Opinion Magazine
Opinion Magazine
Number of visits: 8397372
  • Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
  • About us
    • Launch
    • Digitisation
    • Opinion Online Team
    • Contact Us

નાટ્ય અદાકારીમાં છુપાયેલું એક વિચારશીલ અને વિનમ્ર વ્યક્તિત્વ એટલે પોલ બેઝલી

આશા બૂચ|Gandhiana|27 June 2022

“મહાત્મા ગાંધીનો પાઠ ભજવવો એ મારા જીવનની દિશા બદલનારી ઘટના છે.”

— પોલ બેઝલી 

નેશનલ થિયેટર કંપનીએ ઓલિવિયર થિયેટરમાં તારીખ 12 મેથી 18 જૂન સુધી The Father and the Assassin નાટક ભજવ્યું. ગાંધીજીની હત્યા વિષે તેમાં નિરૂપણ થયું છે.

ભારતનાં વિખ્યાત અને બ્રિટનનાં રેસિડેન્ટ નાટ્યલેખિકા અનુપમા ચંદ્રશેખર લિખિત અને ઇંધુ રૂબસિંઘમ્‌ દ્વારા દિગ્દર્શિત આ નાટક તેના શીર્ષક માત્રથી કુતૂહલ જગાવે છે. ફાધર, કોના ફાધર? હત્યા કોણે અને કોની કરી? શા માટે કરી? આવા અનેક સવાલો થાય. જો ફાધર ઓફ ધ નેશન એવું શીર્ષક અપાયું હોત તો રહસ્ય ઉદ્ઘાટિત થઇ ગયું હોત.

પ્રસ્તુત નાટકનો નાયક ગોડસે છે, પણ આપણે વાત માંડવી છે ગાંધીનો પાઠ ભજવનાર પોલ બેઝલીની.

‘Where does it come from’ નામના યુનાઇટેડ કિંગ્ડમસ્થિત સંગઠનના સ્થાપક જો સોલ્ટર દ્વારા આયોજિત પોડકાસ્ટ આ લેખની  માહિતી માટેનો આધારભૂત સ્રોત છે, એથી પહેલાં એ સંગઠન વિષે થોડું જાણીએ. ‘Where does it come from’ એ એક ઔદ્યોગિક સાહસ સંગઠન છે જે આપણા શરીર માટે લાભદાયી હોય અને પૃથ્વીને પણ સંભાળે તેવાં વસ્ત્રોનાં વેંચાણનું કાર્ય કરે છે. એ વસ્ત્રો વિશેની તમામ જાણકારી આપવામાં આવે છે. ખેતરમાં ઊગતા કપાસથી માંડીને કાપડની બનાવટ સુધી, તથા તેના કારીગરો અને વપરાતા માલ વિષે પૂરી પારદર્શકતા રાખવામાં આવે છે.

આ પોડકાસ્ટમાં ત્રણ વ્યક્તિઓ જો સોલ્ટર, નાટ્ય અદાકાર પોલ બેઝલી અને આશા બૂચ વચ્ચે વાર્તાલાપ થયેલો જેનો મુખ્ય આશય હતો આ નાટકના સંદર્ભમાં ગાંધીજીનાં મૂલ્યો, ખાસ કરીને ખાદી, ગ્રામોદ્યોગ અને વિકેન્દ્રીકરણ અને અહિંસા વિષે ચર્ચા કરવાનો.

પોતાની ઓળખ આપતાં પૉલે કહ્યું, તેનાં માતા-પિતા ચેન્નાઈથી આ દેશમાં આવ્યાં. તેનો જન્મ 60ના દાયકાના અંતે લંડનમાં થયો. તેમના પરિવારજનો ગાંધીજી વિષે વાતો કરતાં જાણે તેઓ તેમને ઓળખતા હોય. એ રીતે ગાંધીનું નામ તેમણે બચપણથી જ સાંભળેલું. પૉલે માન્ચેસ્ટર મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાં નાટ્યકલાની તાલીમ લીધી અને છેલ્લા ત્રણ દાયકાથી અદાકારીના વ્યવસાયમાં વ્યસ્ત રહે છે. તેમણે રેડિયો, ટેલિવિઝન, સ્ટેજ તેમ જ ફિલ્મોમાં કામ કર્યું છે તેમ જ ઓડિયો બુક્સ પણ બનાવી છે.

‘ધ ફાધર એન્ડ ધ એસાસીન’ નાટક વિષે માહિતી આપતાં પૉલે કહ્યું કે ચેન્નાઇ સ્થિત નાટ્ય લેખિકા અનુપમા ચંદ્રશેખર, કે જેઓ 2017થી લંડનના નિવાસી નાટયલેખિકાના પદ ઉપર રહીને કાર્યરત રહે છે તેમને ગાંધી અને ગોડસેના સંબંધોમાં રસ હોવાનું જણાયું છે. માનવીના મનમાં કટ્ટરપંથી વિચારો અને પરિણામે હિંસા કઈ રીતે વિકસે છે એ બતાવવાનો તેમનો હેતુ છે. આજે વિશ્વ આખામાં ધ્રુવીકરણ અને તેને કારણે થતી હિંસાનો ફેલાવો વધ્યો છે, ત્યારે ખાસ આ નાટકના વિષયવસ્તુની કિંમત છે. તેની વિશેષતા એ છે કે ગોડસેની આંખે તે સમયના બનાવોને જોવા તેનો દૃષ્ટિકોણ રજૂ કરાયો છે. નાટકની શરૂઆતમાં જ ગોડસે દર્શકોની આંખમાં આંખ પરોવીને કહે છે, “આ નાટકના અંતે તમે મારાં પૂતળાં મુકાવશો અને મારી પૂજા કરશો.” તેની તરફેણમાં ગોડસેની દલીલ એ છે કે તેણે ગાંધીને મારીને ભારતની હિન્દુ પ્રજા ઉપર ઉપકાર કર્યો છે. નાટ્યલેખિકા પોતાનું મંતવ્ય કોઈના પર થોપી બેસાડતાં નથી, દર્શકો કયા પક્ષને માન્ય રાખે છે એ તેમના પર છોડી દેવામાં આવ્યું છે. તત્કાલીન ભારત દ્વારા હાલના યુ.કે., યુરોપ, અને સમગ્ર દુનિયાના સમાજનું દર્શન તેમાં થાય છે.

સારાયે નાટકમાં કેટલાંક ડરામણાં અને જોતાં અસ્વસ્થ થઈ જવાય તેવાં દૃશ્યો છે, પરંતુ તેમાં વારંવાર રમૂજ પણ ઉમેરાઈ છે. આ નાટ્ય અદાકારનું માનવું છે કે રમૂજમાં માનવતાની ઝલક દેખાતી હોય છે.

ગાંધી તરીકે પાઠ ભજવવાની દરખાસ્ત વિષે પોતાની લાગણી વ્યક્ત કરતાં પૉલ પોતાના જીવનના કેટલાક તબક્કાઓ વર્ણવે છે. ડેવિડ એટનબરોની ફિલ્મ ‘ગાંધી’ પોતાના માતા-પિતા સાથે અને પછી ઘરમાં પણ અનેક વખત જોયાનું યાદ. ત્યારથી ‘ગાંધી’ બનવાના કોડ જાગ્યા. વીસ વર્ષથી ગાંધીને એક વ્યક્તિ તરીકે ઓળખ્યા અને તેમનાં આધ્યાત્મિક પાસાંઓ જાણ્યાં. આત્મકથા અને ‘હિન્દ સ્વરાજ’નું બબ્બે વખત પઠન, મનન કર્યું. પૉલના ધ્યાન યોગ શીખવનાર ગુરુ એકનાથ ઈશ્વરના પુસ્તક ‘ગાંધી ધ મેન’ ની ઓડિયો બુક કરી ત્યારે વધુ ઊંડાઈ માપી. એટલું જ નહીં, ગાંધી અને અહિંસા વિષે પદ્ધતિસર અભ્યાસ પણ કર્યો. ગાંધીને માત્ર રાજકારણી તરીકે જ નહીં, બલકે એક આધ્યાત્મિક પુરુષ તરીકે તેમના તત્ત્વજ્ઞાનના માધ્યમથી ઓળખ્યા.

નાટ્ય દિગ્દર્શક ઇંધુ રૂબસિંઘમ્‌ને માત્ર ગાંધી જેવા દેખાય તેવા નહીં, તેમના ચારિત્ર્યનું ન્યાયી ચિત્રણ કરી શકે તેવા અદાકારની શોધ હતી તે તેમને પૉલમાં મળી. નવાઈની વાત તો એ છે કે પૉલને અહેસાસ થયો કે આટલા દાયકાઓ વીતવા છતાં હજુ પણ જન જનના મનમાં ગાંધીની પ્રતિભા કાયમ છે. એ કહે છે, દુકાનદાર, સ્ટેશન પર મળનાર વ્યક્તિ, અરે, મારા ઘરની છત રીપેર કરવા આવનાર માણસ સુધ્ધાંએ પોતે ગાંધીને જાણે છે તેમ કહ્યું. આશ્ચર્ય જ થયું, પણ ના, નવાઈ ન લાગે કેમ કે એ ખરેખર વૈશ્વિક વિભૂતિ છે. દરેકની તેમને જોવાની દૃષ્ટિ અલગ છે, પરનું તેઓ આપણા બધાની સંસ્કૃતિમાં કાયમ માટેનું સ્થાન જમાવી ગયા એ નક્કી. તેઓ જે રીતે કપડાં પહેરતા, તેમણે જે કામ કર્યું અને જે સિદ્ધાંતો અને મૂલ્યો માટે જીવ્યા તેને કારણે ચિરકાળ સુધી યાદ રહેશે. એવા લોકો બહુ ઓછા છે. હિટલર જુદા કારણોસર યાદ રહેશે, ગાંધી તેનાથી તદ્દન વિપરીત કર્તવ્યો કરનાર તરીકે અમર થયા.

ડેસમંડ ટુટુ અને દલાઈ લામાને  કૈંક અંશે ગાંધીની આધુનિક પ્રતિકૃતિ ગણી શકાય તેમ પૉલનું માનવું છે. એ ત્રણેય વિભૂતિઓની ખાસિયત એ કે તેઓ વારંવાર રમૂજ કરે, બીજાને પ્રેમથી સ્પર્શે અને ખડખડાટ હસે અને બીજી જ ક્ષણે ઊંડી અધ્યાત્મ સંબંધી વાતો કરે. ગાંધી હંમેશાં હસતા અને તેમની આસપાસના તમામ લોકો પણ હસતા. તેઓએ એક વાર કહેલું, “જો હું હસું નહીં તો મારી જાતને મેં ક્યારની ખતમ કરી નાખી હોત.” એનું કારણ એ છે કે ગાંધી ગીતા બોધ ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન’માં શ્રદ્ધા ધરાવતા હતા. એટલે જ તો કદાચ તેમની આસપાસ આચરાતા સંહાર, કરવામાં આવતા હળાહળ અન્યાય અને અતિ ભયાનક સંયોગોમાં પણ તેઓ હસી શકતા અને સહુને પ્રેમ કરી શકતા.

‘ગાંધી’ને ચરખો કાંતતા શીખવવાની તક કેવી રીતે મળી અને કેવો અનુભવ થયો એ પ્રશ્નનો ઉત્તર આ મુજબ છે. આ લખનારને ખાદી લંડન તરફથી સંદેશ મળ્યો કે પ્રસ્તુત નાટક માટે ગાંધીનું પાત્ર ભજવનારને ચરખો કાંતતા શીખવવા જવાનું છે. આવા મોટા ગજાના સફળ કલાકારને મળતા સહેજે ક્ષોભ થાય. પણ સાતેક વર્ષની ઉંમરે કાંતતા શીખેલી, સાથી વિદ્યાર્થીઓ અને જરૂર પડ્યે શિક્ષકોને પણ શીખવતી આવેલી વ્યક્તિ માટે ખાદી અને રચનાત્મક કાર્યના ખ્યાલનો પ્રસાર કરવાની તક જતી કરવાનું મુનાસીબ ન લાગ્યું. મુલાકાત થતા જ અહેસાસ થયો કે પૉલ અત્યંત વિનમ્ર, વિવેકી અને શીખવા માટે યોગ્ય વલણ ધરાવનાર કલાકાર છે. આથી જ તો એ બારડોલી ચરખાને ફરતો કરતા નડેલી મુશ્કેલી દૂર કરતાં કરતાં બ્રિટિશ સામ્રાજ્ય દરમ્યાનની ભારતની આર્થિક-રાજકીય દશા, સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથા અને ખાદીનું તેમાં મહત્ત્વ જેવા વિવિધ વિષયો વિષે વાત કરતાં પૉલ અને મારી વચ્ચે સંકોચ અદૃશ્ય થયો.

આ વાર્તાલાપમાં ખાદીના રાજકીય અને આર્થિક મહત્ત્વ વિષેનાં મંતવ્યોની પણ આપ-લે થઈ. ઔદ્યોગિક ક્રાંતિ થઈ તે પહેલાં આપણા પૂર્વજો તમામ પ્રકારનાં કાપડ હાથથી જ પેદા કરતા. દક્ષિણ આફ્રિકાથી પરત થયેલ ગાંધીજીએ નોંધ્યું કે તેઓ સ્વાતંત્ર્યની ચળવળમાં જોડાયા ખરા, પણ ભારત આર્થિક રીતે દેવાળિયું, સામાજિક રીતે અસમાન અને આધ્યાત્મિક રીતે સાવ ભગ્ન દશામાં જીવતું હતું. તેવા વિચ્છિન્ન દેશમાં રાજકીય સ્વતંત્રતા કેમેય નહીં ટકી શકે તે સમજાયું. તેઓ બ્રિટિશ સામ્રાજ્ય સામે લડવા માટે શસ્ત્ર શોધતા હતા, પણ એક અહિંસક શસ્ત્રની શોધમાં હતા. ખાદીમાં એ શક્તિ ભાળી. કપાસથી કાપડ સુધીની તમામ પ્રક્રિયાઓમાં કુદરતનું રક્ષણ થાય, લાખો ભૂખ્યા અને બેકાર લોકોને રોજી મળે, અને પ્રજાને પોતાની ધરોહર પર પુનઃ વિશ્વાસ બેસે એવો ખાદીનો જાદુ તેમણે જોયો. આજે યુ.કે.ની સરકાર ‘લેવલીંગ અપ’ની વાત કરે છે, ગાંધીની એ રીત હતી અસમાનતા દૂર કરવાની. વીસમી સદીના ભારતમાં ભયંકર ગરીબી અને બીજી બાજુ ચપટી જેટલા ધનિકો હતા. ભયાનક અસમાનતા હતી. વકીલ-બારિસ્ટરથી માંડીને ગરીબ લોકો, વૃદ્ધ અને સ્ત્રીઓ બધાના હાથમાં ગાંધીએ ચરખો મુક્યો. તેનાથી લોકોને પોતાની સદીઓ જૂની ઉત્પાદક અને ક્રિયાત્મક શક્તિનું ભાન થયું. રોજિંદા જીવન માટે અને બધા પ્રસંગો માટે ઉપયોગી એવી ખાદીનું ઉત્પાદન થવા લાગ્યું. વિદેશી કાપડના બહિષ્કારને પગલે પ્રજાને પોતે સ્વનિર્ભર થઈને પોતાના પગ ઉપર ઊભા રહીને ભરણપોષણ કરી શકે તેનો અહેસાસ થયો. બ્રિટિશ શાસન દરમ્યાન ભારતીય અર્થતંત્રને બેવડો માર પડેલો, ખાસ કરીને કપાસની નિકાસ ઉપર કર ભરવો પડતો અને બ્રિટનની મિલોમાં તૈયાર થયેલ કાપડ ઉપર આયાતનો કર ભરવો પડતો. પ્રજાની કમ્મર તૂટી ગઈ. ગાંધીએ દક્ષિણ આફ્રિકાથી આવ્યા બાદ લગભગ નગ્ન દશામાં જીવતા લોકો જોયા. આ તમામ સમસ્યાઓનો હલ ખાદી અને ગ્રામોદ્યોગમાં મળ્યો. વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાથી સાચો ઉગારો થશે એ સમજાયું. ‘એન્વાયરમેન્ટલી ફ્રેન્ડલી’ આ શબ્દપ્રયોગ ગાંધીજીના સમયે પ્રચલિત નહોતો, પરંતુ એમના સૂચિત માર્ગે જવાથી પર્યાવરણની સુરક્ષાનો હેતુ પણ સરતો હતો.

પૉલે નાટકમાંની વેશભૂષા અને રંગમંચની અધિકૃત સજ્જાનું મહત્ત્વ ઉજાગર કરતાં કહ્યું કે આ નાટકમાં 1917માં કાઠિયાવાડી પોશાકમાં સજ્જ ગાંધી પહેલી વખત જોવા મળે છે, અને છેવટ ટૂંકી ધોતી અને શાલ પહેરેલા દેખાય. ભારતની અર્ધનગ્ન પ્રજા સાથે તાદાત્મ્ય કેળવવા, તેમનું પ્રતિનિધિત્વ કરવા ઓછામાં ઓછા વસ્ત્રો પહેરવા પોતાના સાથીઓને ન કહ્યું, પણ ગાંધીએ પોતે એ સિદ્ધાંત અપનાવ્યો. ગાંધીનો પાઠ ભજવવાથી ખ્યાલ આવ્યો કે પશ્ચિમી સૂટ પહેરનારાઓ વચ્ચે ખાદીનાં ઓછામાં ઓછાં કપડાં અને સાદા ચંપલ પહેરવાથી એક પ્રકારની શક્તિનો સંચાર થયાની અનુભૂતિ થાય. તેમણે ભાષણો કરીને નહીં, આચરણ દ્વારા એ કરી બતાવ્યું. દરેક શૉ પહેલાં અર્ધો કલાક કાંતતી વખતે (અહીં એ વાતની નોંધ લેવી રહે કે નાટકમાં માત્ર બે મિનિટ કાંતવાનું હતું, જેને ખાતર અર્ધો કલાક કાંતવાનું વ્રત આ અદાકારે પોતે લીધેલ નિર્ણય હતો) કપાસની નાની એવી પૂણીમાંથી તાર નીકળે એ જોવાથી એક અદ્દભુત આંતરિક અનુભૂતિ થતી હતી.

છેલ્લા કેટલાક દાયકાઓથી શ્રમ અને શ્રમિકોનું મહત્ત્વ ઘટવા લાગ્યું છે. આ વાર્તાલાપ દરમ્યાન એ ફલિત થયું કે પશ્ચિમી સમાજે માણસ માત્રને માટીથી દૂર કરી દીધો. જમીન પર કામ કરનારા, હાથ મેલા કરનારા ખેડૂતો, માળીઓ અને કારીગરો નીચા ગણાવા લાગ્યા. એનાથી દૂર પેન અને લેપટોપ લઈને ઓફિસમાં બેસી, જમીન અને ઘરથી દૂર કામ કરનારા શિક્ષિત એટલે ઊંચા ગણાવા લાગ્યા. ગાંધીએ આ સમીકરણને સાવ ઊલટાવી નાખ્યું. તેમણે વકીલ અને બેરિસ્ટરના હાથમાં ચરખો પકડાવી તેમને માટી સાથે જોડી આપ્યા. શ્રમનિષ્ઠાની વાતો ઘણા લોકોએ કરી હતી, ગાંધીએ એ કરી બતાવ્યું. તેનાથી શ્રમ અને શ્રમિકનું સ્થાન ઊંચું ગયું, માન વધ્યું. વિકેન્દ્રીકરણ એ શાંત ક્રાંતિનો રસ્તો છે. ટોલ્સટોય અને જ્હોન રસ્કીને કહેલું કે બીજાની મજૂરી પર આધાર રાખી જીવનારા પરવશ હોય છે, માટે જાત મહેનત જ વ્યક્તિને સ્વતંત્ર બનાવે. ટૂંકી ધોતી પહેરીને બ્રિટનના રાજાને મળવા બકિંગહામ પેલેસના પગથિયાં ગાંધી જ ચડી શકે. કેમ કે તેઓ માનતા હતા કે તેઓ સત્ય આચરે છે, તો શરમ એમને શાની આવે? બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલા રાજાઓ અને સરકારી અમલદારોને કિંમતી વસ્ત્રાભૂષણો ત્યાગીને આમ પ્રજા વચ્ચે કામ કરવાનું ગાંધી જ કહી શકે. કેમ કે તેમની પાસે એવું નૈતિક બળ હતું. તેઓ ઉપદેશ આપવામાં નહીં, આચરણ દ્વારા દાખલો બેસાડવામાં માહેર હતા.

જો સૉલ્ટરે નફા કેન્દ્રિત ઉત્પાદન અને વેચાણને પોષતી અર્થવ્યવસ્થાને કારણે ગ્રાહકો પોતે ખરીદે એ તમામ વસ્તુઓ શાની બને છે, તેનાથી પૃથ્વીના સ્રોત ઉપર કેવી અસર થાય, ખેડૂતો, કારીગરો અને ખુદ પોતાના માનસિક સ્વાસ્થ્ય ઉપર કેવી માઠી અસર થાય છે એ વિચારવાનું જ ચૂકી જાય છે એ વાત ઉપર ધ્યાન દોર્યું. લેખકે આપણે ‘Solidarity economy’ – પરસ્પરાવલંબી અર્થવ્યવસ્થા રચવી રહી તેના પર ભાર મુક્યો જેમાં માનવી માનવી સાથે, કુદરત સાથે અને અન્ય તમામ જીવો સાથે તાલ મેળવીને કામ કરશે તો જ તેનું અસ્તિત્વ ટકી રહેશે એ ચેતવણી યાદ અપાવી.

આ મુદ્દા વિષે પૉલના વિધાનો ખૂબ જ પ્રસ્તુત લાગ્યા. તેમની માન્યતા છે કે આધુનિક વિકાસને પગલે માનવ માત્ર પાસેથી તેની સર્જનાત્મક શક્તિઓ છીનવાઈ ગઈ છે. લોકો પોતાનાં કપડાં બનાવી ન શકે, જાતે રસોઈ કરીને ભોજન ન પકવી શકે તેવી હાલતમાં તેઓ પાસે દૂર દેશોમાંથી કાચો માલ કે તૈયાર માલ ખરીદીને ગુજારો કરવા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો. એક સમયની કુશળ પ્રજા શક્તિવિહીન થઈ ગઈ છે. આજની વ્યાપાર પદ્ધતિમાં જૂજ ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને કંપનીના ડિરેક્ટર્સ ખૂબ કમાય એ હાલ છે. અને આ સ્થિતિ 1940ના ગુલામ ભારતને જ લાગુ નથી પડતી, આજે, આ દેશમાં પણ નવજીવન પામતી કૃષિ પદ્ધતિ અને સ્વદેશીના આગ્રહની ખૂબ જ જરૂર છે. ખોરાક અને કાપડથી માંડીને દરેક વસ્તુઓ સ્થાનિક સ્તરે પેદા થાય અને વેચાય એ અનિવાર્ય બન્યું છે. ગાંધી તેમના સમયથી પચાસ વર્ષ નહીં, સોથી પણ વધુ વર્ષ આગળનું વિચારી શકતા, એટલે જ તો સ્થાનિક સરકાર વળી વિકેન્દ્રિત લોકશાહીની વાત તેમણે મૂકી. થયું એવું કે પશ્ચિમના દેશો તો એથી વિરુદ્ધ દિશામાં ચાલતા હતા જ, પણ સ્વતંત્રતા મળ્યા બાદ ભારત પણ અવળી દિશામાં દોટ મારવા લાગ્યું. ગાંધીએ એક હાથથી વિદેશી સરકારના દમનને રોકવાનો માર્ગ બતાવ્યો, અને બીજા હાથથી રચનાત્મક કાર્યો થકી નવા સમાજનો પાયો શી રીતે નંખાય જેથી આઝાદી તેના ખરા અર્થમાં ટકી રહે તે બતાવ્યું. તેમણે ભારતની આમ જનતાને સક્રિય કરી અને રચનાત્મક કાર્યો ભણી વાળી; જેમ લાખો-કરોડો કીડીઓ સાથે મળીને કામ કરે તો મોટો પર્વત ખોદી કાઢે તેમ તેમણે ચીંધેલા માર્ગે આજે પણ દુનિયા આખીમાં લોકો અહિંસક રીતે પોતાના અધિકારોની માગ કરી રહ્યા છે એ વિવિધ ચળવળોમાં દેખાઈ આવે છે.

ગાંધીના વ્યક્તિત્વનું કયું પાસું વધુ આકર્ષક છે એ પ્રશ્નના ઉત્તરમાં પૉલે કહ્યું કે પશ્ચિમના લોકોને ગાંધીની રાજકીય પ્રતિભા ગમે, તેનું આધ્યાત્મિક પાસું ન જોઈ શકે. જ્યારે દલાઈ લામા, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, ડેસમન્ડ ટુટુ વગેરેએ એ જ પાસું જોયું અને અનુસર્યા. આમ જુઓ તો ગાંધી એક ડરપોક બાળક, વકીલ તરીકે શરમાળ પ્રકૃતિને કારણે નિષ્ફ્ળ ગયેલો અને લંડન અભ્યાસાર્થે ગયો ત્યારે બ્રિટિશ થવાની મથામણ કરતો યુવક હતો. તેવામાં એને ભગવદ્દ ગીતા મળી. પોતાના વ્યક્તિત્વનું પુનર્ગઠન કર્યું. સાધન શુદ્ધિનો સિદ્ધાંત મનમાં બંધ બેસી ગયો, એટલે જ તો યુદ્ધના વિરોધી રહ્યા. હિંસા આચરવાથી કોઈ સંઘર્ષનો ઉકેલ ન આવે અને કાયમી ટકી રહે તેવી શાંતિ ન સ્થપાય એટલું જ નહીં બંને પક્ષને સારું ફળ ન મળે એવી દૃઢ એમની માન્યતા. તેને આચરણમાં મૂકીને ભારતને મુક્તિ અપાવી. આ છે ગાંધીની સહુથી મોટી દેણગી (ટેક અવે પોઇન્ટ).

અહિંસાની વિચારધારા આજના યુગમાં કેટલી પ્રસ્તુત છે એ સવાલના ઉત્તરમાં લેખકે આ નાટકમાં ગાંધીના પાત્રને મુખેથી તેના પર્યાય રૂપે ‘Lack of ill will’ શબ્દ ઉચ્ચરાયેલો તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હિંસાનો અર્થ અન્યને શારીરિક ઇજા પહોંચાડવી એ જ માત્ર નથી. મેટા સેન્ટર ફોર નોન વાયોલન્સના સ્થાપક માઈકલ નાગલરે કહ્યું છે કે સંસ્કૃત અને હિન્દી ભાષાઓમાં ‘અહિંસા’ શબ્દ સદીઓથી અસ્તિત્વ ધરાવે છે કેમ કે એ લોકોની સભ્યતામાં આ સિદ્ધાંતનું ઝીણવટભર્યું પાલન થતું આવ્યું છે, જયારે ઇંગ્લિશ ભાષામાં એ માટે કોઈ શબ્દ છે જ નહીં કેમ કે આપણે અહિંસાના સિદ્ધાંત વિષે કશું જાણતા નથી, તેનું પાલન કર્યું નથી. માટે Non violence એટલે કે જે હિંસા નથી એ શબ્દ આપ્યો. મનસા, વાચા, કર્મણા – મન, વચન અને કર્મથી સદંતર હિંસાથી મુક્ત રહીને જે તમને પોતાના દુશ્મન માને તેના પ્રત્યે પણ અક્રોધ સેવવો તે ખરી અહિંસા તેમ ગાંધીએ આચરી બતાવ્યું. આ મુશ્કેલ કામ છે. એટલે જ તો ગાંધીના આધ્યાત્મિક પથને બહુ થોડા લોકો અનુસરી શક્યા.

ખાદી અને ગ્રામોદ્યોગના સંદર્ભમાં ગ્રાહકવાદ અને હિંસાને શો સંબંધ એ વિષે વાત કરતાં લેખકે સ્પષ્ટતા કરતા કહ્યું, આજે ગ્રાહકવાદ વકર્યો છે. વધુ પડતો કુદરતી સંસાધનોનો માત્ર પોતાના પૂરતો ઉપયોગ અને વેડફાટ એ એક જાતની ચોરી છે, કેમ કે એ સંસાધનો માત્ર થોડા લોકો માટે જ નથી, અન્ય માનવીઓ અને તમામ જીવસૃષ્ટિ માટે છે. Where does it come from એ સંગઠન આપણને દરેક વસ્તુ કોણે બનાવી, કેટલે દૂરથી આયાત કરી, તેની બનવાટમાં શું વપરાયું, કારીગરો કઈ હાલતમાં કામ કરે છે, તેમને કેટલું વળતર મળે છે, માલિકો કેટલો નફો પોતાના ખિસ્સામાં નાખે છે એ બધું જ વિચારવા પ્રેરે છે. આવું વિચારનારો ગ્રાહક જ અહિંસક સમાજ રચવા પ્રતિબદ્ધ થઇ શકે. લડાઈ અસમાનતાને કારણે થાય છે, જે આજે વધતી જાય છે. આજનો નાગરિક ‘જરૂર છે’ માટે નહીં, ‘જોઈએ છે’ માટે ખરીદી કરતો થયો છે. કેમ કે વસ્તુઓ સસ્તી છે. ગ્રાહક માટે સસ્તી હશે, બનાવનાર તો માંડ પેટ પૂરતું રળે છે. અસીમ ભોગવટો એ માનવતા પ્રત્યે થતો ગુનો છે; રાજ્ય સામે ગુનો નથી થતો, એ તો આપણને સજા કરે, આપણે છૂટી જઈએ. માનવતા અને કુદરતનો ગુનો સર્વ વિનાશી હોય છે.

આ વાર્તાલાપનું સમાપન કરતાં પૉલ બેઝલીએ બે વાત બહુ મુદ્દાની કરી. એક તો એ કે આજનો શહેરી અને પશ્ચિમી સમાજમાં રહેતો માનવી ધરતીથી ઉખડી ગયો છે, એ આદિવાસીઓની માફક કહી નથી શકતો કે અમે ધરતી પુત્રો છીએ. એ સ્વામિત્વ કે પોતાના પણાની ખામી દૂર કરવા ખરીદી કરતો જ રહે છે. ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવામાં બેવડો ફાયદો છે; એક તો તમે કુદરત સાથે જોડાઓ છો અને બીજું સાદાઈ અપનાવવાથી પોતાને, બીજા માનવીઓને અને કુદરતને થતું નુકસાન અટકે એ નફામાં. બીજી વાત એ કરી કે કોવીડના કટોકટી કાળ દરમ્યાન આપણે કમાણી કરવાનું ચાલુ રાખ્યું પણ પરિવાર, સાથી કાર્યકરો અને સમાજથી વિખૂટા પડી ગયા. સાદું જીવન જીવવા માટે બાગકામ કરવું, રસોઈ કરવી, કાંતવું કે એના જેવી કોઈ પણ શ્રમયુક્ત પ્રવૃત્તિ કરવાથી જીવન સાદું અને આનંદમય રહે એ ગાંધીનો સંદેશ જીવનમાં ઉતારીએ.

e.mail : 71abuch@gmail.com

27 June 2022 આશા બૂચ
← ડિજિટલ ભારતનાં પ્રશ્નોઃ ઇ-કૉમર્સમાં ઇજારાશાહી, ઇન્ટરનેટની પહોંચ અને ધારાધોરણોમાં સંદિગ્ધતા
પારેવાં →

Search by

Popular Content

  • પિંડને પાંખ દઈ દીધી અને –
  • માતૃભાષા તમારો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની?
  • વતનને પત્ર
  • ‘બ્રિટનમાં ગુજરાતીઓ’ : એક મૂલ્યાંકન
  • ઇબ્રાહિમ ઉમ્મરભાઈ રાઠોડ ‘ખય્યામ

Diaspora

  • ડાયસ્પોરાને નામે ભળતું જ લખાય છે 
  • સામ્રાજ્યની સફર અને વિભિન્ન દેશોમાં વસતા  મૂળ વતનીઓ
  • અનુરાધા ભગવતી : Unbecoming : A Memoir of Disobedience : આજ્ઞાભંગની અસહ્ય સ્મૃતિયાત્રા 
  • Breaking Out : મુક્તિયાત્રા :  લેખિકા : પદ્મા દેસાઈ 
  • 1900થી 1921 સુધી હિંદી આયાઓના રહેઠાણ પર બ્લૂ તક્તિનું અનાવરણ – 16 જૂન 2022

Gandhiana

  • અમૃતમહોત્સવ : ભારતનાં મૂળિયાં ઉખેડવામાં આવી રહ્યાં છે એ દેશનું દુર્ભાગ્ય છે
  • કસ્તૂરી મહેક
  • “હું યુનિયનમાં માનું, પહેલેથી જ – અને યુનિયન એટલે ઍક્શન” : ઇલા ર. ભટ્ટ
  • મારા હાવર્ડ મેનેજમેન્ટના અભ્યાસક્રમમાં ગાંધીના નેતૃત્વના ગુણધર્મોની આપેલી વ્યાખ્યા
  • ભારતમાં ગાંધીજીને થયેલી પ્રથમ જેલના સો વર્ષ …

Poetry

  • રેશમ ગાંઠ
  • ફરી પાછા
  • બે ગઝલ
  • દિવંગત મહેન્દ્ર મેઘાણીને મારી કાવ્યાંજલિ
  • પથ્થર પર કવિતા

Samantar Gujarat

  • લઠ્ઠાકાંડમાં રાંડ્યા પછીનું ડહાપણ …
  • ગુજરાત, ૧ મે ૨૦૨૨
  • અકાદમીની સ્વાયત્તતા પરિષદની જવાબદારી કઈ રીતે છે?
  • ઝીણાં ઝીણાં સંવેદનોનો આંસુ ભીનો આસ્વાદ : ‘21મું ટિફિન’
  • ગુજરાતના નવા મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર …

English Bazaar Patrika

  • The Father and the Assassin
  • In praise of Nayantara Sahgal
  • On his birthday a Tribute to a Musical genius and a Bridge builder Pt. Ravi Shankar
  • Poetry Brought Us Together–
  • Metta Centre for Nonviolence

Profile

  • વાચન સંસ્કૃતિના દીપસ્તંભ મહેન્દ્રભાઈ મેઘાણી
  • પપ્પા એટલે ….
  • પપ્પાનું પ્રગતિપત્રક
  • ગાંધીનું દૂધ પીધેલા
  • મા, તારે જ કારણે જગતનાં સર્વ સુખ મળ્યાં

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved