
શિલ્પા દેસાઈ
તમને બટાલાલ યાદ છે? અરે પેલા .. વીડિયોકોલમાં બાને બલૂન ઉર્ફે પ્લેન બતાવી રહેલા .. ભાખરી અને કટકી કેરીનાં અથાણાંવાળા … જેમને બાએ શરદી ન લાગી જાય એટલે બલૂનની બારી ન ખોલવા ખાસ તાકીદ કરેલી … આવ્યું યાદ? ઓક્કે. યાદ ન આવે તો ય No worries. આપણે એમનું કંઈ કામ નથી, પણ આ તો જસ્ટ યાદ આવી જાય, કદાચ તો બહુ કથા ન કરવી પડે એટલો જ અમને લોભ. એનીવેય્ઝ, એ બટાલાલ તો હાલમાં અમ્બેરિકામાં છે પણ એમના બા એકવાર જઈને “આપણે તો આંય જ જલમારો કાઢવો .. ન્યાં કાંય ડાય્ટુ નથ ..” કહેતાં પાછાં વતનભેગાં થઇ ગયેલાં. બટાલાલ દર વર્ષે દિવાળીએ આવે અને ઉત્તરાયણ કરીને અમ્બેરિકા વયા ઝાય .. હા તો થયું એવું કે અમારી ત્રણેક ગૃપટુરમાં સહપ્રવાસીઓમાંના એક તે બટાલાલ. બટાલાલ આમ ખાસ કંઈ દેખાવડા કે ટેલેન્ટેડ નહીં પણ પ્રવાસપ્રેમી, હસમુખા, મહાવાતોડિયા અને અન્યોને મદદરૂપ થવાના સ્વભાવને લીધે બધે લાડકા થઈ જાય ખરા. ત્રણવાર સાથે પ્રવાસ કર્યા પછી બટાલાલ અમારા ય લાડકા થઇ ગયેલા. પૈસેટકે સુખી અને “આ વખતે નથી પરણવું”ની રઢ લઇ બેઠેલા બટાલાલનો દિવસ એમના બા-ગોદાવરીબાના નામ સાથે શરૂ થતો અને પૂરો ય એમના નામથી જ થતો.
સૌરાષ્ટ્રનાં સાવ અંતરિયાળ ગામમાં રહેતા બટાલાલ અને ગોદાવરીબાને જીવન જરૂરિયાતો ઓછી એટલે વિશાળ ભૂમિ પર પાકતાં સિઝનલ ફળોની આવકમાં મા-દીકરો સુખી હતાં. એક સવારે બટાને શું ય સૂઝ્યું કે એણે અમ્બેરિકા જવાની હઠ પકડી. બટાના સુખમાં સુખી ગોદાવરીબાએ હોંશે હોંશે ભાખરી, કટકી કેરીનો છુંદો, ગોળપાપડી વગેરે બાંધી આપવાની શરતે બટાને આશીર્વાદ આપ્યાં. નસીબના બળિયા બટાને તરત વિઝા ય મળી ગયા અને બટાલાલ અમેરિકા સબમિટ થઈ ગયા. જતાં પહેલાં ગોદાવરીબાનો ખ્યાલ રાખવાનું અમને ય ખાસ કહેતા ગયેલા, એટલે ગોદાવરીબાને દર અઠવાડિયે અચૂક ફોન કરવાનો અને મહિને એકવાર મળવા જવાનો નિયમ જ બનાવી દીધેલો. આ વખતે મળીને આવ્યાને બે જ દિવસ થયેલા અને બાનો ફોન આવ્યો.
“હેલાવ .. હું કરશ? બાર બેહીને સાયકલુ ને બસુ ગણશ કે ઉપર આકાસમાં કબૂતરા ને કાય્ગડા કટલા ઉડશ ઇ જોવશ?”
“ના ના બા, રસોઈ કરું છું .. બોલો ને .. શું હતું? તબિયત તો સારી છે ને? બરાબર જમતા નહીં હોવ .. હેં ને ? ડોક્ટર શું કહે છે?”
“અરે ઓ પરસનાવલિ .. સેજ પોરો ખા બઈ .. તું કેય્શ એમાંનું કાંય નથ .. હું તો આ રઇ રાતી રાયણ ઝેવી .. એં આમ ઝો, અસલી ઘી ખાધું છે તારી બાએ .. એમ અડ્યે ને અપ્ટે કાંય નોં થાય .. હમજી કે નય? મેં તો એમ કેવા ફોન કયરો કે મેં સે ને તને એક વોસસ્પ કયરુ સે ઇ જોય જા જોય .. ડોનાલ ટરમને બે સિખામણ દીધી સે .. ને સેજ આકરા વેણ હોત કીધા સે .. મારા હાહરો ઇ ક્યે એમ દુનિયાએ હાલવાનું? નોં જોયો વોય તો મોટો લાટસાયેબ .. લે હાય્લ, વાંસી લે અટલે પાસો ફોન કર .. રા જોવ સવું ..”
બાનું કાઠિયાવાડી સમજાતા થોડી વાર લાગી. મૂળ મુદ્દે એમણે અમને વોટ્સપ મેસેજ કરેલો તે વાંચીને ફોન કરવાનો હતો. અમે વોટ્સપમાં બાનો મેસેજ ખોલ્યો.
“જત ડોનાલ ટરમને માલમ થાય કે સૌરાસનાં એક ઝીણકાક ગામથી બટાની બા ગોદાવરીના જેશીકરશન … હું એમ કવ સવુ કે આ હું માંયડુ સે બધું? ટેરિપ ને રસિયા ને યુકરેન ને યુધને ભાવ વધારા ને એવું બધું .. હેં? તમાર એકલાને જ તપલીપો સે હેં? અમારે આંયા ઝો કટલી તપલીપ સે ઇ .. તે દાડે ડોબુ રિહઈને કશે જતું રહેલું .. માંડ માંડ મયલુ .. લાઈટુ ય આવ ઝા કરે .. ટીવીમાં ય કાંય હારુ નથ આવતું કે ઇ ઝોયને રાઝી થાઈ .. આવું તો કંય કટલું ય હય્શે પણ ઇ બધું ગણાવા આ કાગર નથ લયખો હમજી લેજે .. મારો બટો ન્યાં સે ઇને કોય તપલીપ નોં પડવી જોય .. હમજ્યો કે નય? રોજદાડો ઊઠીને નવા નવા તૂત કરશ પણ જરા ય સોભતો નથ કય દવ સુ હા. તને કોય મારી જેમ આમ મોંઢ્ઢે નય ક્યે પણ આંય કોઇના ય બાપથી બીવાનું થાતું નથ તે અમે તો કઈ જ હકી .. કે છે કે ન્યાં બધાની નોકરિયું જતી રે સે .. હાચી વાત? હાચી વાત વોય તો તને શરમ આવવી જોવે, રોયા .. આમ કોયના લાડકવાયાની નોકરિયું શીનવવી હારુ નો કેવાય .. ચિત્રગુપ્તના ચોપડે આ બધું ય લખાય સે હોં .. આંયના કયરા આંય જ સે હમજી લે .. તમને ખબર નોં પડે પણ ઇની લાઠીમાં અવાજ નોં આવે, ગાંડાલાલ …. કાય્લ તને એમ નોં થાય કે ગોદાવરીબાએ કહ્યું નોતું અટલે જ આ કઇ રાય્ખું. બટો મલે તો ઇને કેજે કે તારી બા એકદમ મોજમાં સે .. ચિંતા નોં કરે ..”
મેસેજ વાંચીને અમે ગોદાવરીબાને ફોન જોડ્યો.
“હેલો બા .. વાંચ્યો તમારો મેસેજ ..”
“કેમ લયખું સે બાકી? ટરમ ફરમને તો હામે આવે તો બરાબરનો સીધો કરી દવ ..”
“બરાબર પણ આ મેસેજ ?”
“તે આ મેશેજ તું કડક સબ્દોમાં ટ્રાનસિલેન કરીને મોકલી આપ ડોનાલ ટરમને .. તારે ય કાંય લખવું વોય તો ઉમેરી દેય્જે, બસ? ઇને ય ખબર પડે કે આંય બા બેઠા શી બાર વરહના .. બધી ય ખબર રાખીશી ..”
આ ટ્રાન્સલેશનની વાતથી અમને ધોળે દિવસે તારા દેખાવા માંડ્યા. … ત્યાં વાત પૂરી.
પ્રગટ : “ત્યાં વાત પૂરી ..” નામક લેખિકાની કોલમ, ‘નારી’ પૂર્તિ, “સંદેશ”; 15 ઍપ્રિલ 2025
સૌજન્ય : શિલ્પાબહેન દેસાઈની ફેઇસબૂક દીવાલેથી સાદર