દુનિયામાં અસંખ્ય લોકોએ ગાંધીજી વિષે થોકબંધ સાહિત્ય રચ્યું, તેમાંનું ઘણુંખરું વંચાયું, ચર્ચા થઈ, પણ તેમાંથી શીખીને અમલમાં મુકાયું કેટલું?
આજે ધાર્મિક માન્યતાઓના ઓઠા હેઠળ વધતી જતી વિભાજનની નીતિ અને પરિણામે હિંસામાં થતો વધારો, અનેક દેશોમાં જમણેરી વિચારધારાના શાસકોનો થતો પુનઃપ્રવેશ, માનવ અધિકારોનો – ખાસ કરીને મહિલા સ્વાતંત્ર્યનો – થતો ધ્વંસ અને એટલું જાણે પૂરતું ન હોય તેમ પર્યાવરણીય કટોકટીએ મુકેલી માઝા જેવી સમસ્યાઓએ સમગ્ર માનવજાતને ઘેરી લીઘી છે ત્યારે કોણ જાણે કેમ પણ એ બધાના ઉકેલ માટે ગાંધી તરફ નજર જાય છે. એનું કારણ એ હોઈ શકે કે હજુ આજે પણ ગાંધીજી અને તેઓના વિચારો એટલા જ, કદાચ એથી ય વધુ પ્રસ્તુત છે.
ગાંધીજીનાં લેખન અને કાર્યોમાંથી જે સમજાયું તેના સાર રૂપે કેટલાક મુદ્દા અહીં પ્રસ્તુત છે.
જે જોઈએ, સાંભળીએ અને વાંચીએ તે સત્યની પુષ્ટિ કરતું હોય તો તેનો અમલ કરવો. જો એનો અમલ એક વ્યક્તિ કરી શકે તો સમૂહના બધા લોકો કાં ન કરી શકે તેવી શ્રદ્ધા રાખવી. (એટલે જ તો નાની વયે રાજા હરિશ્ચંદ્રનું નાટક જોયા પછી ગાંધીજીને “બધા હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી કાં ન થાય?” એવો વિચાર આવ્યો અને એનો અમલ અનેક સત્યાગ્રહો મારફત કર્યો) અહીં બધા શબ્દ પર જોર છે અને એ લોકશક્તિ પરનો વિશ્વાસ સૂચવે છે.
દરેક નાગરિક અને સમુદાયને પોતાને થતા અપમાન તેમ જ અન્યાયનો બદલો લેવાની પૂરી સ્વતંત્રતા છે. માત્ર તેનો માર્ગ અલગ, એટલે કે અહિંસક હોવો ઘટે. સત્ય પોતાના પક્ષે છે તેની ખાતરી કર્યા બાદ તર્કબદ્ધ દલીલો સાથે અપમાન અને અન્યાય કરનાર સાથે પોતાના અધિકારની માંગણી કરવી, સમાધાન કરવા તૈયાર રહેવું અને તેમાં નિષ્ફળતા મળે તો સતેજ પગલાં ભરવાં. તેમ કરવા જતાં પોતાનું અને પ્રતિપક્ષીનું આત્મસન્માન જળવાવું જોઈએ, બીજાનાં માથાં વાઢવા માટે નહીં, પણ તેને પોતાના અન્યાયી વર્તનનું ભાન કરાવીને હૃદય પરિવર્તન કરવા માટે લડાઈ કરવી.
પોતાના અધિકારો માટે વ્યક્તિગત કે સામૂહિક ચળવળ કરવી વ્યાજબી છે, પણ તેમ કરતાં મોતને ભેટવા તૈયાર રહેવું, મારવા માટે હરગીઝ નહીં એ કક્ષાની અહિંસક સૈનિક તરીકે તાલીમ લેવી જરૂરી.
પોતાના પક્ષે જે હકીકત હોય તે પૂર્ણ વિવેકથી, પણ મક્ક્મતાથી અધિકારી વર્ગને પણ કહી શકાય. તેમાં જરૂર પડે તો પોતાના ધર્મ અને સભ્યતાનો ઉલ્લેખ પણ કરી શકાય, પણ તેમાં ઘમંડને બાદ રાખવો.
સ્વાતંત્ર્ય અને પોતાના અધિકારોની રક્ષા ખાતર દેખાવો કરવા, હડતાલ પાડવી અને ભાષણો કરવાથી હેતુ ન સરે તો ધ્યેય પ્રાપ્ત કરવા હિંસક પગલાં સિવાયનાં તમામ પગલાં ભરવાં અને સાચા સત્યાગ્રહી તરીકે પીડા સહન કરવી પણ કોઈને પીડવું નહીં તેનું સ્મરણ રાખવું.
દરેક નાગરિક માટે ન્યાયી કાયદો તોડવો એ ગુનો છે, તેમ અન્યાયી કાયદો પાળવો એ પણ ગુનો છે. અન્યાયી કાયદા તોડવા એ માત્ર આપણો અધિકાર જ નથી, પણ એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ પણ છે.
અહિંસક પ્રતિકાર નિષ્ક્રિય ન હોવો જોઈએ, એ પોતાના અધિકાર મેળવવા માટે સક્રિય પ્રયાસ છે. પ્રતિપક્ષના અન્યાય અને ગુસ્સા સામે લડો, પરંતુ તેને અન્યાયી અને હિંસક વર્તાવ કરવા ઉશ્કેરવાની કોશિશ હરગીઝ ન કરવી. સત્યાગ્રહીના મનમાં વ્યક્તિ, સંગઠન કે સરકારી તંત્રને પોતાના ખોટા અને અન્યાયી કાયદા તેમ જ વર્તાવ માટે મારવાનો નહીં પણ તેના હૃદયને એનો અહેસાસ કરાવીને બદલવાનો હેતુ હોવો જોઈએ. સત્ય પોતાને પક્ષે હતું તેથી જ ગાંધીજી ચંપારણ સત્યાગ્રહ સમયે જજની આંખમાં આંખ પરોવીને વાત કરી શક્યા અને વાઇસરોયને પણ “તમે પારકા ઘરમાં રાજ કરો છો, માટે તમે શાંતિથી અમારો દેશ છોડી જશો, અને તેમાં જ તમારું ડહાપણ કહેવાશે.” એમ કહેવા પાછળ અહિંસક લોક લડતની તાકાત પર અતૂટ શ્રદ્ધા હતી અને લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી જંપ ન લેવાની મક્કમતા હતી.
ગાંધીજીના તમામ રાજકીય અને સામાજિક અભિયાનો પરથી રાજ્યકર્તાઓ અને સામાજિક નેતાઓને શીખ મળી કે સત્યને પક્ષે રહો, નિર્ભય બનો, તો જીત મળશે. પ્રજા માટે કામ કરવું હોય તો પ્રજામાંના એક બનીને જીવન જીવો, તો તેની નાડ પારખી શકશો અને લોકોને પોતાનું હિત જાળવવા સાચા રસ્તે દોરી શકશો.
રિચર્ડ એટીનબરા કહેતા હતા તેમ ગાંધી હજુ પણ આખી દુનિયાને પ્રેરણા આપે છે, બધા તેનું સન્માન કરે છે; કેમ? કેમ કે તેઓ માનતા કે પોતે માઇનોરિટી ઓફ વન (લઘુમતી સંખ્યામાં માત્ર એકલા હશે) તો પણ સત્ય એ જ અંતિમ સાધ્ય છે એમ માનીને જીવશે. એમ કરતાં તેમણે જીવનની અંતિમ કિંમત ચૂકવી. તેમની પાસે કોઈ ધન-દૌલત નહોતી, કોઈ રાજકીય સત્તા નહોતી ભોગવી, તેમનામાં કોઈ કલાકાર જેવી અદ્દભુત સર્જન શક્તિ નહોતી, છતાં તેમની વિદાય સમયે આખી દુનિયા શોકમગ્ન હતી. એમના જીવન અને કાર્યથી સત્ય એક સામ્રાજ્ય કરતાં વધુ બળવાન સાબિત થયું. સત્તાનું સામર્થ્ય જ સાચું છે એ માન્યતા ખોટી ઠરી અને સત્ય વધુ સામર્થ્ય ધરાવે છે એ પુરવાર થયું.
ઈશ્વર આપણને સહુને આવી સરળ સહેલી વિચારધારાને અમલમાં મુકવાની શક્તિ આપે.
e.mail : 71abuch@gmail.com