લિજેન્ડરી ફિલ્મમેકર દાદાસાહેબ ફાળકેના ડિરેક્શન અને પ્રોડક્શનમાં ત્રીજી મે, ૧૯૧૩ના રોજ, ભારતની પહેલી મૂંગી ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ રિલીઝ થઈ. ‘રાજા હરિશ્ચંદ્ર’ માંડ ૪૦ મિનિટની હોવા છતાં ફૂલલેન્થ ફિલ્મ ગણાય છે. આ ફિલ્મના સબ ટાઈટલ્સ હિન્દી, મરાઠી અને ઉર્દૂમાં હોવાથી મરાઠીઓ તો તેને પહેલી મરાઠી ફિલ્મ ગણે છે. એ પછી ૧૪મી માર્ચ, ૧૯૩૧ના રોજ ફાળકે સાહેબ જેવા જ ફિલ્મ ઉદ્યોગસાહસિક અરદેશર ઈરાનીએ ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ રિલીઝ કરી. આ તો જાણીતી વાત છે પણ આ બંને ફિલ્મો રિલીઝ થઈ એ વર્ષો દરમિયાન ભારતીય ફિલ્મ જગતમાં એક મહત્ત્વની ઘટના બની. વર્ષ ૧૯૧૩થી ૧૯૩૨ વચ્ચે ભારતમાં ૧,૩૦૦ મૂંગી ફિલ્મો રિલીઝ થઈ, જેમાંની અડધી ફિલ્મો ગુજરાતીઓની માલિકીના ફિલ્મ સ્ટુડિયોમાં બની હતી. હમણાં સુધી નેશનલ ફિલ્મ આર્કાઈવ્સ ઓફ ઈન્ડિયા-પૂણે પાસે તેમાંથી માંડ ૨૮ ફિલ્મની પ્રિન્ટ હતી, જે આંકડો ૧૮મી ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ વધીને ૨૯એ પહોંચ્યો. આ ૨૯મી ફિલ્મ એટલે પહેલી નવેમ્બર, ૧૯૧૯ના રોજ રિલીઝ થયેલી મૂંગી ફિલ્મ ‘બિલ્વમંગલ’. આ કથા માંડવાનું કારણ એ છે કે, ‘બિલ્વમંગલ’ ગુજરાત સાથે એક નહીં અનેક તાંતણે જોડાયેલી છે.
‘બિલ્વમંગલ’નું પોસ્ટર
એન.એફ.આઈ.એ.-પૂણેએ પેરિસની સિનેમેટિક ફ્રેન્કેઇઝ નામની સંસ્થા પાસેથી ‘બિલ્વમંગલ’નું ડિજિટલ વર્ઝન મેળવ્યું છે, જેના બદલામાં એન.એફ.આઈ.એ. દ્વારા સિનેમેટિક ફ્રેન્કેઇઝને વર્ષ ૧૯૩૧ની ‘જમાઈ બાબુ’ નામની મૂંગી ફિલ્મની નકલ આપી છે. ‘બિલ્વમંગલ’ની નાઈટ્રેટ ફિલ્મપટ્ટીની લંબાઈ ૧૨ હજાર ફૂટ (આશરે ૧૩૨ મિનિટ) છે, જ્યારે અત્યારે તેનો માંડ ૫૯૪ મીટર હિસ્સો બચ્યો છે. આ કારણસર ફિલ્મની આખી વાર્તા જાણી શકાતી નથી પણ એન.એફ.આઈ.એ. દ્વારા જાહેર કરાયેલી પ્રેસનોટ પ્રમાણે, ‘બિલ્વમંગલ’ ફિલ્મની કથાવસ્તુ ૧૫મી સદીના જાણીતા કૃષ્ણભક્ત સંત અને કવિ સૂરદાસ પર આધારિત છે. આ ફિલ્મના રહ્યાં-સહ્યાં ફૂટેજમાં જોઈ શકાય છે કે, ફિલ્મનો નાયક બિલ્વમંગલ ચિંતામણિ નામની એક ગણિકાના પ્રેમમાં છે. આ પ્રેમસંબંધના કારણે બિલ્વમંગલને તેના પિતા સાથેના સંબંધ કડવા થઈ જાય છે. ચિંતામણિને સાક્ષાત્્ ભગવાન કૃષ્ણનો અનુભવ થાય છે. ફિલ્મમાં ચિંતામણિના નૃત્યનું પણ એક દૃશ્ય છે.
‘બિલ્વમંગલ’ના લેખક ‘નવચેતન’ના તંત્રી ચાંપશી ઉદેશી
‘બિલ્વમંગલ’ની વાર્તા ‘ચંદ્રાપીડ’ ઉપનામથી અનેક નવલકથા, વાર્તા અને કવિતા લખનારા ગુજરાતી સાહિત્યકાર ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશીએ લખી છે. તેમણે ‘ગરીબ આંસુ’, ‘ઘેરી ગુણિયલ’ અને ‘ન્યાયના વેર’ જેવા્ં અનેક સફળ નાટકો લખ્યાં હતાં, જે કોલકાતાથી મુંબઈ સુધીના પ્રેક્ષકોમાં લોકપ્રિય થયાં હતાં. ચાંપશી ઉદેશીએ મેટ્રિક કર્યા પછી શિક્ષકની નોકરી સ્વીકારી હતી. એ જ કાળમાં તેમણે લેખન પર હાથ અજમાવ્યો. વર્ષ ૧૯૨૨માં ચાંપશી ઉદેશીએ કોલકાતાથી ‘નવચેતન’ નામનું ગુજરાતી માસિક શરૂ કર્યું હતું, જે આજે ય ચાલે છે. બંગાળમાં કોમી રમખાણો ફાટી નીકળતા ૧૯૪૨માં તેઓ ‘નવચેતન’નો કારભાર લઈને ગુજરાતના વડોદરામાં સ્થાયી થયા. જો કે, અહીં કોઈ કારણસર ફાવટ નહીં આવતા ૧૯૪૬માં કોલકાતા પરત જતા રહ્યા. છેવટે ૧૯૪૮માં ચાંપશી ઉદેશી ફરી ગુજરાતના અમદાવાદમાં આવીને વસ્યા અને અહીંથી જ જીવનભર ‘નવચેતન’ ચલાવ્યું. ‘નવચેતન’ને ૧૯૭૨માં ૫૦ વર્ષ પૂરા થયા ત્યારે તેમણે તેના સુવર્ણ મહોત્સવનું પણ આયોજન કર્યું હતું. ચાંપશી ઉદેશીએ જીવનપર્યંત ‘નવચેતન’ના તંત્રી તરીકેની જવાબદારી બખૂબી નિભાવી. ૨૬મી ફેબ્રુઆરી, ૧૯૭૪ના રોજ અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું.
‘બિલ્વમંગલ’નું પ્રોડક્શન ગુજરાતીની કંપનીમાં
‘બિલ્વમંગલ’ના સબ ટાઈટલ્સ બંગાળીમાં હોવાથી કેટલાક તેને બંગાળી ફિલ્મ ગણે છે. જો કે, આ ફિલ્મ કોલકાતામાં રિલીઝ થવાની હતી તેમ જ એ વખતે ફિલ્મો-નાટકો જોનારા દર્શકોમાં બંગાળીઓની સંખ્યા વધારે રહેતી હતી. આ બંને કારણસર સબ ટાઈટલ્સ બંગાળીમાં રાખવાનો નિર્ણય લેવાયો હોઈ શકે છે! ‘બિલ્વમંગલ’નું શૂટિંગ કોલકાતાના એલ્ફિન્સ્ટન બાયોસ્કોપ સ્ટુડિયોમાં થયું હતું. આ સ્ટુડિયોના માલિક એટલે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગસાહસિક જમશેદજી ફરામજી માદન. આ પારસી ગુજરાતીની ગણના ઉત્તમ ભારતીય ફિલ્મો બનાવવા જાત ઘસી નાંખનારા ફિલ્મ ઉદ્યોગસાહસિકોમાં થાય છે.
તેમનો જન્મ વર્ષ ૧૮૫૬માં બોમ્બે પ્રેસિડેન્સીમાં શ્રીમંત પારસી પરિવારમાં થયો હતો. જો કે, પિતાને ધંધામાં ખોટ જતા જમશેદજી માદને ફક્ત ૧૧ વર્ષની વયે સ્કૂલે જવાનું બંધ કરીને એલ્ફિન્સ્ટન ડ્રામેટિક ક્લબમાં સ્પોટ બોયની નોકરી સ્વીકારી લીધી. આ અનુભવ પછી જમશેદજી માદને વર્ષ ૧૯૦૨માં એલ્ફિન્સ્ટન બાયોસ્કોપ કંપની શરૂ કરી. એલ્ફિન્સ્ટન બાયોસ્કોપના બેનર હેઠળ તેમણે કોલકાતાના મેદાનોમાં વિદેશી ફિલ્મોના બાયોસ્કોપ શૉ બતાવીને લોકોને ઘેલા કર્યાં અને તગડી કમાણી કરી. આ નવીસવી કંપનીએ સંખ્યાબંધ શોર્ટ ફિલ્મો પણ બનાવી. વર્ષ ૧૯૦૭માં તેમણે માદન થિયેટર્સ પણ શરૂ કર્યું.
ચાંપશી ઉદેશી અને જમશેદજી ફરામજી માદન
આ દરમિયાન પહેલું વિશ્વયુદ્ધ ચાલતું હતું. એ વખતે જમશેદજી માદને બ્રિટીશ ઈન્ડિયન આર્મીને જરૂરી ચીજવસ્તુઓ સપ્લાય કરવાના બિઝનેસમાં ઝંપલાવ્યું. આ બિઝનેસમાંથી તેઓ ઘણું કમાયા. બ્રિટીશ આર્મીને મદદરૂપ થવા બદલ ૧૯૧૮માં તેમને ‘ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર’થી પણ નવાજાયા. ૧૧મી નવેમ્બર, ૧૯૧૮ના રોજ પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધી જમશેદજી માદન લિકર ઈમ્પોર્ટ, રિયલ એસ્ટેટ, ફાર્માસ્યુિટકલ અને ઈન્સ્યોરન્સ જેવા બિઝનેસમાં પગદંડો જમાવીને દેશના શ્રીમંત ઉદ્યોગપતિઓ પૈકીના એક બની ચૂક્યા હતા.
આ બિઝનેસમાંથી કમાયેલી મૂડીનો બહુ મોટો હિસ્સો તેમણે એન્ટરટેઇન્મેન્ટ બિઝનેસમાં નાંખવાનું નક્કી કર્યું. એલ્ફિન્સ્ટન બાયોસ્કોપ અને માદન થિયેટર્સનું સૌથી પહેલું મોટું સાહસ એટલે વર્ષ ૧૯૧૭માં રિલીઝ થયેલી ૧૬ મિનિટની શોર્ટ ફિલ્મ ‘સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર’. ઘણાં લોકો ‘સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર’ને ‘રાજા હરિશ્ચંદ્ર’ માનવાની ભૂલ કરી બેસે છે. ખરેખર ‘રાજા હરિશ્ચંદ્ર’ એટલે ૧૯૧૩માં દાદાસાહેબ ફાળકેના ડિરેક્શન અને પ્રોડક્શનમાં બનેલી ૪૦ મિનિટની ભારતની પહેલી ફૂલલેન્થ મૂંગી ફિલ્મ, જ્યારે ૨૪મી માર્ચ, ૧૯૧૭ના રોજ રિલીઝ થયેલી ‘સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર’ એટલે ‘રાજા હરિશ્ચંદ્ર’ની રિમેક. ૧૨૦ મિનિટ લાંબી ‘સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર’ ભારતની પહેલી રિમેક ગણાય છે. આ ફિલ્મનું પ્રોડક્શન એલ્ફિન્સ્ટન બાયોસ્કોપે અને ડિસ્ટ્રિબ્યુશન માદન થિયેટર્સે સંભાળ્યું હતું. તેના સબ ટાઈટલ્સ બંગાળીમાં હતા, જ્યારે દાદાસાહેબ ફાળકેએ બનાવેલી પહેલી મૂંગી ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ના સબ ટાઈટલ્સ હિન્દી, મરાઠી અને ઉર્દૂમાં હતા.
બીજી એક મૂંઝવણભરી વાત. વર્ષ ૧૯૧૭માં દાદાસાહેબ ફાળકેએ પણ પોતાની જ મૂંગી ફિલ્મ ‘રાજા હરિશ્ચચંદ્ર’ની ટૂંકી આવૃત્તિ રજૂ કરી હતી, જેના સબ ટાઈટલ્સ ફક્ત મરાઠીમાં હતા. આમ, લગભગ સરખા નામ ધરાવતી ત્રણ ફિલ્મોના કારણે ઘણીવાર ગોટાળો થાય છે. આ ફિલ્મ બનાવ્યાના બે વર્ષ પછી જમશેદજી માદને માદન થિયેટર્સને વિધિવત્ જોઈન્ટ સ્ટોક કંપની બનાવી દીધી. આ બેનર હેઠળ તેમણે બનાવેલી પહેલી ફિલ્મ એટલે એન.એફ.આઈ.એ.-પૂણેએ પેરિસથી મેળવેલી ‘બિલ્વમંગલ’.
બિલ્વમંગલ પેરિસ કેવી રીતે પહોંચી હશે!
હવે સવાલ એ છે કે, ‘બિલ્વમંગલ’ પેરિસ પહોંચી કેવી રીતે? આ સવાલનો ચોક્કસ જવાબ નથી મળતો પણ ‘માદન થિયેટર્સ’ના તાર ફ્રાન્સ-પેરિસ સુધી જરૂર લંબાય છે. જમશેદજી માદન કોલકાતામાં બાયોસ્કોપ શૉ કરવા જરૂરી સાધન-સરંજામ ફ્રાંસની પેટે ફ્રેરેસ નામની કંપની પાસેથી મંગાવતા હતા. એ પછી માદન થિયેટર્સે ‘નળ દમયંતી’ (૧૯૨૦), ‘ધ્રુવ ચરિત્ર’ (૧૯૨૧), રત્નાવલી (૧૯૨૨) અને ‘સાવિત્રી સત્યવાન’ (૧૯૨૩) જેવી ફિલ્મો બનાવી. નવાઈની વાત એ છે કે, જમશેદજી માદને આ બધી જ ફિલ્મોનું ડિરેક્શન ફ્રેન્ચ ડિરેક્ટરોને સોંપ્યું હતું. તેઓ ફિલ્મની ગુણવત્તા સાથે બાંધછોડ કરવામાં માનતા ન હતા. ફિલ્મોમાં પણ ઉત્તમ કથાવસ્તુ પીરસવા જમશેદજી માદને બંકિમચંદ્ર ચેટરજી અને રવીન્દ્રનાથ ટાગોરની સાહિત્યિક કૃતિઓ પરથી ફિલ્મો બનાવી હતી.
એરિક અવારી
વર્ષ ૧૯૨૦માં તો આ પારસી ગુજરાતી દેશભરના ૧૨૭ થિયેટરના માલિક હતા. બ્રિટીશ ભારતનો અડધો ફિલ્મ ઉદ્યોગ એકલા જમશેદજી માદન પાસે હતો. અત્યારે બંગાળના જાણીતા આલ્ફ્રેડ સિનેમા, રિગલ સિનેમા, ગ્લોબ સિનેમા અને ક્રાઉન સિનેમાની માલિકી પણ માદન થિયેટર્સ પાસે હતી. ૧૧મી એપ્રિલ, ૧૯૩૧ના રોજ રિલીઝ થયેલી બંગાળની પહેલી બોલતી ફિલ્મ ‘જમાઈ શષ્ટિ’ બનાવવાનો શ્રેય પણ માદન થિયેટર્સને જાય છે. ભારતની પહેલી મ્યુિઝકલ ફિલ્મ ગણાતી ‘ઈન્દ્રસભા’ (૧૯૩૨) બનાવવાની સિદ્ધિ પણ માદન થિયેટર્સના નામે છે, જેમાં દસ-બાર નહીં રોકડા ૭૦ ગીત હતા.
વર્ષ ૧૯૨૩માં મૃત્યુ પામ્યા ત્યાં સુધી જમશેદજી ફરામજી માદને માદન થિયેટર્સને મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું. એ પછી માદન થિયેટર્સનો હવાલો જમશેદજી ફરામજી માદનના ત્રીજા પુત્ર જે.જે. માદને સંભાળ્યો. માદન થિયેટર્સના નામે આશરે ૯૦ ફિલ્મો બોલે છે. એક આડ વાત. જે. જે. માદનના પ્રપૌત્રના પુત્ર એટલે ભારતીય અમેરિકન અભિનેતા દાર્જિલિંગમાં જન્મેલા નરીમાન અવારી, જે હોલિવૂડમાં એરિક અવારી તરીકે જાણીતા છે. એરિક અવારીને આપણે ‘ઈન્ડિપેન્ડન્સ ડે’ (૧૯૯૬), ‘ધ મમી’ (૧૯૯૯), ‘પ્લેનેટ ઓફ ધ એપ્સ’ (૨૦૦૧) અને ‘હોમ અલોન-૪’ (૨૦૦૨) જેવી ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ.
જામનગર અને દલિત ફિલ્મમેકર સાથેનો સંબંધ
‘બિલ્વમંગલ’નું આ સિવાય પણ ગુજરાત સાથે રસપ્રદ જોડાણ છે. માદન થિયેટર્સે બનાવેલી ‘સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર’ અને ‘બિલ્વમંગલ’નું ડિરેક્શન પારસી ગુજરાતી રુસ્તમજી દોતીવાલા(ધોતી નહીં)એ કર્યું હતું. ‘મહાભારત’ પરથી એ જ નામે માદન થિયેટર્સે બનાવેલી મૂંગી ફિલ્મનું ડિરેક્શન પણ તેમણે સંભાળ્યું હતું. ‘બિલ્વમંગલ’નો ટાઈટલ રોલ કોણે કર્યો છે એની જાણકારી ઉપલબ્ધ નથી, પણ આ ફિલ્મની ચિંતામણિ નામની ગણિકા એટલે મિસ ગોહર (જન્મ ૧૯૧૦) નામે જાણીતા અભિનેત્રી અને ગાયિકા ગોહર મામાજીવાલા. પિતાના ધંધામાં ખોટ થતાં મિસ ગોહરે દ્વારકાદાસ સંપટ (૧૮૮૪-૧૯૫૮) નામના ગુજરાતીની કોહિનૂર ફિલ્મ્સ કંપનીમાં અભિનેત્રી તરીકે કામ શરૂ કર્યું. વર્ષ ૧૯૧૯થી ૧૯૨૯ દરમિયાન દ્વારકાનાથ સંપટે ૯૮ ફિલ્મ બનાવી હતી. મિસ ગોહરને કોહિનૂર ફિલ્મ્સ કંપનીમાં કામ અપનાવારા ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર હોમી માસ્ટર હતા. તેમણે પણ ગુજરાતી અને હિન્દીમાં ૭૮ જેટલી ફિલ્મ બનાવી હતી.
ચંદુલાલ અને મિસ ગોહર
મિસ ગોહરે કોહિનૂર ફિલ્મ્સની ‘ફોર્ચ્યુન એન્ડ ધ ફૂલ્સ’(૧૯૨૬)માં કામ કર્યું ત્યારે તેમની ઉંમર માંડ ૧૬ વર્ષ હતી. આ ફિલ્મનું ડિરેક્શન ગુજરાતી દલિત કાનજીભાઈ રાઠોડે સંભાળ્યું હતું. મિસ ગોહરે ૫૦ ફિલ્મમાં કામ કર્યું પણ એ ગાળામાં ગોહર નામે અનેક અભિનેત્રીઓ આવી ગઈ હોવાથી આ આંકડો ભૂલભરેલો હોઈ શકે છે. મિસ ગોહરે મૂળ જામનગરના ગુજરાતી ડિરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ક્રીન રાઈટર ચંદુલાલ જેસંગભાઈ શાહ સાથે લગ્ન કર્યા. આ દંપતીએ વર્ષ ૧૯૨૯માં રણજિત સ્ટુડિયોઝની સ્થાપના કરી, જે પાછળથી રણજિત મુવિટોન નામે જાણીતો થયો. આ બેનર હેઠળ ચંદુલાલ શાહે ૧૩૭ ફિલ્મ પ્રોડ્યુસ કરી અને ૩૪નું ડિરેક્શન પણ સંભાળ્યું. રાજકપૂર અને નરગીસને લઈને તેમણે ‘પાપી’ (૧૯૫૩) બનાવી, એ પછી તેમની પડતી શરૂ થઈ. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર પીટાઈ ગઈ. જો કે, ચંદુલાલ હિંમત હાર્યા વિના ૧૯૬૦માં ‘જમીં કે તારે’ લઈને આવ્યા પણ એ ફિલ્મના પણ બૂરા હાલ થયા.
એ પછી તેમણે એકેય ફિલ્મ ના બનાવી અને ૨૫મી નવેમ્બર, ૧૯૭૫ના રોજ મુંબઈમાં કંગાળાવસ્થામાં તેમનું અવસાન થયું. મિસ ગોહર પણ ૨૮મી સપ્ટેમ્બર, ૧૯૮૫ના રોજ ગુમનામીમાં મૃત્યુ પામ્યાં. એક સમયે આ દંપતી મુંબઈના ફિલ્મ જગતનું મોસ્ટ પાવરફૂલ કપલ ગણાતું. ચંદુલાલ અને મિસ ગોહરના ભવ્ય ઘરમાં વિદેશી કારોનો કાફલો હતો, પરંતુ આ બંને હસ્તી મૃત્યુના થોડા દિવસ પહેલાં સુધી મુંબઈની લોકલ અને બસોમાં ધક્કા ખાતી હતી. એટલું જ નહીં, મૃત્યુ સમયે તેમના બેંક ખાતામાં ફૂટી કોડી પણ ન હતી.
***
મરાઠી, બંગાળી, તેલુગુ, તમિળ અને મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સરખામણીએ હાલના ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની હાલત જોતાં કોઈ સાચું પણ ના માને કે, આજના ચમકદમક ધરાવતા ભારતીય ફિલ્મ ઉદ્યોગના પાયામાં આવા અનેક ગુજરાતી ફિલ્મ ઉદ્યોગસાહસિકોના પરસેવા અને લોહીની સુવાસ ધરબાયેલી છે.
e.mail : vishnubharatiya@gmail.com
સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk/2016/08/blog-post_29.html