વિડંબના જુઓ! મુસલમાનોને, અન્ય વિધર્મીઓને, નાસ્તિકોને અને આધુનિકોને ગાંધીજી વધારે પડતા હિંદુ લાગતા હતા, તો હિન્દુત્વવાદીઓને અર્થાત્ હિંદુ કોમવાદીઓને ગાંધીજી હોવા જોઈએ એનાથી ઓછા હિંદુ લાગતા હતા. દલિતોને અને સામાજિક સમાનતાના આકરા પુરસ્કર્તાઓને ગાંધીજી મનુવાદી કહી શકાય એટલા સનાતની સવર્ણ હિંદુ લાગતા હતા તો સનાતની સવર્ણ હિંદુઓને ગાંધીજી સુધારક લાગતા હતા. સામ્યવાદીઓને ગાંધીજી જોઈએ એટલી સમાનતામાં નહીં માનનારા ઓછા સમાજવાદી પણ વધુ મૂડીવાદી બુર્ઝવા લાગતા હતા, તો જમીનદારો અને મૂડીવાદીઓને ગાંધીજી સંગ્રહ વિરોધી સમાજવાદી લાગતા હતા. રસ્તા ઉપર ઉતર્યા વિના સુવિધાપરસ્ત જિંદગી જીવીને આવેદન-નિવેદનનું રાજકારણ કરનારા લોકોને ગાંધીજી જહાલોમાં પણ જહાલ લાગતા હતા તો પોતાને ક્રાંતિકારી તરીકે ઓળખાવનારાઓને ગાંધીજી અહિંસામાં માનનારા પોચટ વિનીતોમાં પણ વિનીત લાગતા હતા. વ્યવહારવાદીઓને ગાંધીજી અવ્યવહારુ આદર્શવાદી લાગતા હતા પણ પાછા પોતાને ચતુર વ્યવહારુ સમજનારાઓ ગાંધીજી સામે ચિત્ત થતા હતા. જનમાનસને એટલી હદે પ્રભાવિત કરે અને એટલી હદે આંદોલિત કરે કે વ્યવહારકુશળ પ્રભાવી નેતા કલ્પના પણ ન કરી શકે.
આવું કેમ બની શકે? દરેક માણસને ગાંધી નામનો એક જ માણસ અલગ અલગ કેમ ભાસી શકે? લોકમાન્ય તિલક જેટલા પણ હિંદુ હતા એટલા દરેકને એક સરખા હિંદુ નજરે પડતા હતા. ગોપાલકૃષ્ણ ગોખલે જેટલા સુધારક હતા એટલા દરેકને એક સરખા સુધારક નજરે પડતા હતા. ભગતસિંહ જેટલા ક્રાંતિકારી હતા એટલા દરેકને એક સરખા ક્રાંતિકારી નજરે પડતા હતા. ડૉ. આંબેડકર જેટલા સમાનતાવાદી હતા એટલા દરેકને એક સરખા સમાનતાવાદી નજરે પડતા હતા. ગાંધીમાં એવું શું હતું કે તે દરેકને દરેક બાબતમાં ઓછાવત્તા નજરે પડતા હતા?
આમ બનવાનાં બે કારણ હતાં. એક તેમની સત્યનિષ્ઠા અને બીજી તેમની ખુદવફાઇ. અસ્પૃશ્યતાનું પાલન હિંદુ ધર્મનું કલંક છે, એમ કહે એટલે સનાતનીઓને વાકું પડે. વર્ણાશ્રમ તેના મૂળ સ્વરૂપમાં આદર્શ વ્યવસ્થા હતી અથવા સફાઈ અને ચમારકામ જેવા બાપીકા ધંધાને અપનાવાવામાં કાંઈ ખોટું નથી, એમ કહે એટલે દલિતોને વાંકુ પડે. હિંદુ ધર્મ સંપૂર્ણ અને શ્રેષ્ઠ નથી અને તેનામાં ઘણી ખામી છે, એમ કહે એટલે હિંદુ કોમવાદીને તેમ જ હિંદુ ધર્માભિમાનીને વાંકુ પડે. હું સનાતની હિંદુ છું અને હિંદુ ધર્મે અને હિંદુ દર્શને મારું ઘડતર કર્યું છે એટલું જ નહીં હું હિંદુ હોવા માટે ગર્વ અનુભવું છું, એમ કહે એટલે વિધર્મીઓને અને આધુનિકોને વાંકુ પડે. શ્રમ કર્યા વિના ખાવું અને જરૂરથી વધારે સંઘરવું એમ કહે એટલે મૂડીવાદીઓને વાંકુ પડે અને રાજ્ય દ્વારા અંકુશો લાદવા એ ખોટું છે એમ કહે એટલે સામ્યવાદીઓને વાંકું પડે.
ગાંધીજીએ આવા વિરોધાભાસોની ચિંતા નહોતી કરી એનું કારણ તેમની સત્યનિષ્ઠા હતી. તેમને ખબર હતી કે તેને કારણે તેમને બન્ને બાજુએથી માર પડી રહ્યો છે. દલિતો પણ ઝૂડે અને સનાતનીઓ પણ ઝૂડે. સેક્યુલારિસ્ટો પણ ઝૂડે અને કોમવાદીઓ પણ ઝૂડે. મૂડીવાદીઓ પણ ઝૂડે અને સમાજવાદી/સામ્યવાદીઓ પણ ઝૂડે. આધુનિકો પણ ઝૂડે અને પરંપરા સંરક્ષક જુનવાણીઓ પણ ઝૂડે. વિનીતો પણ ઝૂડે અને ક્રાંતિકારીઓ પણ ઝૂડે. એવું નહોતું કે બીજા નેતાઓને જે તે ધર્મની, જ્ઞાતિની, સમાજવાદની, મૂડીવાદની, ભાષા અને પ્રાંત જેવી અસ્મિતાઓની મર્યાદાઓની જાણ નહોતી. તેઓ વિસંગતિ ટાળવા માટે અને સાતત્ય જાળવવા માટે એટલું જ અને એવું જ બોલતા હતા, જે તેમની ભૂમિકાને સુસંગત હોય. તેઓ વકીલની જેમ પોતાનો પક્ષ રાખે અને વકીલની જેમ પોતાના પક્ષને અનુકૂળ ન હોય ત્યાં આંખ આડા કાન કરીને મૂંગા રહે. તેઓ પોતાની ભૂમિકાએ રહીને કાં બીજા ઉપર આરોપ કરે અથવા પોતાનો બચાવ કરે. ગાંધીજી એક સત્યનિષ્ઠ સાક્ષી તરીકે જે તે વિષયોને જોતા હતા અને પોતાને જે સમજાય કે ભળાય તે કહેતા હતા. તેમણે પ્રયત્નપૂર્વક પરાણે સાતત્ય જાળવવાનો પ્રયાસ નહોતો કર્યો.
આ રીતે સત્યનિષ્ઠા સાથે બીજું કારણ હતું તેમની ખુદવફાઇ. જે સત્ય લાગે તે જ કહેવું અને તેને જ અપનાવવું. દુનિયા સ્વીકારે કે ન સ્વીકારે. ગાંધીજીએ અનેકવાર કહ્યું છે કે તેમને એકલા પડી જવાનો ડર નથી લાગતો. આખી દુનિયા એક તરફ અને હું એક તરફ એવી સ્થિતિ પેદા થાય તો પણ હું વિચલિત નથી થતો, એમ તેમણે અનેક વાર કહ્યું છે. ગાંધીજીએ કહ્યું છે કે નવું સત્ય સમજાય તો એ જ ઘડીએ અભિપ્રાય બદલવામાં અને નવું સત્ય સ્વીકારવામાં તેમને ડર નથી લાગતો પછી ભલે દુનિયા તેમને ઢોંગી અને જૂઠાડા કહે.
ગાંધીજીના આવા સત્યનિષ્ઠ વલણના કારણે જે રાજકીય પરિણામ આવ્યું એ અહીં ધ્યાનપૂર્વક સમજવાની જરૂર છે. ભારતીય સમાજની વિસંગતિઓ, વિરોધાભાસો, જટિલતાઓ, ચહેરાઓ, અનેક પ્રકારની સામાજિક રંગછટાઓ તેમણે એના એ સ્વરૂપમાં નગ્ન આંખે જોઈ, સમજી, તપાસી, કેટલીક સ્વીકારી અને કેટલીક નકારી. તેમણે ભારતીય સમાજની જટિલતાઓનું ચોક્કસ એક ભૂમિકાએથી એ ભૂમિકાને માફક આવે એ રીતે સરળીકરણ નહોતું કર્યું. વકીલ બનવાની જગ્યાએ સાક્ષી તરીકે આ દેશને જોયો અને એક સાક્ષીને જેવો દેશ નજરે પડ્યો એવો રાજકીય અભિગમ અપનાવ્યો.
કેવો દેશ નજરે પડ્યો? વિરોધાભાસોથી ગ્રસ્ત. અપવાદ વિના આ દેશમાં દરેક પાસે ગર્વ લેવા જેવું કેટલુંક શુભ છે અને અપવાદ વિના દરેક પાસે શરમાવું પડે એવું અશુભ પણ છે. કેટલુંક છોડવા જેવું છે અને કેટલુંક જાળવી રાખવા જેવું છે. બ્રાહ્મણ આખેઆખો ખરાબ નથી અને દલિત આખેઆખો દોષ વિનાનો નથી. દલિત આખેઆખો નીચ નથી અને બ્રાહ્મણ આખેઆખો શ્રેષ્ઠ નથી. આવું જ હિંદુ ધર્મની બાબતમાં, ઇસ્લામની બાબતમાં, અન્ય જ્ઞાતિઓની બાબતમાં, સમાજવાદ અને મૂડીવાદની બાબતમાં, પ્રાંતો અને ભાષાઓની બાબતમાં, ભારત અને ઇંગ્લેન્ડની બાબતમાં.
આનું રાજકીય પરિણામ એ આવ્યું કે જે તે સમાજવિશેષનું તેના નેતાઓને માફક આવે એવું સરળીકરણ કરનારું રાજકારણ પરાસ્ત થવા લાગ્યું. અમે વિકટીમ અને તમે વિલન એવું સરળીકરણ મુશ્કેલ થઈ ગયું. ઝીણા હોય કે સાવરકર, માલવિયા હોય કે આંબેડકર, બિરલા હોય કે એસ.એ. ડાંગે, તેજબહાદુર સપ્રુ હોય કે ભગતસિંહ, હિન્દી સાહિત્યકાર હોય કે તમિળ સાહિત્યકાર દરેકને અમે વિકટીમ તમે વિલનવાળી ભૂમિકા છોડવી પડી. જેમણે નહોતી છોડી તેઓ ગાંધીજીના કારણે એકલા પડી ગયા અને પરાસ્ત થયા. હવે સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે ગાંધીજીને ગાળો શા માટે આપવામાં આવે છે. આજે જે લોકો પોતપોતાના સમાજવિશેષનું અમે વિકટીમ તમે વિલનવાળું સરળીકરણ કરીને રાજકારણ કરે છે અથવા કરવા માગે છે અથવા તેનું સમર્થન કરે છે, તેમના પૂર્વસૂરિઓ ભૂતકાળમાં ગાંધીજી સામે પરાસ્ત થયેલા છે. એનો ચરચરાટ તેઓ ભૂલ્યા નથી.
ગાંધીજીના રાજકારણનું બીજું રાજકીય પરિણામ એ આવ્યું કે સમાજવિશેષની જગ્યા વ્યક્તિએ લીધી અને વિક્ટીમ તેમ જ વિલનની જગ્યા સમાજનિરપેક્ષ મૂલ્યોએ લીધી. ભારતનાં બંધારણના કેન્દ્રમાં સમાજ નથી નાગરિક છે અને સમાજનિરપેક્ષ મૂલ્યો છે. અત્યારે ભારતના બંધારણ ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે, એનું કારણ પણ તમને હવે તમને સમજાઈ ગયું હશે. ભારતનું બંધારણ હિંદુ માટે નથી, નાગરિક માટેનું છે એ તેમની પીડાનું કારણ છે.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 03 જાન્યુઆરી 2021