16મી લોકસભાની ચૂંટણીના માહોલમાં લખાયેલો લેખ. એ વખતે વધુ લેખોના ભારણ તળે પ્રકાશિત ન થઈ શક્યો, પરંત 01 અૉક્ટોબર 2014ના “નિરીક્ષક”માં નરેન્દ્ર મોદીની વડા પ્રધાન બન્યા પછીની કાર્યશૈલી વિશેનો લેખ [કોની સરકાર … લે. રમેશ ઓઝા] પ્રકાશિત થતાં તેના પૂર્વસંધાન રૂપે આ લેખ. : તંત્રી – પ્રકાશ ન. શાહ
હાલની ચૂંટણીના સંદર્ભમાં જોઈએ તો એમ લાગે છે કે નરેન્દ્ર મોદી માટે દુશ્મન નંબર વન એક ગાંધીપરિવાર છે. છેલ્લાં ચાર વર્ષમાં ભલે નરેન્દ્ર મોદીએ મનમોહનસિંઘની ટીકા કર્યે રાખી, પરંતુ છેલ્લા બે માસમાં તેમનું નામ એક વાર પણ નથી લીધું. દરેક જાહેરસભામાં એ ગાંધીપરિવારનાં ચારે જણાં (R.S.V.P.) વિષે કશુંક કહેતા રહ્યા, પરંતુ આ તિરસ્કારમાં એક છૂપો વદતો વ્યાઘાત છે. તે એ કે મોદીની કાર્યશૈલી અને વ્યક્તિત્વ પર ગાંધીપરિવારનાં મુખ્ય વડીલ ઇન્દિરા ગાંધની છાપ દેખાય છે. કટોકટી દરમિયાન ઇન્દિરા ગાંધીનો પૂરો વિરોધ કરનાર નરેન્દ્ર મોદી એમને આદર્શ માને તેવું તો ન બને. પરંતુ અહીં નીચે લખેલા કેટલાક એવા મુદ્દા છે જે સ્પષ્ટ રીતે ચલિત કરે છે કે બંનેમાં ભારોભાર સામ્ય છે. આમ, અજાણતાં બંધાઈ ગયેલી કંઠીનું કારણ મનોવિશ્લેષકો શોધી શકે …
અતિ મહત્ત્વાકાંક્ષા
બંનેમાં દેખાતો આ એક ગુણ એવો છે કે તેના બળે બાકીનાં સામ્યો આપોઆપ પેદા થાય છે. મૅનેજમેન્ટના નિષ્ણાતો મહત્ત્વાકાંક્ષાને ખરાબ નથી ગણતા. કહે છે કે એ વ્યક્તિના વિકાસ માટે ચાલના પૂરી પડે છે. પરંતુ ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદીના કિસ્સા તીવ્ર મહત્ત્વાકાંક્ષાના છે. તેનાથી કદાચ તેઓનાં વ્યક્તિત્વ ઘડાયાં હશે, પરંતુ બંને જે વ્યવસ્થાનાં એક ઘટક છે, તેની તો ઘોર ખોદી છે. મહત્ત્વાકાંક્ષાનું જો ભૂત ભરાય (obsession) તો ઘણા બીજા અવગુણોની ગંગોત્રી બને છે. જે અનૈતિક હથિયાર વાપરવાં પડે તેનાથી દેશ ઉપરાંત વ્યક્તિનું પોતાનું પણ લાંબે ગાળે નુકસાન થાય છે. ઇન્દિરા ગાંધીને પણ આ વાત ૧૯૭૭ની હાર પછી થોડી સમજાઈ હતી. સત્તાની મહત્ત્વાકાંક્ષા માટે તેમણે ૮૪ વર્ષ જૂની કૉંગ્રેસને તોડી, કટોકટી લાદી અને વૃદ્ધ નેતાઓને જેલમાં નાંખ્યા. આ પ્રક્રિયામાં પોતાની છબી બગાડી અને ખરા મિત્રો ગુમાવ્યા. નવી સમજણ આવ્યા પછી ૧૯૮૦-૮૪માં તેમના શાસનકાળમાં ઘણી નમ્રતા આવી ગયેલી, પરંતુ ત્યાં સુધીમાં તેમણે સિદ્ધાંતહીન રાજકારણના ભરપૂર પાઠ ભણાવેલા, જેનાં ખાટાં ફળ રાજકીય વૃક્ષ પર આજ સુધી બેસતાં રહ્યાં છે.
વિરોધી મતનો નાશ
મહત્ત્વાકાંક્ષાને કારણે કે પછી ઘમંડી સ્વભાવને કારણે, બંને નેતાઓથી વિરોધ સહન નથી થયો. વિરોધના અભિપ્રાયને બદલે તેને વ્યક્ત કરનારને જ માર્ગમાંથી હટાવવાની નીતિ બંનેની રહી છે. ઇન્દિરા ગાંધીએ કૉંગ્રેસની દ્વિતીય હરોળ આખી કરી પાંખી, તેથી જ તેની સત્તા ક્રમશઃ બધાં રાજ્યોમાંથી નાબૂદ થતી ગઈ. નરેન્દ્ર મોદીના કારણે ગુજરાત ભાજપ પક્ષના બે-ત્રણ ટુકડા થઈ ગયા. પક્ષના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ જોડેના સંબંધો વણસ્યા. સંજય જોષીનું પ્રકરણ તો તાજું છે, પરંતુ કેશુભાઈ, સુરેશ મહેતા, પ્રમાણમાં ગડકરી, નીતિન એ બધાએ આ રૂપ જોયું. જો નરેન્દ્ર મોદી કેન્દ્રમાં જાય, તો આ ‘ગુણ’ને ગાંધીનગરમાં છોડીને જાય તો જ સફળ થાય.
એકહથ્થુ સત્તા
કંઈક અંશે આ ઉપરના મુદ્દાને મળતો જ મુદ્દો છે. આપખુદશાહી અને લોકશાહી બંને જોડાજોડ ન રહી શકે. કેન્દ્રના વાણિજ્ય- મંત્રીશ્રી આનંદ શર્માએ રાજ્યસભા ટેલિવિઝનને ગયા પખવાડિયે કહ્યું તે સાચું હોય તો અહીં લાગુ પડે છે. તેઓ કહે કે ગુજરાતના પ્રધાનમંડળમાં ગમે તેટલા પ્રધાન હોય કૅબિનેટ મિટિંગમાં બધાએ માત્ર મુખ્ય પ્રધાનને સાંભળવા જવાનું હોય છે અને જે કહે તે રીતે પોતાનું ખાતું ચલાવવાનું હોય છે. એટલે એકંદરે કૅબિનેટમાં એક જ પ્રધાન છે. વિધાનસભા વર્ષમાં સરેરાશ ૨૩ દિવસ માત્ર મળી છે, તેમાં ઘણું કરીને વિરોધપક્ષને કાઢી મુકાય છે અને પ્રશ્નકાળ છે જ નહીં ! કોઈને જવાબ આપવો એમને પસંદ નથી.
ઇન્દિરા ગાંધી પ્રધાનોનાં ખાતાં વારંવાર બદલતાં રહેતાં, જેથી કોઈ નેતા મજબૂત કે પ્રજાનો માનીતો ન થઈ જાય. વડાપ્રધાન એ ટીમનાં કૅપ્ટન છે, તેવી ભાવના તેમના સમયમાં ખતમ થઈ ગઈ; સરકાર તેમની માલિકીની છે અને પ્રધાનો પોતાનાં સ્થાન માટે તેમના ઋણી છે, તેવું લાગતું. આ વખતની ચૂંટણી લગભગ ‘પ્રમુખપદ’ના મૉડેલ પર થઈ હોવાથી આ ભાવના નૈતિક સ્તરે હવે વધુ કાયદેસર (legitimate) થશે ! એકલવ્ય નરેન્દ્ર મોદી આ બાબતે પોતાના દ્રોણાચાર્ય કરતાં સવાયા સાબિત થયા.
બંધારણનો અનાદર
એ તો જાણીતી વાત છે કે સૌથી મોટો સરમુખત્યાર હિટલર જર્મનીના બંધારણની મર્યાદામાં રહીને જ સત્તા પર આવેલો. ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદીનાં પણ આ જ ઘટનાનાં ભારતીય દૃષ્ટાંતો છે. બંનેમાં આવડત છે કે કાયદાનો ખુલ્લો અનાદર કરવાને બદલે તેમાં છીંડાં શોધી તેનો ઉપયોગ કરવો. આ ચૂંટણીમાં લોકપ્રતિનિધિધારાનું વારંવાર ઉલ્લંઘન મોદી કરતા રહ્યા, છેક છેલ્લા દિવસ સુધી, જ્યારે તેમણે મોબાઇલ, ફોન પર સંદેશ મોકલ્યા.
ઇન્દિરા ગાંધીએ ૧૯૭૧માં સંસદ ભંગ કરી તે દેશ માટે પહેલો પ્રસંગ હતો. તે પછી પાંચ વર્ષે ૧૯૭૬માં ચૂંટણી ન કરાવી તે ય બંધારણમાં કટોકટી અંગે જે કલમો હતી, તે હેઠળ કટોકટીની જાહેરાત પણ બંધારણમાંનું છીંડું જ હતું. કારણ કે દેશમાં એવી કોઈ પરિસ્થિતિ નહોતી ઊભી થઈ, જે આ કલમનો ઉપયોગ વાજબી ઠરાવે, આમે ય એ જાહેરાત પ્રધાનમંડળની મંજૂરી લેવાયા પહેલાં જ થઈ હતી, તેથી ગેરકાયદેસર હતી.1 વડાપ્રધાન કે વડાપ્રધાન બનવાની તમન્ના રાખનાર જો પોતે રાજ્યબંધારણ અથવા કાયદાઓ માન ન રાખે અને છીડાં શોધે તો પ્રજા પાસેથી વધુ વફાદારીની આશા કેમ રાખે ?
પોતા સાથે પ્રેમ
એક ગ્રીક દંતકથાનો નાયક નારસીસ સરોવરમાં પોતાનું પ્રતિબિંબ જોઈ પોતાના જ પ્રેમમાં પડી ગયો હતો. તેથી આ લક્ષણને ‘નારસીસિઝમ’ કહ્યું છે. ઇન્દિરા અને નરેન્દ્ર મોદી પણ આ જ લક્ષણથી ગ્રસ્ત હતાં / છે. ગુજરાતની ચૂંટણીમાં પહેલી વાર મહોરાંનો ઉપયોગ થયો. (શ્રોતાઓને જોઈને ભાષણ આપવા કરતાં પોતાને જોઈને બોલવું સહેલું થતું હશે !) ત્રિ-પરિમાણી હોલોગ્રામથી પણ પોતે જ બધે પહોંચવું એ સારી ભાવના છે, પણ આ નવી નથી. ઇન્દિરા ગાંધીએ કટોકટીમાં પોતાનાં ચિત્રોની મૅગેઝિનો લહાણી કરાવ્યા પછી દેશમાં સેંકડો ‘લો પાવર ટ્રાન્સમીટર બેસાડી, રંગીની ટેલિવિઝન પર દર્શન દેવું પસંદ કરેલું.’ જોકે ટેલિવિઝનનાં ઇન્ટરવ્યૂ કે ભાષણોમાં એ મોદીની જેમ પોતાનું જ નામ વારંવાર ઉચ્ચારતાં ન હતાં !
નારસીસિઝમમાંથી જ કદાચ એક બીજી માનસિકતા વિકસતી હશે – તે પોતા પ્રત્યે ધ્યાન આકર્ષિત કરવાની. બાળકોમાં જેને attention seeking attitude કહે છે, તેવો અભિગમ આ બંનેમાં છે. તેમ કરતાં ક્યારેક નાટકનું તત્ત્વ પણ પેસી જાય ખરું. પ્રિયંકા ગાંધીની ‘નીચી કક્ષા’એ જ રાજનીતિ કરવાના આરોપને ઝડપી લઈ કેવો ‘નીચી જાતિ’ના આરોપમાં બદલી નાંખ્યો! ઇન્દિરા ગાંધી સભાઓને ઘણીવાર બરાડી બરાડીને કહેતાં કે ‘યહ લોગ મેરી હત્યા કરાના ચાહતે હૈં.’ ૧૯૭૭-’૮૦ના રાજકીય વનવાસ દરમ્યાન બેલછી નામે ગામમાં એક દલિતની હત્યા થઈ, તો હાથી પર બેસી એ ગામની મુલાકાતે ગયેલા તેમના પ્રથમ શાસનકાળ દરમિયાન ધડાકાભેર જાહેરાતોથી પ્રજાને ચોંકાવતા રહીને જ રાજ્ય કરેલું. કમનસીબે, હજુ લગી લોકો આવાં નાટકિયાવેડાંના પ્રભાવમાં આવી જાય છે.
હકારાત્મક સામ્યતા
આટલાં અનિચ્છનીય સામ્ય જોયા બાદ એક-બે ઉપયોગી સામ્ય પણ ગણાવવાં જોઈએ. બંનેની વહીવટી તંત્ર ઉપર પકડ સારી છે. ઇન્દિરા ગાંધીને તો એ વાતાવરણમાં ઊછરવાનો મોકો મળેલો, પરંતુ નરેન્દ્ર મોદીએ આ ક્ષમતા સંઘમાં કામ કરતા સ્વબળે મેળવી હતી. તે માટે પ્રશંસાને સ્થાન છે. તે રીતે બંને સારાં tactician – વ્યૂહરચનાકાર – નરેન્દ્ર મોદીએ તેનો ઉપયોગ માત્ર મહત્ત્વાકાંક્ષા માટે કર્યો. ઇન્દિરાએ શરૂઆતમાં તો આ ગુણનો ઉપયોગ રાજકીય કાવાદાવા ખેલવામાં જ કર્યો, પરંતુ જરૂર પડી ત્યારે દેશનાં હિતમાં વિદેશનીતિમાં તેનો સારો ઉપયોગ કર્યો. બાંગ્લાદેશની મુક્તિ તેનું જાણીતું ઉદાહરણ છે. ઍન્ટાર્કિટકા ઉપર આપણું કાયમી મથક સ્થાપવા જેવાં કેટલાંક વૈજ્ઞાનિક પગલાં પણ દૂરંદેશીવાળાં હતાં.
એમ તો ધર્મનો રાજકારણમાં ઉપયોગ કરવા બાબતે પણ બંનેમાં સામ્ય છે. પરંતુ અહીં બે મુદ્દા જુદા છે : એક કે આ કામ નરેન્દ્ર મોદીએ ઇન્દિરા ગાંધીમાંથી પ્રેરણા લઈને નથી કર્યું, એ પોતાની સંસ્થામાંથી વ્યવસ્થિત રીતે શીખીને આવ્યા છે. તો આ બાજુ ઇન્દિરાએ આ કામ આજની કૉંગ્રેસની જેમ અણઘડતાથી ન કર્યું. અંગ્રેજીમાં શબ્દ છે, subtle – તેમ સૂક્ષ્મ સંવેદનથી એ કરી ગયાં. મુસ્લિમો અને ખ્રિસ્તીઓ ૧૯૬૭ સુધી ક્રમશઃ દેશના મૂળ પ્રવાહમાં ભળી જવામાં હતા, ત્યાં તેમણે દરમિયાનગીરી કરી, એમની નીતિ અને ઉચ્ચારણોથી એ પાછા અલગ પડી ગયા અને છતાં આ કોણે કરાવ્યું તે ખબર ન પડી. નરેન્દ્ર મોદી માટે જરૂરી રહ્યું છે કે એ આ જ ખુલ્લંખુલ્લાં કરે, તો જ તેનો રાજકીય હેતુ સરે.
તફાવતો
આમ તો આ લેખનો હેતુ એ દર્શાવવાનો હતો કે નરેન્દ્ર મોદીની કાર્યશૈલી એમને ન ગમતી કૉંગ્રેસના જ એ મુખ્ય નેતાને મળતી આવે છે. પરંતુ આટલું કર્યા પછી બંનેનાં વ્યક્તિત્વના કેટલાક તફાવતો પણ બતાવવા જોઈએ :
૧. જાહેરસભાઓમાં ઇન્દિરા ગાંધી નાટકીય તત્ત્વ લાવતાં અને જરૂર પડે ઉશ્કેરાટથી અવાજ પણ ચડાવતાં. પરંતુ ભાષાનું ગરિમાસ્તર જાળવતાં. હલકા કે દ્વિઅર્થી શબ્દો, હુલામણાં કે અપમાનજનક નામો આપવાં, અંગત પ્રહાર કરવા એ બધું નરેન્દ્ર મોદીનું આપબળે શીખેલું છે, જેનું શ્રેય ઇન્દિરા ગાંધીને ન આપી શકાય.
૨. ઇન્દિરા ગાંધીમાં એક અસુરક્ષાની ભાવના હતી (paranoia). જેને લઈને તે સામા ઉપર પ્રહાર કરતાં. તેથી ઊલટું મોદી હંમેશાં આત્મવિશ્વાસમાં હોય છે. એ જો કોઈ પણ પ્રહાર કરે, તો તે ગણતરીથી હોય છે, ભયથી નહીં. (કદાચ એ સામા માણસને અસુરક્ષાની ભાવના અપાવતા હશે ?)
૩. ઇન્દિરા ગાંધીની આસપાસ જી-હજૂરિયાઓની એક રિંગ રહેતી (જેમાં મુખ્યત્વે પંજાબીઓ હતા). તેને પાર કરવા બધાં માટે શક્ય ન હતું. નરેન્દ્ર મોદીનો વિકાસ ગ્રાસરૂટ સંસ્થામાં થયો હોવાથી આવા હજૂરિયા તેમની ઇચ્છા વિના જમા ન થઈ શકે અને બહારની દુનિયાથી તેમને કાપી ન નાંખી શકે.
ઉપસંહાર
આવા થોડા તફાવતો ન ગણતાં નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ અને કાર્યશૈલી જાણે ઇન્દિરા મૉડેલ પર જ ઘડાયાં છે તેમ દેખાય છે. જે પરિવારનો વિરોધ તેમનાં હાડમાં ઊંડે સુધી છે, તેના જ એક વડીલના જેવું પોતાનું વર્તન છે, તેવો કદી તેમને ખ્યાલ આવ્યો હશે ? અહીં એક બાજુ વાત સાબિત થાય છે કે સોનિયા ગાંધીએ પોતાનાં સાસુના પ્રભાવમાંથી પક્ષને છોડાવી લીધો છે. તેમનું પોતાનું વ્યક્તિત્વ પણ મહત્ત્વકાંક્ષા, કપટ કે નાટકબાજીથી ઉપર છે. કદાચ તેથી જ નરેન્દ્ર મોદી તેમને પ્રથમ દુશ્મન માને છે !
1. નવી પેઢીના વાચકોને કટોકટીની પશ્ચાદ્દભૂ ખબર ન હોય તો સંક્ષેપમાં તેનો ઇતિહાસ કરીએ : 1966માં શાસ્ત્રીજીના મૃત્યુ પછી ત્યારના કૉંગ્રેસ નેતાઓએ મોરારજીભાઈનો દાવો અવગણી ઇન્દિરા ગાંધીને વડાં પ્રધાનપદે બેસાડ્યાં, પરંતુ 1967ની ચૂંટણીમાં કૉંગ્રેસનો દેખાવ નબળો થયો. સત્તામાં રહેવા માટે હવે ડાબેરીઓનો ટેકો જરૂરી હતો. પોતાની ડાબેરી હોવાની છાપ ઊભી કરવા ઇન્દિરા ગાંધીએ બૅંકોનું રાષ્ટૃીયકરણ કર્યું, રાજાઓનાં સાલિયાણાં બંધ કર્યાં અને રાષ્ટૃપતિની ચૂંટણી માટે પક્ષના સત્તાવાર ઉમેદવાર સંજીવ રેડ્ડીની સામે મજૂરનેતા વી.વી. ગિરિને પોતાના ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા. 1969માં કૉંગ્રેસના બે ટુકડા થયા. ત્યાર બાદ 1971ની ચૂંટણી, બાંગ્લાદેશ યુદ્ધ, પ્રચંડ ભાવવધારો અને છેલ્લે જયપ્રકાશ આંદોલન આવ્યાં. તેમાં ઉમેરાયો અલાહાબાદ હાઇકોર્ટનો ચૂકાદો, જેથી ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ જાહેર થઈ તે સાથે લોકશાહી અૌચિત્યની રીતે કામ ન લેતાં ઇન્દિરાજીએ કટોકટી લાદી પોતાની સત્તા જાળવવાનો રાહ લીધો હતો.
ફ્લેટ નં. ૩, પ્લોટ-૧૧૦, સેક્ટર-૨૮, વસઈ (નવી મુંબઈ) – ૪૦૦ ૭૦૩
સૌજન્ય :”નિરીક્ષક”, 01 નવેમ્બર 2014, પૃ. 06 – 07 અને 10