ડિજિટલ ઇન્ડિયાની વાતો આજકાલ બહુ સાંભળવા મળી રહી છે. આપણે હવે એવા સમયમાં પ્રવેશી ચૂક્યા છીએ, જેમાં કોઈ પણ દેશ માટે ડિજિટલના રંગે રંગાયા વિના છૂટકો જ નથી. ઇન્ફર્મેશન ટેક્નોલોજીના યુગમાં માહિતી અને માધ્યમ જ સાચી મૂડી અને તાકાત પુરવાર થઈ રહ્યાં છે. જો કે, માધ્યમોનો પ્રભાવ એ કંઈ આજકાલની વાત નથી, પણ જૂના જમાનામાં ટેક્નોલોજી આટલી વિકસી ન હોવાથી તેનો પ્રભાવ અન્ય પરિબળોમાં ઢંકાઈ જતો હતો. આજે ઇતિહાસ તરફ નજર કરવામાં આવે છે ત્યારે એવા કેટલાક પુરાવા સાંપડે છે, જેના આધારે માધ્યમોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પુરવાર થાય છે.
ભારતનો જ દાખલો લઈએ. શું કોઈ માની શકે કે બ્રિટિશરો સામેનો પ્રથમ સશસ્ત્ર સ્વાતંત્ર્યસંગ્રામ સફળ રહ્યો નહોતો, કારણ કે બ્રિટિશર્સ પાસે ટેલિગ્રાફની સેવા હતી?! હા, આ હકીકત છે. ટેલિગ્રાફનાં દોરડાંઓએ જ દેશના પહેલા આઝાદી આંદોલનને ગૂંગળાવી નાખ્યું હતું. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામ પછી બ્રિટિશ ઇન્ડિયાના એડમિનિસ્ટ્રેટર સર રોબર્ટ મોન્ટગોમેરીએ નોંધેલું, 'ધ ઇલેક્ટ્રિક ટેલિગ્રાફ હેઝ સેવ્ડ ઇન્ડિયા' મતલબ કે ટેલિગ્રાફને કારણે જ બ્રિટિશરો ભારત પરનો કબજો જાળવી શક્યા હતા. કદાચ ટેલિગ્રાફ ન હોત તો ૧૮૫૭ની સશસ્ત્ર લડતને કારણે અંગ્રેજોએ મુઠ્ઠીઓ વાળીને ભાગી જવું પડયું હોત. આ વાત માન્યામાં ન આવતી હોય તો જૂની દિલ્હીમાં આવેલા કાશ્મીરી ગેટની ટેલિગ્રાફ ઓફિસમાં લાગેલા ૨૦ ફૂટ ઊંચા ચોરસ સ્તંભ પરનું લખાણ વાંચી લેવું. આ લખાણમાં લશ્કરી બળવાને ડામવામાં ટેલિગ્રાફ ઓફિસના બ્રિટિશ કાર્યકરોની ભૂમિકાની વિસ્તૃત વાત રજૂ કરવામાં આવી છે. દિલ્હી એ સમયે મોગલ સામ્રાજ્યની રાજધાની હતી અને છેલ્લા મોગલ સમ્રાટ બહાદુરશાહ ઝફરના શાસનનો અસ્ત થવામાં હતો, કારણ કે દિલ્હીમાં પણ અંગ્રેજોનો પ્રભાવ વધતો જતો હતો. એ વખતે ૧૮૫૭માં અંગ્રેજોના લશ્કરમાં જોડાયેલા ભારતીય સૈનિકો અને નાનાં-મોટાં રજવાડાંઓ રાજવીઓએ અંગ્રેજો સામે લડતનું બ્યુગલ વગાડયું હતું. મેરઠ અને દિલ્હીના સૈનિકોએ અંગ્રેજો સામે બળવો કરીને દિલ્હી પર કબજો જમાવી દીધો હતો. એ વખતે દિલ્હીમાં બાવન બ્રિટિશરોની હત્યા થયેલી. એ વખતે સમગ્ર દેશમાં ફેલાયેલાં બ્રિટિશ થાણાંઓ અને કચેરીઓને તાત્કાલિક જાણ કરીને સાવધ કરવામાં ટેલિગ્રાફે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. લશ્કરી તાકાત કરતાં પણ સંદેશાવ્યવહારની આ તાકાતે બ્રિટિશરોને સ્થિતિ પર કાબૂ મેળવવામાં બહુ મદદ કરી હતી.
આજે ૧૮૫૭ના દેશના સૌપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના પહેલા શહીદ મંગલ પાંડેનો જન્મદિવસ છે. મંગલ પાંડેની શહીદીએ જ અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ છેડવાનો જુસ્સો પૂરો પાડયો હતો. આઝાદી આંદોલનના પહેલા શહીદ મંગલ પાંડેનો જન્મ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નાગવા ગામે ૧૯ જુલાઈ, ૧૮૨૭ના રોજ થયો હતો. મંગલ પાંડે માત્ર ૨૨ વર્ષની વયે ૧૮૪૯માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરમાં જોડાયો હતો અને બેંગાલ નેટિવ ઇન્ફન્ટ્રીનો સૈનિક બન્યો હતો. ગાય અને સૂવરની ચરબીવાળી રાઇફલનો ઉપયોગ કરવાની ના પાડીને તેણે અંગ્રેજ અફસરનો સામી છાતીએ વિરોધ કર્યો હતો અને તેના પર હુમલો પણ કર્યો હતો. આ માટે મંગલ પાંડેને ફાંસીની સજા કરવામાં આવી અને ૮ એપ્રિલ, ૧૮૫૭ના રોજ તેને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો હતો. ૨૯ વર્ષના યુવાન મંગલ પાંડેની શહીદી એળે નહોતી ગઈ, તેણે દેશવાસીઓને અંગ્રેજોનો બહાદુરીપૂર્વક વિરોધ-સામનો કરવા માટે પ્રેર્યા હતા.
જો કે, ૧૮૫૭માં ટેલિગ્રાફની ભૂમિકાએ માધ્યમની તાકાતનો પરચો આપ્યો હતો. આજનો યુગ જ જ્યારે માહિતી યુગ ગણાય છે ત્યારે માધ્યમો અને માહિતીની બોલબાલા છે. દેશના પ્રથમ વડાપ્રધાન અને વિઝનરી નેતા જવાહરલાલે સાચું જ કહ્યું હતું, "કોઈ પણ રાજ્ય કે લોકશાહી દેશમાં જો આ (પ્રસાર માધ્યમો) વિકસિત હોય કે જનકલ્યાણકારી વિકાસકાર્યો તરફ અગ્રેસર હોય તો લોકો વચ્ચે તમામ અવરોધ સમાપ્ત થઈ જવા જોઈએ અને આ કાર્ય માત્ર જનસંપર્ક-પ્રચારપ્રસાર દ્વારા જ શક્ય છે." આશા રાખીએ ડિજિટલ ઇન્ડિયામાં સામાન્ય નાગરિકો સુધી વધારે સુવિધાઓ પહોંચશે.
e.mail : divyeshvyas.amd@gmail.com
સૌજન્ય : સમય સંકેત’ નામે લેખકની કૉલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 જુલાઈ 2015