સંપૂર્ણ આંબેડકર સાહિત્ય સરકારી રાહે સુલભ બને અને એનો જ એક અંશ કાનૂની ખટલાનું નિમિત્ત બની કર્મશીલને કનડે ત્યારે શું કહેવું, શાસનકર્તાઓને? અને ખુદને પણ?

પ્રકાશ ન. શાહ
એપ્રિલનું પહેલું પખવાડિયું રામનવમી (છઠ્ઠી એપ્રિલ) અને આંબેડકર જયંતી (14મી એપ્રિલ) બેઉના જોગાનુજોગવશ ચિત્તમાં અવનવાં સ્પંદનો જગવી ગયું: એક તો આંબેડકર કૃત ‘રિડલ્સ ઑફ રામ’(‘કોયડો એક રામ નામે’)ની યાદ કંઈક દૂઝતા કંઈક રૂઝતા જખમ પેઠે સામે આવી અને વળી ઈકબાલે જેમને ક્યારેક ઈમામે હિંદ કહી માનભેર પુકાર્યા હતા તે રામ ઈશ્વર તરીકે નહીં એટલા એક રાજકીય પ્રતીક અને પ્રતિમાન રૂપે પ્રક્ષેપિત થયા, એનોયે આ સમયગાળો છે.
વાત પણ વળી વિલક્ષણ જ વિલક્ષણ છે : એક પા ભા.જ.પી. સિદ્ધાંતકોવિદો અને વ્યૂહકારો આંબેડકરને ઓળવવામાં પડ્યા છે તો બીજી પા એ જ આંબેડકરનો એકંદર અભિગમ અને એમાં ય રામ ને કૃષ્ણ પ્રકારના જનસામાન્યપ્રિય. એટલા જ વિશિષ્ટ અર્થમાં રાજ્યપ્રિય પાત્રોની એમની નિર્મમ નિર્ભીક સમીક્ષા …!
‘રિડલ્સ ઑફ રામ’ આ દિવસોમાં સાંભરી આવ્યું એના તત્કાળ નિમિત્તની વાત કરું જરી? ગયે મહિને પંક્તિ દેસાઈના પહેલકારી પ્રયાસથી પ્રદર્શન રૂપે ગુજરાતની દલિત ચળવળનો કંઈક ખયાલ લોકમાં રમતો થયો ત્યારે હાલ હયાત દલિત કર્મશીલોમાં કદાચ સૌથી વધુ ઉંમરલાયક, નવાબ્દીએ પહોંચું પહોંચું વાલજીભાઈ પટેલની હાજરી સહજ ધ્યાનાર્હ બની રહી હતી. આ વાલજીભાઈએ આજથી પાંત્રીસ-સાડત્રીસ વરસ પર ‘રિડલ્સ ઑફ રામ’ની પુસ્તિકા અનુવાદ રૂપે રમતી મૂકી હતી. એની એકથી વધુ આવૃત્તિઓ એ વર્ષોમાં થઈ હતી. એમાં, લગભગ છેલ્લી આવૃત્તિ અંગે 1994માં અનુવાદક, મુદ્રક, પ્રકાશક ત્રણે પર કેસ થયો હતો. મુદ્રક ને પ્રકાશક તો આટલે વરસે જીવનમુક્ત થઈ ગયા હતા, પણ વાલજીભાઈ તો આપણી વચ્ચે હતા અને હવે ‘નિર્દોષ’ છૂટ્યા છે. સંપૂર્ણ આંબેડકર સાહિત્ય સરકારી રાહે સુલભ બને અને એનો જ એક અંશ કાનૂની ખટલાનું નિમિત્ત બની કર્મશીલને કનડે … શું કહેવું, શાસનકર્તાઓને – અને હા, નાગરિક સમાજને નાતે આપણને ખુદને પણ?
જોગાનુજોગ તો અલબત્ત એ પણ છે કે આ જ પુસ્તિકા હવે હેમન્તકુમાર શાહ મારફતે અનુવાદિત થઈને આપણી પાસે પહોંચી રહી છે. ‘રિડલ્સ ઑફ રામ’ના પ્રકાશને મહારાષ્ટ્રમાં 1987નું વરસ ઊતરતે અને 1988નું વરસ બેસતે ખાસો ઊહાપોહ જ નહીં તનાવ પણ જગવ્યો હતો. વાલ્મીકિનો હવાલો આપીને આંબેડકરે રામના લગ્નબાહ્ય જન્મથી માંડીને અગ્નિપરીક્ષા જેવા નિર્ણયથી સીતા સાથેના અપવ્યવહાર વગેરેની ખુલીને ચર્ચા કરી હતી.
શિવસેનાએ એની સામે એક અર્થમાં મહારાષ્ટ્ર સળગાવ્યા જેવો ઘાટ હતો. રામની આંબેડકરની ચર્ચા વસ્તુત: ‘હિંદુ નામે કૂટ પ્રશ્ન’ એવા સમગ્ર ગ્રંથ આયોજનના પરિશિષ્ટ રૂપ હતી. વેદપ્રામાણ્ય આદિને પડકારની ભૂમિકાએથી થયેલા આ લેખન-સંશોધનમાં નાતજાતથી હિંદુ ઓળખાય કે કેમ એવોયે સવાલ આંબેડકરે ઉઠાવ્યો હતો અને આબાદ જવાબ આપ્યો હતો કે નાતજાતગત ઊંચનીચ તો આપણે ત્યાંના મુસ્લિમો ને ખ્રિસ્તીઓમાંયે ક્યાં નથી! તો, પછી ‘હિંદુ’ ઓળખવો કેવી રીતે? દેખીતી રીતે જ આજની હિંદુત્વ રાજનીતિના મિથક પર કુઠરાઘાત સરખી આ બધી ચર્ચા હતી અને છે.
આ બધું વાંચીએ, વાગોળીએ ત્યારે આનંદ તેલતુંબડેએ આંબેડકરની વૈચારિક જીવનીને આપેલું શીર્ષક ઈકોનોક્લાસ્ટ (મૂર્તિભંજક) સાચે જ સાર્થ અનુભવાય છે. એને શું કહીશું આપણે, ઇતિહાસની લીલા કે બીજું કૈં, કે આજે મૂર્તિભંજકની જ ‘મૂર્તિ’નું રાજકારણ ચાલી રહ્યું છે!
‘સનાતન’ના વિવાદને આંબેડકર કેવી રીતે જોશે? એ એને ‘શાશ્વત’ કહી શણગારવાને બદલે ‘સ્ટેટિક’ કહેતાં સ્થિર બલકે સ્થગિતવત્ કહે તો નવાઈ નહીં! હિંદુત્વ રાજનીતિ, આંબેડકરથી વિપરીતપણે વેદપ્રામાણ્યને વરેલા દયાનંદને કેવી રીતે જોશેમૂલવશે? આની તો, ‘સત્યાર્થ પ્રકાશ’માં એમણે સંખ્યાબંધ ધર્મસંપ્રદાયોને પોતાની સમજ પ્રમાણે ખરેખરી સુણાવી છે એ સોરવી શકે એવો સ્વસ્થ સમાજ શોધનો વિષય છે.
એક વાત સાચી કે પ્રકારાન્તરે આ બધો વ્યાયામ આપણી સ્વરાજખોજ અને સ્વરાજ સાધનાની જ સહવિચારસામગ્રી રૂપ છે. ગાંધીજીએ સમતા ને સ્વતંત્રતાનાં સહીપણાં પોતાની રીતે આંદોલનગત કર્યાઁ, પણ નેતૃત્વનો એક વર્ગ પરચક્ર (અંગ્રેજ શાસન) સામે લડતો હતો તો બીજો વર્ગ વળી સાંસ્થાનિક રાજ સામે લડવાનું છે કે કથિત મુસ્લિમ આક્રમણ સામે તે બાબતે હાલંડોલ હતો.
ભર ‘ક્વિટ ઈન્ડિયા’ એ આંબેડકરનું વાઈસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પર હોવું (જેમ ગોળવલકરની ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’ના પ્રસ્તાવનાકાર એમ.એસ. અણેનું પણ હોવું) આપણને પ્રશ્નો જગવે છે. જેલબેઠા ગાંધીજી અસ્પૃશ્યતાનો મુદ્દો ઊંચકે છે ત્યારે જવાહરને થાય છે કે ભરલડતે બાપુને આ ડાયવર્ઝન ક્યાં સૂઝ્યું! ગુલામી પરની જેમની અદ્દભુત પુસ્તિકા હમણાં ગુજરાતીમાં આવી રહી છે તે ફૂલેને ‘શિવાજી, અમારા શુદ્રોના રાજા’ એવો જે મહિમા હતો અને અંગ્રેજી રાજની કંઈક લિબરેટિંગ હાજરીનો જે મહિમા હતો, એને કેવી રીતે ઘટાવશું?
ગમે તેમ પણ, બંધારણની મર્યાદામાં (અને આંબેડકરના આ ‘પવિત્ર’ બંધારણમાં પણ ધોરણસરની સુધારજોગવાઈ તો છે સ્તો!) રહીને અપાર મતવૈવિધ્ય અને મતમતાંતરક્ષમા વચ્ચે સહજીવનનો નાગરિક પડકાર આપણે ઝીલવાનો છે. આંબેડકર જ જુઓ તમે, પોતે બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે ત્યારે કહે છે કે મેં ગાંધીજીને વચન આપ્યું હતું કે સ્થાપિત હિંદુ ધર્મને ઓછામાં ઓછું નુકસાન થાય તેવો ધર્મ હું અંગીકારીશ. બુદ્ધ કે માર્ક્સ એવો પ્રશ્ન ઉપસ્થિત કરતે કરતે આંબેડકરે માર્ક્સ વિચારમાંથી પણ કંઈક આત્મસાત કર્યું જણાય છે.
આ બધા દેખીતા પરસ્પર વિરોધી હોઈ શકતા વિચારોથી કમ સે કમ એટલું તો સમજાવું જોઈએ કે પ્રજાસત્તાક સ્વરાજની શુદ્ધિ ને પુષ્ટિ કોઈ એકદંડી પ્રક્રિયા નથી. ભાતીગળ મેળની કળા ને વિજ્ઞાન એ તો છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 16 ઍપ્રિલ 2025