Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376885
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન યયૌ ન તસ્થૌ

આશા બૂચ|Opinion - Opinion|19 June 2015

ફેબ્રુઆરી 1979માં બ્રિટન આવી. એ વાતને ત્રણ દાયકાને માથે છ વર્ષ પૂરાં થયાં. જીવન રાહ પર ચાલતાં-દોડતાં, પડતાં-આખડતાં હવે જ્યારે ગતિ થોડી ધીમી પડી છે, ત્યારે ‘નિવૃત્તિ પછી ક્યાં જશું અને શું કરશું?’ એ વિચારોએ ઘેરો ઘાલ્યો છે. વિદેશને ક્યારથી ‘પોતાનું બીજું ઘર’ માનતી થઈ, એનું ઓસાણ નથી પણ અનેક વખત ‘ન યયૌ ન તસ્થૌ’ (નથી રહી, નથી ગઈ) જેવી દ્વિધા અનુભવ્યાનું યાદ છે. મહાકવિ કાલીદાસે એમની કૃતિ ‘કુમારસંભવ’માં શિવ-પાર્વતી વચ્ચેના સંવાદ દરમ્યાન પાર્વતીજી શિવજી પ્રત્યે રોષપૂર્ણ નજર નાખતાં જવા લાગ્યાં ત્યારે શિવજીને ભ્રમ થયો કે પાર્વતીજી ગતિ પણ કરી રહ્યાં છે અને સ્થિર પણ છે; એ ન ઊભાં છે કે ન જાય છે.

મારા નિકટના કુટુંબીજનો અને ગાઢ પરિચયમાં આવેલા મિત્રો પાસેથી ‘તમે આખેઆખાં આ દેશમાં આવીને વસ્યાં હો તેમ લાગતું નથી’, એવું અનેક વખત સાંભળ્યું છે તો સાથે સાથે મેં પશ્ચિમનાં સારાં મૂલ્યોને આધારે કરેલ બાળ ઉછેર, મને ઉપલબ્ધ થયેલ કારકિર્દીને સુપેરે નિભાવવાની બજાવેલ ફરજ અને તમામ સામાજિક તથા સાંસ્કૃિતક પ્રવૃત્તિઓમાં જાતે સ્વીકારેલ મર્યાદાઓમાં રહીને શક્ય તેટલો ભાગ લીધો છે, એટલું જ નહીં યથાશક્તિ પ્રદાન પણ કર્યું છે. એનાથી હું અહીં કેટલે અંશે હળીમળીને રહી છું એ પુરવાર થાય છે.

હું જાતે અભ્યાસાર્થે કે કારકિર્દી પર ચાર ચાંદ ઉમેરવા માટે નહીં, પણ લગ્ન કર્યા પછી, પતિની સાથે જોડાવા માટે આ ધરતી પર આવી. માદરે વતનમાં પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ સફળતાપૂર્વક આગળ વધી ચુકેલી એટલે એવું ધારેલું કે બે-પાંચ વર્ષ એ નવા દેશમાં ટૂંકા અભ્યાસ બાદ કામનો અનુભવ લેશું, ત્યાંની પ્રજાની અને તેમની જીવન પદ્ધતિની ઓળખ થશે અને જોવાલાયક સ્થળો જોઈને વિસ્તરેલી ક્ષિતિજો ભાથામાં બાંધીને સ્વદેશ પોતાના પરિવારજનોની શીળી છાયામાં પોતાનો માળો રચવા પરત થઈ જઈશું. એમ કરતાં સંતાનોને પરિચિત સાંસ્કૃિતક વાતાવરણમાં ઉછેરવાનો અને દેશવાસીઓને ખાતર કામ કરવાનો હેતુ પણ અનાયાસ સાધી શકાશે. પરંતુ કંઈક અંશે આ દેશની જોઈતી તકો પૂરી પડવાની ક્ષમતાનો અભાવ અને કંઈક અંશે ભારતની બદલાતી જતી કામની પરિસ્થિતિને પરિણામે સ્વદેશ પાછા જવા માટેની ઇચ્છાને અમલમાં મુકવા માટે પ્રેરક બળ ન મળ્યું, અને એમ મહિનાઓ વર્ષોમાં અને વર્ષો દાયકાઓમાં ગુણાકાર પામતા રહ્યા અને ભારતનો કિનારો દૂર ને દૂર જતો રહ્યો.

અહીં આવ્યાને માત્ર થોડા જ દિવસ થયા હશે, અને લોકો પૂછતાં, ‘અહીં ગમે છે? ઘર યાદ આવે છે? અહીંની આબોહવા કેવી લાગે છે? અહીં રહેવું ગમશે કે પાછા જવાનું મન છે?’ નવાઈ તો એ વાતની છે કે હજુ આજે 35 વર્ષ બાદ પણ કેટલાક પૂછે છે, ‘રહેવાનાં કે જવાનાં?’ એ હકીકત ધર્શાવે છે કે અહીંની પ્રજાને મન અમે કદાચ ક્યારે ય આ દેશના કાયમી રહેવાસી છીએ તે સ્વીકાર્ય નથી. તે વખતે મૂળમાંથી તાજેતાજા ઉખડેલા મનનો ઉપરોક્ત પ્રશ્નોનો જવાબ હતો, ‘અહીં ગોઠવાતી જાઉં છું, ઘર તો ખૂબ જ યાદ આવે છે, આબોહવા બિલકુલ નથી ફાવતી અને થોડા વખતમાં વતન પાછા જવાની ગણતરી છે.’ આજે કોઈ પૂછે છે ત્યારે કહેવું પડે છે, ‘હવે તો અહીં રહેવું એટલું જ ગમે જેટલું મારા દેશમાં રહેવું ગમે, ઘરની યાદ તો હજુ એટલી જ તીવ્રતાથી સતાવે, આબોહવા હજુ પણ એટલી જ રંજાડે છે અને હા, થોડા વખતમાં વતન પાછા જવાની ગણતરી છે.’ મારી આ લાગણી માટે આ દેશના લોકોનો આપ્રવાસી લોકો માટેનો અણગમો જવાબદાર લગીરે નથી, તેમાં તો માત્ર મારી સ્વજનો માટેની મમતા, સૂર્યવંશી કુળમાં થયેલ જન્મ અને ઉછેર અને વતનની માટીમાંથી મળતી અબાધ સ્નેહ સરવાણી કારણભૂત છે.

મારો અનુભવ છે કે વિદેશ જાઓ ત્યારે શરૂઆતમાં મા-બાપ, ભાંડરું, વિના ન ગમે, પછી પ્રેગ્નન્સી દરમ્યાન માના હાથની રોટલી વિના ટળવળવા વારો આવે. છોકરાંને પોતાના નાનપણની વાતો કરતાં ઘર ઘંટીએ દળેલો બાજરાના લોટના રોટલા, ઉપર ઘરના માખણનો લોંદો, શિયાળામાં ખાધેલ રીંગણાનો ઓળો, તડકે બેસીને ફોલેલાં જીંજરાં, બોર, ખજૂર, શેરડી અને જમરૂખનો સ્વાદ યાદ આવે. ઉનાળો બેસતાં જ ખાટી કેરીનું કચુંબર, પાકી કેરીના રસ ભરેલા વાટકા, ઊની ઊની લૂને ભૂલાવવા પીધેલાં કાચી કેરી અને તરબૂચનાં શરબત અને રાયણની ચીકાશ હજુ મોંમાં છે. અરે, ક્યારેક તો મોગરા, રાતરાણી અને ચંપાનાં ફૂલોની સુવાસ અને જાસુદનાં લાલ ચટ્ટક રંગની યાદ રાતે સુવા ન દે. હોળી આવતાં જ કેસૂડાની યાદ આંખ ભીંજવે. કેસૂડાનાં એક ફૂલમાં રંગોનું વૈવિધ્ય તો અજોડ. ડાળીને પકડી રાખતો ઘેરો કથ્થાઈ રંગનો ગોળ મજાનો મખમલી રંગ, પછી આછા પીચ રંગની બંધ પાંખડીઓ ઉપર જતાં ખુલતી જાય અને હળવા નારંગી રંગ કે લાલ બદામી રંગની પોપટની ચાંચ જેવા આકારની, એ બધું એવું તો યાદ આવે. વળી એ ફૂલોને ગરમ પાણીમાં પલાળીએ એટલે તેમાંથી એક વિશિષ્ટ પ્રકારની સોડમ છૂટે જે તેના નારંગી રંગને વધુ સોહામણો બનાવે અને તે રંગની પીચકારીઓથી સહુને રંગવાની જે મજા આવે તેની સરખામણી અહીંના કોઈ તહેવાર સાથે ન કરી  શકાય.

હોળી પછી આવ્યાં નવરાત્રી. તે ટાણે હજુ લંડનમાં હતી તેથી કોઈ વિશાળ ભવનમાં ભારતથી આવેલા ગાયકોને સથવારે રાસ ગરબા લેવાની તક મળી એ તો અહોભાગ્ય છે એમ લાગેલું. એટલે જ તો અમે શેરીએ શેરીએ પડોશીઓ સાથે મળીને ગરબી રમતાં એની ખોટ થોડી વિસરાઈ. એવું જ દિવાળીના આગમન વખતે અહેસાસ થયો કે હોસ્પિટલ તરફથી મળેલ ઘરમાં ન તો રંગોળી કરી શકાય, ન તો ફટાકડા ફોડી શકાય અને મીઠાઈ બનાવો તો પણ ખાનારાં માત્ર અમે બે ચકલો અને ચકલી. આ વિષાદને ધક્કો મારીને દિવાળી નિમિત્તે યોજાયેલ એક મેળાવડામાં હોંશે હોંશે ભાગ લીધો અને સહુ પરિચિતોને મળીને ભાવતાં ભોજન લીધાં જેથી બાકી રહેલ રંગોળી, ફટાકડા, નૂતન વર્ષની વહેલી સવારે ‘સાલ મુબારક’ કહેતી નીકળતી યાત્રા એ બધું જાણે યાદોની ગર્તામાં એક બાજુ હડસેલાઈ ગયું.

નવા દેશમાં નવાં નવાં જોવાં લાયક સ્થળોની મુલાકાતોથી મન ભર્યું ભર્યું હતું. ઉનાળાની ઋતુ પૂરી થતાં પાનખરની બધાના જીવન પર આટલી ઘેરી અસર થાય એનું ભાન થયું. જો કે તેવામાં જ એક પછી એક એવા સીને ગાયક કલાકારો આવ્યા, ગુજરાતી સુગમ સંગીતની રસલ્હાણ લીધી અને સહુના શિરમોર સમા પંડિત રવિશંકર-અલ્લારખા અને નિખિલ બેનર્જી-સ્વપન ચૌધરી જેવા વિશ્વવિખ્યાત કલાકારો કે જેમને ભારતમાં સાંભળવાની તક નહોતી મળી તેમને સાંભળવા મળ્યા એટલે તો જાણે ઘરનો ઝુરાપો સદંતર ગાયબ!

એક વર્ષના સુખદ વસવાટ બાદ એક પછી એક કસોટીઓ પાર કરવાની આવી. પશ્ચિમની આધુનિક વ્યવસ્થાનો અનુભવ લેવાની મધલાળનાં ટીપાં ચાટવા આવેલ કુશળ વ્યવસાયમાં પડેલાઓને પણ નોકરી માટેની પસંદગીમાં બીજે, ત્રીજે કે ચોથે પાટલે બેસીને રાહ જોવી પડતી અને ક્યારેક તો પાટવી કુંવરને ન ભાવતું ભોજન રાજ મહેલના ચોકીદારના છોકરાંને મળે એ ન્યાયે આ દેશના કાયમી વસાહતીઓને ન રુચે એવાં ક્ષેત્રમાં કામ કરવાની ફરજ પડી તે ય નિભાવી. આમ છતાં સંતાનોના આગમનથી જીવન લીલું છમ્મ બની ગયું અને સમય જાણે હવામાં ઉડતો રહ્યો. એ દરમ્યાન બે ચાર મિત્રો અને સંબંધીઓએ સ્વદેશ પરત થવાના પ્રયાસો કરેલા એના સાક્ષી બન્યાં, જેમાંથી કોઈ સફળ થયાં તો કોઈનાથી તાપ સહન ન થવાથી એર કંડીશનની સગવડ છોડીને સેન્ટ્રલ હિટીંગની ગરમી મેળવવા અહીં પાછાં આવી ગયાં એ પણ જાણ્યું. નોંધ એ બાબતની લીધી કે સ્વદેશમાં ફરી સ્થાઈ ન થઈ શકનારાઓને સંતાનો હતા અને તે પણ હાઇ સ્કૂલમાં ભણતાં. કુમળો ધરુ નવી જમીનમાં જલદી ચોપાય એ હકીકત વધુ એક વખત સાબિત થતી જોઈ અને એના પરથી ધડો લીધો કે આપણે એ ભૂલ જાણી જોઈને ન કરવી.

આ દેશમાં ઠરી ઠામ થવાનો નિર્ણય કરી લીધો એટલે જાણે નવ નિરાંત થઈ એમ કદી નહોતું ધાર્યું. મારી આસપાસ નજર નાખતાં જાણવા મળ્યું જ હતું કે જ્યાં સુધી પોતાનો દીકરો/દીકરી પ્રાથમિક શાળામાં કે હાઇ સ્કૂલના પહેલા-બીજા વર્ષમાં હોય અને પોતાના વર્ગમાં ભણતા નાન્સી કે ડેવિડ જેવા મિત્રો સાથે જન્મદિવસની પાર્ટીમાં જાય કે પર્યટન પર જાય તો કોઈ માતા-પિતાને હરકત નહોતી થઈ, એ જ દંપતીને મેં પોતાનાં 14-15 વર્ષનાં સંતાનો શુક્રવારે રાત્રે મિત્રો સાથે ક્લબમાં જવાની, મિત્રો સાથે હોલીડે પર જવાની અને અમુક પ્રકારના પહેરવેશ અને રંગ-ઢંગ અપનાવવાની વાત કરે તેનો વિરોધ કરતાં જોયાં. અરે, કેટલાંકે તો ઉચાળા ભરી દેશ ભણી દોટ પણ મૂકી જોઈ. આમ છતાં સંતાનો બ્રિટનની ઉચ્ચ કોટિની યુનિવર્સિટીમાં ભણી ગણીને પોતાનું નામ રોશન કરે તેવી ખેવના હોવાથી ગમે તેમ કરી એ કપરો સમય મા-બાપ અને સંતાનો સાથે મળીને હેમખેમ પાર ઉતારે એવા કિસ્સાઓ વધુ જોવા મળે.

એક બાજુથી સંતાનો પુખ્ત વયનાં થાય અને બીજી બાજુ દંપતીની નિવૃત્તિના ભણકારા વાગવા માંડે. પોતાના પુત્ર કે પુત્રી માટે યોગ્ય સમયે ભારતમાં જન્મેલ યુવતી કે યુવક સાથે લગ્ન ગોઠવાઈ જાય એવાં મા-બાપને તો સ્વર્ગ હાથવેંત જ દૂર રહે. મૂળ ભારતનાં હોય અને જેમના સમૂહના ઘણા લોકો આ દેશમાં સ્થાઈ થયા હોય તેમની ઓળખાણની જાળ મોટી હોવાને કારણે તેમનાં સંતાનો પણ પોતાની જ જ્ઞાતિ કે છેવટ ભારતના બીજા કોઈ પ્રાંત અને ભાષા બોલનાર સાથે ઘર માંડે એમને પણ થોડું ઘણું સમાધાન કર્યા પછી વિદેશ આગમનનાં મીઠાં ફાળો ચાખવા મળે. દયાજનક સ્થિતિ એવા લોકોની થાય છે જેમને ઉપર કહી તેમાંની એક પણ લોટરી ન મળે. પુરુષ પોતાના ઉચ્ચ અભ્યાસ અને પછી વિકસતી કારકિર્દીમાં અને સ્ત્રી પણ મોટે ભાગે નોકરી ઉપરાંત બાળ ઉછેરમાં એટલાં વ્યસ્ત હોય છે કે જ્યારે પોતાનો દીકરો/દીકરી લક્ષ્મણ રેખા ઓળંગીને ‘વિધર્મી’ સાથે જીવન જીવવાનો પોતાનો નિર્ધાર જણાવે ત્યારે તેમને પોતાના વિદેશાગમનના બૂરાં પરિણામોનો ધક્કો વાગે છે અને એમને કદાચ રાતોરાત ભારત જતા રહેવાનું ય મન થાય. મારી જીવનકથા આમાં અપવાદ નથી.

જીવન સમુંદરમાં આવેલ તોફાનને મહાપ્રયત્ને પાર ઉતારી, મોટા ભાગનાં દંપતીઓ નિવૃત્તિ આનંદે વિતાવે છે. પશ્ચિમી સમાજની ‘તમે તમારે ઘેર સુખી અમે અમારે ઘેર સુખી’ એ નીતિ આધારિત સંતાનો સાથેના નિભાવી લેવાતા સંબંધોને મને કમને પણ તેઓ સ્વીકારી લે છે. હવે ખરી મજા શરૂ થાય. સવાર પડે નહીં અને ‘મારી વહુ રોજ રસોઈ ન કરે, મારી સાથે વાત કરવાનો સમય નથી એને, રોજ ઊઠીને પિયર જતી રહે પણ અહીં આવતાં પેટમાં દુ:ખે, એ તો બસ ઇંગ્લિશમાં જ બોલે, વાર તહેવારે પણ કપડાં તો બસ વેસ્ટર્ન જ પહેરે’ વગેરે જેવી ફરિયાદોનું રટણ ચાલ્યા કરે, અને ‘ઇન્ડિયાની છોકરી હોત તો આવું ન થાત.’ એ વાક્યથી પતિ-પત્ની વચ્ચેની વાતચીત પૂરી થાય. જ્યારે ભારત જાય અને પોતાનાં કુટુંબીઓ પાસેથી પણ એવા જ અફસોસના ઉદ્દગારો સાંભળવા મળે, ત્યારે ‘હશે ત્યારે, આ નવી પેઢી દુનિયા આખીમાં સાવ બદલાઈ ગઈ, આપણા જેવું કંઇ થોડું છે જે સાસરિયાને પોતાનાં કરીને રાખે?’ એમ કહી આશ્વાસન મેળવે.

જો કે એ લોકો એક હકીકત ભૂલી જાય છે કે જેમ તેમની વહુ પોતાની અપેક્ષા પ્રમાણે નથી વર્તતી તેમ જ તેમની પોતાની દીકરી, કે જે બીજાની પુત્રવધૂ છે એ પણ સ્વતંત્રતાને નામે એનાં સાસરિયાં સાથે એવો જ વર્તાવ કરે છે અને તેને સો એ સો ટકા ટેકો આપનાર આપણે જ હોઈએ છીએ. અસ્તુ. ફરી આવા સંયોગોમાં ન યયૌ ન તસ્થૌની લાગણી બળવત્તર બને.

અંગત વાત કરું તો પતિની કારકીર્દીની ચડતી ભાંજણી અને બંને પુત્રોના ઉછેર અને અભ્યાસ સાથે ઈતર પ્રવૃત્તિથી ધમધમતા જીવનનો રસ માણતી હતી ત્યાં મારી ત્રીસીના અંતકાળે એક એવો આઘાત સહન કરવાનો આવ્યો કે જેણે અમ સહુનું જીવન તદ્દન ડામાડોળ કરી નાખ્યું. ‘ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે’ ! 1989માં મારી નાની બહેનનું અકાળ અવસાન થયું અને તે પછી તો 1996માં મારા પિતાજીની વિદાય અને માને કેન્સરની બીમારીની જાણ એ બધી કસોટી વખતે ન તસ્થૌ, ન તસ્થૌની (ન રહું ન રહું) લાગણી જ પ્રધાન પણે રહી, પણ એક મા અને પત્ની તરીકે મારી ફરજો મને આ દેશમાં રહેવા માટે પકડીને રાખે છે.

હવે જ્યારે બંને સંતાનોએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો અને મારા પતિ પણ નિવૃત્તિ ઢુકડી આવતી ભાળે છે ત્યારે ‘અહીં કે ત્યાં રહેશું?’ની ચર્ચા જોર પકડે એ સ્વાભાવિક છે. મારું એવું અવલોકન છે કે પશ્ચિમની સુંવાળી જિંદગીમાં બાળકો ઉછરે અને ભણે એ હકીકત મા-બાપને જેટલી વહાલી લાગે છે એટલી જ પોતાના મા-બાપ પ્રત્યેનું તેમનું ઔપચારિક વલણ, ઉષ્માનો અભાવ, એક ઘરમાં કે નજીક નજીક રહેવાના સ્વપ્નની વિફલતા એમને કઠે છે. તેવે સમયે અમારું બુઢાપામાં કોણ? એ પ્રશ્ન સતાવે. કેટલાક લોકોને ‘એ મારો દીકરો છે, કેમ બુઢાપામાં ન સાચવે?’ એવી દલીલ કરતા સાંભળવા મળે, પછી ભલે ને પોતે પોતાના મા-બાપને દેશમાં તેમના ભત્રીજા કે પાડોશીને આધારે મુકીને પોતાનો ‘વિકાસ’ કરવા ગયા હોય. તેમને આ દેશની સામાજિક સંસ્કૃિત અને ધોરણોનો ખ્યાલ નથી હોતો અથવા હકીકતનો સ્વીકાર નથી કરતા.

જોવાનું એ છે કે ઉચ્ચ અભ્યાસ કરીને કારકિર્દીના ટોચે ચડી ચુકેલા લોકો વિદેશની ધરતીના મીઠાં ફળ ટોપલો ભરીને ખાય પણ સાથે સાથે ભારતીય સમાજ અને કુટુંબ વ્યવસ્થાના લાભ પણ અહીં બેઠે મળે તેવું ઇચ્છે. ભલા ભાઈ, જ્યાં રહો ત્યાની વાડીનાં રીંગણની હારે તેનાં નિંદામણમાં ય તમારો ભાગ હોય જ ને? એમને બાળકો આધુનિક જગતમાં પેદા કરીને પોતાના મા-બાપના જગતમાં મોકલી દેવાની અપેક્ષા હોય છે, જેથી પોતાની દેખભાળ જેમ એમના દાદા-દાદીની એમના મા-બાપે રાખેલી તેમ પોતાની રહે. ‘હું મારા અભ્યાસ અને નોકરી અર્થે વિદેશ જાઉં એ મારો સંતાન તરીકેનો અધિકાર છે, પરંતુ મારાં સંતાનોએ અમારી કાળજી અમારાં મૂલ્યો અને રિવાજ પ્રમાણે કરવી જોઈએ એ અમારો માતા-પિતા તરીકેનો અધિકાર છે.’ એવું કહેતાં પણ સાંભળ્યા છે. મારી દ્રષ્ટિએ એક તરફથી અધિકાર મળે તો બીજી તરફ ફરજ પણ બજાવવાની હોય. વિદેશી ધરતીનું લૂણ ખાઈને ઉછરેલ પ્રજા પાસેથી પૂર્વના અને તે પણ મારી પેઢીના સંસ્કારોની અપેક્ષા રાખવી એ ઘઉંને અનુકૂળ જમીનમાં આંબા પકવવા જેવી વાત છે.

જ્યારે પણ સ્વદેશ જઈને સ્થાઈ થવાની ઇચ્છા બળવત્તર બને ત્યારે પોતાનું જૂનું ઘર, એ ઘરમાં રહેતાં સ્વજનો, તેમની રહેણી કરણી, ખાન પાનની રૂઢી, પડોશીઓ સાથેના ખાટા મીઠા સંબંધો અને ત્યાં ઉજવાતા તહેવારો અને પ્રસંગોની લ્હાણ જ નજર સામે તરવરે તે સ્વાભાવિક છે, કેમ કે તેનાથી જ આપણી સુખદ અનુભૂતિઓ સંકળાયેલી છે. અનેક વખત દેશ જતાં આવતાં હોઈએ તો નોંધી શકાય કે પોતાના મા-બાપ કે સાસુ-સસરાએ ઘર બદલ્યું છે, તેમાંનાં કોઈ હવે હયાત પણ નહીં હોય, ભાંડરું પરણીને કે નોકરીને કારણે દૂર સુદૂર રહેવા ચાલ્યાં ગયા છે અને એમને પણ પોતાનો ઘર સંસાર સંભાળવાનો હોવાને કારણે પહેલાની જેમ તમારી સાથે સમય ન વિતાવી શકે.

ભારત જાણે હાઇ વે પરની ઝડપી લાઈનમાં હોય તેમ અતિ તીવ્ર ગતિથી વિકસી રહ્યું છે જેને પરિણામે પાડોશીના ટાણે કટાણે થતા ટહુકા, વાટકી વહેવાર અને સુખ-દુઃખમાં આવીને પ્રસંગને શોભાવવાનું કે તકલીફમાં ટેકો આપવાનું સંભવ નથી રહ્યું. જે એકલતાથી ભાગી છૂટીને ભારત જવાનો વિચાર કરે છે તેમને આજના ભારતનો સાચો ખ્યાલ નથી. વધારામાં તમારા દિલમાંથી ભારત નથી નીકળી ગયું પરંતુ દેશના લોકોના મનમાં તમે પરદેશી થઈ ગયા છો, તમારી બોલવાની ઢબ-છબ, સ્વતંત્રતા અને બીજા સાથે બધી વાત વહેંચવાના ખ્યાલો બદલાયા છે એ તો દેશમાં છ-બાર મહિના રહી જુઓ ત્યારે જ ખબર પડે. આમ તમે જે વાતાવરણ, સગવડતાઓ, કુટુંબ અને સમાજની હૂંફ અને પશ્ચિમના દેશોમાં ન મળતો લાગણી સભર સહવાસ મેળવવા દોડી જવા સ્વપ્ન સેવો તે કદાચ ભાંગી પણ પડે. વિદેશ જઈને પોતાના મા-બાપ અને સ્નેહીઓથી વિખૂટા પડ્યાનો, તેમની સેવા ન કરી શક્યાનો અને પોતાની ફરજો ભૂલ્યાનો રંજ હજુ તો માંડ વિસરાયો હોય, ત્યાં પોતાના વહાલસોયા સંતાનો અને તેમનાં ય સંતાનોને રમાડવાની, વાર્તાઓ કહેવાની પળ આવી હોય ત્યાં ફરી ઉચાળા ભરવા પગ દોડે પણ મન ભારે થાય એવું બને ખરું. અને ફરી તે વખતે ‘ન યયૌ ન તસ્થૌ’ની વિમાસણ ભોગવવા વારો આવે.

તાજેતરમાં બિમલ મુખી નામના શખ્સની લખેલ એક કવિતા હાથ લાગી જે વિદેશી આપ્રવાસીઓને કંઈક અંશે લાગુ પડે તેવી છે.

ભગવાન થોડી જિંદગી બાકી રાખજે કે મારા દેશમાં મારે જીવવું છે.
કોણ જાણે કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ કે હું ફાવી ગયો છું.
અહીં કોઈ કોઈને બોલાવતાં ડરે છે, મારા દેશમાં લોકો એકબીજાને જોઇને જીવે છે.
અનહદ ઠંડીમાં લાપટોપ સાથે એક રૂમમાં પુરાઈ ગયો છું, ‘ને બધાંને એમ કે હું ફાવી ગયો છું.
અહીં માણસમાંથી દોસ્ત નીકળી ગયો છે, ‘ને ઢોલિયાનો સ્વભાવ બધાંને ભરખી ગયો છે.
લાગણી વગરના માણસો સાથે ફસાઈ ગયો છું, ‘ને બધાંને એમ કે હું ફાવી ગયો છું.
ખાઉં છું ‘ને ઓફિસ જાઉં છું, માણસમાંથી મશીન બની ગયો છું,
આઝાદ ભારતમાંથી અહીં આવી ગયો છું, ‘ને ફરી ગુલામ બની ગયો છું, ‘ને બધાંને એમ કે હું ફાવી ગયો છું.
ભગવાન થોડી જિંદગી બાકી રાખજે કે મારે મારા દેશમાં જીવવું છે,
ફરી ટોળે વળી પેલા ગલ્લે બેસવું છે, બાઈક પર ત્રણ સવારી રખડવું છે.
ભગવાન પોતાના લોકોથી છુટ્ટો પડી ગયો છું, ‘ને બધાંને એમ કે હું ફાવી ગયો છું.

− બિમલ મુખી

આ કવિની માફક દેશમાં રહેવા માટે થોડી જિંદગી બાકી રાખવાની યાચના કરું કે મારા બાળપણનો સમાજ અને જીવનરીત એવાંને એવાં જ રહ્યાં હશે કે બધું બદલાયું તે ખબર નથી, માટે એ ખેવના છોડી દઉં એવી દુવિધા થાય. અમે પોતે અહીં રહી કેવા બદલાયાં છીએ તે ય જાણતા નથી એટલે ટોટલ મિસફીટ થઈએ અને ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો, એવા ઘાટ થવાની શક્યતાએ ઘર ભણી વળેલા મનને ત્રણ ત્રણ દાયકા સુધી જે ધરતીનું લૂણ ખાધું છે તેવા તનનો ભાર આ દેશમાં પલાંઠી વાળીને બેસી જવાનું કહી રહ્યું છે.

હરનિશ જાની કહે છે તેમ,

“અન્ન આ ધરતીનું, શ્વાસ આ આકાશનો, સુજલામ સુફલામ બનાવો અમેરિકામાં,
આજે જાશું, કાલે જાશું રટ હવે તો છોડો, કબર ખોદાઈ ગઈ છે તમારી અમેરિકામાં.”

જો કે હજુ પણ ‘ન યયૌ ન તસ્થૌ’ની સ્થિતિ મારા મનમાંથી તદ્દન દેશ નિકાલ નથી પામી !

e.mail : 71abuch@gmail.com

Loading

19 June 2015 આશા બૂચ
← સત્તા-પ્રતિષ્ઠાન અને બૌદ્ધિકો
દરમિયાન, લલિત કલા વર્તે સાવધાન! →

Search by

Opinion

  • ‘સાવન ભાદો’ની કાળી અને જાડી રેખાનું નમકીન આજે 70 વર્ષે પણ અકબંધ 
  • હંસને કી ચાહને કિતના મુઝે રુલાયા હૈ
  • પણે કેવળ પ્રાસંગિક થઈને રહી ગયા છીએ ….
  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો

Poetry

  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved