૨૦૨૧ના વિશ્વ જળ દિવસે (૨૨મી માર્ચ) વડા પ્રધાનની ઉપસ્થિતિમાં કેન-બેતવા નદી જોડાણ પરિયોજનાનો આરંભ કરવાના કરાર પર ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીઓના હસ્તાક્ષર થયા હતા. રૂ. ૪૪,૬૦૫ કરોડના અંદાજિત ખર્ચના કેન-બેતવા રિવર લિકિંગ પ્રોજેકટ માટે ૨૦૨૨-૨૩ના કેન્દ્રીય અંદાજપત્રમાં રૂ.૧,૪૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ કેન્દ્રએ અગાઉ મંજૂર કરેલ મહારાષ્ટ્ર અને ગુજરાતની પાર-તાપી-નર્મદા નદી જોડાણ પ્રકલ્પના વિરોધમાં દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ હાલમાં આંદોલન કરી રહ્યા છે. એટલે નદી જોડાણ પરિયોજનાના લાભાલાભ અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
આધુનિક ભારતની અકલ્પનીય અને વિશાળ એવી નદી જોડાણ પરિયોજના દ્વારા પાણીની સમસ્યાનો ઉકેલ આણવાનો ખ્યાલ છે. જળ સમૃદ્ધ નદીઓનું પૂરનું વધારાનું પાણી બંધો અને જળાશયો રચી, નદીઓનું જોડાણ કરી, નહેરો દ્વારા સૂકી કે ઓછું પાણી ધરાવતી નદીઓમાં ઠાલવવામાં આવશે. મધ્ય પ્રદેશમાંથી નીકળતી અને ઉત્તર પ્રદેશમાં યમુના નદીમાં મળી જતી કેન અને બેતવા યમુનાની સહાયક નદીઓ છે. બુંદેલખંડની જળ સમસ્યાના નિરાકરણ માટે જળસમૃદ્ધ કેન નદીનું પાણી મધ્ય પ્રદેશના પન્ના નજીકથી ઉઠાવીને એક બંધમાં સંગ્રહિત કરવામાં આવશે અને ૨૨૧ કિલોમીટર લાંબી નહેર મારફતે ઉત્તર પ્રદેશના ઝાંસી પાસે ઓછું પાણી ધરાવતી બેતવા નદીમાં ઠાલવવામાં આવશે. આ પ્રકારે દેશની ૩૪ નદીઓનું જોડાણ કરવાનું વિચારાયું છે.
ભારતમાં નદીઓનાં જોડાણનો સૌ પ્રથમ વિચાર અંગ્રેજ શાસનકાળમાં ઉદ્દભવ્યો હતો. ઈ.સ. ૧૮૫૮માં મદ્રાસ પ્રેસિડેન્સીના ચીફ એન્જિનિયર સર આર્થર થોમસ કાર્ટને ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વધુ બંદરોનો લાભ મળે અને તેના વિદેશી માલના પરિવહનનો ખર્ચ બચે તે માટે નદીઓનાં જોડાણનો વિચાર આપ્યો હતો. આઝાદ ભારતમાં ગઈ સદીના સાતમા દાયકે તત્કાલીન સિંચાઈ મંત્રી કે.એલ. રાવે ગંગા-કાવેરી નદીનાં જોડાણની યોજના વિચારી હતી. ઉત્તર ભારતની તુલનાએ દક્ષિણ અને મધ્ય ભારતમાં પાણીની અછત રહે છે. તેથી ઉત્તરની નદીઓનું પાણી દક્ષિણ ભારતમાં લઈ જવાની યોજના હતી. પરંતુ વિચારણાના અંતે આ યોજના નાણાકીય દૃષ્ટિએ અતિ ખર્ચાળ, તકનીકી દૃષ્ટિએ અવ્યવહારુ અને બિનઉપયોગી જણાઈ હતી.
સર્વોચ્ચ અદાલતે ૨૦૦૨માં જાહેર હિતની અરજી પરના ચુકાદામાં ભારત સરકારને નદીઓનાં જોડાણની યોજના અંગે ગંભીરતાથી વિચારવા અને અમલ કરવા જણાવતાં આ યોજનામાં ગતિ આવી હતી. જો કે તે પૂર્વે નેશનલ વોટર ગ્રીડની રચનાનો પ્રસ્તાવ થઈ ચૂક્યો હતો અને નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સીની રચના પણ થઈ હતી. ૨૦૦૨માં અટલબિહારી વાજપાઈના નેતૃત્વ હેઠળની એન.ડી.એ. સરકારે તેમની કેબિનેટના સાથી સુરેશ પ્રભુના અધ્યક્ષપદે ટાસ્ક ફોર્સની રચના કરી હતી. આ ટાસ્ક ફોર્સે નદીઓનાં જોડાણ માટે રૂ. ૫,૬૦,૦૦૦ કરોડના ખર્ચનું અનુમાન લગાવ્યું હતું. યુ.પી.એ. સરકારે નદી જોડાણ પરિયોજના અંગે કોઈ ખાસ પગલાં લીધાં નહોતા. હવે વર્તમાન સરકાર આ પરિયોજના અંગે આગળ વધી રહી છે.
છેલ્લી દોઢ સદીથી ચર્ચાતો અને નક્કર અમલની રાહ જોતો નદી જોડાણનો વિચાર વિરોધીઓને દિવાસ્વપ્ન તો સમર્થકોને જાદુઈ ચિરાગ લાગે છે. નદી જોડાણ પરિયોજનાના તરફદારો તેના ભારતના સઘળા દુ:ખોની દવા જેટલા લાભ ગણાવે છે : આ પ્રકલ્પથી પીવાનાં અને સિંચાઈનાં પાણીનો પ્રશ્ન ઉકલી જશે. નદીઓના પૂરનું અધિશેષ પાણી સ્થળાંતરિત કરીને યોગ્ય સ્થળે પહોંચાડીને પૂર નિયંત્રણ તો થશે જ દુકાળમાં પણ રાહત મળશે. સિંચાઈ યોગ્ય જમીનમાં ૧૫ ટકાનો વધારો થશે તેથી ખેડૂતોની આવક વધશે અને ખેતકામદારોને રોજી મળશે. જળપરિવહન વધતાં પ્રવાસનને વેગ મળશે. જળવિદ્યુતનું ઉત્પાદન થશે. લોકોની આર્થિક સ્થિતિ સુધરશે અને સમૃદ્ધિ આવશે. દરિયામાં નિરર્થક વહી જતાં પાણીને અન્ય નદીઓમાં સ્થળાંતરિત કરાતાં નદીઓનાં જળનો અધિકતમ ઉપયોગ થશે. ભૂગર્ભ જળ ઊંચાં આવશે. વનીકરણ અને મત્સ્યોધ્યોગનો વિકાસ થશે.
નદી જોડાણના વિરોધીઓ તેને ભ્રષ્ટ સરકારી અધિકારીઓ અને રાજનેતાઓની સાંઠગાંઠ ગણાવે છે. ૨૦૦૨માં આ યોજનાનો ખર્ચ ૫.૬૦ લાખ કરોડ અંદાજાયો હતો જે આજે વધીને ૧૦ લાખ કરોડ થયો છે. સરકાર આટલો મોટો ખર્ચ વહન કરી શકે નહીં તેથી ખાનગી ક્ષેત્રનો પ્રવેશ થશે. મૂળ દેવાનું વરસે ૨૦થી ૨૫ હજાર કરોડ વ્યાજ થશે. યોજનાનો લાભ ૨૫ કે ૩૦ વરસે મળશે. ત્યાં સુધી સમસ્યા વકરશે અને ખર્ચ વધશે. પાણી રાજ્યનો વિષય છે. અને અનેક રાજ્યો વચ્ચે સહિયારાં પાણીનો વિવાદ પ્રવર્તે છે તેથી રાજ્યોની સંમતિ વિના યોજનાનો અમલ શક્ય નથી આંતરરાજ્ય અને કેટલીક આંતરરાષ્ટ્રીય (નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન) સંમતિની પણ આવશ્યકતા રહેશે.
કેટલાક નિષ્ણાતોના મતે આ પરિયોજના હાનિકારક જ નહીં વિનાશક પણ નીવડી શકે છે. કુદરત સાથેની આ રમત માણસજાતને મોંઘી પડી શકે છે. નદીઓની ભૂર્ગભીય સ્થિતિ, કાંપની માત્રા, નદીમાં જીવતી અને તેની પર આધારિત જીવસૃષ્ટિ અને પર્યાવરણીય અસરોને ધ્યાનમાં રાખ્યા વિના કે તેની ઉપેક્ષા કરીને અમલ કરતાં નુકસાન થઈ શકે છે. નદીઓનાં પાણીની દિશા નહેરો દ્વારા ફેરવવાનું ખતરનાક છે. નદીઓનાં વધારાનાં પાણીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તેનો અને જે નદીમાં પૂરનું વધારાનું પાણી ઠાલવવાનું છે તે નદીમાં પણ પૂર આવેલું હોઈ શકે તેનો વિચાર થયો નથી. જળ સંસાધન સાથે સંકળાયેલ કોઈ પણ નિષ્ણાત પૂર નિયંત્રણ માટે નદી જોડાણનો વિચાર માન્ય રાખતા નથી. છેક ઉત્તરની નદીઓનું પાણી ઊચે ચઢાવીને દક્ષિણમાં લઈ જવામાં થનારો વીજળીનો વપરાશ અને મળનારા લાભની તુલના કરતાં ખોટ જ દેખાય છે. આવું હાલ હયાત બંધોનું પણ છે. ખુદ નીતિ આયોગનો અભ્યાસ સતલજ યમુના લિંક નહેરનો ફાયદો ન થયાનું જણાવે છે.
વિસ્થાપન, ભૂમિ અધિગ્રહણ અને વૃક્ષોનું છેદન પણ આ પરિયોજનાનું અગત્યનું વિચારણીય પાસું છે. કેન-બેતવા પરિયોજનામાં પન્ના જિલ્લાની ૫,૨૫૮ હેકટર વનભૂમિ સાથે ૯,૦૦૦ હેકટર જમીન ડૂબમાં જવાની છે. ૧૮થી ૨૧ લાખ વૃક્ષો કપાવાનાં છે. પાર-તાપી-નર્મદા લિંક યોજનાથી ૧૦ લાખ આદિવાસીઓ અસરગ્રસ્ત થવાની દહેશત છે. આ તો હિમશીલાનું ટોચકું જ છે.જ્યારે ત્રણ ડઝન જેટલી નદી જોડાણ પરિયોજનાઓ હાથ ધરાશે ત્યારે કેટલા મોટા પાયે જમીન, વૃક્ષો અને માનવીઓને સહન કરવાનું આવશે તેનો કોઈ અંદાજ આવી શકતો નથી.
વિકાસ યોજનાઓનો ભોગ ગરીબો અને આદિવાસીઓ બનતા રહે છે અને સમૃદ્ધ વર્ગ તેનો લાભ લઈ વધુ સમૃદ્ધ થાય છે આ વલણ આઝાદીના અમૃતકાળમાં પણ યથાવત્ છે તે ભારતીય લોકતંત્રની બલિહારી ગણાય. અમેરિકા સહિત દુનિયાના અન્ય દેશોને નદી જોડાણનાં માઠાં પરિણામો ભોગવવાં પડ્યાં છે. તે અનુભવો પણ આપણે લક્ષમાં લેવા જોઈએ.
e.mail : maheriyachandu@gmail.com