આ કાલજયી શહેર કૈરોમાં આપણે એક એવા સમયે મળી રહ્યાં છીએ, જ્યારે અમેરિકા અને સમગ્ર વિશ્વમાં રહેનારા મુસ્લિમો વરચે તણાવ વ્યાપેલો છે. આ તણાવનાં મૂળ આજની નીતિગત ચર્ચાઓથી પર એવી ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં રહેલા છે. ઇસ્લામ અને પશ્ચિમ વચ્ચે સદીઓથી સહઅસ્તિત્વ અને સહયોગના સંબંધો રહ્યાં છે અને હા, સાથે સાથે ટકરાવ અને ધાર્મિક યુદ્ધો પણ લડાતાં આવ્યાં છે. ત્યાર પછીના ગાળામાં સંસ્થાનવાદને કારણે તણાવ વધેલો. સંસ્થાનવાદે અનેક મુસ્લિમોને તેમના અધિકાર અને તકોથી વંચિત કરી દીધા હતા. કોલ્ડવોરના સમયમાં પણ અનેક મુસ્લિમ દેશોની આકાંક્ષાઓને ઘ્યાનમાં રાખ્યા વિના તેમનો ઉપયોગ કરાયો. અધૂરામાં પૂરું આધુનિકતા અને વૈશ્વિકીકરણને કારણે આવેલા ફેરફારોને લીધે પણ ઘણા મુસ્લિમો પશ્ચિમને ઇસ્લામવિરોધી ગણવા માંડ્યા છે. મુસ્લિમોના નાના પણ મજબૂત પ્રદેશમાં ફેલાયેલા આ તણાવનો હિંસક કટ્ટરવાદીઓએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. આપણા સંબંધોમાં મતભેદોની છાયા રહેશે ત્યાં સુધી આપણે શાંતિને બદલે નફરતનાં બીજ વાવતા, સહયોગને બદલે સંઘર્ષને પ્રોત્સાહિત કરતા કટ્ટરવાદીઓને જ તાકાતવાન બનાવતા રહીશું. પરસ્પર અવિશ્વાસ અને અણગણનાના આ ચક્રનો અંત આવવો જ જોઈએ.
હું અહીં સમગ્ર વિશ્વના મુસ્લિમો અને અમેરિકા વરચે નવા પ્રારંભનો માર્ગ શોધવા આવ્યો છું. હું એવો પ્રારંભ ઇરછું છું, જે પરસ્પર સન્માન અને એકબીજાનાં હિતો પર આધારિત હોય, અમેરિકા અને ઇસ્લામ અલગ અલગ નથી-એ સત્ય પર આધારિત હોય અને એકબીજા સામે લડી મરવાની જરૂર નથી એવી સમજણ પર આધારિત હોય. આવું પરિવર્તન રાતોરાત આવી શકે નહીં. એક ભાષણથી વર્ષોનો અવિશ્વાસ દૂર ન થઈ શકે. હું આ વિશ્વાસની સાથે સત્ય કહેવાની કોશિશ કરીશ કે માનવી તરીકે આપણાં સહિયારાં હિતો આપણને અલગ કરવા ધારતાં બળો કરતાં વધારે તાકાતવાન છે. હું ખ્રિસ્તી છું, પરંતુ મારા પિતાનું કેનિયાઈ કુટુંબ પેઢીઓથી મુસ્લિમ ધર્મ પાળતું રહ્યું છે. મેં મારાં બાળપણનાં વર્ષો ઇન્ડોનેશિયામાં વિતાવ્યાં છે, જ્યાં રોજ સવાર-સાંજ અઝાન સાંભળતો હતો. અમેરિકામાં આજે લગભગ ૭૦ લાખ મુસ્લિમો છે, જેમને શિક્ષણ અને આવકનો લાભ મળેલો છે. અમારા દેશ અમેરિકામાં ૧૨૦૦ કરતાં વધારે મસ્જિદો છે.
આપણે સૌથી પહેલા તમામ પ્રકારના હિંસક કટ્ટરપંથીઓનો સામનો કરવો પડશે. અંકારામાં મેં સ્પષ્ટતા કરી હતી કે અમેરિકાને ઇસ્લામ સાથે ન તો કદી ઝઘડો રહ્યો છે અને ન ક્યારેય રહેશે. અલબત્ત, હિંસક કટ્ટરવાદીઓ સામે અમે લડતા રહીશું, કારણ કે તેઓ બધા ધર્મના નિર્દોષ લોકોને મારે છે. સાત વર્ષ પહેલાં અમેરિકાએ વ્યાપક આંતરરાષ્ટ્રીય સમર્થનથી અલ કાયદા અને તાલિબાન વિરુદ્ધ અભિયાન ઉપાડ્યું હતું. અમે ઇચ્છતા નહોતા, છતાં અમારે આદરવું પડેલું. ઘણા લોકો ૯/૧૧ની ઘટનાને યોગ્ય ઠેરવે છે, પરંતુ દુનિયા જાણે છે કે તે દિવસે માર્યા ગયેલા તમામ લોકો અમેરિકાનાં અને અન્ય દેશોનાં નિર્દોષ સ્ત્રી-પુરુષ અને બાળકો હતાં, જેમણે કોઈનું કશું પણ બગાડ્યું નહોતું, તેમ છતાં અલ કાયદાએ તેમને મોતને ઘાટ ઉતાર્યા અને આજે પણ મોટા પાયે આવી ઘટનાઓને અંજામ આપવાની વાત કરી રહ્યાં છે. અનેક દેશોમાં તેમના સાથીદારો છે અને તેઓ પોતાની તાકાત-પહોંચ વધારવા માગે છે. અમે અફઘાનિસ્તાનમાં અમારું લશ્કર રાખવા માગતા નથી. ત્યાં લશ્કરી મોરચા ઊભા કરવાની અમારી લગીરેય મંશા નથી. પોતાના યુવાનોને ગુમાવવા એ અમેરિકા માટે પીડાદાયક છે. આ બહુ મોંઘો સોદો છે અને સતત સંઘર્ષ ચાલુ રાખવો રાજકીય રીતે પણ બહુ મુશ્કેલ છે. અમે તો એકેએક સૈનિકને ઘરે પાછો બોલાવી લેવા રાજી છીએ, પરંતુ શરત એટલી જ છે કે અમેરિકનોને મારવા માટે તલપાપડ એવો એકેય કટ્ટરવાદી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં હવે રહ્યો નથી, તેની અમને ખાતરી મળે. આજસુધી એવી સ્થિતિ સર્જાઈ નથી. આપણામાંથી કોઈએ આ કટ્ટરવાદીઓને સાંખી લેવા ન જોઈએ. તેમણે કેટલાય દેશોમાં અનેક ધર્મના લોકોને ઠાર કર્યા છે, તેમાં સૌથી વધારે તો મુસ્લિમો જ ભોગ બન્યા છે. અમે જાણીએ છીએ કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં માત્ર લશ્કરી તાકાતથી જ તમામ સમસ્યાઓનો ઉકેલ મળી જવાનો નથી, એટલે અમે પાકિસ્તાનમાં શાળાઓ, દવાખાનાંઓ અને માર્ગનિર્માણ તથા વિસ્થાપિત લોકોની મદદ કરવા માટે આગામી પાંચ વર્ષમાં દોઢ અબજ ડોલર ખર્ચવાની યોજના ઘડી છે. વળી, અફઘાનિસ્તાનનું અર્થતંત્ર સુધારવા અને સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ૨.૮ અબજ ડોલરની સહાય પહોંચાડી રહ્યાં છીએ.
અફઘાનિસ્તાનથી ઊલટું ઇરાકમાં યુદ્ધ કરવું, તે અમારો નિર્ણય હતો, જેની સાથે દુનિયાના ઘણા દેશો સહમત નહોતા. જોકે, તેમ છતાં સદ્દામ હુસૈનના સરમુખત્યાર શાસનની સરખામણીએ ઇરાકી લોકો વધારે સારી જિંદગી જીવી શકશે. મેં પહેલેથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે ઇરાકમાં લશ્કરી મોરચા સ્થાપવાનો કે ત્યાંનાં સંસાધનો પર કબજો જમાવવાનો અમે કોઈ ઇરાદો સેવતા નથી. ઇરાકની સ્વતંત્રતા જળવાઈ રહેશે. ૨૦૧૨ સુધીમાં ઇરાકમાંથી તમામ સૈનિકો પાછા બોલાવી લેવાનું અમે વચન આપેલું છે.
ઇઝરાયલ અને અમેરિકા વરચેના ગાઢ સંબંધોથી સૌ કોઈ વાકેફ છે. અમારી વચ્ચેના સંબંધો અતૂટ છે. અમે યહૂદીઓના પોતાના દેશની આકાંક્ષાને માન્યતા આપીએ છીએ. અલબત્ત, બીજી તરફ પેલેસ્ટાઇની લોકોનેય પોતાના દેશની શોધમાં ભારે મુસીબતોનો સામનો કરવો પડ્યો છે, તેનો પણ ઇનકાર કરી શકાય એમ નથી. છેલ્લાં ૬૦ વર્ષોથી તેઓ વિસ્થાપિત અવસ્થા ભોગવી રહ્યાં છે. તેમાંના મોટા ભાગના વેસ્ટ બેન્ક, ગાઝા અને આજુબાજુના પ્રદેશો પર શાંતિ અને સલામતીની જિંદગીનો ઇન્તેજાર કરી રહ્યાં છે. એટલે હું કહેવા માગું છું કે એક તરફ પેલેસ્ટાઈનીઓએ હિંસા છોડવી પડશે અને રચનાત્મક માર્ગ અપનાવવો પડશે, તો બીજી બાજુ ઇઝરાયલીઓએ પણ સમજવું પડશે કે જેમ તેમના જીવનના અધિકારનો ઇનકાર ન થઈ શકે, તેમ પેલેસ્ટાઈની લોકોના જીવવાના અધિકારનો પણ ઇનકાર ન કરી શકાય.
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવનું મુખ્ય કારણ પરમાણુ શસ્ત્રો છે. આ ક્ષેત્રમાં પરમાણુ નિ:શસ્ત્રીકરણ માત્ર અમેરિકાના જ હિતમાં નથી, બલકે આવું કરીને અમે મઘ્ય પૂર્વમાં પરમાણુ શસ્ત્રોની હરિફાઈને રોકવા માગીએ છીએ, કારણ કે આ હરિફાઈ સમગ્ર ક્ષેત્ર અને દુનિયા માટે જોખમી બની શકે છે. તાજેતરનાં વર્ષોમાં લોકશાહીને પ્રોત્સાહન આપવા બાબતે વિવાદ પેદા થયા છે. હું અહીં એક વાત સ્પષ્ટ કરી દઉં કે કોઈ પણ તંત્ર કે સરકાર કોઈ એક રાષ્ટ્ર દ્વારા બીજા રાષ્ટ્ર પર થોપી શકાય નહીં. વિચારોને દબાવીને ખતમ કરી શકાતા નથી.
આપણે બધા થોડા સમય માટે આ વિશ્વનો એક હિસ્સો છીએ. પ્રશ્ન એ છે કે આપણને મળેલો આ સમય શું આપણે આપણી જાતને પાછળ અને દૂર ધકેલનાર પ્રયાસોમાં ખર્ચવો જોઈએ કે સહિયારી જમીન શોધવાના પ્રયાસમાં? યુદ્ધ શરૂ કરવું આસાન છે, તેને ખતમ કરવું નહીં. જાતમાં ઝાંખવા કરતાં બીજાનો વાંક કાઢવો વધુ સહેલો છે. જોકે, આપણે સરળ નહિ, પરંતુ સાચો માર્ગ પસંદ કરવાનો છે. દુનિયાના દરેક ધર્મના હૃદયમાં એક સત્ય છુપાયેલું છે કે આપણે જે બીજા સાથે કરીએ છીએ, તે જ આપણી સાથે પણ થાય છે. આ સત્ય તમામ દેશો અને મનુષ્યોને લાગુ પડે છે. એક એવો વિશ્વાસ, જે નવો નથી, જે કાળો કે ગોરો નથી, જે ખ્રિસ્તી, મુસ્લિમ કે યહૂદી નથી. એક વિશ્વાસ જે સભ્યતાના હૃદયમાં ધબકે છે. બીજા લોકોમાં અમારો આ વિશ્વાસ છે અને આ જ વિશ્વાસ મને અહીં લઈ આવ્યો છે.
(કૈરો યુનિવર્સિટી (ઇજિપ્ત) ખાતે ૪ જૂન, ૨૦૦૯ના રોજ અમેરિકન પ્રમુખે આપેલા ભાષણના અંશો)
(દૈનિક ભાસ્કરમાંથી અનુવાદિત)