પ્રિય,
કોરોના વાઇરસ
નામ તારું કોરોના
ને,
જાત તારી વાઇરસ છે
એવું માનું છું.
કેમ કે,
અમે જાતપાતના માણસ ખરાંને !
એમ પણ માની લઉં
કે, તારે આંખ, કાન નાક અને જીભ હશે,
તેં વેરેલી તારાજીને
પહોંચી વળવા
એકબીજા દૂર રહેવું
જેને, અમે સોશિયલ ડિસ્ટન્સ નામ આપ્યું છે.
ત્યારે
ઘાંઘા થયેલાં માણસની વાતો સાંભળી
તું પણ
હસી હસીને બેવડ વળી ગયો હઈશ.
તારા નાશ માટે વૅક્સિન શોધવી બાકી છે.
પણ અમને કહેવામાં આવ્યું
કે, હાલ
તાળી પાડો
થાળી વગાડો
દીવા પેટાવો
બત્તી કરો
આ બધું તું સૂક્ષ્મ આંખે જોતો હઈશ
જો તું બોલી શકતો હોત તો શું કહેત ?
માણસજાતને.
કે,
ભોગવો તમારું પેલા ભવનું પાપ.
જે રીતે અહીં કેટલાંક
તારા આવ્યાં પહેલાં
ભોગવતાં રહ્યાં
કહેવાતા પેલા ભવનું,
માણસસર્જિત પાપ.
જો કે, અમે
સ્વર્ગ-નરક, પાપ-પુણ્યમાં માનનારાં માણસ
એટલે તો તને કોરોનાદેવ
કોરોનામાતાજી સમજી બેઠાં.
અરે, તારા કેરથી બચવા
ભૂવાએ દાણા પણ જોઈ નાખ્યા.
ત્યારે તારા પૂર્વજો મને યાદ આવી ગયા.
તું તો નવી પેઢીનો વાઇરસ
તને કયાંથી સાંભરે !
તારા પૂર્વજો શીતળા માતા
અને બળિયા દેવ.
આમ જ અમે
ઝાલર વગાડી
ધૂપદીવા કરી
પૂજા કરી, માનતા રાખતા.
પણ,
ના રીઝ્યા તે ના જ રીઝ્યા
ને, અમે મરતાં રહ્યાં
એના કોપથી.
આટલા દિ’ પછી
તને, માણસની ગંધ આવતી હશે!
સોશિયલ ડિસ્ટન્સ ના હોત તો
તું, અમને ખતમ કરી નાખત.
ને અમે
મંદિર, મસ્જિદ અને ગિરજાઘરમાં
હાથ જોડી ઊભાં હોત.
તારાથી છૂટકારો પામવા
પણ,
પથ્થરના ભગવાન
દરવાજાની અંદર
સદીઓથી મૌન ધારણ કરી
જડવત્ બેઠા છે ત્યારે,
હવે તું જ કહે,
માણસની ગંધ
કેવી લાગી તને ?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 17 ઍપ્રિલ 2020