(જન્મદિને)
૧
પ્રભાતનું ધુમ્મસ વિશ્વ-વ્યાપૃત,
સમુદ્ર ના,
અંબર ના,
સમસ્ત
અભેદના અંચલ માંહી લીન
અનંત અા
નીલિમ, સીમહીન !
ત્યાં નાવ કો શ્વેત મરાલશું સરે
ક્યાંથી ?
નહીં રેખ અતીતની મળે !
ને ભાવિની યે પણ ત્યાં લહાય ના
કેડી,
અહો સૂર નિતાન્ત મૌનમાં !
અગમ્યનું શું ઊઘડે રહસ્ય !
અનંતના નીલિમ અંતરે અા
મરાલનું દર્શન રમ્ય, રમ્ય !
૨
શિશિરની રાત્રીની શેષ વેળા
ઢળે ચંદ્રની અર્ધ ઊઘડેલ કાન્તિ.
હવા તુહિન-શીતલ
લઈ અાવતી હૂંફ કેવલ,
રજત સોણલે સૃષ્ટિ સૂતેલ,
સર્વત્ર શાન્તિ.
સમય કેરી સંક્રાન્તિ.
તરુડાળનું પર્ણ પાંડુર ખરે,
મંદ મર્મર શમે મૌનમાં;
અાયુ ગત.
અરુણ અંકુર સ્ફુરે,
કંઈ નવોન્મેષ,
નવસર્જને વિશ્વ ચૈતન્ય ઉદ્યત.
વિવર્તે વિલોકાય શાશ્વત !
અહો જન્મ મુજ
સકલને સદ્મ !
ને
વ્યક્ત મુજ અંતરે
નિખિલ નિવસંત લહું છદ્મ !
અણદીઠ કો પદ્મની મધુર સૌરભ,
ભ્રમર-ગુંજનાનો લલિત રવ
હવા સંગ રેલાય
નિ:સીમ અાનંત્યમાં !
૩
વનની અમરાઈને ભરી
પમરે શી ય પ્રસન્ન મંજરી !
પ્રશમંત પ્રલંબ રાત્રિ ને
બજતી વેણુ વરેણ્ય ભર્ગની.
રમતી ભમતી સમીરની
લહરીને મૃદુ સ્પર્શ હર્ષની
અણુએ અણુ લાગણી લહું,
અનુકંપા શી દિગન્તરાલની !
ઉરનું ઊઘડંત પંકજ
પ્રણમે છે દઈ ગંધની રજ,
વિલસંત હિરણ્ય વર્ણમાં
દલને અાસન સંચરે અજ.
સહુને મુજ અંતરે ધરું,
સહુને અંતર હું ય વિસ્તરું.
[‘સંકલિત કવિતા’, પાન 172-4]
(જન્મકાળ : 28 જાન્યુઅારી 1913 – 02 જાન્યુઅારી 2010)