોય, તો તે પન્ના નાયકનાં છે.’
એક હાઈકુ છે.
અમેરિકામાં
બા નથી, ક્યાંથી હોય
તુલસીક્યારો?
આ હાઈકુમાં તુલસીક્યારો પ્રતિક છે અને પ્રતિક રૂપે છે બાની યાદ. પણ એમાં છૂપો એક વતનઝૂરાપો અને ઘરઝૂરપો છે. એક ઉનાળી બપોરની આબેહૂબ અભિવ્યક્તિ કવયિત્રી આ રીતે સામે મૂકે છે.
બેઠા શ્વાનની
લટકતી જીભમાં
હાંફે બપોર.
આગઝરતી ઉનાળાની બપોર કેટલી આકરી હશે એ માટે બીજું કશું કહેવાની જરૂર રહેતી નથી.
બીજું એક હાઈકુ છે –
ધોધમાર તું
વરસ્યો, લીલોછમ્મ
થયો સમય
આ હાઈકુમાં પ્રણય અને મિલનની ઉત્કટ અનુભૂતિ છે. સમયનાં લીલાછમ્મ થવાની સુંદર કલ્પના છે. તો બીજા એક હાઈકુમાં જુદાઈનો ઘેરો વિષાદ ..
તારી જુદાઈ
ખૂંચે, પગ તળેના
કાંકરા જેવી
આવી અનેક સંવેદનાઓ અને કલ્પનાઓનું ઝીણું નક્શીકામ એમનાં હાઈકુમાં જોવા મળે છે. એમાં વિષયોનું ભરપૂર વૈવિધ્ય હોવા છતાં, એમાં ભારેખમ કવિતાનો બોજ વર્તાતો નથી, પણ સાવ સરળ શબ્દોમાં, એક ઊંડું સંવેદન પ્રગટે છે, જે વાચકને સીધું જ સ્પર્શી જાય છે. સત્તર અક્ષરનાં આ હાઈકુ તેમનાં સંગ્રહના નામને સાર્થક કરે છે. એક એક હાઈકુ જાણે અત્તરની સુગંધથી મહેકે છે.
e.mail : shahnirajb@gmail.com
(અમેરિકી દ્વૈ સર્જક પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધીના અતિથિ વિશેષપદે, 5 મે 2013ના રોજ, 'ગુજરાતી સાહિત્ય અકાદમી'ના 'અાંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ'ના અવસરે રજૂ કરાયેલું વક્તવ્ય)