
રમેશ ઓઝા
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ભારતના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ વિષે કહ્યું હતું કે “તેઓ જ્યારે બોલે છે ત્યારે વિશ્વ તેમને સાંભળે છે અને લાભાન્વિત થાય છે.” તેમની વાત તો સાચી હતી, પરંતુ ત્યારે એમ લાગ્યું હતું કે વિદેશ મુલાકાતો વખતે એક દેશનો શાસક બીજા દેશના શાસકને અને તે શાસકના દેશની પ્રજાને સારું લગાડવા માટે આવું બધું બોલતા હોય છે અને એવી જ કદાચ આ પ્રસંશા હોઈ શકે છે. બદલાયેલા વૈશ્વિક રાજકારણમાં ભારતને નજીક લાવવામાં અમેરિકાનો સ્વાર્થ છે. પણ પછી એનાથી પણ વધારે સુખદ આશ્ચર્ય થયું. બરાક ઓબામાએ પ્રમુખપદ છોડ્યા પછી દસ વરસે લખેલી તેમની આત્મકથામાં આ જ વાત ફરી દોહરાવી અને એ પણ વિસ્તારથી. જે યુગમાં અને જે સંજોગોમાં ડૉ. મનમોહન સિંહે ભારતના નાણાં પ્રધાન તરીકે આર્થિક સુધારાઓ દ્વારા હસ્તક્ષેપ કર્યો એ વિકાસશીલ દેશોના દૃષ્ટાનો હસ્તક્ષેપ હતો. માત્ર ભારતના નહીં, તમામ વિકાસશીલ દેશોના. આને કહેવાય કદર. ૨૦૧૪માં ડૉ. મનમોહન સિંહ વડા પ્રધાન તરીકે નિવૃત્ત થયા ત્યારે તેમણે કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે ઇતિહાસ મને ન્યાય આપશે. તેમને તેમણે ધાર્યું હતું તેના કરતાં પણ વહેલો ન્યાય મળ્યો છે. ઘણીવાર શત્રુઓ જ દુ:શ્મનને ઝડપથી મહાન સિદ્ધ કરી આપતા હોય છે.
ડૉ. મનમોહન સિંહ જ્યારે દેશના નાણાં પ્રધાન બન્યા ત્યારે સામ્યવાદી દેશોનું પતન થયું હતું. વિદ્વાનોએ ‘ધ એન્ડ ઓફ હિસ્ટરી’ એટલે કે પક્ષ પ્રતિપક્ષ(થિસીસ એન્ટી થિસીસ)ની સાઈકલનો અંત આવી ગયો છે અને લોકશાહી મૂડીવાદ માનવ સમાજ માટે કલ્યાણકારી સંજીવની તરીકે અમર રહેશે એવી ઘોષણા કરી દીધી હતી. આ બાજુ શ્રીમંત દેશો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરીને હરખાતા હતા કે તેમણ વિકાસશીલ દેશોની અંદર સત્તાવાર પ્રવેશ મેળવીને તેનાં સાધનો અને બજાર પર કબજો કરી લીધો છે. ચીન વીંગમાં ઊભું હતું જેણે તાનાશાહી મૂડીવાદનો અનોખો, કહો કે વિચિત્ર વર્ણસંકર માર્ગ અપનાવ્યો હતો. ભારત હવે જૂની વ્યવસ્થામાં ટકી શકે એમ નહોતું, કારણ કે જૂની વ્યવસ્થા જ પડી ભાંગી હતી. એક બાજુ ડબલ્યુ.ટી.ઓ. દ્વારા વિશ્વ પર કબજો કરવાની રમત, બીજી બાજુ તાનાશાહી મૂડીવાદનું સ્વરૂપ આગળ જતાં કેવું હશે તે વિશેની આશંકા અને તેની વચ્ચે ભારત જેવો દેશ જે કદમાં વિશાળ છે, વસ્તી મોટી છે, વિપુલ સંસાધનો ધરાવે છે, હજુ પણ અનેક અર્થમાં ગરીબ અને પછાત છે, વિકાસનાં હોવા જોઈતાં લક્ષ્યોથી ઘણો દૂર છે અને પાછો વિકાસશીલ દેશોમાં સફળ લોકશાહીનો એમ કહી શકાય કે એકમેવ ટાપુ છે.
આવી સ્થિતિમાં ડૉ. મનમોહન સિંહનો ઉદય થયો. તેમના ઉદયમાં એ સમયના વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવનો મોટો ફાળો હતો. બદલાયેલા અને બદલાઈ રહેલા જગતનાં સંકેતો તેમણે પામી લીધાં હતા. તેઓ પોતે વિચક્ષણ વિદ્વાન હતા. તેમણે જોયું કે રાજકારણી નાણાં પ્રધાન અત્યારના સંક્રાંતિના સમયમાં દેશની જગ્યા બનાવી નહીં શકે. કોઈ અર્થશાસ્ત્રી હોવો જોઈએ જેને હળવે હલેસે પણ દૃઢતાપૂર્વક કામ લેતા આવડતું હોય. તેમની પહેલી પસંદ રીઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર આઈ.જી. પટેલની હતી. પટેલસાહેબે નાણાં પ્રધાન બનવાની ના પાડી અને તેમણે ડૉ. મનમોહન સિંહનું નામ સૂચવ્યું. અલબત્ત ડૉ. મનમોહન સિંહ દેશ માટે અજાણ્યા નહોતા. તેઓ વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી હતા, રીઝર્વ બેન્કના ગવર્નર હતા, આયોજન પંચના નાયબ અધ્યક્ષ હતા વગેરે. છેક જવાહરલાલ નેહરુએ તેમનું હીર પારખી લીધું હતું અને તેમને વહીવટીતંત્રમાં જોડવા કહ્યું હતું, પરંતુ ત્યારે ડૉ. મનમોહનસિંહે દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમીક્સમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું પસંદ કર્યું હતું.
પી.વી. નરસિંહ રાવે ડૉ. મનમોહન સિંહને નાણાં પ્રધાન બનાવ્યા અને પછી જે થયું તે ઇતિહાસ છે. તેઓ માત્ર ભારતના અર્થતંત્રને જ નહીં, ભારતને નવા યુગમાં લઈ આવ્યા. આનો શ્રેય જેટલો મનમોહન સિંહને જાય છે એટલો જ તેમના વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવને જાય છે. એ સમયે આ લખનારે અને બીજા અનેક લોકોએ આર્થિક સુધારાઓની ટીકા કરી હતી. બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા મૂડીવાડી દેશોનો નવસંસ્થાનવાદ ભારતમાં પ્રવેશ કરશે એમ લાગતું હતું. ત્યારે એ વાત નહોતી સમજાઈ કે બચવા માટે પણ સમય અને સંદર્ભોએ પેદા કરેલા અખાડામાં ઉતરવું જરૂરી છે. હવે તમે રિંગની બહાર નહીં રહી શકો. ધીરે ધીરે વાત સમજાતી ગઈ અને વિરોધ ઓછો થવા લાગ્યો. ડૉ. મનમોહન સિંહના એ સમયનાં અનેક વ્યાખ્યાનો મનનીય હતાં. બરાક ઓબામાં જેવો જ અનુભવ આ લખનારને થવા લાગ્યો. આ માણસ કાન દઈને સાંભળવા જેવો છે. ૨૦૦૮ પછી જગતમાં મોટું આર્થિક સંકટ આવ્યું અને ભલભલા દેશો તેની લપેટમાં આવી ગયા ત્યારે ફરી એક વાર દેશના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે દેશને સંકટમાં ટકાવી રાખ્યો હતો.
પણ એનો અર્થ એવો નથી કે મનમોહન સિંહે નિરાશ નથી કર્યા. તેમની પાસેથી પ્રચંડ આશા હતી એટલે નિરાશા વધારે સાલે છે. તેમણે ખબર હતી અને તેમણે ઘણીવાર કહ્યું પણ હતું કે ધરના બારણાં ખોલો તો સાવચેતી પણ વધારવી જોઈએ. જો સાબદા ન રહો તો લોમડીઓ લાભ લઈ જાય. આશા હતી કે આ વાત સમજનારા ડૉ. મનમોહન સિંહ દરવાજા ઉઘાડ્યા એ પછી માત્ર દાયકાની અંદર વડા પ્રધાન બન્યા છે તો લોમડી લાભ મારી ન જાય એ સારુ દરવાજા બંધ કર્યા વિના સાવચેતીનાં પગલાં લેશે. બીજા શબ્દોમાં કહીએ તો પુખ્ત અર્થતંત્ર માટે જરૂરી વહીવટી, નાણાંકીય, વાણીજ્યકીય અને અદાલતી સુધારાઓ કરશે. સંત્રીઓ વિનાનો મૂડીવાદ આફત નોતરી શકે. તેઓ સુધારા નહીં કરી શક્યા. લાભાર્થીઓની તાકાત એટલી વધી ગઈ હતી કે તેમણે શાસનસંસ્થાઓને કબજે કરવાનું શરૂ કર્યું. મનમોહન સિંહ એક લાચાર મૂક દર્શક બની ગયા. અત્યારે તો તેનાથી પણ બદતર સ્થિતિ છે. ડૉ. મનમોહન સિંહ તો લાચાર હતા જ્યારે અત્યારના શાસકો ભાઈબંધ છે. દેશપ્રેમે લૂટ તરફના આક્રોશને શાંત કરી દીધો છે અને લોકો અમૃતકાલનો અનુભવ કરી રહ્યા છે. ડૉ. મનમોહન સિંહે ઇતિહાસ મને ન્યાય કરશે એમ જે કહ્યું હતું એનો આ સંદર્ભ છે.
ઇતિહાસ બીજા એક કારણે પણ ન્યાય કરવાનો હતો. એ કારણ છે ભારતનાં નાગરીકોનું અને ગરીબ વંચિતોનું સશક્તિકરણ. માહિતીનો અધિકાર શિક્ષણનો અધિકાર, જલ જમીન અને જંગલ પર અધિકાર વગેરે. દેશની અંદર પોતાનાં માટે અલાયદો દેશ ઇચ્છનારા ભદ્ર સમાજને આ જોગવાઈઓ નડતરરૂપ છે. બે બદામનો ખેડૂત અને આદિવાસી વળી આડો ચાલવા જેટલી સુરક્ષા ધરાવે? હટાવો સુરક્ષાકવચ.
મહાત્મા ગાંધીની જેમ મનમોહન સિંહ પણ આડા આવે છે. પણ આવા લોકો મરતા નથી. અત્યારના નાણાં પ્રધાન નિર્મલા સીતારામન્ના પતિ પરકાલા પ્રભાકર અર્થશાસ્ત્રી છે. એક વાર પતિ-પત્ની દેશની આર્થિક સ્થિતિ વિષે ચર્ચા કરતાં હતાં, ત્યારે પ્રભાકરે નાણાં પ્રધાન પત્નીને કહ્યું હતું કે રોડની પેલી બાજુ એક કિલોમીટર દૂર ડૉ. મનમોહન સિંહ રહે છે. જ્ઞાન જોઈતું હોય તો ત્યાં જવું પડશે. ઉપાય એ બતાવી શકશે. દૂરનું એને ભળાય છે.
બરાક ઓબામાંથી પરકાલા પ્રભાકર. વર્તુળ પૂરું થાય છે. એ જ્યારે બોલતા હતા ત્યારે દુનિયા સાંભળતી હતી અને ઘરઆંગણે તેમની હલકી ભાષામાં ઠેકડી ઉડાડવામાં આવતી હતી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 ડિસેમ્બર 2024